Search This Blog

22/07/2012

ઍનકાઉન્ટર : 22-07-2012

૧. શબરીની ઝૂંપડી વિશે શું માનો છો ?
- આપણે બધા શબરા/ શબરીઓ છીએ... ક્યારેક તો આપણા મોંઘવારીના એંઠા બોર ખાવા પ્રભુ શ્રીરામ તો આવશે, એ આશાએ ઝૂંપડીનું રીનોવેશન કરાવે રાખીએ છીએ.
(કિશોર વ્યાસ, ઘોઘા)

૨. સાઘુ સંતો હંમેશા ધોતી-લૂંગી જ કેમ પહેરે છે ?
- સર્વોત્તમ વૅન્ટીલેશન
(ભારતી સી. કાચા, મોરબી)

૩. સાયકલ પણ ચલાવી ન શકતા પુરૂષનું શું કરવું ?
- એને દેશ ચલાવવા આપી દો.
(જનકરાય છાયા, જૂનાગઢ)

૪. દેશને સારો નેતા ક્યારે મળશે ?
- આપણે બંને ટૉસ કરીએ ..!
(પ્રિયંક એચ. પોપટ, વેરાવળ)

૫. પ્રૂફ રીડરો જોડણી દોષ કરતા હોય તો શું સમજવું ?
- પ્રૂફ રિડરોની જોગણિ દોસિત નથી હોતિ... હમારિ હોય છે.
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

૬. આપણા સઘળાં દુઃખોનું મૂળ વસ્તી વધારો છે. સુઉં કિયો છો ?
- ધર્મો છે... ધર્મો વસ્તીવધારાને ચગાવે છે.
(જતિન કવિશ્વર, વડોદરા)

૭. આપણા વડાપ્રધાન ઉપર ચારે બાજુથી ફિટકાર વરસી રહ્યો છે, છતાં એમનું રૂંવાડું કેમ ફરકતું નથી ?
- સમજ પડે તો ફરકે ને ?
(હિતેષ વ્યાસ, ઘોઘા)

૮. વિજય હંમેશા સત્યનો જ કેમ થાય છે ?
- ગૂડ જોક.
(અંકિતા કોશીયા, ભાવનગર)

૯. વૃક્ષ અને વેલથી આપણને શીખ મળે છે કે, સબ કો ગલે સે લગાતે રહો.. આપનો શું મત છે ?
- સબ કો એમ કાંઇ ન ભેટાય... એકવાર એક પોલીસવાળાને ભેટવા ગયો, એમાં તો હાળાએ મારૂં પાકીટ મારી લીઘું.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી)

૧૦. હિંદુઓ દરેક ધર્મને આદરથી સર ઝૂકાવે છે.. બીજા ધર્મવાળાઓ મંદિરમાં પગે ય મૂકતા નથી.
- બીજાના ધર્મનો આદર કરતો એક માત્ર ધર્મ હિંદુ છે, માટે તો હેરાન થાય છે.
(પ્રવેશ વી. પ્રજાપતિ, અમદાવાદ)

૧૧. ચૂંટણી આવવાની થાય ત્યારે જ ભાજપને રામમંદિર અને કૉંગ્રેસને મુસ્લિમ અનામતની યાદ કેમ આવે છે ?
- ભાજપ પણ મુસ્લિમોની એટલી જ આળપંપાળ કરે છે, પણ કોંગ્રેસને રામમંદિર કે કોઇ બી મંદિરની કાંઇ પડી નથી.
(સિદ્દીક ઇકબાલ પટેલ, અમદાવાદ)

૧૨. તમે સાહિત્ય પરિષદના પ્રમુખ કેમ નથી બનતા ?
- આ મોદી દિલ્હી જાય તો હું હવે સીધો ચીફ મિનિસ્ટર જ બનવા માગું છું.
(લલિત ઓઝા, જૂનાગઢ)

૧૩. નામ મીઠુંછતાં સ્વાદે ખારૂંકેમ ?
- લિંબુના ફૂલ જેવું.
(ભાનુ જી. સોની, અમદાવાદ)

૧૪. સિદ્ધાંતવાદી વ્યક્તિ પરિવાર તેમજ સમાજમાં અપ્રિય કેમ હોય છે ?
- એ એમનો સિદ્ધાંત છે.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

૧૫. લોકો સ્ત્રીઓ વિશે વઘુ સવાલો કેમ પૂછે છે ?
- સ્ત્રીઓનું કામ છે, ન હોય ત્યાંથી સવાલો ઊભા કરવાનું !
(અસગરઅલી નોમાઅનલી, બારીયા)

૧૬. યથા રાજા, તથા પ્રજા’, એ પરિસ્થિતિ માટે શું ભ્રષ્ટ શાસકો જવાબદાર નથી ?
- ઓહો... આ સસ્પેન્સ તો સાલો અત્યારે જ ખુલ્યો... ! ક્યા બ્બાત હૈ !!
(દિવાક એસ. વહિયા, અમદાવાદ)

૧૭. ધરમના ભાઈ-બેનનો વ્યવહાર કેવો હોવો જોઈએ ?
- સવાલ પણ વાંચો જવાબ મળી જશે.
(સુમન વડુકૂળ, રાજકોટ)

૧૮. વાંચે ગુજરાતની જેમ પીશે ગુજરાતક્યારે આવશે ?
- એ લોકોને ચઢેલી ઉતરે તો કાંઇ ખબર પડે !
(જનાર્દન રાવ, અમદાવાદ)

૧૯. આ લોકપાલ-લોકપાલશું છે ?
- એ એક નોન-વેજ જોક છે.
(પ્રિતી સોમપુરા, વડોદરા)

૨૦. ડૉ. મનમોહનસિંહ ચાલતી વખતે બંડીના ખિસ્સામાં હાથ કેમ રાખી મૂકે છે ?
- પગ પ્રજાના ખિસ્સામાં રાખે છે.
(રણછોડ પોકીયા, મજેવડી-જૂનાગઢ)

૨૧. અગાઉના જમાનામાં લખપતિઓ હતાં. તેમની પહેલા કોઈ સેંકડો કે હજારોપતિ નહોતા ?
- આ તો પાવલી પતી ગઈ, નહિ તો આપણા દેશમાં આજે ય પાવલી પતિઓહયાત છે.
(ખુશ્બુ માલવ મારૂ, રાજકોટ)

૨૨. કંજૂસ અને કરકસર કરનાર વચ્ચે શું તફાવત ?
- સાસરે ૪-૫ દીકરીઓ હોવા છતાં એમનો પપ્પો એકને જ પરણાવે, એને કંજૂસ કહેવાય અને ઘેર જે આવે, એને સાચવી સાચવીને જાળવી રાખો, એ કરકસર.
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

૨૩. આટલી ગરમીમાં તમારો પંખો કોણ બંધ કરી નાંખે છે ?
- કહીં દઉં તો બા ખીજાય !
(હરીશ એમ. લાખાણી, પોરબંદર)

૨૪. આપનાવાળું ઍનકાઉન્ટરઅસલી છે કે નકલી ?
- મીડિયા જાણે.
(નટવર પી. કાચા, શાપુર-સોરઠ)

૨૫. પૈસાનું પાણી કરી નાંખવું એટલે ?
- ગાડીમાં પેટ્રોલ નંખાવો એ.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

૨૬. મને ભણવાનું યાદ નથી રહેતું, તો શું કરવું ?
- મોટા થાઓ.. ગાંધીનગરમાં નોકરી પાક્કી !
(વારિસખાન, પાલનપુર)

૨૭. આપણા દેશના આટલા બધા નામો કેમ ? ભારત, ઇન્ડિયા, હિંદુસ્તાન..?
- કદાચ હજી ય એક નવું આવે.. રાહુલિસ્તાન.
(આશિષ એચ. વ્યાસ, વલસાડ)

No comments: