Search This Blog

28/11/2012

મને કૂતરૂં કઈડ્યું

‘‘ક્યાં કઇડ્યું ?’’ જેને જેને ખબર પડી કે મને કૂતરૂં કરડ્યું છે, એ બધાને પહેલો સવાલ.

આવું એ વેદનાથી નહિ, રાજી રાજી થઈને પૂછે. સ્વાભાવિક છે કે, હું કોઈ કૂતરાને બચ્ચીઓ ભરવા તો ન ગયો હોઉં, એટલે ગાલે તો નહિ કરડ્યું હોય ! બીજું, માનવ શરીરનો જે ભાગ એમને નજીક પડે, ત્યાં જ કરડે ત્યારે જે ભાગ એના મ્હોમાં પહેલો આવે, એ કરડી લે છે. આ જ કારણે સાડા ચાર ફૂટીયા લોકોની આપણને ચિંતાઓ થતી હોય છે. હું લાંબો છું, એટલે બહુ હસવું આવે, એવી કોઈ જગ્યા ઉપર કરડ્યું નહોતું. ઢીચણની નીચે ક્યાંક કરડ્યું હતું.

‘‘દાદુ...શું વાત છે... હવે તો ૧૪ ઇન્જેક્શનો લેવા પડશે...!’’ આ ૧૪ ઇન્જેક્શનો કૂતરાંને લેવાના હોય, એવી મજાકથી બહુ મોટી સિક્સર મારી હોય એમ પાછા મારી પાસે જ તાળી માંગીને પૂછે, ‘‘દાદુ...કૂતરું હજી જીવે છે... ?’’ આપણો જીવ જતો હોય ને એમને મજાકો સૂઝે એટલે ફરી પાછો ગોઝારો સવાલ પૂછે, ‘‘...તે તમે... કૂતરા પાસે શું કરવા ગયા’તા... ?’’

છેલ્લો સવાલ વઘુ પડતો નફ્‌ફટ હોય, ‘‘દાદુ.. એ કૂતરો હતો કે કૂતરી ?’’ કેમ જાણે ગામ આખાના કૂતરાઓ સાથે મારે ઘર જેવા કે થાંભલા જેવા સંબંધો હોય ને હું અવારનવાર એ લોકોની મુલાકાતો લેતો ન હોઉં ?

વિશ્વમાં બહુ ઓછા પ્રાણીઓની ત્રણ- ત્રણ જાતિઓ મળી છે. કૂતરો એમાંનો એક. કૂતરો, કૂતરી અને કૂતરું. સામે ઊભું ઊભું ધુરકીયા કરે છે એ કૂતરો છે કે કૂતરી, એ નક્કી કરી શકતા ન હોવાથી ‘કૂતરૂં’ કહી દઈએ છીએ. આપણે વાંકા વળીને કૂતરાની જાતિ જોઈ લેવાની હિંમતો કરી શકતા નથી. કોઈનામાં બહુ ઊંડા ઉતરવાની પાછી આપણને ટેવો નહિ, એટલે વિવાદોમાં પડવા કરતા, ‘કૂતરો’ ય નહિ ને ‘કૂતરી’ ય નહિ... બેની વચ્ચેનું ‘કૂતરૂં’ ગણી લઈને આત્મસંતોષ માનીએ છીએ. આપણે એ બઘું જાણવાની જરૂરે ય શી છે, એ પાછો બીજો મુદ્દો.

હાથીઓ માટે હાથો, હાથી અને હાથું અથવા ગેંડો, ગેંડી અને ગેંડુ નથી બોલાતું.... જો કે, માણસોમાં ત્રણ પ્રકારો પડયા છે ખરા !

કૂતરૂં મને કરડ્યું એ મને જરા ય ગમ્યું નથી. મારી સાથે કોઈ ખોટી મસ્તી કરી જાય, એ મને સહેજ પણ ગમતું નથી. આ તે કોઈ માણસ હતું કે, ‘કાંઈ ન બગાડ્યું હોય તો ય સામે આવીને ભસે કે કરડે ? એનામાંથી જરા પણ માણસાઈ... આઇ મીન ‘કૂતરાઈ’ નહોતી. મારી નવી નક્કોર ગાડી ઉપર રોજ રાત્રે એ ઉંઘે છે અને આ મોટો ગોબો પાડે છે. રોજ સવારે મારે ગાડીની અંદર જઈને ઉંધા મુક્કા મારીને ગોબો ઉપાડવાનો. પણ બીજે દિવસે ય બાપાનો માલ હોય એમ ગાડી ઉપર ચઢી બેસે છે... ને તો ય, આપણને એમ કે કોણ બોલે ! અમારા નારણપુરા ચારરસ્તા પરની તમામ ગાડીઓ તમને ગોબાવાળી જોવા મળશે. અમે નથી વાપરતા એટલી ગાડીઓ કૂતરાઓ વાપરે છે... સાલું, વાપરવાના થાંભલા ને શોખ રાજા મહારાજાઓના... રાખવાના? કોઈ પંખો ચાલુ કરો...!’

અમારૂં નારણપુરૂં ચાર રસ્તું ૨૪ કલાક કૂતરાઓથી ધમધમે છે. રોજ એકાદાનો ભોગ લેવાય. કૂતરાં પકડવાની ગાડીવાળા કોક કોક વખત આવે ખરા, પણ પણ પકડતી વખતે એ લોકો કૂતરા કરતા મોટા અવાજો કાઢે છે, એમાં કૂતરા બી જાય છે ને ભાગી જાય છે. વળી, ઘણાના ધર્મમાં કૂતરાને રોટલી ખવડાવવાનો આદેશ હોય છે. રોજ સાંજે એ ગૃહિણીઓ કૂતરા શોધવા નીકળે.. ન મળે તો અનાજનો બગાડ ન થાય એ માટે રોટલી ઘેર પાછી લાવીને એમના ગોરધનને ખવડાઈ દે છે. આ ગૃહિણીઓ સ્માર્ટ છે. ઘરઆંગણે કૂતરા નહિ જમાડવાના... ચાર પાંચ સોસાયટી દૂર જઈને પાર્ટી આપવાની, જેથી કાલે ઉઠીને કૂતરી વિયાય- બિયાય, તો આપણે માથાકૂટ નહિ ! આપણું આંગણું ચોખ્ખું રહે !

પહેલા ઇન્જેક્શન વખતે ડોક્ટરે મને એ સૂચના આપી હતી કે, કૂતરું કેટલા દિવસ જીવે છે, એ જોતાં રહેજો. તમને કરડ્યા પછી મિનિમમ એ ત્રણ દિવસ જીવતું રહેવું જોઈએ. મરી જાય તો એ હડકાયું કૂતરું હોય... એ કેસમાં તમારો જાન પણ જોખમમાં કહેવાય ! જીવી જશે તો ફક્ત ત્રણ ઇન્જેક્શનો લેવાના અને મરી જાય તો સાત તો ખરા ! મારી સમજ મુજબ મુંગા પશુઓ ઉપર આ અત્યાચાર છે. કાલ ઉઠીને હું ત્રણ દિવસમાં અરિહંતશરણ થઈ જઉં, તો આજે કૂતરાનું કોણ ?...આ તો એક વાત થાય છે !

આમ તો મારાથી ફેમિલી- સિક્રેટ બહાર ન પડાય, પણ મારા ફેમિલીવાળા મારા બદલે કૂતરાના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરતા હતા. વાઇફે કેટલીય તો બાધા-આખડીઓ માની. મારી નજર ઉતારી, એ મને ન ગમ્યું. સાલા કૂતરાઓ પણ મારી ઉપર નજર બગાડે, એટલો હેન્ડસમ તો હું નથી !

‘‘કયો ગધેડો મારા ફાધરને કરડ્યો છે ?... આજે જ ઝેર નાખેલી ફૂલવડી ખવડાવી દઉં... !’’ એવા ગુસ્સાથી પુત્ર લાલપીળો થતો હતો. એની વાઇફે ઘ્યાન દોર્યું કે, ‘‘પપ્પાને ગધેડો નહિ, કૂતરો કરડ્યો છે... બીજું, કૂતરાઓ ફૂલવડી ન ખાય !... અને હા, કૂતરાને મારી નાંખવાનો નથી... જીવાડવાનો છે...’’

‘‘અરે હું પપ્પાની વાત કરું છું...!’’

એ તો પછી બધા ચોંક્યા કે, આપણે કયા કૂતરાને જીવાડવાનો છે, એ તો ખબર જ નથી ! મારો સંપર્ક કરવામાં આવ્યો. હું ઉંધો પડીને પથારીમાં દર્દનો માર્યો ‘ઊંહા- ઊંહા’ કરતો હોઉં, એમાં કેવી રીતે ફ્‌લેટે- ફ્‌લેટે કે ગલીએ- ગલીએ કૂતરો બતાવવા નીકળી શકું ? વળી, આપણને કરડેલા કૂતરાના મોઢા કંઈ થોડા યાદ હોય ?

તમને તો ખબર છે, કૂતરાઓમાં સંસ્કાર- બંસ્કાર જેવું હોતું નથી. એટલે કોને કરડવું અને કોને નહિ, એનું એમને ભાન પડતું નથી... માટે મને કરડ્યું. નહિ તો, અનેક લોકો મારી નજરમાં છે કે, આવતા જન્મે જો મને કૂતરાનો અવતાર મળે, તો વીણીવીણીને એ લોકોને બચકાં ભરી લેવા છે. એ વાત જુદી છે કે, કેટલાક વિદ્વાનો એવું માને છે કે, મારા કેસમાં નવો અવતાર લેવાની જરૂર જ નથી... ! (સવાલ : .....? જવાબ પૂરો !)

‘‘પપ્પા, તમે એક આંટો મારી જાઓ અને પેલા હરામી કૂતરાને શોધવમાં મદદ કરો.’’ પુત્રએ ઘણી લાગણીથી એનું અભિયાન ચલાવ્યું હતું. એમાં એ નિષ્ફળ જઈ રહ્યો હતો. જોઈતો કૂતરો મળતો નહતો અને મળે તો એ કૂતરો જોઈએ છે કે નહિ, એનો નિર્ણય લઈ શકાતો નહતો. આજે દોઢમો દિવસ તો થઈ ગયો હતો. બાકીના દોઢમાં કોઈ કૂતરો ઢબી જાય તો હડકવાની રસીઓ મારી ચાલુ થઈ જાય ! ઘરમાં ટેન્શન કેવું થઈ જાય ? વાઇફે તો કીઘું ય ખરું કે, ‘ઘરમાં કોઈ હડકવાને કારણે મરે, તો કેવા અપશુકન થાય ?’

ગુસ્સાથી ઘુંઆફૂંઆ થયેલો મારો દીકરો કચ્ચીકચ્ચીને પોતાની મુઠ્ઠીઓ મસળતો હતો. ‘‘ચંદા કો ઢુંઢને સભી, તારે નીકલ પડે, ગલીયો મેં વો નસીબ કે મારે નીકલ પડે... હોઓઓ...’’ એમ મારા પુત્ર, એની પત્ની અને એમના બાળકો આખો દિવસ કૂતરો શોધવા નીકળી પડતા. પત્ની ‘ઘરનો’ સંભાળતી હતી...! મારા પલંગ પાસે એ એ જ રીતે દૂધનો વાટકો અને ખાખરો મૂકતી હતી. એ ભોળીને ય ચિંતા તો થાય ને કે, ત્રણ દિવસમાં કૂતરો મરી ગયો તો ડોહાનું શું કરવું ?

‘‘બેટા, તમે લોકોએ કોઈ કૂતરો મરેલો જોયો ખરો ?’’ પ્રભુ શ્રી રામ લક્ષ્મણ પાસે હરણ વિશે બાતમી પૂછી રહ્યા હોય, એવા નિર્મળ ભાવથી મેં પુત્રને પૂછ્‌યું.

‘‘એમ તો રોજના બે મરે છે...પણ આપણાવાળો કયો છે, એની કેમ ખબર પડે ?’’

વાઇફનો એવો ભાવ નહિ હોય પણ રોજના બે જ મરવાનો આંકડો સાંભળ્યા પછી મૃતકોની સંખ્યાથી એ નારાજ હોય, એવું જણાતું હતું.

‘‘એમ કાંઈ કૂતરા ન મળે...! અસ્સોકભા’ય, તમારા ઘરની નીચે નારણપુરાના કૂતરા ભેગા કરો... ખાવાપીવાનું રાખશો, એટલે બઘ્ધા ય ધોડ્યા આવશે... બસ, એમાંથી તમારો કૂતરો ગોતી લેવાનો !’’ એક વડીલે સલાહ આપી. વાત સાચી હતી આમ ગલીએ ગલીએ કૂતરા શોધવા નીકળીએ, એ સારૂં ય ન લાગે ને જ્ઞાતિમાં છાપ ખરાબ પડે. આમાં તો કૂતરાં જ આપણા આંગણે સામેથી આવે, એમાંથી આપણાવાળો શોધી લેવાનું ખાસ કાંઈ અઘરૂં ન પડે.

બધા આવ્યા. કહે છે કે, આમંત્રણ આપનારનો ભાવ શુદ્ધ હોય તો કોઈ ના નથી પાડતું. એમના માટે વાઇફે ખાસ વડાં, દૂધપાક ને એવું કાંઈ બનાવ્યું (ઘરના અમે સહુ મૂછમાં હસતા હતા કે, આજે કૂતરા મરવાના થયા છે...!)

....ને અચાનક મેં તોતિંગ રાડ પાડી...! આપણે તો મેહમાનોની સરભરામાં હોઈએ એટલે ઘ્યાન રહ્યું નહિ ને એ જ કૂતરૂં મને કરડી ગયું... આ વખતે, હસવું આવે એવી જગ્યા ઉપર... પાછળ !

એ મને શોધતું હતું...!

સિક્સર

- હવે કોઈ ફૅમિલી સાથે તમારે બહુ બનતું ન હોય ને દાઝો કાઢવાની હોય તો, લોકો પોતાના ખર્ચે શાહરૂખખાનની ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની ટિકિટો મોકલાવે છે... કહે છે કે, એમાં રહ્યા સહ્યા સંબંધો ય તૂટી જાય છે !

No comments: