Search This Blog

02/11/2012

મોહબ્બત ઈસ કો કહેતે હૈં

- ઠહેરીયે હોશ મેં આ લૂં,તો ચલે જાઈયેગા...?

ફિલ્મ :'મોહબ્બત ઈસ કો કહેતે હૈં' ('૬૫)
નિર્માતા-નિર્દેશક :અખ્તર મિર્ઝા
સંગીત :ખય્યામ
ગીતકાર :મજરૂહ
રનિંગ ટાઈમઃ૧૬-રીલ્સ
થીયેટર પ્રકાશ ટોકીઝ (અમદાવાદ)


ગીતો 

૧...મહેફીલ મેં આપ આયે, જૈસે કિ ચાંદ આયા...સુમન-મુબારક
૨...ઠહેરીયે હોશ મેં આ લૂં, તો ચલે જાઈયેગા...સુમન-રફી
૩...હમ સે હોતી મોહબ્બત જો તુમ કો, તુમ યે દીવાનાપન...આશા-મૂકેશ
૪...ઈતના હુસ્ન પે હુઝુર, ના ગુરૂર કીજિયે, દિલ કે મારોં...મૂકેશ
૫...જો હમ પે ગૂઝરતી હૈ, તન્હા કીસે સમઝાયેં...સુમન કલ્યાણપુર
૬...અજી તુમ કિતને હંસિ હો, યે મેરે દિલ સે તો પૂછો...આશા ભોંસલે
૭...મેરી નિગાહ ને ક્યા કામ લાજવાબ કિયા, તુમ્હીં કો...મોહમ્મદ રફી 
 કલાકારો : શશી કપૂર, નંદા, રમેશ દેવ, લીલા ચીટણીસ, અનવર હુસેન, ડેવિડ અબ્રાહમ, મદન પુરી, તબસ્સુમ, કમ્મો (કુમુદ) ત્રિપાઠી, ચાંદ બર્ક, મુન્શી મુનક્કા, એમ.એ. લતીફ, રાશિદખાન, ટુનટુન, ભલ્લા, રતન ગૌરાંગ, બાજીદખાન, લક્ષ્મી છાયા, રાની અને હેલન.

આ એ સમયગાળો હતો, જ્યારે લતા અને રફી વચ્ચે રેકોર્ડ પર પોતે ગાયેલા ગીતોની રોયલ્ટી બાબતે માફ ન કરી શકાય એવો ઝગડો થઈ ગયો હતો. બેમાંથી કોને માફ કરી શકાય એમ નહોતા. એ જોવાનો વિષય આપણો નથી, પણ એ બન્નેએ એકબીજાની સાથે યુગલ ગીતો ગાવાના બંધ કરી દીધા-પૂરા ત્રણ વર્ષો માટે, એ બન્નેનો નહિ, આપણા સહુનો લોસ હતો. એ વાત જુદી છે કે, ગમે તેવા મહાન કલાકારો લતા અને રફી હતા, પણ આખરે તો એમને માટે આ ધંધો હતો ને ધંધામાં હરિફો ફાવી જાય, એ કોનાથી બર્દાશ્ત થાય ?

આજની આપણી ફિલ્મ 'મુહબ્બત ઈસકો કહેતે હૈં'નો જ દાખલો જોઈ લો. લતાના ગીતો આશા અને સુમન કલ્યાણપુર લઈ ગઈ. રફીના ગીતો મહેન્દ્ર કપૂરો અને મન્ના ડેઓ લઈ જવા માંડયા. '૬૨થી શરૂ થયેલો ઝગડો બન્નેએ સમજી-વિચારીને સમેટી લીધો અને લતા-રફી ફરી એકવાર સાથે ગાવા લાગ્યા.

ખય્યામને સલામ કહેવી પડે. ૬૦-થી વધુ વર્ષની કરિયર છતાં માંડ કોઈ ૩૦-૩૫ ફિલ્મોમાં સંગીત આપ્યું. ગમે તે ફિલ્મો હાથમાં નહોતા લેતા. આ જ ફિલ્મ વાર્તાની દ્રષ્ટિએ તો સાધારણ હતી, છતાં થોડી અનોખી પણ હતી. ગીતો ખય્યામના મૂડ મુજબ બનાવવાની છુટ હતી, એટલે આખરી પરિણામ જુઓ. કેવા મસ્તમધુરા ગીતો બન્યા છે ? '૫૦ અને '૬૦ના દાયકાઓની મોટા ભાગની ફિલ્મોની જેમ અહીં પણ ફિલ્મના કોઈપણ પાસાં કરતા સંગીત ઘણી ઊંચી કક્ષાનું હતું. ફિલ્મ થોડીય ચાલી નહોતી એટલે અમદાવાદમાં પણ બહુ ઓછા લોકોએ જોઈ હતી, પરિણામે રેડિયો સીલોન કે બિનાકા ગીતમાલામાં એના ગીતો ગોખી ગોખીને ય અમે અધૂરા રહી જતા. પણ આ જુની અનેક ન જોયેલી ફિલ્મોના ગીતો આપણને આજે ય કંઠસ્થ હોય. આપણો નહિ પણ ગીતનો કચરો ત્યારે થઈ જાય છે કે, આપણા માટેનું સદાબહાર ગીત સાલું ફિલ્મમાં કોઈ એવા ચમન-બમન પાસે ગવડાવ્યૂં હોય કે, આટલા વર્ષો પછી એ ગમતા ગીતનો નશો ઉતરી જાય. રફી સાહેબનું ઓલટાઈમ ગ્રેટ ગીત 'પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઈ હો તો ચલ જાયેગી...' ફિલ્મોમાં 'શોલે' વાળો સુરમા ભોપાલી એટલે કે જગદીપ ગાય છે, એ જાણ્યા પછી તબિયતો સાલી હલી જાય કે નહિ ? અહીં આ ફિલ્મ 'મુહબ્બત ઈસકો...'ના બે ગીતો ફેમસ આખા ભારતમાં થયા, ''ઈતના હુસ્ન પે હુઝુર, ના ગુરૂર કીજીયે'' (મૂકેશ) અને 'મેરી નિગાહ ને ક્યા કામ લાજવાબ કિયા' (રફી). આપણને તો ફિલ્મના હીરો શશી કપૂરનો જ ખ્યાલ હોય ને ? એને બદલે મૂકેશવાળું 'ઈતના હુસ્ન પે...' કોમેડિયન કુમુદ ત્રિપાઠીએ કોઈ નહિ ને ટુનટુન માટે ગાયું છે. તો રફીનો કંઠ તો શશીના ગળામાં જ શોભે ને ? એને બદલે, 'મેરી નિગાહ ને ક્યા...' ફિલ્મમાં રમેશ દેવે ગાયું છે. રમેશ દેવ એટલે રાજેશ ખન્નાવાળી ફિલ્મ 'આનંદ'માં અમિતાભ અને રાજેશનો દોસ્ત બનતો ડો. કુલકર્ણી.

કબુલ કરૂં છું કે, 'મુહબ્બત ઈસકો કહેતે હૈ'મેં ફક્ત ખય્યામના દિલડોલ સંગીત માટે જ નથી જોઈ. મારા અત્યંત ફેવરિટ શશી કપૂર અને એટલી જ ગમતી નંદા માટે ય જોઈ છે. ઉંમર હજી પરણવા માટે મજબુત હતી, એટલે એક પણ તૂટયા વગરના કાળા ભમ્મર ને લાંબા વાળવાળી નંદા જેવી યુવતી સાથે લગ્ન-બગ્નનું ગોઠવાય તો બા ને ઘરમાં જરા હાથ-વાટકામાં સારૂં રહે, એટલી હદે ઊંચા વિચારો અમારા. આવનારીને ય કોઈ સારો પતિ આપવો, એ હિસાબે રોજબરોજની જીંદગીમાં અમે શશી કપૂરને ફોલો કરતા. પંજાબીઓના માથે વાળનો જથ્થો ઈશ્વરે ઘણી છુટથી આપ્યો હોય, એટલે પહેલો માર ગુજરાતી હોવાને કારણે એ પડે કે, અમારે તો પોળમાં બે-ત્રણ જણના ભેગા કરીએ તો ય શશી કપૂર જેટલા વાળ થતા નહિ. આ ફિલ્મના મુજરા ગીતમાં શશી કપૂર ટાયશોકોટો નામનું વાજીંત્ર વગાડે છે. અમે ય બાલા હનુમાનની સંગીતના સાધનોની એક દુકાનમાંથી આઠ રૂપિયાનો ટાયશોકોટો ખરીદી લાવ્યા. ફિલ્મી ગીતો કઈ કઈ ચાવીઓ દબાવવાથી વાગે, એની હિંદીમાં પુસ્તિકા ય મળતી. બરોબર આવડતો નહતો એમાં ગુજરાતે એક સારો સંગીતકાર ખોયો. શશી જરસીઓ ઉમદા પહેરતો. અમે ય આઠ-આઠ રૂપોઈયાની જરસીઓ પાંચ કૂવેથી લઈ આવીએ ને નહાઈ-ધોઈને એ જ જરસી પહેરીને પોળને નાક ઊભા રહીએ. દૂરથી જુઓ તો અમે લોકો શશી કપૂર જેવા લાગીએ ય ખરા, પણ આઠ રૂપિયાવાળી જરસી એકવાર ધોવામાં ગઈ, એટલે બ્લાઉઝ પહેર્યો હોય, એવી થઈ જાય. એક માત્ર જરસીઓની હલકી ગુણવત્તાને કારણે ખાડીયાની અનેક નંદાઓએ શશી કપૂરો ખોયા...!

વાસ્તવમાં નંદા ન હોત તો શશી બાબાએ સઘળું ખોયું હોત! શશીબાબાના નસીબ કેવા કે, રાજ કપૂર અને શમ્મી કપૂરનો સગો ભાઈ, પૃથ્વીરાજ કપૂર જેવા લેજન્ડરો દીકરો, '૬૦-ના દશકના કોઈપણ હીરો કરતા સૌથી વધુ હેન્ડસમ અને હીરો તરીકે જોઈતો બધો કાચો માલ એના ગોડાઉનમાં પડેલો, છતાં પહેલી ફિલ્મ 'ચાર દિવારી'થી જ ફ્લોપ હીરોની છાપ પડી ગઈ, એમાં કોઈ હીરોઈન એની સાથે કામ કરવા તૈયાર ન થાય-એટલે સુધી કે કુમકુમો કે સઈદા ખાનો ય ના પાડવા માંડી. એક માત્ર નંદાએ બન્ને ખુલ્લા હાથે શશીને સમાવી લીધો. પણ એની સાથે ય શશીની વર્ષમાં માંડ એકાદી ફિલ્મ આવે અને એ ય ફ્લોપ જાય. છેવટે વર્ષો પછી 'જબ જબ ફૂલ ખીલે' ધોધમાર સફળ થઈ તો એનો તમામ યશ નંદા અને કલ્યાણજી-આણંદજીના સંગીતને અપાયો-શશીને શકોરૂં ! પણ એક જમાનામાં દારા સિંઘવાળી મુમતાઝ સાથે કામ કરવાની ના પાડનાર શશી કપૂરની ડૂબતી નૈયાને મુમતાઝે બચાવી-ફિલ્મ 'ચોર મચાયે શોર'માં એની હીરોઈન બનીને. બસ. એ પછી ભાગ્ય ધૂંઆધાર ખુલ્યું. શર્મીલા ટાગોર સાથેની 'આ ગલે લગ જા' પણ તોતિંગ સફળતાને વરી.

શશી કપૂર જેવો હતો-ઓરિજીનલ હતો. એ ત્રણે ભાઈઓએ કદી એકબીજાની કે અન્ય કોઈની પણ નકલ કરી નથી અથવા તો ત્રણેમાંથી કોઈએ પૃથ્વીરાજ કપૂરના દીકરાઓ હોવાનો ફાયદો લીધો નથી. ઓલમોસ્ટ સરખા ચેહરા હોવાને કારણે શમ્મી તેની શરૂઆતની ફિલ્મોમાં પતલી-પતલી મૂછો રાખતો, એમાં લોકો સરખામણી રાજ કપૂર સાથે કરવા લાગ્યા, તો 'દિલ દે કે દેખો'થી એ ય કઢાવી નાંખી. શશી કપૂર અને શમ્મી કપૂરે રાજ કપૂરની એક એક ફિલ્મમાં જ કામ કર્યું છે. શશીએ 'સત્યમ, શિવમ, સુંદરમ'માં અને શમ્મીએ 'પ્રેમરોગ'માં. (એમ તો નાના રાજની ભૂમિકા શશીએ 'આવારા' અને 'આગ'મા કરી હતી.) યોગાનુયોગ એવો થયો કે, જીંદગીભર નંદા એક જ કારણે શમ્મી કપૂર સાથે હીરોઈન તરીકે કદી ય ન આવી શકી, કે એને શમ્મીની ખૂબ બીક લાગતી હતી. (બીક આદર ભાવની હતી.) શશીએ પૂછ્યું એના જવાબમાં નંદાએ કીધું હતું કે, 'હું તો શમ્મી ભાઈ સા'બ નજર સામે આવે, એમાં જ ગભરાઈ જઉં છું, એટલે હીરોઈન તરીકે કામ કરવાની જીગર ચાલતી નથી.'

આ સંદર્ભમાં એક કિસ્સો બહુ ઈન્ટરેસ્ટિંગ છે. નંદા અને શશી સાઉથના કોઈ જંગલમાં શૂટિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન શૂટિંગ જોવા આવનારાઓનો બેકાબૂ ઘસારો થયો. કેટલાક ગુંડાગર્દી પર ઉતરી આવ્યા. આ બન્ને જીપમાં બેઠા હતા. દેખીતું છે,એકલો શશી પહોંચી ન વળે. દરમ્યાન, નજીકમાં જ પોતાની કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહેલા શમ્મી કપૂરને કોકે આ વાતની જાણ કરી, તો મરદનો દીકરો એકલો મારતી જીપે ધસી આવ્યો અને એકલો ટોળાની સામે થઈ ગયો અને બાકાયદા ટોળું ભગાડયું એક તો નંદા અમથી ગભરાયેલી હતી, ને એમાં ય શમ્મીનું આ મર્દાના કૃત્ય... બીક ઘટવાને બદલે વધી ગઈ !

પણ યોગાનુયોગ એવો થયો કે રાજ કપૂરની 'પ્રેમ રોગ'માં નંદાને શશી કપૂર સાથે કામ કરવા મળ્યું. હું ભૂલતો ન હોઉં તો શશીપુત્ર કુણાલ કપૂર અને પદ્મિની કોલ્હાપુરેવાળી ફિલ્મ 'આહિસ્તા આહિસ્તા'માં ય નંદા-શમ્મી ભેગા થયા હતા.

શશીની પર્સનાલિટી માચો હતી, એ હિસાબે ફાઈટિંગના દ્રષ્યોમાં એની અધિકૃતતા દેખાતી. બ્રાયન લારા ડ્રાઈવ મારતી વખતે હાઈ-બેક લિફ્ટથી શોટ મારતો, એમાં શશી પણ વિલનને ફટકારવા માટે હાથને પૂરેપૂરો લંબાવતો. હવે યાદ કરો તો દેવ આનંદ ફાઈટિંગમાં આ જ કારણે કદી ન જામ્યો કારણ કે, મુક્કો મારવા માટે એ હાથ પણ ભાગ્યે ખેંચીને મારે. અમિતાભ બચ્ચને ક્યાંક કબુલ કર્યું છે કે, ફાઈટના દ્રષ્યોમાં હું શશી કપૂર પાસેથી ઘણું શીખ્યો છું.

નંદા-શશી કપૂરે કેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું ? જુઆરી, નીંદ હમારી ખ્વાબ તુમ્હારે, રૂઠા ન કરો, મેંહદી લગી મેરે હાથ, જબ જબ ફૂલ ખીલે, રાજા સા'બ, મુહબ્બત ઈસકો કહેતે હૈ... હજી એક રહી જાય છે, એ ગોતી કાઢવાનું કામ વાચકો ઉપર છોડું છું.

આજે જૂની ફિલ્મો જોઈએ તો ક્યાંક કારણ વગરનું હસવું ય આવી જાય છે. જેમ કે, કરૂણ ગીત ગાતી વખતે હીરોઈનો એવા કરૂણ મોંઢા કરે, આંખમાંથી આંસુડા પાડે અને આખા એરિયામાં અંધારપટ છવાયો હોય, એવી ગમગીની થીયેટરમાં ફેલાવી દે. દુઃખો તો પર્સનલી આપણને ય પડયા હશે ને કરૂણ ગીતડાં આપણે ય ગાયા હશે, પણ આવા કરૂણ મોંઢા કરીને તો નહિ ને ? એ હીરોઈનો પાછી બાલમ હજી ન આવ્યો હોય એટલે આખો દિવસ કાંઈ ન કરે, પણ રાત પડવાની રાહ જુએ. એને ખબર છે કે, રાત્રે ફલેટના ધાબે જઈને ચંદ્રની સાક્ષીએ કરૂણ ગીત ગાવાથી ઘણો ફરક પડી જાય છે. વાસ્તવમાં આપણામાંથી આવું કાંઈ ગાવા ધાબે ગયું ? ગયા હો તો ય પાડોસીઓના બપોરના કપડાં દોરી પર સુકાતા હોય. એમને એમે ય ન થાય કે, ૩૦૨-વાળા બહેન રાત્રે કરૂણ ગીત ગાવા આવવાના છે, તો આજે કપડાં જરી વહેલા લઈ લઈએ. કાંઈક બાકી રહી જતું હોય ત્યાં ફલેટના નોકરો અને ઘાટીઓ પાળીને અડીને સુઈ ગયા હોય. આમાં 'મેરા પરદેસી ના આયા, હોઓઓઓ...' ક્યાંથી ગવાય ? ડૂંગરપુર-નરેશો કાંઈ ભળતું સમજે તો ઓઢેલું કાઢીને ઊભા થઈ જાય !

'મુહબ્બત ઈસકો કહેતે હૈ'ની સ્ટોરી બિલકુલ દમ વગરની હતી. જસ્ટ બીકોઝ... ફિલ્મનો હીરો પરણેલી સ્ત્રીના પ્રેમમાં છે, એટલે એને હીરો બનાવી દેવાનો ? ફિલ્મને અંતે મરતા પહેલા પોતાની પરિણિત પ્રેમિકાને બચાવવા પોતાના માથે ખોટું આળ સાબિત કરીને પેલીને નિર્દોષ કેમ સાબિત કરી શકાય ? ફિલ્મ મેસેજ શું આપવા માંગે છે ? મિડલ-કલાસના નંદા અને શશી કપૂર એક નાના ગામમાં રહે છે ને પ્રેમમાં પડે છે. મદન પુરીના હાંધા-હલાડાને કારણે બન્ને પરણી એટલા માટે શકતા નથી કે, નંદાના મનમાં ઠસી જાય છે કે, શશી જુગારી, શરાબી અને બેકાર છે. શશી બહારગામ હોવાથી પૂરતા પુરાવાઓ અને ખુલાસાઓ આપી શકતો નથી. પેલી રમેશ દેવને પરણી જાય છે. પેલી એના ઘરમાં સેટ થઈ ગયા પછી શશીને બદલો લેવાનું ઝનૂન ઉપડે છે ને એના ઘેર જાય છે. રમેશ દેવ સાથે દોસ્તી થઈ જતા એના ઘરમાં રહે છે, એમાં ભાંડો ફૂટી જાય છે. નંદાનું લગ્નજીવન ભયમાં આવી જાય છે. પાછો શશીને પસ્તાવો થતા 'નંદા તો ગંગા જેવી પવિત્ર છે', એવા નાટકો કરીને પોતાના પ્રાણની આહુતિ આપી દે છે... તારી ભલી થાય ચમના... આમાં વાર્તા ક્યાં આવી ? આવી ફિલ્મ બનાવીને સમાજને તું સંદેશો ક્યો આપવા માંગે છે ?

ગીતોનું પિક્ચરાઈઝેશન સારૂં થયું છે, એટલે ગીતો માટે ફિલ્મ જોવા જેવી ખરી. 

No comments: