Search This Blog

21/11/2012

ટોઈલેટમાં મોબાઈલ વાગે ત્યારે...!

ક્લબના સ્વિમિંગ-પૂલના ટોઈલેટમાં એ નિરાંતે બેઠો. ચેહરા ઉપર બડી પ્રસન્નતા અનુભવાઇ. કહે છે કે, આત્મા-ફાત્માનો આનંદ તો લાંબો સમય ચાલે છે, પણ ટોઈલેટવાળો આનંદ ક્ષણભંગુર હોવા છતાં આત્મા પરમાત્માવાળા આનંદ કરતા વઘુ સંતોષ આપે છે. ઉત્તમ વિચારો કદમ્બના વૃક્ષ નીચે બેસીને નથી આવતા, ટોઈલેટમાં બેઠા પછી આવે છે. આ એવી સમાધિ છે, જે જ્યાં બીજી કોઈ ગરબડ કે ટેન્શન હોતા નથી. ઉપરથી ચઢેલું ટેન્શન ઉતરી જાય છે. સુઉં કિયો છો ? 

કોક વિયાએલી કૂકડી જમીન પર ચીપકીને બેસી ગઈ હોય એમ વિભુ કમોડ પર શાંતિથી બેઠો હતો. (ગાઈડઃ કૂકડી એટલે કૂકડાની વાઈફઃ ગાઈડ પૂરી) વિભુ ઉર્ફે વૈભવને મનવાંચ્છિત વિચારો હજી શરૂ જ થયા હતા. એને ટોઈલેટ અંદરથી પણ ગમ્યું. સફેદ ટાઈલ્સ ટોઈલેટને એક ગરિમા બક્ષતા હતા. એણે તપાસી લીઘું કે, ફ્‌લશ સરખો ચાલે છે કે નહિ, કે પાછળના ખિસ્સાનું વૉલેટ મહીં પડી જાય એમ તો નથી કે ભીંત ઉપર કોઈ ગરોળી ચીપકી નથી. આપણને સહુને જંગલમાં દીપડાંની, ટોઈલેટમાં ગરોળીની અને ઘરમાં વાઈફોની જ બીકો લાગતી હોય છે. સાલા, આ ત્રણે કશું ન કરે તો ય ડરી જવાય છે. એણે એકવાર પેટ દબાવી જોયું. હમણાં હાશકારો થશે, એવી ખાત્રી થઈ. વિભુને આવી ખાત્રીઓ થાય ત્યારે મોંઢું હસુ-હસુ થાય. અત્યારનું ટેન્શન ઘડીભરમાં ઉતરી જાય પછી, અહીં બેસવાના જલસે-જલસા જ છે. કેવા મનોહર-મનોહર વિચારો આ સમાધિ ઉપર થઈ શકે છે... આહ ! સહેરાના રણમાં વાંકી ડોકવાળું ઊંટ ખુલ્લી છાતીએ બેઠું હોય, એવો એ મસ્ત થઈ ગયો. 

ત્યાં જ એના મોબાઈલની રિંગ વાગી. અચાનક જ ! (ગ્રામ(૨) સુધારણા : જગતના કોઈ મોબાઈલની રિંગ અચાનક ના વાગે. કોઈએ કર્યો હોય ત્યારે જ વાગે : સુધારણા પૂરી) 

એ સખ્ખત હેબતાઈ ગયો. આપણામાંથી કોઈને ટોઈલેટમાં બેઠા પછી ડઘાઈ જવાની જાહોજલાલીઓ કદી મળી નથી, એટલે એવા તબક્કે-એટલી જગ્યામાં ડઘાતી વખતે શું શું કરવાનું હોય, એની આપણને ના ખબર હોય. રિંગ વાગવાને લીધે વિભુ મૂળ એજન્ડા પરનું કામ ભૂલીને એવો ડરી ગયો કે, આજુબાજુના ટાઈલ્સો ઉપર હાથ મુકવા માંડ્યો. ઉપર જોયું, નીચે જોયું, મોંઢું ખુલ્લું થઈ ગયું... કારણ કે, બહાર ટુવાલ પહેરીને ઊભેલા કે શૉવર લેતા કલબના મેમ્બરોને પણ આ રિંગટોન સંભળાતો હોય, એવી ફડકને કારણે તે હિંમત હારી ગયો. સાલું કોઈ સાંભળે તો ય કેવું લાગે કે, આવડો આ ટોઈલેટોમાં જઈજઈને મોબાઈલો કરે છે ? એની બા ય નહિ ખીજાતી હોય ? 

આ ઘડીઓ અકળાવનારીઓ હોય છે. ઘંટડી ચાલુ રાખીએ તો ય કાંઈ પાપ કરી બેઠા હોઈએ એવું ફીલ થાય ને મહીં બેઠા બેઠા વાત ચાલુ કરી દેવાનો તો સવાલ જ નથી ! વળી ચાલુ ઘંટડી બંધ કરી દીધા પછી, કરનારો તો બીજી વાર કરવાનો જ છે. ના ઉપાડીએ તો ય, બહાર ટૂવાલ પહેરીને ઊભેલાઓમાં કેવી ખરાબ છાપ પડે કે, આણે કાપી નાંખ્યો છે એમાં ચોક્કસ કોઈ રાઝ છુપા હોના ચાહિયે...! 

એથી ઊલટું, ઉપાડી લે ને વાત કરે તો શું કરે ? વિભુએ તો અલબત્ત હજી જોયું જ નહોતું કે, ફોન કોનો હતો. નોર્મલી એની વાઈફ (અથવા, વાઈફોઝ !!) ગમે ત્યારે ફોનો કરતી હોય છે. વાઈફના તો સમજ્યા કે, સ્ટુપિડ ફોન હોય. અત્યારે ટોઈલેટમાં બેઠા બેઠા તને હું એ જવાબ આપવાનો હતો કે, સાંજે રસોઈમાં શું બનાવવું છે ? આ સ્થળે સાલું સૂઝે ય શું ? 

તો વાઈફ ભાગ- ૧, ૩ કે ૬ નો ફોન હોય તો ય સાલી ઈડિયટો હોય છે. ‘‘વિભુઉઉઉ... તારા વિના ગમતું નથી... જલ્દી આવ ને...! તું ક્યાં છું, વિભુ...?’’ આના જવાબમાં શું આપણે ઘટનાસ્થળનો ઉલ્લેખ કરવો ? સાચું સરનામું આપવું ? બહાર ટુવાલ પહેરીને ઊભેલાઓમાં કેવી છાપ પડે ?... આ તો એક વાત થાય છે. 

ઓકે. ફોન ઈમ્પોર્ટન્ટ હોય તો બી... બહાર નીકળીને ફોન એટેન્ડ કરી આવવાનો સવાલ ઊભો થતો નથી કારણ કે, સ્વામી અશોકાનંદજીએ કીઘું છે કે, જે કામે ગયા હોઈએ, એ પહેલું પતાઈ દેવું... ફિર યે સમા, ફિર યે બહાર, ફિર યે ચમન... મિલે ન મિલે ! અરે, સમા-બમા કે બહાર-ફહાર બધા ગયા હમણાં કહું એની... અહીં તો જોર જ એવું પકડાયું હોય કે, અડધી યુઘ્ધભૂમિ છોડીને જવાય પણ નહિ. સ્વામીજીએ વઘુમાં એ પણ કીઘું છે કે, ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ...!’ 

આમાંય, નિયમ પ્રમાણે ચાલવાનું.... આઇ મીન, બેસવાનું હોય છે ! 

રિંગ બંધ થઈ એટલે વિભુ શાંત પડ્યો. હવે મનભરીને જોઈ લીઘું, કોનો ફોન હતો ! કોક અજાણ્યો હતો. ખાલી નંબર હતો, એટલે જાણિતું તો લાગતું નથી. એને ફરી પ્રસન્નતા અનુભવી કે, હવે હું ઘ્યેય પર ઘ્યાન આપી શકીશ. 

ફરી એણે પેટને બન્ને હાથેથી દબાવ્યું. સારૂં લાગ્યું. મુંબઈ સેન્ટ્રલ આવવાને બસ, હવે બે-ત્રણ મિનીટો જ રહી હોય ત્યારે મુસાફરો કેવા ઊંચા થઈ થઈને ખુશમખુશ થતા હોય છે, એમ મંઝિલ બહુ પાસે હતી. કિનારો દૂર નહતો. વિભુએ પોતાની જાતને સ્માઈલ આપ્યું અને પોતે લઈ પણ લીઘું. 

...અને ત્યાં જ બીજી ઘંટડી વાગી. તારી ભલી થાય ચમના... આ ઘંટડા વગાડવાનો ટાઈમ છે... અને એ ય અહીં ? જીગરમાં જોર હતું એ સઘળું ભેગું કરીને આ વખતે એણે ફોન લીધો. એ હેલ્લો બોલ્યો, એમાં બહાર ઊભેલા ટુવાલીયાઓના હસવાનો અવાજ આવ્યો. આ ભોળીયો ફરી નર્વસ થઈ ગયો. એ કોઈ શાશ્વત ગૂન્હો કરી બેઠો હોય, એવું ગીલ્ટી ફીલ કરવા માંડ્યો. એણે ફોન કાપી નાંખ્યો... અવાજ કોક સ્ત્રીનો હતો તો ય ! નોર્મલી તો આવું બને નહિ ! 

એણે ટોઈલેટના લિસ્સા દરવાજા ઉપર કાન દબાવ્યા કે, ટુવાલિયાઓ મશ્કરી તો નથી કરતા ને ? કોઈ નહોતું કરતું. કવિ નર્મદની કવિતા અહીં કામમાં આવે એવી નહોતી કે, ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું... હોઓઓઓ ! કારણ કે, ટોઈલેટમાં તો માણસ શું ડગલાં ભરી શકે, છતાં નર્મદની વાતનો મર્મ પકડીને એણે મક્કમતા સાધી, ‘હવે હું નિર્ભય બનીને ફોનનો જવાબ આપીશ.’ કેવો હિમ્મતભર્યો નિર્ણય ? કેવી આકરી કસોટી ? આવનારા પડકારો ઝીલવાની કેવી ક્ષમતા...? અને તે પણ ક્યા સ્થળે, એનો તો વિચાર કરો ! 

...અને અચાનક, બન્ને ઘ્યેયપ્રાપ્તિઓ એક સાથે જ થવા ગઈ. આ બાજુ ફરી એકવાર રિંગ વાગી ને આ બાજુ બોરિવલી આવી ગયું હતું. સામાન લઈને નીચે ઉતરવાની જ વાર હતી. એણે ફોન ઉપાડ્યો. સ્ત્રીનો કંઠ હતો એટલે અહીં પણ આ તબક્કે મીઠાશ કેટલી મઘુરી લાગે ? એ વહાલ અને વાત્સલ્યથી બોલ્યો, ‘‘હેલ્લો, વિભુ હીયર...’’ 

‘‘સર જી, હું પોપટ છાપ ફિનાઈલની સેલ્સગર્લ બોલું છું. હાલમાં અમારી સ્કીમ ચાલે છે, ફિનાઈલના બે પિપડાં લેનારને એક પિપડું ફ્રીમાં આપી---’’ 

વિભુડો છત સુધી કૂદ્યો હશે... એવી અવસ્થામાં ય ! એ કોઈ ગાળ બોલ્યો. બહાર ઊભેલા ટુવાલીયાઓ પગના પંજા ઉપર ઊભા થઈ જાય એવી મોટ્ટી ગાળ...! પિંજરામાં રીંછ સળીયા ઉપર માથું પછાડતું હોય, એમ વિભુ ટોઈલેટની દિવાલોને અથડાયો, એમાં એનો મોબાઈલ પડી હાથમાંથી છટકીને સીધો ફ્‌લશમાં...! 

આપણી જ માલિકીની ખોવાયેલી કેટલીક ચીજો નજર સામે હોવા છતાં આપણે કાંઈ કરી શકતા નથી, એમ વિભુ મોબાઈલને લાચારીથી જોઈ રહ્યો, ‘‘અનારકલી કૈદ કર લિ ગઈ ઔર મૈં દેખતા રહા...’’ ફ્લશમાંથી જવાબ આવ્યો, ‘‘...ઔર તુમ કર ભી ક્યા સકતે હો, સલિમ ?’’


સિક્સર

- થોડા દહાડા માટે નવરાત્રીનો ચાર્મ જતો રહ્યો !
- કેમ ?
- અરે, થોડી મોડી આઈ હોત તો આ વખતના ગરબા ‘ઓપ્પન ગન્ગનમ સ્ટાઈલ’થી કરાવત ને ?

No comments: