Search This Blog

15/07/2012

ઍનકાઉન્ટર : 15-07-2012

૧. પુરૂષોને પારકી સ્ત્રીઓ કેમ ગમતી હોય છે?
- તમને એવું કોણે કહી દીઘું કે, સ્ત્રીઓને પારકા પુરૂષો નથી ગમતા? આ બન્નેને પારકું કોઈ ન ગમતું હોય, તો પ્રોબ્લેમ સમજવો.
(જગદિશ રાવલ, રાજુલા સિટી)

૨. શું માણસ લગ્ન કર્યા પછી જ વઘુ આગળ આવતો હોય છે?
- ‘આવતીનું ય પૂછો ને?
(મહેશ ઝેઝરીયા, અભેપર-ચોટીલા)

૩. મારા જન્માક્ષરમાં કરોડપતિ બનવાના યોગ છે. શું કરવું?
- કોક બોકડો શોધો.
(પલાશ રાજાણી, રાજકોટ)

૪. આટલી બેકારી હોવા છતાં લગ્નગાળામાં ગોરમહારાજોની અછત કેમ હોય છે?
- યુવા બ્રાહ્મણોની નાસમઝી...! હવે તો કર્મકાંડી બનીને લાખો રૂપીયા કમાવાના દિવસો આવ્યા છે ને માર્કેટમાં હરિફાઈ પણ નથી. સોલા ભાગવત વિદ્યાપીઠથી માંડીને અનેક સંસ્થાઓ કર્મકાંડ શીખવે છે. શરમાવાને બદલે લાખો રૂપિયા કમાઈ લેવાનો આ રસ્તો યુવા બ્રાહ્મણોએ જતો કરવા જેવો નથી.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૫. કોઈ જાણિતી ખૂબસુરત મહિલાનો તમારી ઉપર મીસકૉલ આવે તો શું સમઝો?
- એ જ કે, સાલી ચીંગ્ગુસ છે... મીસકૉલ મારીને પૈસા મારા ઓકાવવા માંગે છે... હંહ...!
(જીતેન્દ્રસિંહ રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ)

૬. જે વાત છુપાવવા જઈએ, એ વહેલી જાહેર થઇ જાય, તો શું કરવું?
- મૂળ કહેવત તમારા પૂરતી બદલીને કહું તો... માર ખાવો જ પડે એમ હોય, તો... ઍન્જોય કરો!
- (વિભૂતિ નાણાવટી, રાજકોટ)

૭. આજ સુધી ગુજરાતી સાહિત્યકારો ઉપર કોઈ જાસાચિઠ્ઠી કે ખંડણીના સમાચારો વાંચવામાં નથી આવતા...!
- લેખકો ચિઠ્ઠીનો જવાબ નવલકથા લખીને આપે, એ વાંચવા કરતા પોતાના લમણાંમાં ભડાકો કરવો ભાઈલોગને વઘુ આરામપ્રદ લાગે માટે!
(દિલીપ શાહ, અમદાવાદ)

૮. ઓછા કપડાં પહેરેલી યુવતીઓ બૉલ્ડગણાય છે, તો યુવાનોએ બૉલ્ડગણાવવા શું કરવું?
- કપડાં પહેરાવવામાં ય બૉલ્ડનૅસ જોઈએ. પેલી યુવતીઓને આખા કપડાં પહેરવવા.
(........)

૯. આજકાલ સાઘુ-સંતો જે રાજકીય પક્ષો તેમની પાસે જાય છે, એ બધાને એકસરખા આશીર્વાદ આપે છે...
- એક સરખા કોઈ નથી આપતું... આશીર્વાદના ય આજકાલ જુદા જુદા ભાવો ચાલે છે.
(ભારતી સી. કાચા, મોરબી)

૧૦. અશોકજી, સ્વિસ બૅન્કમાં આપનું કેટલું કાળું નાણું પડ્યું છે?
- મારા માટે આટલા ઊંચા ખ્યાલો રાખવા બદલ તમારો આભારી છું.
(ધીરજલાલ આમરણીયા, જામનગર)

૧૧. બૉમ્બેનું મુંબઈ, મદ્રાસનું ચેન્નઈ તો અમદાવાદનું કર્ણાવતિકેમ નહિ?
- ભાજપ નેતાઓને કર્ણાવતિનો ઇંગ્લિશમાં સ્પૅલિંગ લખતા નથી આવડતો.
(સલમા મણીયાર, વીરમગામ) અને (હિતેશ દેસાઈ, તલીયારા-નવસારી)

૧૨. દેશ આજે કોના સહારે ચાલી રહ્યો છે?
- રસ્તા પરના ફૂટપાથનો પોપટ-જ્યોતિષી પણ આનો જવાબ આપે શકે એમ નથી.
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

૧૩. અંગ્રેજો ભારતમાંથી કેમ ચાલ્યા ગયા?
- કામ પુરૂં કર્યા પછી બળાત્કારીઓ ઘટના સ્થળ પર રોકાતા નથી.
(મિતેષ સાકરીયા, જસદણ)

૧૪. એક માઠા સમાચાર છે. ડિમ્પલ કાપડીયા પાછી એના ગોરધનને ઘેર રહેવા ચાલી ગઈ... આપનું કોઈ રીઍક્શન?
- ઈશ્વરને ગમ્યું, એ ખરૂં.
(શિલ્પા ધોરણે, વડોદરા)

૧૫. આપની દ્રષ્ટિએ આજ સુધીનો સર્વોત્તમ પુરૂષ કોણ છે? શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાદેવજી કે અન્ય કોઇ?
- આમાં વિવાદને કોઇ અવકાશ જ નથી. મહાત્મા ગાંધી સિવાય અન્ય કોઈને સર્વોત્તમ ગણવો, એ પણ પાપ છે.
(કિશોરી રામનાથ મેહતા, મુંબઈ)

૧૬. હમણાં આપના ઍનકાઉન્ટરનો લાઇવ-પ્રોગ્રામ અમારા મુંબઇમાં યોજાયો. તમે નહોતા એટલેએ સફળ થયો કે છતાંસફળ થયો?
- ‘હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી!
(કરણ ઝવેરી, મુંબઈ)

૧૭. મારા અક્ષરો ખરાબ છે, સુધારવા શું કરવું?
- મૅડિકલમાં ઍડમિશન લઈ લો. કોઈ તમારું નામ નહિ લે.
(જય સોની, આકરૂંદ, સા.કાંઠા.)

૧૮. આપણા દેશમાં ગૂરૂજીનું નામ લેતા, પોતાના કાનની બૂટ પકડવાનો સંદર્ભ શાથી છે?
- ‘ગુરૂશિક્ષકના સંદર્ભમાં હોય, તો એ આદરના ભાવથી હોય... એ આઘ્યાત્મિક ગુરૂ હોય, તો ‘‘મરી ગયો બાપા...’’ના ચિત્કારથી પકડી હોય!
(જયદીપ એન. પંડ્યા, વડોદરા)

૧૯. જમીનના ભાવો આસમાને કેમ પહોંચ્યા છે?
- આસમાનમાં ફ્‌લૅટો બાંધવાની સ્કીમોને મંજૂરી નથી મળતી, માટે!
(હારૂન ખત્રી, જામ ખંભાળીયા)

૨૦. પાળેલા કૂતરાઓ સાથે મહિલાઓ ઈંગ્લિશમાં કેમ બોલે છે?
- કૂતરાને ક્યાં ખબર પડવાની છે, પેલી કેટલા લોચા મારે છે?
(જયેશ અંતાણી, ભાવનગર)

૨૧. રસ્તામાં તમને ઈશ્વર મળી જાય તો શું માંગો?
- કાન પકડીને મારા ઘેર લઈ જઉં... બે મહિનાનો ઍડવાન્સ પગાર લઈને ડૂંગરપુર જતો રહ્યો છે, તે હજી આયો નથી.
(સ્મિત રાવલ, કડી)

૨૨. રાજકારણીઓ હંમેશા સફેદ કપડાં કેમ પહેરે છે?
- બારે માસ બેસણાંની મેહફીલો નહિ?
(ડૉ.અમિત પી, વૈદ્ય, ડેમાઈ-બાયડ)

૨૩. સ્ત્રીની બુઘ્ધિ પગની પાનીએએ કહેવત આજની સ્ત્રીઓને લાગુ પડે છે ખરી?
- ઓહ નો...! એ લોકો તો પહેલેથી જ ઊંચી એડીના (high heels) ચપ્પલ પહેરે છે...!
(ઝહેરા મુનિમ, નાસિક)

૨૪. સ્કૂલોમાં મોબાઈલ ફોન લઈ જવા ઉપર બાળકોને પ્રતિબંધ વિશે આપ શું માનો છો?
- આવી બુઘ્ધિ (અને હિંમત) જે માં-બાપ સંતાનોને ભણવા મોકલે છે, તેમનામાં હોવી જોઈએ...!
(ડૉલી શુક્લ, અમદાવાદ)

૨૫. મેરા ભારત મહાનનું સપનું ક્યારે સાકાર થશે?
- સપને ભી કભી સચ હુએ હૈં, મુન્ને...?
(કપિલરાય શુક્લ, અમદાવાદ)

૨૬. તમે ફેસ બૂક પર કેમ નથી?
- ‘બ્રેઈન બૂકશરૂ થાય ત્યારે મને કહેવડાવજો.
(શશિકાંત દેસલે, સુરત)

No comments: