Search This Blog

04/11/2012

ઍનકાઉન્ટર 04-11-2012

1 ‘ગૅરન્ટી’ અને ‘વૉરન્ટી’ વચ્ચે શું સમાનતા ?
- બંનેનો ઉપયોગ ગ્રાહકોને ઉલ્લુ બનાવવા માટે થાય છે, ‘શરતોને આધીન...!’
(રમેશ સુતરીયા, મુંબઇ)

2 તમે કોઇને ખંખેરી નાંખ્યા છે ખરા ?
- એટલું મહત્વ આપવા જેવું કોઇ મળ્યું નથી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

3 ઘેર વાઇફના કામો કરી આપવા કરતા ઘરજમાઇ બનીને સસરાના બંગલામાં રહેવા જેવું કે નહિ ?
- હા, પણ ત્યાં તો પછી મ્હાંય કેટલા ?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

4 મનમોહનના મૌનનું રહસ્ય શું ?
- એ ‘મૌનમોહનસિંહ’ છે.
(જે.આર. પટેલ, બ્રાહ્મણવાડા-ઊંઝા)

5 ‘ગોલમાલ હૈ ભ’ઇ, સબ ગોલમાલ હૈ’નો અર્થ શું થાય.
- ગોલમાલ હૈ.
(એ.કે. પરમાર, વડોદરા)

6 ભણાવી-ગણાવીને તૈયાર કરેલા સંતાનો વિદેશ સ્થાયી થઇ જાય, એમાં માં-બાપને તો નુકસાન જ ને ?
- નફો-નુકસાન તો માં-બાપની સાથે રહેવા છતાં, માં-બાપનું કેવું રાખે છે, એ જોયા પછી નક્કી થાય !
(મોના જે. સોતા, મુંબઇ)

7 અત્યંત જ્ઞાનીઓ પણ બેઇમાનો કેમ હોય છે ?
- મને જ્ઞાની કહેવ બદલ આભાર.
(ભાવેશ બી. ઠક્કર, મુંબઇ)

8 ‘ઍનકાઉન્ટર’માં સવાલોની ગુણવત્તાથી તમે સંતુષ્ટ છો ?
- સવાલો દરેક વિષયના પૂછાવા જોઇએ. ધર્મ, રાજકારણ, સ્પૉટર્સ, ફિલ્મ્સ, ટી.વી., શિક્ષણ શહેર, ગુજરાતી સાહિત્ય, સરકારી તંત્ર, ગ્રામ્યજીવન, બાળકો, વિદેશ તેમ જ રોજબરોજ જીવાતી લાઇફ વિશે પુછાય તો વઘુ ગમે. ભ્રષ્ટાચારના સવાલો બહુ થઇ જાય છે.
(રૂપાલી રૂપેશ શાહ, સુરત)

9 ‘ચંદનહાર લાવી આપો તો જ ધુંઘટ ખોલીશ’, એવી લાલચમાં તમારા જેવો પતિ કેવું રીઍક્ટ કરે ?
- ખાસ કાંઇ નહિ.. ઘર માટે એક, એમ બીજા ૫-૬ ચંદનહારો લાવવા પડે !
(ભારતી કાચા, મોરબી)

10 માં-બાપના ખોટા કર્મોના ફળ પણ શું તેમના બાળકોને ભોગવવા પડે છે ?
- ફેંકાફેંકી ના કરો... ! અમારા રાહુલ ને પ્રિયા તો લહેર કરે છે !
(વિજય એચ. ઠક્કર, મુંબઇ)

11 પોતાનું ધાર્યું કરવા ટેવાયેલી પત્ની અવારનવાર આપઘાતની ધમકી આપતી હોય તો સંસાર કેમ ચાલે ?
- ગોરધને સામી ધમકી આપવી જોઈએ, ‘તું કરી બતાવ... હું કાંઇ નહિ બોલું.’
(ચંદ્રિકા ભરત મહેતા, રાજકોટ)

12 જૅમ્સ બૉન્ડ સુટેડ-બૂટેડ અને તેની હીરોઇનો માંડ માંડ કપડાં પહેરેલી. આવું કેમ ?
- આ તમે ફરિયાદ કરો છો કે જીવ બાળો છો ?
(વિશ્વાસ છાયા, મુંબઇ)

13 પ્રધાન ગામની મુલાકાતે આવે ત્યારે કૅબિનો અને રેંકડીવાળાનો ધંધો બંધ રાખવાનો હુકમ... ! આ તે કેવી લોકશાહી ?
- એ તમારા ફાયદા માટે છે. પ્રધાનો લારીગલ્લામાંથી ય મુઠ્ઠા ભરે એવા હોય !
(હારૂન ખત્રી, જામખંભાળીયા)

14 અમારા ઉમરેઠમાં, ‘વૃઘ્ધોને ઘેર બેઠા ભોજન’ની ‘જીવન આધાર સંસ્થા’ જોવા આપને આમંત્રણ છે.
- સેવા અમદાવાદ સુધી લંબાવો તો મને કોઇ ફાયદો થાય !
(અનિલ દેસાઇ, ઉમરેઠ)

15 હવેના આંદોલનો બે-ત્રણ દિવસમાં ફૂસ્સ.. કેમ થઇ જાય છે ?
- નવા આંદોલન માટે ટાઇમ અને માણસો તો કાઢવા પડે કે નહિ ?
(વી. કુમાર નાયી, હિંમતનગર)

16 હાસ્યલેખક હોવું એટલે શું ?
- અપને પે હંસ કે, જગ કો હંસાના !
(ડૉ. પ્રવીણગીરી ગોસ્વામી, પોરબંદર)

17 ગુજરાત કૉંગ્રેસે ફકત ગૃહિણીઓને જ ‘ઘરનું ઘર’ આપવાનો વાયદો કર્યો.. પુરૂષોનો કોઇ વાંક ?
- તમારી વાત સાચી છે. ચૂંટણીઓ પછી એમને પોતાને ‘ઘરનું ઘર’ ‘શોધવાની’ જરૂર પડશે.
(વિશનજી ન. ઠક્કર, મુંબઇ)

18 તમે કયા પક્ષમાં શ્રઘ્ધા ધરાવો છો ?
- બધા નાલાયકોમાંથી એક ઓછો નાલાયક શોધવાનો છે. ‘બડી મુશ્કીલ મૈં હૂં, મૈં કિધર જાઉં..?’
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

19 શરદ પવારને એક થપ્પડ મારવાનું મને સપનું આવ્યું !
- ઇશ્વર તમારા જેવા સપના સહુને આપે અને સૌના સપના સાકાર થાય !
(શિવાની/હિમાની વોરા, જોરાવરનગર)

20 આપનું પુસ્તક ‘બ્લૅક લૅબલ’ વાંચ્યું, પણ પેલા, ‘રૅડ લૅબલ’ વિશે શું માનો છો ?’
- બંને ‘સેલૅબલ’ છે...!
(મયંક સુથાર, નાની નરોબી-સુરત)

21 સમાજમાં વિઘુરો કરતા વિધવાઓની સંખ્યા વધારે હોવાનું કારણ શું ?
- આ બતાવે છે કે, પત્નીઓનો ત્રાસ કેવો રંગ લાવી શકે છે !
(શ્રીમતી બિંદુ દોશી, વડોદરા)

22 ખૂબ જ ગુસ્સો આવે તો શું કરવું જોઈએ ?
- ૧૫-૨૦ સેકંડ અરીસામાં જોયે રાખવું... હસી પડાશે !
(શાંતીલાલ ચંદારાણા, વડોદરા)

23 છોકરીઓ મોંઢે માસ્ક પહેરીને કેમ ફરતી હોય છે ?
- ‘સ્માઇલ પ્લીઝ’ ... કહીને કોઇ ફોટો પાડી ન જાય !
(રમેશ પી. શાહ, વડોદરા)

24 માં-બાપની ભાવના સમજવા ન માંગતા સંતાનો સાથે કેવો વ્યવહાર કરવો ?
- જેવો તમારા માં-બાપે તમારી સાથે કર્યો હતો, એવો !
(મણીભાઈ દરબાર, ઊધના-સુરત)

25 ઘરની બહાર જતી વખતે આપણામાં, ‘શુકન જોઇને સંચરજો રે...’કેમ કહેવાય છે ?
- બહાર નીકળતા જ સામા સાસુ-સસરા ભટકાઈ ન જાય માટે.
(વિરલબેન એ. વ્યાસ, વલસાડ)

26 તમને દેવ આનંદ ખૂબ ગમે છે. તમે એને કેવી રીતે યાદ કરો છો ?
- ફિલ્મ ‘સી.આઇ.ડી.’ના ‘લેકે પહેલા પહેલા પ્યાર...’ વખતે મરીન લાઇન પર શકીલાની પાછળ પાછળ એ મોરલાની જેમ ચાલતો હતો, એ મને ખૂબ ગમી ગયો કે.. એ પછી હું એવી રીતે ચાલવા ગયો. ને મારી ચાલ ભૂલી ગયો !
(રમેશ આર. સુતરીયા, મુંબઇ)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

No comments: