Search This Blog

06/07/2012

ફિલ્મઃ 'સુજાતા' (૫૯)

ગીતો
૧... જલતે હૈં જીસકે લિયે, તેરી આંખો કે દિયે...........તલત મેહમુદ
૨... બચપન કે દિન ભી ક્યા દિન થે, ઊડતે ફિરતે....... .આશા ભોંસલે-ગીતા દત્ત
૩... કાલી ઘટા છાયે મોરા જીયા ઘબરાય, ઐસે મેં....... આશા ભોંસલે
૪... હવા ધીરે આના, નીંદભરે પંખ લિયે ઝૂલા.......... ગીતા દત્ત
૫... તુમ જીઓ હજારોં સાલ સાલ કે દિન હો પચાસ હજાર... આશા ભોંસલે-ગીતા દત્ત
૬... અંધેને ભી સપના દેખા ક્યા હૈ જમાના............. મુહમ્મદ રફી
૭... સુનો મોરે બંધુ રે, સુનો મોરે મિતવા, સુનો મોરે..... સચિનદેવ બર્મન
(ગીત નં. ૬ ફિલ્મની ડીવીડીમાં ઉપલબ્ધ નથી.)


ફિલ્મઃ 'સુજાતા' (૫૯)
નિર્માતા-નિર્દેશક : બિમલ રૉય
વાર્તા : સુબોધ ઘોષ
સંગીત :  સચિનદેવ બર્મન
ગીતો :  મજરૃહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ :  ૧૬૧-મિનિટ્સત ૧૬-રીલ્સ
થીયેટર :  મોટે ભાગે રીલિફ (અમદાવાદ)
કલાકારો : નૂતન, સુનિલ દત્ત, શશીકલા, તરૃણ બૉઝ, લલિતા પવાર, સુલોચના લટકાર, અશિમ કુમાર, અસિત સેન, પૉલ મહેન્દ્ર, બ્રીજ શર્મા, બ્રહ્મ ભારદ્વાજ, મોની ચૅટર્જી, સાવિત્રીદેવી, શિવજીભાઈ, શૈલેન બૉઝ, મધુપ શર્મા માસ્ટર સોહની, બૅબી ફરીદા અને બૅબી શોભના.

ફિલ્મોનું તો કેવું છે કે, જે ફિલ્મ આપણી કિશોરાવસ્થામાં જોઈ હોય- એ વખતે ગમી હોય કે ન ગમી હોય- પણ આજે (ઉંમરમાં) મોટા થયા પછી, એ જ ફિલ્મ ફરી જુઓ તો આપણી સમજ અને અર્થઘટનો બદલાયેલા હોય છે. મને તો ૭-જ વર્ષ થયા હતા, ફિલ્મ 'સુજાતા' જોઈ ત્યારે અને આજે ૬૦-પ્લસની ઉંમરે એના કોઈ બે-ત્રણ દ્રષ્યો પરફૅક્ટ યાદ હતા. 

આજે દાયકાઓ પછી એ અને એવી અનેક ફિલ્મો જોઉં છું, તો મારા અર્થઘટનો ઘણા બદલાયેલા છે- વિપરીત નથી થયા. 'મુગલ-એ-આઝમ', 'મધર ઈન્ડિયા' કે 'જાગતે રહો' એ ઉંમરે ગમી હતી, તો જેમ મોટો થયો હતો, એમ એમ એ ફિલ્મો ફરી જોતા ગયો, તો દરેક ઉંમરે મને એ ફિલ્મો વધારે ગમી છે.

'સુજાતા' એમાંની એક. આપણી લાઈફોમાં આપણા પોતાના વખાણો કરવાના અવસરો તો રોજ આવતા હોય, પણ પોતાનો આભાર માનવો પડે, એવી (દુ)ર્ઘટના તો ક્વચિત જ બને. મેં 'સુજાતા' ફરી ફરીને જોઈએ, એ બાબતે હાથ ઊંચો અને અવળો કરીને મેં મારો આભાર માન્યો...! (હવે લાગે છે કે, હું લાઈફમાં ઘણો આગળ આવીશ!)

'બંદિની'ની માફક ફિલ્મ 'સુજાતા' ય લિમિટ બહારની ગમી જવાના કારણો એક કરતા વધારે છે. એક તો, અશોક કુમાર ફિલ્મમાં ન હોવા છતાં ય મને કોઈ ફિલ્મ ગમે, એ વાત નાની ન કહેવાય. બીજી, ફિલ્મમાં હીરોઈન નૂતન હોય તો હીરો નાસિરખાન હોય કે રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલ.... આપણે તો મારામાં દીકરાના ભાવ પેદા કરતી માંસરીખી નૂતન હોય, એટલું પૂરતું છે.... ને ત્રીજું, આ ફિલ્મ મારા ઑલટાઈમ ફૅવરિટ દિગ્દર્શક બિમલ રૉયની છે... ચલો, લેખ પૂરો થઈ ગયો...! જે શી ક્રસ્ણ.

પણ આ ત્રણે ય મહાન કલાકારોને મારાથી ય વિશેષ આદર આપનારા ચાહકો આજે ય ૬૦, ૭૦ કે ૮૦-ની ખડતલ ઉંમરે જીવિત છે, એમના સ્મરણોને ઢંઢોળવા વાત 'સુજાતા'ની વધારે કરીશું.

'બંદિની' એક વિચારધારા હતી-બિમલ રૉયની, તો 'સુજાતા' એક સંદેશ છે. બાવાઓ આપે છે, એવો કોઈ સંદેશ નહિ, પણ ''આના સ્થાને તમે હોત તો શું કરત?'' એ મૅસેજ તમને ફિલ્મ જોતી વખતે નૂતન બનાવીને બિમલ રૉયે આપ્યો છે.

આમા તો તમે સુનિલ દત્ત હો, તો શું કરત ? એ જવાબ પણ આપવાનો છે, તમે બ્રાહ્મણના સુપુત્ર હોત, તો શુદ્રની કન્યાને પરણત ખરા ? અત્યારે હા પાડવી સહેલી છે કારણ કે, અત્યારે એવા લગ્નોની નવાઈ નથી. આ તો એ જમાનાની વાત થાય છે, જ્યારે શુદ્રને અકસ્માતે અડી જતા નાહી લેવું પડતું હતું.

બિમલ રૉયની પાસે તમને વાર્તા કહેવાની આવડત હતી-સાવ સીધી ભાષામાં. તમે જુઓ કે, તમે કોઈ પ્રસંગ કે જોઈ કોઈને કહો, તો જરૃરી નથી કે, પેલાને સમજ કે મજા પડે. કેટલાકને બહુ લાંબી વાત કરવાની આદત હોય છે, એમાં આપણો વાંક એટલો જ હોય કે, પૂછ્યું કે, ''ટીવી પર તમે કોક 'દિ જૂની ફિલ્મો જુઓ છો ખરા ?''

મરી ગયા તમે. એ સન '૩૭-ની સાલથી ઉપડે. ''અમારા જમાનામાં સાયગલ સાહેબ, પંકજ મલિક ને કાનન દેવી... ઓહોહોહો...હું ત્યારે ૧૨-વર્ષનો...''

હવે... હાળો એ આજે છે, એટલો ૭૨-નો થાય ત્યાં સુધી એક વર્ષની જીવનગાથા આપણે સાંભળવાની. સમજો ને, એ લગભગ '૫૨-'૫૩ની સાલે પહોંચ્યો હોય, ત્યાં સુધીમાં આપણા પગમાં વા, કિડનીમાં ગલીપચી કે કાનનો અસ્થમા આવી ગયો હોય... અલ્લાહ બચાયે નૌજવાનોં સે !

પણ બિલમ રૉય સીધી ને સટ્ટ વાત કરી દે છે, એમની કોઈ પણ ફિલ્મમાં. એ તમને ગૂંચવે નહિ. અહીં અધીરબાબુ (સુનિલ દત્ત) સુશિક્ષિત, સમર્થ અને સંસ્કારી બ્રાહ્મણ યુવાન છે. (અહીં ત્રણ વિશેષણો વાપરવાને બદલે એ ફક્ત 'બ્રાહ્મણ' યુવાન છે, એટલું કીધું હોત, તો એમાં જ બધું ના આવી ગયું હોત?...) પણ હું બિમલ રૉય નથી, એટલે મને બાકાયદા માફ કરવો પડે!... આ તો એક વાત થાય છે.) એ એક સંબંધી (તરૃણ બૉઝ અને સુલોચના લટકાર) ના ઘરે પળેલી અનાથ શુદ્ર અને અશિક્ષિત કન્યા સુજાતા (નૂતન) ના પ્રેમમાં પડે છે. જાલીમ જમાનાને આ માન્ય નથી. છેવટે લોહી શુદ્રનું હોય કે, બ્રાહ્મણનું, એમાં અસ્પૃશ્યતા હોતી નથી, એ મામલે ફિલ્મ પૂરી થાય છે, નૂતન-સુનિલને પરણાવીને.

શક્ય છે, આજે આપણા જહેનમાંથી આ ફિલ્મ આખી ભૂલાઈ ગઈ હોય- કશું યાદ ન આવતું હોય... પણ હજી બીજા બસ્સો વર્ષો સુધી આપણી આવનારી પેઢીઓ પણ નહિ ભૂલે, એવો મૂલ્યવાન હીરો આ ફિલ્મ સાથે જોડાયેલો હતો, સચિનદેવ બર્મન. લતા-રફીનું એકપણ ગીત ન હોવા છતાં ફિલ્મના તમામ ગીતો આપણને સહુને કંઠસ્થ છે. '૫૮થી '૬૨ની સાલ સુધી દાદા બર્મન અને લતા મંગેશકર વચ્ચે કટ્ટી હતી ને રફીનું એક ગીત હોવા છતાં એ ચારે ય વર્ષોમાં બર્મન દાદાએ માઇનસ- લતા પણ ખૂબસુરત ગીતો આપ્યા હતાં. મોટે ભાગે તો મૂળ ફિલ્મમાંથી ય કાઢી નંખાયું હતું.

'સુજાતા' પછી બિમલ દાએ બનાવેલી ફિલ્મ 'બંદિની' સાહિત્યકાર જરાસંઘની નવલકથા ઉપર આધારિત હતી, જ્યારે 'સુજાતા' ખ્યાતનામ બંગાળી લેખક સુબોધ ઘોષની ટૂંકી વાર્તા પરથી બની છે. પણ કહે છે ને કે, બિમલ રૉયના હાથમાં તો નારીયેળ આપો તો ય રજનીગંધાનું ફૂલ બનીને બહાર આવે, એમ આ વાર્તાને પણ ટૂંકી કે નૉવેલનું નામ... જે કાંઈ આપો, બિમલ દાએ એને લિટરલી વિશ્વકૃતિ બનાવી દીધી છે.

મહારાષ્ટ્રીયનોની જેમ બંગાળીઓમાં પણ પ્રાંતવાદનું ચલણ ખરૃં. (આમ જોવા જાઓ તો, આ ય એક અસ્પૃશ્યતા જ થઈ ને?) વ્હી.શાંતારામની ફિલ્મના ટાઈટલ્સ ભરચક હોય... (ફક્ત પ્રેક્ષકો પૂરતી આ બન્ને સર્જકો છુટ રાખતા કે, એમાં મનાઈઓ નહોતી રાખી કે, અમારી ફિલ્મ જોવા અનુક્રમે ફક્ત મરાઠી અને બંગાળીઓએ જ આવવું. ભારતભરના પ્રેક્ષકો એમની ફિલ્મો જોવા આવતા.)

ડોબા ગુજરાતીઓમાં હજી એ કલ્ચર આવતું નથી, તે એટલે સુધી કે, બહારવાળા આપણને આજે ય 'ખમણ-ઢોકળાં' કહીને ઉતારી પાડે છે ને તો ય ચિંતા નહિ. હિંદી કે ટીવી-સીરિયલોમાં ગુજરાતીઓની હવે ઉઘાડેછોગ હાંસી ઉડાવવામાં આવી રહી છે. એકે ય ગુજરાતીમાં શરમ રહી નથી કે, આનો પૂરજોશ વિરોધ કરે. પણ અહીં તો, 'અમે ગુજરાતી છીએ,' એવું જાહેર થવા દેવામાં ય ભારોભાર શરમ છે. વિશ્વાસ ન બેસતો હોય તો ફાઈવ-સ્ટાર હૉટેલ કે ઍરપોર્ટ પરના ગુજ્જુભાઈઓને સાંભળો. સરખું નહિ આવડે તો ય બોલશે ઈંગ્લિશ-છેવટે દૂધવાળા ભૈયા જેવું હિંદી પણ બોલી નાંખશે, પણ ગુજરાતી નહિ બોલે. ગુજરાતીઓનું ગૌરવ શે'રબજારમાં... શાકબજારમાં નહિ !

ભારતનાં પૂર્વ કિનારે આવેલા ત્રિપુરાના રાજઘરણામાંથી આવેલા સંગીતકાર સચિનદેવ બર્મનનું સાચું નામ 'કુમાર શોચિનદેબ વર્મણ' (ઉચ્ચારમાં પાછું 'બોર્મોન') હતું. બંગાળ બાજુના પ્રદેશોમાં પહોળા ઉચ્ચારોને કારણે આપણે લખેલું વાંચવા જઈએ, એ ઉચ્ચારો એમના ન હોય ને માટે જ, અશોકને બદલે 'ઓશોક' ને 'અમર' નો ઉચ્ચાર 'ઓમોર' થાય.

જૉય મુખર્જીનો મૂળભુત સ્પૅલિંગ Jay છે, Joy નહિ ! મતલબ, એ 'જય મુખર્જી' હતો.

સામાન્ય અપવાદોને બાદ કરતા દાદા બર્મન એક માત્ર સંગીતકાર હતા જે ફિલ્મી ગીતના દરેક અંતરા વચ્ચે જુદી તરજ મૂકે. ઓપી નૈયર સાફ ના પાડી દે કે, એક ગીત પાછળ હું ત્રણ તરજો શું કામ બગાડું ? દાદાની પ્રણામયોગ્ય ખાસીયત એ હતી કે, પોતાની ફિલ્મો હોવા છતાં... અને નિર્માતાઓ આગ્રહ કરી કરીને નીચોવાઈ જાય તો ય, દાદા પોતે કોઈ ફિલ્મમાં નહોતા ગાતા... દેવ આનંદ અને બિમલ રૉયને પણ વિનંતિઓ તો કરવી પડતી. 'સુજાતા'નો હીરો સુનિલ દત્ત હતો ને એ ય હજી નવોસવો આવ્યો હતો. નૂતન સાથે એની કૅમેસ્ટ્રી એટલી પરફૅક્ટ બેસી ગઈ હતી કે, આ બન્નેની જોડીએ અનેક ફિલ્મોને સિલ્વર જ્યુબિલીઓ કરાવી આપી. બન્ને સાથે એટલા માટે ગમતા હતા કે, અધરવાઈઝ... આ સાલી બહુ ફલર્ટ ફિલ્મી દુનિયામાં ચરીત્રને મામલે કોઈ ચોખ્ખું ન હોય, ત્યારે નૂતન અને સુનિલ દત્તનું નામ આજે પણ અદબથી લેવું પડે.

અલબત્ત, જે ફિલ્મમાં નૂતન હોય, ત્યાં બીજા બધા ઢંકાયેલા લાગે. યાદ હોય તો આ જ ખૌફને કારણે દિલીપ કુમારે નૂતન સાથે એ જમાનામાં કોઈ ફિલ્મ ન કરી. ગીતા બાલી પણ આજુબાજુના બધાને ખાઈ જાય એવી હતી. દિલીપ એ બન્નેથી આઘો રહ્યો છે.

અહીં ફૉર ઍ ચૅઈન્જ... શશીકલા સારી યુવતીના રોલમાં છે, એ ખૂબી ય બિમલ દા ની કહેવાય કેમ કે, બિમલ રૉય પોતાની વાર્તાઓમાં ક્યાં પણ મૅલોડ્રામા નહોતા લાવતા. એટલે કે, કારણ વગર ફિલ્મમાં વિલન લાવીને કે પ્રસંગોમાં ટૅન્શનો ઊભા કરીને પ્રેક્ષકો પાસે હાયવૉય નહોતા કરાવતા. 'સુજાતા'માં નૂતનને ખબર પડે છે કે, પોતે આ માં-બાપની દીકરી નથી ને ઉપર અનાથ અને શુદ્ર છે, એ વાત આ પાલક માતા-પિતા ય ભારરૃપ હતી. અહીં બીજી કોઈ ફિલ્મ હોત તો હીરોઈન સીધી મહાબળેશ્વરના સૌથી ઊંચા ટેકરા પરથી ભૂસકો મારવા ગઈ હોત ને.. આપણે ય જાણીએ છીએ કે, છેલ્લી ઘડીએ હીરો એના હાથ ખેંચી લઈને બચાવી લે. ''છોડ દો મુઝે... છોડ દો મુઝે ...મૈં મર જાના ચાહતી હૂં...'' પણ એમ કાંઈ કોઈ હીરો મરવા દે ? એને ય, બીજું શોધવું ભારે પડી જાય કે નહિ ?

યસ. બિમલ રૉયની ફિલ્મોમાં કોઈ હાસ્ય-બાસ્ય પણ ન હોય, એટલે કૉમેડીયનોની તો શક્યતા જ નહિ ! પણ એમની સ્વચ્છ ફિલ્મોનો વારસો એમના માનસપુત્ર ઋષિકેશ મુખર્જીએ કદાચ બિમલ દા કરતા ય વધુ અસરકારક રીતે જાળવ્યો. ઋષિકેશ મુખર્જીએ હિંદી ફિલ્મોમાં પહેલી વાર સૅન્સિબલ હ્યૂમર આપ્યું, ઑલમોસ્ટ તમામ ફિલ્મોમા.

ફરક લલિતા બાઈમાં પડી ગયો. લલિતા પવાર બિમલ રૉયની પણ ખૂબ ચહિતી અભિનેત્રી, એ ધોરણે ઋષિ દાની ય તમામ ફિલ્મોમાં લલિતા હોય જ. કમનસીબે, ફિલ્મ 'આનંદ'ના શૂટિંગ દરમ્યાન પૈસાની લેવડદેવડ બાબતે બન્ને વચ્ચે મોટું મનદુઃખ થઈ ગયું ને ઋષિકેશની પછીની ફિલ્મોમાં એને સ્થાન ન મળ્યું.

પણ આ ફિલ્મમાં, બધી ફિલ્મોની જેમ લલિતા પવાર પોતાની ઉપસ્થિતિ સજ્જડબંબ કરાવે છે. બુઆજીના રોલમાં વાર્તાનું તે ઈન્ટેગ્રલ પાત્ર છે. જે પ્રકારના રોલ લલિતાબાઈ કરતી હતી, તે પ્રકારમાં તો ભારતભરની અન્ય કોઈ અભિનેત્રી એની સાની નહોતી. યાદ છે ને શમ્મી કપૂરવાળી બે ફિલ્મો 'જંગલી' અને 'પ્રોફેસર' અને રાજ કપૂરની 'અનાડી'માં મિસીસ ડી'સાનો કિરદાર...! પાત્રના એ જ નામથી ફિલ્મ 'આનંદ'માં નર્સનો એ આંસુ ટપકાવી દેતો રોલ...! હજી એકાદ-બે વર્ષ પહેલા જ પૂણેંમાં એક એકલવાયા મકાનમાં લલિતા ગૂજરી ગઈ, ત્યારે બે દિવસ તો એની લાશ પર ફૂગ ચડી ગઈ, પછી અડોસપડોસમાં ખ્યાલ આવ્યો. આવી મહાન અભિનેત્રીને સલામ નહિ પણ પ્રણામ કરવાના હોય.

No comments: