Search This Blog

13/07/2012

અકલમંદ (’૬૬)

જોહર-કિશોરની બેવકૂફી કોમેડી

ફિલ્મ : અકલમંદ (૬૬)
નિર્માતા  મુકુલ પિક્ચર્સ
દિગ્દર્શક  રૂપ કે. શોરી
વાર્તા  આઈ.એસ. જોહર
સંગીત  ઓપી નૈયર
ગીતકાર  પ્યારેલાલ સંતોષી, અઝીઝ કાશ્મિરી
થીયેટર  મોડેલ (અમદાવાદ)
રનિંગ ટાઈમ  ૧૪-રીલ્સ
કલાકારો  આઈ.એસ.જોહર, કિશોર કુમાર, સોનિયા સાહની, પરવિન ચૌધરી, કમલ કપૂર, મજનૂ, રાજ કિશોર, વી. ગોપાલ, જીવનકલા, મઘુમાલતી, કુમાર, ટુનટુન, હરિ શિવદાસાણી, પ્રતિમાદેવી, ખુર્શિદ, રામ કમલાણી અને દેવ આનંદના ડૂપ્લિકેટની કૅમિયો ભૂમિકામાં સેવ આનંદ’.

ગીતો
૧. દિયા હૈ આપને બડા હસિન સહારા, હુઝુર લાખ બાર...... કિશોર કુમાર
૨. બાલમા સાજના દુનિયા ભૂલા દી તેરે પ્યારે ને.... આશા ભોંસલે-ઉષા મંગેશકર
૩. સચ કહું, સચ કહું, સચ કહું સચ, આઈ લવ યૂ....... આશા-મુહમ્મદ રફી
૪. ખૂબસુરત સાથી ઈતની બાત બતા, કિતના પ્યાર હૈ..... આશા-કિશોર કુમાર
૫. જબ દો દિલ હો બેચૈન, નતીજા પ્યાર નીકલતા હૈ...... આશા-શમશાદ બેગમ
૬. અજી ક્યા રખ્ખા હૈ જ્ઞાનમ મેં, ઔર ક્યા રખ્ખા હૈ........ રફી-જી.એમ. દુર્રાણી
૭. દો અકલમંદ, હુએ ફિકરમંદ અબ સોચ રહે ક્યા..... રફી-કિશોર કુમાર
૮. ઓ બેખબર તુઝે ક્યા પતા, મિલે દિલ જીસે વો હૈ...... ભૂપેન્દ્ર, મહેન્દ્ર, દુર્રાણી

જોહરે કઈ કમાણી ઉપર પોતાનું પંજાબી નામ ઈન્દરજીતસિંઘબદલીને બંગાળી ઈન્દર સેનઅને પછી ઈંગ્લિશ નામ આઈ.એસ. જોહરકરી નાંખ્યું, એ તો એ જાણે, પણ ખુલ્લા નામનો નહિ તો બહુ ખુલ્લા દિલનો માણસ હતો એ. ચીટર પણ ખુલ્લા દિલનો હતો. તે જમાનાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એ સૌથી વઘુ ભણેલો ફિલ્મ-એક્ટર હતો. પાકિસ્તાનના ટોલીગંજમાં તા. ૧૬ ફેબ્રુઆરી, ૧૯૨૦ના રોજ જન્મેલા (૬૪ વર્ષની આયુ ભોગવીને મૃત્યુ તા. ૧૦ માર્ચ, ૧૯૮૪) જોહરે LLB સાથે ઈકનોમિક્સ અને પોલિટિક્સ સાથે MA કર્યુ હતું. એણે હોલીવૂડની ૭-૮ ઈંગ્લિશ ફિલ્મોમાં કામ કર્યું હતું, (જેમાં પીટર ઓટુલવાળી ઐતિહાસિક Lawrence of Arabia તો ખરી જ, પણ મહત્વનું એ હતું કે, એ ભિખારીની જેમ હોલીવૂડમાં કામ માંગવા નહોતો જતો. સાલાની બુઘ્ધિપ્રતિભા જ એવી કે, પેલા લોકો એને સામેથી પોતાની ફિલ્મમાં કામ કરવા બોલાવે. ‘Mackenna's Goldવાળો ઓમર શરીફ, પોતે આજ સુધી મળેલા તમામ લોકોમાં આઈ.એસ. જોહરને One of the most creative brainsની કક્ષામાં મૂકે છે. ખૂબી એ ખરી કે, એ દિવસોમાં રાજ-દિલીપ-દેવની કક્ષાના હીરોલોગ પણ હોલીવૂડમાં એન્ટ્રી માટે વલખાં મારતા હતા, જોહર તો ડૅવિડ નિવેન જેવા સર્જકોનો ય માનીતો હતો.

...અને એ જ જોહર હિંદી ફિલ્મોની વાત આવે ત્યારે બેવકૂફ બની જતો. ઉઘાડેછોગ કહેતો કે, ભારતમાં ફક્ત બે જ પ્રકારની ફિલ્મો બને છે, એક ભંગાર અને બીજી બહુ ભંગાર.... ‘‘અને હું એમાંની બહુ ભંગારફિલ્મો બનાવું છું.’’, એવું એ કહી શકતો જ નહિ, ભંગાર ફિલ્મો બનાવી પણ જાણતો.

...અને તો એની ફિલ્મો જોવી ગમતી. ગમતી એટલે...... આપણને ખબર જ હોય કે, માત્ર મનોરંજન માટે એણે ફિલ્મ બનાવી છે, એટલે સમજીને આપણે જ એની ફિલ્મોમાં લોજીક, સારી વાર્તા, સારો અભિનય કે ઓવરઓલ..... સારી ફિલ્મ જોવાની અપેક્ષા જ ન રાખીએ, એટલે મેળવવાનું નહિ તો કાંઈ ગૂમાવવાનું ય નહોતું. થીયેટરની ટિકીટના પૈસા કરતા તો એ ઘણું વધારે મનોરંજન આપી શકતો, એટલે એ છેવટ સુધી ટક્યો.

ફિલ્મ બનાવવામાં એ કોઈ જોરદાર સર્જક નહતો, એટલે બધા મસાલા ભરતો. એને એવું ક્યું ઑબ્સેશન હશે, એ તો રામ જાણે પણ એની દરેક ફિલ્મમાં એ ઈન્વેરિએબ્લી સ્ત્રીનો વેષ તો ધારણ કરતો જ. શમશાદ બેગમે સુંદર હીરોઈનોને પ્લેબેક આપ્યું હશે, એની સામે આ થોડા કદરૂપા જોહરને ઘણું પ્લેબેક આપ્યું. જોહર પોતાની ફિલ્મોના સ્ટંટ-દ્રષ્યો માટે પોતે કે પોતાની ફિલ્મોના માણસો પાસે મેહનત ન કરાવતો. અબજો રૂપિયાના ખર્ચે બનેલી કોઈ ઈંગ્લિશ ફિલ્મની સીધી પટ્ટી જ ઉઠાવીને પોતાની ફિલ્મમાં ચોંટાડી દેતો. બીજાની તો ફફડે કે, હોલીવૂડવાળાને ખબર પડશે તો ત્યાંની અદાલતમાં દાવો ઠોકશે. જોહરને એની ચિંતા નહિ. કોઈ ધોળીયો એને નડ્યો ય નહિ, પણ ૧૯૫૭માં ઉતરેલી કિશોર કુમારવાળી ફિલ્મ બેગૂનાહના પ્રોડ્યુસર નરેન્દ્ર સુરી ભરાઈ ગયા હતા. એમણે સીધી હોલીવૂડની ફિલ્મ Knock on Wood પરથી ઉઠાવી. પેલા લોકોને ખબર પડી, એટલે માંડ્યો મોટો દાવો...! બહુ મોટી ચૂકવણી પછી છુટકારો તો થયો ને ફિલ્મ થીયેટરોમાંથી પાછી ખેંચી લેવી પડી, એ જુદું.

જોહરે હીરો-બીરો તરીકે હોલીવૂડમાં એકે ય ફિલ્મમાં કામ કર્યુ નથી, પણ Harry Black (૫૮), North west frontier (૫૯) Lawrence of Arabia (૬૨) અને Death on the Nile (૭૮), ઉપરાંત બીજી એક ઈંગ્લિશ ફિલ્મ Mayaમાં નાના નાના કૅમિયો રોલ કરેલો.

જોહર પોતાને બહુ સારો નહિ તો બહુ સફળ એક્ટર નહિ માનતો હોય. સફળ એટલે ટિકીટબારી ઉપર સફળ, એટલે પોતાની ફિલ્મોમાં એકલો હીરો બની રહેવાને બદલે બીજા કોમેડિયનને પણ પેરેલલ રોલ આપતો. શરૂઆતમાં હૅરલ્ડ હતો, જેને આપણે મજનૂના નામથી ઓળખીએ છીએ. આ ફિલ્મ અકલમંદમાં જોહરે સૌજન્ય ખાતર ૨૦-૨૫ સેકંડનો રોલ આપ્યો છે. એ પછી કિશોર કુમાર સાથે જોડી બનાવી. મેહમુદ સાથે બનાવી. છેલ્લે છેલ્લે તો રાજેન્દ્રનાથ પણ આવી ગયો. ફિલ્મ ચાલે, ન ચાલે, એને કોઈ ફરક પડતો નહતો. દરેક ફ્‌લોપ ફિલ્મે એને તો નફો મળી જ રહેતો. જોહરે મેહમુદ સાથે જોહર મેહમુદ ઈન ગોવાઅને જોહર મેહમુદ ઈન હોંગકોંગફિલ્મો કરી, એ બધી હોલીવૂડના બહુ જાણિતા કોમેડીયનો બૉબ હૉપ અને બિંગ ક્રોસ્બીની ‘A Road to...સીરિઝની ફિલ્મોની સમજો ને... સીધી ઉઠાંતરીઓ જ હતી.

૧૯૬૬માં બનેલી આ ફિલ્મ અકલમંદજોહરની પોતાની નહોતી, એના ગુરૂ અને એને પહેલીવાર ફિલ્મોમાં લાવનાર મશહૂર નિર્માતા-નિર્દેશક રૂપ કે. શોરીની ફિલ્મ હતી. શોરીનો આભાર આપણે બધાએ એ માટે માનતા રહેવું પડે કે, ભારતમાં ફૂલ-લેન્થ કોમેડી ફિલ્મો બનાવવાની શરૂઆત એમણે કરી. ઈવન, આજે પણ આપણે ત્યાં ફૂલ-લેન્થ કોમેડી ફિલ્મો ક્યાં બને છે ? શોરી સાહેબે જેટલી બનાવી, એ બધી ફિલ્મો આખેઆખી કૉમેડી હતી. ઢોલકકે એક થી લડકીજેવી તો ઘણી ફિલ્મો એમણે બનાવી. લારા લપ્પા ગર્લતરીકે ઓળખાયેલી મીના શોરીને ફક્ત હીરોઈન જ નહિ, પત્ની પણ બનાવી. મીનાની ઘણી અવળચંડાઈઓને કારણે શોરીથી એ છુટી પણ પડી ગઈ અને પાકિસ્તાનમાં ભિખારણ સ્વરૂપે મૃત્યુ પામી.

જોહરે અકલમંદમાટે કિશોર કુમારને પોતાની ભાવિ પત્ની સોનિયા સાહની સાથે હીરો બનાવ્યો. પોતે એ જમાનાની થર્ડ-ગ્રેડની ફિલ્મોની હીરોઈન પરવિન ચૌધરી સાથે નામનો હીરો બન્યો... ગાના-બાના કુછ નહિ. ગાના-બાના એટલે હીરોઈન સાથે નહિ, બાકી પોતે તો કિશોર સાથે બે-ત્રણ ગીતો ગાયા.

ગીતોની મઝા એ હતી કે, એમાં સંગીત ઓપી નૈયરનું હતું અને બેશક નૈયરની ફિલ્મમાં તમને ટિપીકલ નૈયર-ટચમળે જ. બહુ મસ્તીખુશીના ગીતો ઓપીએ બનાવ્યા છે. આપણા સુધી બહુ પહોંચ્યા નહિ, એ અલગ વાત છે, પણ રફી સાહેબનું ‘‘અજી ક્યા રખ્ખા હૈ ઘ્યાનમ મેં, ઔર ક્યા રખ્ખા હૈ જ્ઞાનમ મેં’’ તો આપણા કલેક્શનમાં વસાવવા જેવું આહલાદક ગીત છે. સુનો ડાર્લિંગ , યે હૈં ઈન્ડિયા...ના મસ્ત, અંતરાવાળું ટાઈટલ-સોંગ દો અકલમંદ હસિન ગીત હતું. જરા મજા પડી જાય એવું, શમશાદ-આશા ભોંસલેનું જબ દો દિલ હો બેચૈન નતીજા પ્યાર નીકલતા હૈઅત્યારે તમને યાદ નહિ આવે, પણ ક્યાંથી સાંભળવા મળી જાય તો ગમ્મત કરાવી દે એવું સુરીલું ગીત છે.

નૈયરની આ જ ખૂબી એ વખતના નૌશાદો, શંકર-જયકિશનો કે મદન મોહનોને સમજમાં નહોતી આવતી કે, મૂળભૂત રીતે ફિલ્મ થર્ડ-કલાસ હોય (જેમ કે આઃ અકલમંદ) તો પણ સંગીત તો ફિર વો હી દિલ લાયા હૂંકક્ષાનું જ આપવાનું. એમાં બેઈમાની નહિ. એ વાત જુદી છે કે, ઓપી જુદા નશાનો સંગીતકાર હતો એટલે પોતાની કોઈ ફિલ્મનું ટાઈટલ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પોતે કદી ન બનાવે. એ કામ એમનો આસિસ્ટન્ટ જી.એસ. કોહલી કરે (જેણે પણ શિકારીકે નમસ્તેજીજેવી ફિલ્મોમાં મનોહર મ્યુઝિક આપ્યું છે.)

કોમેડી કે ફૂલ-લેન્થ કોમેડીની વાતો કરીએ, પણ ૪૨-વર્ષથી હાસ્ય સાથે મારો નાતો રહ્યો હોવાને કારણે એક વાત કહી શકું એમ છું કે, ૠષિકેશ મુકર્જી અને બાસુ ચેટર્જી જેવા ગણ્યાગાંઠ્યા સર્જકોને બાદ કરતા ભારતમાં બૌઘ્ધિક કોમેડી તો ભાગ્યે જ આવી છે. પડોસનને બેશક ફૂલ-લેન્થ કોમેડી કહી શકાય અને બેશક ઘણી સુંદર કોમેડી કહી શકાય, પણ કલાસિક નહિ. સેન્સિબલ કોમેડી અને સ્લેપસ્ટિક કોમેડી વચ્ચેનો ઉઘાડો ફરક લોરેલ-હાર્ડી અને ચાર્લી ચેપલિનની ફિલ્મોમાં દેખાતો હતો કે, લોરેલ-હાર્ડીની ફિલ્મો જોઈને હસીને બસ, ભૂલી જવાની હોય, જ્યારે ચેપલિનની બૌઘ્ધિક કોમેડીમાં મેસેજ રહેતો, બૌઘ્ધિકતા હતી ને છતાં ય સ્લેપસ્ટિક (એટલે સ્થૂળ પ્રકારની જાડી કોમેડી) તો એની ફિલ્મોમાં ય ભરચક હતી.

આ બધા ભાષણો છતાં, સ્થૂળ એટલે ખરાબ અને સબ્ટલ (સૂક્ષ્મ) એટલે સારી, એવું નથી કહેતો. મજા પડે એ જ સારી કોમેડી, માટે આઈ.એસ. જોહરની તદ્‌ન બેવકૂફીભરી ફિલ્મો ય એક પ્રેક્ષક તરીકે મારે માટે તો એટલી જ મૂલ્યવાન હતી, કારણ કે, મને પેટ પકડીને હસાવતી હતી. હસાવવું કેટલું અઘરૂં છે, એ તો મારા જેવા બે-પાંચ મજૂરો સિવાય કોને અનુભવ હોય ?

ફિલ્મ અકલમંદમાં જોહરે કોઈ અકલમંદી વાપરી નથી, કારણ કે દુનિયાભરની અકલમંદીઓ ભેગી કરીને, પ્રેક્ષકોને ઉલ્લુ બનાવીને પણ એણે ફિલ્મ પૂરી કરી છે.

હીરોઈન સોનિયા સાહની તો જોહરની ઓફિશિયલપત્ની પણ બની હતી. પાકિસ્તાનમાં જન્મેલી અને કાશ્મિરમાં ઉછરેલી સોનિયાને બે ભાઈઓ અને સાત બહેનો હતી. બોલો ! એમાં એ સૌથી નાની. કાશ્મિરની સ્કૂલના એક નાટકમાં ચીફ ગેસ્ટ બનીને આવેલા રૂપ કે. શોરી અને આઇ.એસ. જોહરે સોનિયાને પસંદ કરી લીધી અને ફિલ્મ જોહર મેહમુદ ઈન ગોવાની એ હીરોઈન બની ગઈ. એ જમાનામાં હીરો-હીરોઈન પ્રોડ્યુસરો સાથે કોન્ટ્રેક્ટથી બંધાતા. મોટા ભાગે પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ રહેતો. મતલબ, જે તે હીરો કે હીરોઈન પાંચ વર્ષ સુધી બીજા કોઈની ફિલ્મમાં કામ કરી ન શકે. સોનિયા જોહર સાથે એવા કરારથી જોડાઈ હોવાને કારણે એ બીજે ક્યાંય હીરોઈન બની ન શકી અને પાંચ વર્ષ પૂરા થયા ત્યારે રૂપ અને ઉંમર સાથે નહોતા, એટલે સાઈડ-હીરોઈનના કામો લેવા માંડ્યા. સોનિયા કહે છે, ‘તમામ હીરોમાં મને સૌથી વઘુ બુઘ્ધિશાળી અને ડીસન્ટ વ્યક્તિ રાજકુમાર લાગ્યા. બહાર એમની તોછડા માણસની છાપ છે, તે બિલકુલ ગલત છે.

આપણા પાલિતાણાના પ્રિન્સ સ્વ. શિવ પાલિતાણા સાથે સોનિયા સાહનીએ બીજા લગ્ન કર્યા. શિવના ય એ બીજા મેરેજ હતા એક પુત્ર (ધીરજ) સાથે. સોનિયાને પણ પુત્ર થયો કેતન. નવાઈની વાત છે. સોનિયા તેના જોહર સાથેના લગ્નનો કોઈ કશો ઉલ્લેખ કરતી નથી.

એક રમુજી ઘટના યાદ આવે છે. સોનિયા સાહની એક હિંદી નાટક લઈને અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં આવી હતી. મારી એની સાથે મુલાકાત ગોઠવાઈ હતી. ચંદ્રકાંત માસ્તર સાથે હતા. એ દરમ્યાન ફિલ્મો વિશે લખતા એક નવોદિત પત્રકારે પણ અમારી પાછળ એન્ટ્રી મારી, રીક્વેસ્ટ સાથે કે, ‘મને પણ ઈન્ટરવ્યૂ લેવા દેશો ?’ મેં હા પાડી કે, પહેલા તમે લઈ લો. કારકિર્દીની નવી નવી શરૂઆત હતી, એમાં બહુ ગભરાઈ ગયેલા એ ભાઈને સવાલ એ પૂછવો હતો કે, ‘‘ફિલ્મી પરદા ઉપર તમે બેડરૂમના દ્રશ્યો આપવા સહમત હો છો ?’’ એને બદલે એનાથી પૂછાઈ ગયું, ‘‘સોનિયાજી, આપ બેડરૂમ મેં આના પસંદ કરેગી ?’’

બાપ રે... પેલી તો ખૂબ વિફરી. આંખો કાઢીને એણે સીધો સામો સવાલ કર્યો, ‘‘ક્યા આપ અપની મા કે સાથ, ઘર કે ઓર કમરોં કી તરહ બેડરૂમ મેં નહિ જાતે ?’’

No comments: