Search This Blog

13/11/2012

મહાન ડાકુ રબ્બરસિંઘ મહાકવિ બન્યો

‘‘કિતને કવિ થે?’’

‘‘દો, સરકાર.’’

‘‘વો દો કવિ થે.... ઔર તુમ તીન... ફિર ભી વાપસ આ ગયે....! ખાલી બગલથેલા?..... શાયર કે બચ્ચોં....! ક્યા સમઝકર આયે થે, કિ સરદાર બહુત ખુસ્સ હોગા, ‘રણજીતરામ’ (સુવર્ણચંદ્રક) દેગા, ક્યા...?’’

એ પછી મહાકવિ રબ્બરસિંઘ એક તૂટી ગયેલા કવિના આખા બગલથેલામાં મોઢું નાંખીને પૂછે છે, ‘‘કિત્તી ગઝલ હૈ ઇસ કે અંદર...?... કિત્તી ગઝલ હૈ...?’’ કવિ પ્રામાણિક હતો. એણે કહી દીધું, ‘‘છ ગઝલો છે સરદાર.’’

‘‘બહુત નાઇન્સાફી હોગી... ગઝલ છેહ... ઔર શાયર તીન... બહુત નાઇન્સાફી હોગી...’’

એમ કહીને રબ્બરસિંઘ ત્રણ ગઝલો જસવંતછાપ બીડી પીવામાં બાળી મૂકે છે, બગલથેલાને હવામાં ગોળગોળ ઘુમાવી દે છે ને આ તો કેમ જાણે, પરિષદ–પ્રમુખ ગત વર્ષના પારિતોષિકો જાહેર કરતા હોય એવા વાત્સલ્યથી બોલ્યો, ‘‘ઇસ બગલથૈલે મેં તીન જીંદગી ઔર તીન મૌત બંદ હૈ.... દેખે કિસે ક્યા મિલતા હૈ....!’’

માથામાં કચરા પડેલા લાંબા વાળ અને લાલપીળા ઝભ્ભા–લેંઘા ફક્ત કવિઓ અને ડાકુઓ રાખે છે. કમનસીબે, હજી કવિવર ટાગોરની કક્ષાએ ગુજરાતનો કોઇ કવિ પહોંચ્યો નથી. ટાગોર ખભાથી જમીન પર ઢસડાય એવો ‘રૉબ’ પહેરતા હતા. એકે ય કવિ માથામાં હજી નરસિં મેહતા જેવી–કપાળથી બોચી સુધીની ટોપી પહેરતો નથી. અરે, મારૂં તો એ કહેતા શરમથી માથું ઝૂકી જાય છે કે, ગુજરાતનો હાલનો એકે ય કવિ, મહાન કવિ મણીલાલ નભુભાઈ દ્વિવેદી જેટલી સંખ્યામાં સ્ત્રીઓ સાથે ‘ઘર–ઘર’ પણ રમી શકતો નથી.....!

રબ્બરનો આદેશ હતો કે, ગામ લૂંટવા જાઓ, ત્યાં કવિઓ જેવા આડાઅવળા ઝૂલ્ફા રાખવાના. જે ચટાપટાવાળા રંગો જોઇને સિપાહી પોતાની તલવાર, ધરતી પોતાનો મારગ અને તંત્રીઓ કવિતાનો પુરસ્કાર આપવાનું ભૂલી જાય છે, એ રંગોના ચોયણી–ઝભ્ભા સિવડાવવાના. આ ત્રણે ડાકૂકવિઓએ વધુ ‘ફેસન મારવા’ કંતાનના ઝભ્ભા સિવડાવ્યા હતા, એ હિસાબે ગુજરાતી સાહિત્યના ઘણા વર્તમાન કવિઓ કરતાં વધુ સારા લાગતા હતા.

પહેલા કવિના કાનમાં રબ્બરે ગઝલનો એક ટુકડો ફૂંક્યો, ‘‘મારા લમણામાં કંકુના દીવા આથમ્યા....’’ પેલો નવોદિત કવિ હતો. એને મુશાયરાના રસ્મ–ઓ–રિવાજ હજી કંઠસ્થ થયા નહોતા કે, કોઇ શાયર આટલો ટુકડો બોલે, ત્યાં જ, ‘‘ક્યા બ્બાત હૈ.... ક્યા બ્બાત હૈ’’ એમ બબ્બે વખત બોલવાનું હોય છે. એ તો એવું કાંઇ બોલ્યો નહિ. રબ્બરને નવાઈ લાગી, ‘‘બચ ગયા સાલા...’’

બીજા કવિના કાનમાં એણે બીજો શે’અર કીધો, ‘‘ચોવીસ ગુણ્યા છન્નુ, કેટલા થયા? તારા બાપનું  કપાળ, એટલા થયા...!’’ બીજા કવિએ પણ કાંઇ રિઍક્ટ કરવાને બદલે પૉકેટ કૅલક્યુલેટર કાઢ્યું ને, જીવ બચાવવા ૨૪ ગુણ્યા ૯૬ કેટલા થાય એ ગણવા માંડ્યો. એ સિવાય એની ઉપર રબ્બરની ગઝલનો કોઇ પ્રભાવ ન પડ્યો. રબ્બરને ફરી નવાઇ લાગી. ‘‘યે ભી બચ ગયા....’’ ડાકુ–કવિઓમાં સોપો પડી ગયો. હાળા રબ્બરીયાનું કાંઇ ઠેકાણું નહિ. આ બે તો બચી ગયા, તો આપણામાંથી કોઇ બે ને બોલાવીને સ્વરચિત હાઇકુ–ફાઇકુ હંભળાઇ મારશે, તો ઘેર પહોંચ્યા પછી કયા મોંઢે વાઇફ વાઈફની પાસે જઇ શકીશું? ઉત્તર ગુજરાત બાજુના વિવેચકો કહે છે કે, રબ્બરસિંઘ હાઇકુ છોડે, ત્યારે તમાકુને કારણે એના મોંઢામાંથી આજુબાજુના પચાસ–પચાસ કોસ દૂરના ગામડાં સુધી ગંધો મારતી, એમાં બાળકો સુઇ જતા.

‘‘તેરા ક્યા હોગા, કાલીયા...?’’ ત્રીજો કવિ કાળીયો એક જમાનામાં પરિષદનો પ્રમુખ પણ બન્યો હતો એટલે કે, ‘મામુ’ બન્યો હતો. એ તો રિવાજ પડી ગયો હતો કે, ચોક્કસ ડાકુ સાહિત્યકારને જ્ઞાનસત્રો  કે પરિષદના અધિવેશનોમાં આવતો બંધ કરવો હોય તો એને પ્રમુખ બનાવી દેવાનો. આમ તો સીધી રીતે કહીએ કે, પણ ‘હવે તમારા સાહિત્યના ભાવકોને હવે જરૂર નથી’, એવું કહી દો તો ઘોડે ચઢી ચઢીને આવે, પણ એક વાર એને પરિષદ–પ્રમુખ બનાવી દો, એટલે ગયો બિચારો! કાળીયાને પરિષદ–પ્રમુખ બનાવવામાં રબ્બરસિંઘનો બહુ મોટો પગ હતો.... (હાથ નહિ કારણ કે, રબ્બરના પગની ચંપીઓ કરી એ જ પગની લાતો ખાઇ ખાઇને કાળીયો આવા મોભાદાર સ્થાને પહોંચ્યો હતો.)

‘‘સરદાર, મૈંને આપકી કવિતા સુની હૈ.... જોડકણે સુને હૈં.... આપકી ગાલીયાં સુની હૈ....’’

‘‘અબ.... મેરી ગઝલ સુન....!’’ એમ કહીને રબ્બરસિંઘે કાલીયાના કાનમાં ‘માં–બેન’ની એક ગઝલ સંભળાવી. શીર્ષક હતું, ‘ગાળોમાં ગઝલ’ ને તો ય કાલીયો હલ્યો–ચલ્યો નહિ. રબ્બરને આંચકો લાગ્યો. દિગ્મુઢ થઇ ગયો. સામાન્ય રીતે તો કવિઓ પોતે દિગ્મૂઢ થતા નથી, એમના શ્રોતાઓ થતા હોય છે, પણ ત્રણે કવિઓ આરપાર નીકળી જતા રબ્બરસિંઘ બહુ હતપ્રભ થઇ ગયો. એના માનવામાં જ કાંઇ આવતું નહોતું. એ ખુંખાર હસી પડ્યો, ‘‘તીનોં બચ ગયે... તીનોં હરામજાદોં કો ગઝલ નહિ લગી... તીનોં બચ ગયે...!’’

રબ્બર હસે ત્યારે બધાએ હસવું પડે એટલે સમજ્યાજાણ્યા વિના સહુ કવિઓ હસવા માંડ્યા. એક–બેએ તો પોતાની જુની પોટશયુક્ત કવિતાઓના હવામાં ભડકા ય કર્યા.

‘‘મુશાયરા કબ હૈ...? ઉસ ઠાકૂર કે બચ્ચે કો વિવેચક કી મૌત મરના હૈ....! ’’ રબ્બર માટે હોળી કે મુશાયરો સરખી ઘટનાઓ હતી, એટલે નૅક્સ્ટ કવિ–સંમેલન ક્યારે છે, એ ડાકુઓને પૂછીને આગામી યોજનાની તૈયારીઓ જાહેર કરી. 

ડાકૂમિત્રો કામે લાગી ગયા.

અહીં અંક પહેલો પૂરો થાય છે. ઉપરોક્ત ઘટનાની પૂર્વભૂમિકા કંઇક આવી હતી:

હરામગઢના ઠાકૂર સાહેબ બન્ને હાથે ઠૂંઠા હતા. કહે છે કે, એક કવિ–સંમેલનમાં ‘ન સહેવાય, ન રહેવાય’ એવી કવિતા કોક કવિડો લલકારી રહ્યો હતો, એ સહન ન થવાની ઠાકૂર સાહેબે ફિલ્મી હીરોઇનની જેમ, બન્ને હથેળીઓ કાનો ઉપર ભારે વજનથી દાબી દઇ, ‘‘નહિં...ઇઇઇઇઇઇઇઇ’’ નામની ફૅમસ બૂમ પાડી હતી, એમાં બન્ને હાથે ઠૂંઠા થઇ ગયા હતા. મુશાયરાઓમાં રબ્બરસિંઘ ચોરી કરેલી ગઝલો અને શેર–ઓ–શાયરી લાચાર શ્રોતાઓ ઉપર બેદિલીથી ફટકારતો હતો. એનો તાપ એટલો ખૌફનાક કે રબ્બરના થેલામાં કવિતા–ગઝલોનો સ્ટૉક ખલાસ થાય, ત્યારે એના ડાકૂઓ મારતે ઘોડે ગામ ઉપર ત્રાટકીને આ ગરીબ હરામગઢવાસીઓના ઘરોમાં જે કાંઇ ઍંઠી–જૂઠી અને વધેલી–ઘટેલી શેર–શાયરીઓ ને કવિતાઓ પડી હોય, એ લૂટીને જતા રહેતા. રબ્બરના આખા વર્ષના મુશાયરાઓ એમાં નીકળી જતા.

રબ્બરના તાપથી બચવા ઠાકૂરસાહેબે જૅલમાંથી જય અને ચીરૂ નામના બે બદમાશોને હરામગઢ બોલાવ્યા હતા. એક જમાનામાં રસ્તા ઉપર કવિઓના બે જૂથો વચ્ચે ઉઘાડેછોગ થતી કવિતાબાજીઓમાં (‘ઢેખાળાબાજી’નો સાહિત્યિક અનુવાદ) જય અને ચીરૂની ગઝલોને બેફામ દાદ મળતી ઠાકૂરસાહેબે જોઇ હતી. કવિ રબ્બરસિંઘની કવિતાઓનો કચ્ચરઘાણ વાળવા આ બે બદમાશો કાફી છે, એવો એમને વિશ્વાસ.

.... અને એમનો વિશ્વાસ સાચો ઠર્યો.

મહાકવિ રબ્બરસિંઘે ગુફાસત્ર ગોઠવ્યું હતું. અન્ય ડાકૂ–સર્જકો સાથે ઊંચા ઊંચા ખડકો ઉપર એનો ખાસ ચમચો સામ્ભા ‘રબ્બરસિંઘ – સાડા પાંચ અક્ષરનું નામ’ નામનો ગ્રંથ હાથમાં લઇને બેઠો હતો. ખભે બંદૂકોને બદલે ડાકૂઓ આજે શૉલ ઓઢીને પધાર્યા હતા. વારો આવે, એમ દરેક કવિ પોતાની રચના સંભળાવતો જાય. રબ્બર હથેળીમાં તમાકુ અને ચૂનો ઘસતો ઘસતો દાદ આપતો જાય. અલબત્ત, એની દાદમાં ‘વાહ વાહ’ કે ‘ઇર્શાદ–ફિર્શાદ’ ન હોય, બંદૂકના ભડાકા હોય. કોક કવિ માઇક છોડતો જ ના હોય તો, રબ્બર એને દુનિયા છોડાવી દેતો. એક પછી એક કવિઓ આવતા ગયા ને છેલ્લે મહાકવિ રબ્બરસિંઘ પોતાનું છસ્સો પાનાનું ‘લઘુકાવ્ય’ વાંચવા ઉભા થયા. ઉપસ્થિત શ્રોતાઓએ તરન્નૂમમાં રજુઆતની માંગણી કરી, પણ બીડીના ઠૂંઠા પી પીને રબ્બરનો અવાજ દેશના વડાપ્રધાન બનવાને લાયક થઇ ગયો હતો... કેમે કરીને નીકળે જ નહી! છતાં હજી તો એ ખોંખારો ખાવાની શરૂઆત જ કરે છે ત્યાં જ, પરિષદ કાર્યાલયના ધાબા ઉપરથી જય અને ચીરૂએ કાગળના ડૂચા સ્વરૂપે, આડેધડ એક પછી એક મોટા ધમાકાઓ કરતી નઝમ, ગઝલ, હાઇકૂ, કવ્વાલી, ભક્તિકાવ્ય, અછાંદસ અને ‘કેટલાક ગણિત કાવ્યો’ સભામંડપમાં ફેંકવા માંડ્યા. રબ્બરનું મોઢું પહોળું થઇ ગયું. શ્રોતાઓમાં નાસભાગ થવા લાગી. અલબત્ત, કવિઓએ પ્રતિકાર કર્યો અને વળતા હૂમલા તરીકે જય અને ચીરૂના મોઢાં ઉપર એ લોકો પણ સ્વરચિત કવિતાઓનો ધધૂડો ઢોળવા લાગ્યા. કમનસીબે, એમાંનુ એક બાળકાવ્ય સીધું જયની છાતીની આરપાર નીકળી ગયું. આમ તો એ રચનાથી જય મરત નહિ, પણ કૉલેજના દિવસોમાં જયે જે છોકરી માટે પ્રેમગીત લખ્યું હતું, તેને એ છોકરીએ બાળકાવ્ય કહી જયનો કચરો કરી નાંખ્યો હતો. જયને ખૂબ માઠું લાગી આવ્યું હતું. ‘‘હવે હું પાકું નામું લખીશ પણ કવિતા કદી નહિ લખું...’’ એવી જંગલી–પ્રતિજ્ઞા લીધી હતી. પણ હોનીને કોણ ટાળી શક્યું છે...? રબ્બરસિંઘના ડાકૂઓ સાથેની મૂઠભેડમાં કોક કવિએ લાગ જોઇને જયની છાતી ઉપર એ જ બાળકાવ્ય... સૉરી, પ્રેમગીત ફેંક્યુ. સહેજ બી ટાઈમ બગાડ્યા વિના જય અરિહંતશરણ થયો.

મૉરલ ઑફ ધ સ્ટોરી

કવિ સંમેલનનો આધાર લઇ, કવિ ડાકૂ બની શકે છે, પણ ડાકૂ કવિ બની શકતો નથી. અલબત્ત, વાચકોએ પોતપોતાના અનુભવ મુજબ, આ નિરીક્ષણ ઉલટપુલટ કરી શકે છે. 

(ચિત્રલેખા દિવાળીઅંક 2012માં પ્રકાશિત)

No comments: