Search This Blog

07/11/2012

મોબાઇલીયાઓનો ત્રાસ...!

ભગવાન પરશુરામે સમગ્ર ધરતીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. મતલબ, આ ધરતી પર કોઈ ક્ષત્રીય બચવો ન જોઈએ. એ બ્રાહ્મણ હતા. જાતે મરવાના થયા હતા બધા ક્ષત્રીયોને તો મરાયા નહિ. બ્રાહ્મણોનું કામ મારવાનું નહીં, મરવાનું હોય, એ સમજ ટાઇમસર આવી ગઈ એટલે 'બ્રાહ્મણો' બચી ગયા !

પણ આજે બીજો પરશુરામ જાગી ઉઠયો છે, જેને દુનિયા 'અશોક દવે'ના નામથી ઓળખે છે. હું ક્ષત્રીયોનો નહિ, મોબાઇલીયાઓનો સંહાર કરવા માંગુ છું. આવતીકાલના મંગળ પ્રભાતે નેહરુબ્રિજની પાળી ઉપર ચઢીને અવાજની પૂરી બુલંદીથી એલાન કરવા માંગું છું કે, જે દિવસે મારા શરીરમાં દાઉદ ઇબ્રાહિમનો જીવતો આત્મા પ્રવેશ્યો, એ દિવસે ગુજરાતના તમામ (SMS) એસએમએસીયા અને ઇ-મેઇલીયાઓનો કચ્ચરઘાણ વાળી નાંખીશ. કોઈને છોડીશ નહિ. લોકો રોજ સવારે નવરા પડે છે ને મારા કોઈ વાંકગૂનાહ વગર મને SMS ઠોકે છે. મારું જીવન ખાડે ગયું હશે, મારે હવે સારા વિચારો કરવાની ખૂબ જરૂર છે, મારી લાઇફમાં કોઈ ઉચ્ચ કોટીના જ્ઞાનનો પ્રકાશ પથરાવવો જોઈએ, મારે હસવું જરૂરી છે અથવા ઉર્દૂ શેર-ઓ-શાયરીઓથી મારો હાલનો હાસ્યલેખકનો દેખાવ શાયર જેવો થઈ શકશે, એવી શુભેચ્છાઓ સાથે આ લોકો રોજ મંડી પડે છે. મને ઉત્તમ વિચારોના SMS ઠોકવા અથવા જોક્સ મોકલવા, એમના માટે મફતીયું થઈ ગયું છે. એ બધાનો હવે અંતિમ સમય આવી ગયો છે. હું એ સહુને હણીને જંપીશ. પરમાત્મા મારી રક્ષા કરજો, કારણ કે હું નથી જાણતો કે હું શું કરી રહ્યો છું. (એમને હણવા માટે મારી પાસે કાતિલ ઝેર પડયું છે. એટલે કે, એમના SMS ના બદલામાં હું એમને મારા લેખો વાંચવા મોકલવાનો છું. દુનિયા નહીં તો શહેર છોડીને ભાગી ન જાય તો આપણું નામ જેન્તી જોખમ રાખી દેજો...! આપણો ગુસ્સો બહુ ખરાબ...!)


કાંઈ પણ કામધંધા વિનાના આ નવરાઓ આપણને SMS શું કામ મોકલતા હશે, એના મે કેટલાક સંશોધનો કર્યા છે. કેટલાક એટલે બે. (આમાનું પ્રથમ સંશોધન તદ્દન ફાલતુ છે, પણ બીજું તો મારા ય ગળે ઉતરે એવું નથી છતાં અમારા સાહિત્યની ભાષામાં જે પુસ્તક ચાલે એવું ન હોય, એને 'વિના મૂલ્યે ભેટ' તરીકે ગામ આખાને બઝાડી દેવાય. ઘણીવાર ગેસની સગડીના ચાર પાયામાંથી એક પાયો ઉંચો થઈ ગયો હોય, તો ત્યાં આવું પુસ્તક ભરાવવાના બહુ કામમાં આવે છે.)

સંશોધન પહેલું : સરકાર કોઈનો સંહાર કરવા માટે હથિયાર રાખવા દેતી નથી, પણ એ જ કામ માટે મોબાઇલ ફોન રાખવા દે છે. કોઈને રીવોલ્વર- છરાથી મારવો ઇ.પી.કો. મુજબ ગુન્હો બને છે, પણ SMS ઠોકી ઠોકીને કોઈને લાંબો કરી નાખવામાં કોઈ ગુન્હો બનતો નથી.

સંશોધન બીજું : મૃત્યુના કોઈ ૨૫- ૫૦ કે ૫૦૦ પ્રકારો શોધાયા નથી. એ એક જ ટાઇપનું છે. સીધા ઢબી જાઓ- શ્વાસબાસ લીધા વિનાના, એટલે તમે મરી ગયા કહેવાઓ. આ સિવાય અન્ય કોઈ પ્રકારે મૃત્યુ થતું નથી. પણ મહાન અશોકે નવું મૃત્યુ શોધી કાઢ્યું છે, જે તમને કલાકે- કલાકે કે મિનિટે- મિનિટે મારી શકે છે, જેનું નામ છે, મોબાઇલ- મૌત, જો જીને ભી નહિ દેતા ઓર મરને ભી નહિ દેતા... હાહ... ! મનુષ્ય દેહ માટે સૌથી કાતિલ ઝેર પોટેશિયમ- સાયનાઇડ મનાયુ છે, તેમ મોબાઇલના વિશ્વમાં SMS ને સાયનાઇડથી ય વધુ કાતિલ ઝેર મનાયું છે. પેલામાં શું કે, સીધું ઢફ જ થવાનું હોય છે. મોબાઇલીયા મૌતમાં નથી તમે જીવી શકતા, નથી અરિહંત શરણ થઈ શકતા... કટકે- કટકે જીવો છો ને કટકે કટકે મરો છો.

આમાં એ લોકોના બાપનું શું જાય છે ? (જવાબ : કાંઈ નથી જતું. જવાબ પૂરો) કાચી સેકન્ડમાં ગ્રુપ SMS દ્વારા એક સાથે હજાર હાથીઓ હણી શકાય, એટલે એમને તો ખાલી બટન જ દાબવાનું. આપણે કામમાં બેઠા હોઈએ ને મોબાઇલમાં 'ટુન્ગ...' વાગે, એટલે કોઈ મરી ગયું લાગે છે, એવા ફફડીને SMS કરનારનું સ્ક્રીન પર નામ વાંચીએ. નામ વાંચીને જીવ બળી જાય ને નિરાશ થઈ જવાય કે, એ પોતે તો હજી જીવતો છે. આગળનું બટન દબાવીએ ત્યાં સુધીમાં એના ફેમિલીમાંથી એક પછી એક સહુને ધ્રૂજતા મોબાઇલે યાદ કરીએ, એ નહિ તો ઘરનું બીજું કોણ ઉકલી ગયું હશે ? એની વાઇફ તો જોવી ગમે એવી છે... એને આમ મોબાઇલના મૌતે મરવા ન દેવાય. એના ફાધર ડચૂક- ડચૂક હતા, એ ભલે જતા. એની ડોસી બીજા પચ્ચીને મારીને મરે એવી છે, એટલે એ તો નહીં જ ગઈ હોય, તો પછી આ કોના આખરી ડચકા હશે ? આપણે ગભરાઈ ના જઇએ ! અને SMS ખોલીએ એમાં લખ્યું હોય, 'આ ધનતેરસ આપને ખૂબ ફળે, એવી ઇશ્વરને પ્રાર્થના...' તારી જાતના...! મારી ધનતેરસ સુધરે એના સંદેશા તું મને શેનો મોકલાવે છે ? ગામ આખાનું કરી નાંખ્યું છે ને હિસાબ પેટે હજી તારી પાસે મારે રૂ. ૨૬૪/- લેવાના નીકળે છે. મારી ધનતેરસ સુધારવી હોય તો સાંજના ઘરે જ છું... લાખ બે લાખ મોકલાવી દે.... ને પછી ધનતેરસ સુધારવાની વાત કર... ધનતેરસ જ નહિ, મારી કાળી ચૌદશે ય સુધરી જશે, પણ એક ૫૦ પૈસાના SMS માં તું મને શેનો ખુશ કરવા માંગે છે ?

સવાલ એકાદો SMS ખોલવાનો નથી. એની વિધિ લાંબી અને કંટાળાજનક હોય, તેનો છે. આપણા મેસેજ ફોલ્ડરમાં કોઈ છસ્સો- સાતસો પડયા હોય, એ જોવા પહેલા મોબાઇલના મેનુંમાં જવાનું. ત્યાંથી મેસેજિંગમાં જવાનું, એ પછી ઇનબોક્સ ખોલવાનું, એ પછી પેલાના નામ ઉપર ક્લિક કરવાની, ત્યારે ખુલે. ખુલ્યા પછી એના બાપે રામાયણ લખી હોય, એમ આનો આખો SMS નીચ ઉતારતા જવાનું... આટલું વાંચતા તમને કંટાળો આવે છે, તો ખોલતા અમારી શી દશા થતી હશે ? મોકલે એમની બાઓને... ! ખબર તો પડે કે, આવા SMS વાંચીને એ બધીઓ કેવી ખીજાય છે !

આ તો સ્ટોર થયેલા SMS ની રમઝટ છે. હેરાન તો ત્યારે થવાય કે, આપણે કોઈ મહાન યજ્ઞ કરવા બેઠા હોઈએ અને તન અને મનથી ખૂબ બીઝી હોઈએ (સમજો છો ને ?) એ વખતે અચાનક મોબાઇલનું 'ટુન્ગ' વાગે એટલે મોબાઇલમાં માથું નાખવાનું. એક ખોલ્યો, વાંચ્યો, નિરાશ થયા કે કોઈ ગયું નથી, એને રદબાતલ કર્યો, બીજો ખોલ્યો, 'સન્ટા-બન્ટા'નો ૩૩,૦૦૦ વર્ષ જૂનો કોઈક જોક હોય, એ વાંચવો પડે અને વાંચી લીધા પછી અહીં ન લખાય પણ મનમાં બોલાય એવી ગાળ બોલવાની. તો આવતા જન્મે મોક્ષ મળે. મોકલનારના બાપનું તો કાંઈ જતું નથી, એટલે આપણે ત્રીજો ખોલીએ, અહીં આપણને ગુજરાતીમાં સરખી સમજ પડતી નથી ને પેલાએ ઉર્દૂ-ફારસી જબાનવાળો કોઈ શૅ'ર મોકલ્યો હોય... તારી ભલી થાય ચમના... જે દહાડે મારી હટી ગઈ, એ દહાડે હું તને 'બ્રેઇલ લિપિ'માં SMS મોકલીશ. ઉર્દૂમાં મને મેક્સિમમ... 'મુહબ્બત' શબ્દ આવડે છે કારણ કે એ કામ મને આવડતું નહોતું ત્યાં આ શૅરમાં * * * સર-ઓ-સામાં નીકલા, કૈસી તસ્વીર કે પર્દે મેં પૂરીયા નીકલા...' આમાં શું સમજવું, એ તો પછીની વાત છે, પણ આ શૅ'ર સાથે મારા આખા ખાનદાનને શી લેવાદેવા ?

સામ્મેની ભીંત ઉપર મોબાઇલનો છૂટો ઘા કરવાનું ઝનૂન ન ઉપડે ? (જવાબ : મોબાઇલ આપણો હોય તો ન ઉપડે ! જવાબ પૂરો.) ઓ. કે. મોબાઇલ તો આપણો જ હોયપણ એ SMS મોકલનારને ઉપાડીને સીધ્ધો સામેની ભીંત ઉપર પછાડવો ન જોઈએ ? (જવાબ : મોકલનાર એની વાઇફ હોય તો ઉપાડીએ...પણ એ પોતે હોય તો કમરના મણકા આપણા ખસી જાય ! જવાબ પૂરો)

મારી ઉપર રોજના એવરેજ અઢીસો SMS આવે છે. એટલા તો તમારે ય આવતા હશે, પણ તમે તો નવરા છો, હું નથી. આમ મારે બીજું કોઈ કામ છે નહિ, પણ રોજના ૨૫૦ SMS વાંચવામાં હું લાંબો થઈ જાઉ છું. તમે લોકો એવા બદમાશો છો. આવેલા તમામ SMS કાચી સેકન્ડમાં તમે ઉડાડી મારો છો ને હું ભરાઈ જાઉં છું. એક એક ખોલી ખોલીને વાંચવાનો ! (પેલી લાલચ હોય ને કે, હાળો ઢબી ગયો લાગે છે...! ને આમે ય, સફેદ ઝભ્ભા- લેંઘામાં હું જરા વધારે રૂપાળો લાગું છું !)

હવે તૈયાર રહેજો. શરુઆત ધનતેરસના SMS થી થવાની.

હજી આપણો ફફડાટ તો આવતા વીકથી શરુ થવાનો છે. દિવાળી આવે છે એટલે એ લોકો ઘેર બેઠા સાલા મઠીયા- ફઠીયાનો ય ખર્ચો કર્યા વિના આપણને દીપાવલીની શુભેચ્છા મોકલાવશે. મારે સમજવાનું હજી બાકી છે કે, મારી દિવાળી સુધારીને એમને શું કામ છે ? મેં તો ઓર્ડર આપ્યો નથી.

સિક્સર

- આ તો માની લો કે, ગુજરાતમાં કોંગ્રેસ આવે.. તો આજે એમને ય ખબર નથી કે મુખ્યમંત્રી બનવા કોણ વધુ લાયક છે... શક્તિસિંહ, મોઢવાડીયા, સિદ્ધાર્થ, શંકરસિંહ કે નરહરી... ?

- સર જી, ત્યાં એવો ઝઘડો થાય જ નહિ ! એ લોકો ય એટલા મોટા સપના નથી જોતાં...!

2 comments:

Anonymous said...

Please share your mobile number hahaha

Anonymous said...

આગળ એકવાર ઍનકાઉન્ટરમાં કોઇકે દવે સાહેબનો મોબાઈલ નંબર માંગ્યો હતો. દવે સાહેબે જાહેરમાં એમનો મોબાઇલ નંબર આપ્યો હતો, તમે ય નોંધી લો. 00000-00000