Search This Blog

27/07/2012

‘કિંગ કોંગ’ (૬૨)

બરોબર ૫૦-વર્ષ પહેલાની દારા સિંઘની પહેલી ફિલ્મ

ફિલ્મઃ કિંગ કોંગ’ (૬૨)
નિર્માતાઃ દેવી શર્મા
દિગ્દર્શકઃ બાબુભાઈ મિસ્ત્રી
સંગીતકારઃ ચિત્રગુપ્ત
ગીતકારઃ મજરૂહ
રનિંગ ટાઈમ : ૧૩૫-મિનીટ્‌સ - ૧૫ રીલ્સ
થીયેટર : રીગલ (અમદવાદ)
કલાકારો : દારા સિંઘ, કુમકુમ, ચંદ્રશેખર, પરવિન ચૌધરી, શીલા કાશ્મિરી, લીલા મીશ્ર, કમલ મેહરા, પાલ શર્મા, ઉમા દત્ત, પરશુરામ અને વિદેશી પહેલવાન કિંગ કોંગ’. 

ગીતો
૧...જાતા હૈ તો જા, ઓ જાનેવાલે જા, મેરે મન મેં, ધડકન સે....લતા મંગેશકર
૨...અબ ન છુપો રે છલીયા કે દેખો હમાર ચોર ચોર બોલે....લતા મંગેશકર
૩...અરે, અરે, અરે જીયા ક્યા હો ગયા, યહીં થા ખો ગયા...લતા મંગેશકર
૪...લડી રે લડી રે અખીયાં પ્રિત મેં લડી.. (રંગીન ગીત)..... લતા મંગેશકર
૫...ઢોલક સે યે પૂછે કુડ ઘૂમ કુડ ઘૂમ, બોલો... મન્ના ડે- ઉષા મંગેશકર- કમલ બારોટ
૬...આ દેવતા, પ્યાર કે દેવતા, નાચું તેરે લિયે મૈં પાગલ બચા... લતા મંગેશકર

મર્યા પછી માણસને મહાન કહેવાનો આપણા દેશનો દસ્તુર હજી બરકરાર છે. એક તો એમાં, મરનારના આત્માને શાંતિ મળે છે, આપણું સારૂં લાગે છે અને ખાસ તો, ઘણીવાર શ્રઘ્ધાંજલિ આપનારાઓની સાથે સાથે આપણું નામે ય છાપા-ટીવીમાં આવે છે. 

દારા સિંઘ કે કોઈ બી સિંઘ... મરી ગયા પછી ખોટ પડાવનારાઓમાં પોતાનું નામ લખાવતા જાય છે. મેક્સિમમ, ૪૮ કલાક એમની ખોટો પૂરાતી નથી... પછી કોઈ નવો સિંઘ ટપકે, એની રાહો જોવાની હોય છે, જેથી બીજી વાર છાપામાં આપણું નામ આવે છે! 

દારા સિંઘને એમ ભૂલાય એમ નથી. એનું પ્રદાન એવું વિરાટ છે કે, આપણે શક્તિના પર્યાય તરીકે દારા સિંઘનામનો શબ્દ આપ્યો. જૂની કે નવી ફિલ્મોમાં એક્ટરો કે ઈવન, રોજબરોજના વ્યવહારોમાં આપણા ઘરોમાં ય નાના બાળકને મજબુત બનાવવા દારા સિંઘનું નામ આપી દેતા. શક્તિ એટલે દારા સિંઘ જ, બીજું કાંઈ નહિ, એ વાત મનમાંથી હજી બીજા ૨૦-૨૫ વર્ષ તો નીકળવાની નથી. નહિ તો, WWEમાં બહુ મોટા કરતબો બતાવી આવેલા પેલો સાત-સવા સાત ફુટ ઊંચા ધી ગ્રેટ ખલીનામના ભારતીય પહેલવાને ભારતને કાંઈ ઓછી મશહૂરી નથી અપાવી... પણ ગાલિબકહે છે ને કે, ‘‘હૈ ઓર ભી દુનિયા મેં સુખનવર બહોત અચ્છે, કહેતે હૈં કે ગાલિબકા હૈં અંદાઝ-એ-બયાં ઓર...’’ (સુખનવર એટલે લખનારાઓ) બરોબર ૧૯૬૨-ની જ સાલ. ચીને હજી ભારત પર આક્રમણ નહોતું કર્યું. દારા સિંઘે વિશ્વસ્તરે ભારતનું કુશ્તીમાં નામ રોશન કર્યું, એની ઉજવણીરૂપે અમદાવાદના ખાડિયામાંથી દારા સિંઘને ખુલ્લી રીક્ષામાં ફેરવીને લોકભિવાદન કર્યું હતું, એ જમાનો જીવી ગયેલા ખાડીયાવાસીઓને હજી એ સરઘસ યાદ હશે. અમે ફક્ત ૧૦-વર્ષના હતા અને દેશ નહિ તો ઘરને ખાતર શરીરમાં શક્તિઓ ફિટ કરાવવાની બહુ જરૂર હતી. હજારોની ભીડ વચ્ચે હું પણ ધુસતો ધુસતો દારા સિંઘના હાથને અડી આવેલો અને, ‘‘હવે આપણામાં શક્તિનો સંચાર થઈ ચૂક્યો છે’’, એવું ભક્તિભાવપૂર્વક માનતો પણ ખરો. શક્તિ તો બહુ દૂરની વાત છે, એ વખતના અમારા બોડીનો લાભ લઈને, અમારાથી નાનકાઓ ય અમને મન ભરીને મારી જતા. 

...એટલે, આ જ વર્ષ, દારા સિંઘની પહેલી ફિલ્મ કિંગ કોગઆવી, ત્યારે પહેલા દિવસનો પહેલો જ શો હોય ને...? ફિલ્મ જોઈને માનવામાં બહુ નહોતું આવતું કે, એના મસલ્સ સાચા હશે કે રૂ ના પૂમડાં ભરાઈ-ભરાઈને ગોટલાં ફુલાવતો હશે અમારે તો મસલ્સ-ફસલ્સ જેવું કાંઈ હોય નહિ... ફુલાવવા જઈએ તો ય મહીં ખાડા પડે ! એ જ દિવસોમાં મોડેલ ટોકીઝમાં સ્ટીવ રીવ્ઝ નામના અમેરિકન પહેલવાનની બે ફિલ્મો હરક્યૂલીસઅને હરક્યૂલીસ અનચેઈન્ડનામની ફિલ્મો જોઈ હતી, એટલે દેશને નહિ તો ખાડીયાને એકાદ સશક્ત પહેલવાન આપવાનું આપણું સપનું નહિ તો નાનકડી એક સપની ખરી ! 

એ સપની પૂરી કરવા દારાનું કિંગ કોંગજોવું પડે એમ હતું. હંગેરીના પહેલવાન કિંગ કોગના નામ ઉપરથી આ ફિલ્મનું નામ પડ્યું હતું. વાસ્તવિક ઈન્ટરનેશનલ કુશ્તીમાં દારા સિંઘે આ જ કિંગ કોંગને બન્ને હાથે ઉપાડીને રિંગની બહાર ફેંકી દીધો હતો, એવું છાપાઓમાં વાંચતા અને પછી, અમદાવાદનો પોલીસ-સ્ટેડિયમ ખાતે યોજાયેલી દારા સિંઘની કુશ્તીમાં કિંગ કોગ ઉપરાંત અન્ય વિદેશી પહેલવાનો પણ આવવાના હતા તે અમે ઝનૂનપૂર્વક જોવા ગમેલા. દારા સિંઘનો નાનો ભાઈ રણધાવા (ફિલ્મોવાળાએ નામ બગાડીને રંઘાવાકરી નાંખ્યું હતું. પંજાબી યોઘ્ધા રણ મેદાનમાં ધાવા બોલી નાંખે અને રણ તરફ પ્રયાણ કરે, એ ઉપરથી પંજાબી નામ રણધાવાપડ્યું. રણધાવા પણ ઘણો સ્ફૂર્તીલો પહેલવાન હતો. (દેવ આનંદની ફિલ્મ જ્હોની મેરા નામમાં તમે એણે સેક્સી ડાન્સર પદ્મા ખન્નાના પ્રેમી તરીકે જોયો છે.) હીરોઈન મુમતાઝની સગી બહેન મલ્લિકાને એ પરણ્યો છે. સમય સમયનું કામ કરે છે. દારા સિંઘની સ્મશાનયાત્રામાં આ રણધાવા ચાલી પણ માંડ શકે, એવો અશક્ત થઈ ગયેલો દેખાતો હતો. એણે ય અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.’ 

કિંગ કોંગજોઈને આપણે ખુશ થવાનું બીજું એક કારણ એ હતું કે, આ ફિલ્મના દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી આપણા ગુજરાતી હતા અને કેમેરામાં અવનવી ટ્રીક્સ ઊભી કરવાને કારણે ફિલ્મનગરીના લોકો એમને કેમેરાના જાદુગરકહેતા. ૬૦-ના દશકમાં દારા સિંઘના આગમનને કારણે આવી... ટારઝન, ઝીમ્બો કે સેમસન છાપની બધી મર્દાની ફિલ્મો ઘણી આવતી, એટલે એમાં ખૌફનાક જાદુગર કે રાક્ષસના પરચા બતાવવા માટે બાબુભાઈની કેમેરા-ટ્રીકો ઘણી મશહૂર હતી. 

દારા સિંઘના બે નસીબો અને બે કમનસીબો આ ફિલ્મ સાથે જોડાયેલા છે. પહેલું કમનસીબ એ કે, પહેલી જ ફિલ્મમાં એનો પોતાનો અવાજ કે એના પોતાના માથાના વાળ વાપરવા નથી મળ્યા. આમ તો હજી પંજાબનો તદ્દન દેસીઅને ઓલમોસ્ટ નિરક્ષર હોવાને કારણે હિંદી બોલતા જ આવડતું નહોતું, માટે અવાજ ડબ કરવામાં આવ્યો અને બીજું કમનસીબ, ફિલ્મની જરૂરીયાત પ્રમાણે એના વાળ સ્પાર્ટનજેવા બતાવવા હશે, એટલે પેલા ગુંચળા-ગુચળાવાળા વાળની વિગ પહેરાવી દેવાઈ, તો પહેલું નસીબ એ કે, હિંદી ફિલ્મોમાં એના એકલાના લીધે એની બ્રાન્ચની એક્શન ફિલ્મોનો આખો એક યુગ શરૂ થયો, જે હજી સુધી ચાલે છે. હિંદી ફિલ્મોમાં આવેલો એ કાંઈ એકમાત્ર બોડી-બિલ્ડર નહતો. એના પહેલા આઝાદ નામનો પહેલવાન અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો... ખાસ કરીને ચિત્રા નામની હીરોઈન સાથે એની જોડી બની ગઈ હતી. ચિત્રાને તમે યાદ કરી શકો, એવી તો એકે ય ફિલ્મ યાદ અપાવાય એવી નથી, સિવાય કે લતા મંગેશકરના જૂનાં ગીતોનો સોલ્લિડ શોખ હોય તો જ, અનુ મલિકના ફાધર સરદાર મલિકના સંગીતમાં ફિલ્મ ચોર બઝારનું ગીત, ‘હુઈ યે હમ સે નાદાની, તેરી મહેફિલ મેં આ બૈઠે...આ ચિત્રા ઉપર ફિલ્માયું હતું. આઝાદને તમે સાધનાની ફિલ્મ ઈન્તેકામના આ જાને જા, આ મેરા યે હુસ્ન જવાં...એ હેલનના ગીતમાં સોનેરી પિંજરમાં પૂરાયેલા હબસીના રોલમાં જોયો હશે. એ પછી તો આપણને શરમ આવે કે, એક જમાનાનો આટલો મોટો હીરો, પછીની ફિલ્મોમાં વિલનના ચમચા ગુંડા તરીકે માંડ એકાદ સીનમાં આવવા માંડ્યો. બનતા સુધી ફિલ્મ શરાબીમાં બચ્ચન એને ફટકારતો એકાદ મુક્કાનો સીન છે. 

બીજું નસીબ એ કે, એને કુમકુમ જેવી... ભલે સીગ્રેડની પણ એ ગ્રેડમાં ય સુપરસ્ટાર ગણાય એવી હીરોઈન સાથે પહેલી જ ફિલ્મમાં કામ કરવા મળ્યું. 

કુમકુમ ૩૧-માં બનારસના મુસ્લિમ પરિવારમાં જન્મી હતી. નામ હતું, ‘‘ઝેબુન્નિસા’’. બહુ વર્ષો પહેલા કોઈ શીશાનામની ફિલ્મ આવી હતી, તે કુમકુમની પહેલી ફિલ્મ. આપણને યાદ રહી જાય એવી એની ફિલ્મો હતી, ‘મધર ઈન્ડિયા’, ‘સન ઓફ ઈન્ડિયા’, ‘ઉજાલા’... ‘કોહિનૂરમાં તે મઘુબન મેં રાધિકાનો ડાન્સ એણે કર્યો હતો. ધર્મેન્દ્ર-માલા સિન્હાની ફિલ્મ આંખેમાં તમે એને જોઈ અને ગમાડી પણ હતી. જો કે, તમારા કરતા નિર્માતા-દિગ્દર્શક મેહબૂબખાનને એ વધારે પડતી ગમી ગઈ હતી અને કુમકુમ સાથે એ લગ્ન સિવાય બઘુ કરવા માંગતા હતા. ફિલ્મ સન ઓફ ઈન્ડિયાની તો એમણે હીરોઈન પણ બનાવી દીધી. પણ ટીવીની મશહૂર સીરિયલ રામાયણના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગર ભલે કુમકુમ સાથે પરણી ન શક્યા, પણ સારા શબ્દોમાં આજકાલ જેને લિવ-ઈન-રીલેશનશીપકહેવાય છે, એ બનાવી રાખી. એ જમાનાની મોટા ભાગની હીરોઈનો માટે આજે ઘણું માન થાય એવું છે કે, પોતાનો જમાનો હતો, ત્યારે હતો... એ પૂરો થયા પછી, ‘‘જુઓ... એક જમાનામાં હું ય હીરોઈન હતી...’’ એ બતાવવા કારણ વગર ટીવી પર કે જાહેરમાં એ દેખાવાના મોહો રાખતીઓ નથી. નહિ તો, આજે ૮૩ વર્ષની કુમકુમને તમે જુઓ તો મ્હોમાંથી કેવા ઉદગારો નીકળી પડે, ‘‘હાય હાય... આ આવી થઈ ગઈ...??’’ દેખાવામાં હવે કોઈ ડિગ્નીટી નથી, પણ નહિ દેખાવામાં આજે એ જ કુમકુમને આપણે એ ય યુવાન કુમકુમના સ્વરૂપમાં યાદ કરવાના છીએ ને

આ કુમકુમ સ્ટ્રીટ-ડાન્સર તરીકે ખૂબ નામ કમાયેલી. ફિલ્મોમા ફૂટપાથીયા ગીતોમાં કુમકુમ બાય ઓલ મીન્સ... સર્વોત્તમ ડાન્સર હતી. ફૂટપાથ પરની ભિખારણો કે ટોપલામાં માલ વેચતી છોકરીઓ કાંઈ પઘ્ધતિસરના ડાન્સ ન કરતી હોય, ત્યાં તો કમરના લટકાં-ઝટકાં જ ચાલે. નૈન મટક્કા ય કુમકુમને આવડે. દારા સિંઘને કુશ્તી લડતા આવડે, બોલતા-ફોલતા કે એક્ટિંગો કરવાનું એનું કામ નહિ, ભાઈ ! એટલે કિંગ કોંગમાં બાબુભાઈએ એની પાસે તમે ત્રાસી જાઓ ત્યાં સુધી લેવા દેવા વગરની મારામારીઓ જ કરાવી છે. ફિલ્મમાં એટલી બધી મારામારીઓ છે કે, દારો દેખાય કે ફાટે આપણી કે, વળી પાછો કોક ધોવાવાનો થયો છે. વાર્તા-ફાર્તામાં તો સમજ્યા કે, કોઈ દમ ન હોય, એટલે લેવા-દેવા વગરની સિચ્યુએશનો ઊભી કરીને દારા પાસે ફાઈટિંગો એટલી બધી કરાવી છે કે, ક્યાંક તો તમને ય લાગે કે, આ દ્રષ્યમાં મારામારી કરવાની જરૂર જ ક્યાં હતી. અહીં તો મ્યુનિ. કચેરીમાં અમસ્તું એક ફાર્મ ભર્યું હોત તો ય કામ પતી જાત ! જે નિર્માતા દેવી શર્માએ ગંગા કી લહેરેઅને જીતેન્દ્ર - રાજશ્રીની ગૂનાહોં કા દેવતાબનાવી એણે જ આ ફિલ્મ કિંગ કોંગબનાવી, પણ પૈસા-બૈસા ખૂટી ગયા હશે, એટલે સાલું નાનું બાળકે ય પકડી શકે એવી પૂંઠાના તીરો-તલવાર, ગ્રીક યોઘ્ધાના બૂટ બતાવવા માટે સાચા અર્થમાં હોસ્પિટલના બેન્ડેજ જેવા પગમાં વીંટાળેલા બૂટ દારાને પહેરાવાયા છે. રબ્બરના મગર સાથે નદીમાં દારાની ફાઈટીંગ એક જ દ્રષ્યમાં તમે પકડી શકો. બઘું જ અણઘડ ચાલ્યું હશે, એટલે મારામારીમાં દારા સિંઘ મુક્કા મારતી વખતે દુશ્મનોની છાતી ઉપર હાથ ફક્ત અડાડે છે, એ કોઈ પણ પ્રેક્ષક પકડી શકે. એમનો બચાવ એટલો કરી શકાય કે, તે જમાનામાં બધી ફાઈટીંગ્સ આવી જ હતી. દિલીપ-દેવ કે રાજ પણ આમ જ લડતા, પણ સુનિલ દત્તે પોતાના સગા ભાઈ સોમ દત્તને હીરો બનાવવા ફિલ્મ મન કા મિતબનાવી, તેની હિંદી ફિલ્મોમાં પહેલી વાર અસલી લાગે એવી ફાઈટીંગને કારણે ફિલ્મ ખૂબ ચાલી હતી. વિનોદ ખન્ના અને લીના ચંદાવરકરની પણ એ પ્રથમ ફિલ્મ હતી. અમદાવાદના કૃષ્ણ સિનેમામાં આ ફિલ્મની ટિકીટો ય નસીબદારને જ મળતી... એ વાત જુદી છે કે, બીજી-ત્રીજી વાર આ ફિલ્મ જોવા લાઈનમાં ઊભા ઊભા ઘણા પ્રેક્ષકો આ ફિલ્મ જેવી મારામારી રીલિફ રોડ ઉપર કરી બતાવતા. ડીવીડી કે વીસીડી પ્રેક્ષકોને ઉલ્લુ બનાવવા કોઈ જાણિતી કંપની ઓછી ઉતરે એમ નથી. શેમારૂવાળા આડેધડ ગીતો કે રંગીન દ્રષ્યો કાપી લેવા માટે મોટું નામ કમાયા છે, તો ગુલશનકુમારવાળી ટી-સીરિઝનીઆ ફિલ્મમાં એક રંગીન ગીત રાખ્યું છે, પણ એની સામે આપણે કુરબાન હોઈએ ને ફક્ત એ એક જ ગીત માટે ડીવીડી ખરીદતા હોઈએ, એ લતા મંગેશકરનું ગીત, ‘‘જાતા હૈ તો જા, ઓ જાનેવાલે જા’’ ફિલ્મમાંથી લેવા-દેવા વગરનું ઉડાડી મૂક્યું છે. કિંગ કોગનો સાઈડ હીરો ચંદ્રશેખર હતો. રફી સાહેબના સુબહા ન આઈ, શામ ન આઈ...ગીત ફિલ્મ ચા ચા ચામાં એની ઉપર બતૌર હીરો ફિલ્માયું હતું. એ સમયની સી-ગ્રેડની ફિલ્મો માટે બહુ વેસ્ટર્ન ગણાતી પરવિન ચૌધરી અમથી ય ક્યાંયની રહી નહોતી. સમયસર ઉહાપોહ મચાવ્યા વિનાની ફિલ્મોમાંથી એ રૂખ્સત થઈ ગઈ, એ એને માટે ય સારૂં જ હતું.

યસ. જોવું ગમે એવું એક પાસું, ડાન્સ-ડાયરેક્ટર સૂર્યકુમાર હતા. મૂળ ફોરેનના આ બે ધોળીયા ભાઈઓ (સાચા નામો ટોનીઅને રોબર્ટ લાઝારસ) ભારતમાં સૂર્યકુમાર અને કૃષ્ણ કુમારને નામે ફિલ્મોમાં નૃત્ય-નિર્દેશન કરતા. ભગવાન દાદાની તો બધી ફિલ્મોમાં એ હોય જ. અલબત્ત, ફિલ્મના ટાઈટલ્સમાં એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, કલર-ડાન્સીઝના ડાયરેક્ટર બી.હીરાલાલ હતા. 

બહુ વર્ષો પહેલા કોક ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે અમદાવાદ આવેલા દારા સિંઘને કામામાં મળવાનું ત્યારે, એમની સાથે પંજો લડાવીને હું જીતી જતો હોઉં, એવો મારો મજાકીયો ફોટો હું ગામ આખાને બતાવતો, એ જોઈને સુનિલ ગાવસ્કરે, મને જીવનભર યાદ રહી જાય એવી સિક્સર મારી હતી, ‘‘દારા સિંઘના કેવા ખરાબ દિવસો શરૂ થયા કહેવાય...! અશોક, તું મને બોલ નાંખતો હોય એવો એકે ય ફોટો મારી સાથે ન પડાવતો !’’ 

આ ટોનીનું છાતીમાં ચપ્પાના અસંખ્ય ઘા મારીને ખૂન થયું હતું. બરોબર મા. ભગવાનના ઘર નીચે, રૂા. એક લાખની સોપારી લઇને આ ખૂન કરવામાં આવ્યું હતું. મરતા મરતા ટોનીએ ‘‘ભગવાન’’ની બૂમો પાડી, એ ઉપરવાળા ભગવાન નહિ, પણ મા. ભગવાન માટે હતી, જે તરત નીચે દોડતો આવ્યો, ત્યારે ટોની મરી ગયો હતો.

No comments: