૧. તમારે ત્રીજી આંખ છે ?
- બે બરોબર છે, પણ ત્રીજી જરા બાંડી છે !
(લલિત ઓઝા, જૂનાગઢ)
૨. ફાંસીની સજા પામેલા અફઝલ ગુરૂ જેવા આતંકવાદીઓને નિભાવવા સરકાર ક્યાં સુધી ખર્ચા કરતી રહેશે ?
- એક ભારતવાસી તરીકે હવે તો આપણે ઈચ્છવું જોઈએ કે, અફઝલની ફાંસી લંબાતી રહે. જુઓ. કસાબને અચાનક જ લટકાવી દેવાયો, એમ હવે મારો વારો નિશ્ચિત છે, એ ફફડાટ એને જીવવા નહિ દે ને મરવા નહિ દે. મૌત કરતા મૌતનો ભય વધારે બિહામણો હોય છે.
(ફિઝ્ઝા એમ. આરસીવાલા, મુંબઈ)
૩. ‘પહેલું સુખ તે જાતે નર્યા’, તો ‘છેલ્લું સુખ તે ફેરા ફર્યા ?’ સુઉં કિયો છો ?
- ફેરા ન ફરો તો છેલ્લું સુખે ય જાતે નર્યા જેવું લાગશે.
(ધ્રૂવકુમાર વ્યાસ, અમદાવાદ)
૪. અભિનેત્રી દેવિકારાણીએ નવાસવા અશોકકુમારને જોઈને કહેલું, ‘‘આ છોકરો હીરો નહિ બની શકે’’ છતાં એ જ હીરો સુપરસ્ટાર બનીને મળ્યો. તમારા જીવનમાં આવો કોઈ વળાંક ખરો ?
- મને જોઈને તો આજે ય લોકો કહે છે, ‘‘આ બુઢ્ઢો હાસ્યલેખક કદી નહિ બની શકે !’’
(દેવેન્દ્ર શાહ, વડોદરા)
૫. તમારી કૉલમે મને વર્ષો પહેલાં આઈ.એસ. જોહરની ‘ફિલ્મફૅર’ની કૉલમની યાદ અપાવી...
- જોહર તમને માફ કરે !
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
૬. તમે ખુશ હો ત્યારે વાઈફને શું કહીને બોલાવો છો ?
- હંહ...! ઘરમાં કોઈ ગોરધન ખુશ હોતો હશે...???
(દિનેશ હીરાણી, તારાપુર-આણંદ)
૭. ગામડું અને શહેરના કલ્ચર વચ્ચે મુખ્ય તફાવત કયો ?
- શાંતિ અને પ્રદુષણનો.
(રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદ)
૮. માઈક હોવા છતાં નેતાઓ એમના ભાષણોમાં બૂમો પાડીને કેમ બોલે છે ?
- અસત્ય છાપરે ચઢીને પોકારે.
(શૈલેષ બામણીયા, વીરપુર)
૯. લાંબા આયુષ્ય માટેનું ‘કરવા ચોથ’ જેવું વ્રત પતિ કેમ પત્ની માટે નથી રાખતો ?
- વ્રત હાળું ફળી જાય તો ?
(અફરોઝબેન મીરાણી, મહુવા)
૧૦. પરણતો નથી, છતાં રાહુલ ગાંધીની બા કેમ ખીજાતા નથી ?
- હાલમાં બા દેશના સૌથી શક્તિમાન વાંઢા ઉપર ખીજાવામાં પડ્યા છે !
(ડૉ. ભાલચંદ્ર હાથી, ગાંધીનગર)
૧૧. મુંબઈમાં આપના માટેના ‘ઍન્કાઉન્ટર’ના કાર્યક્રમમાં આપની ગેરહાજરીથી એવું લાગ્યું કે, મહેમાનો યજમાનની રાહ જોતા હતા...
- ‘બચ ગયા, સાલા...!’ એવું ય ઘણા કહેતા’તા...!
(સ્વપ્નેશ મોદી, વ્યારા)
૧૨. પત્ની પતિની દોસ્ત કેમ બની શકતી નથી ?
- કેમ, ઘરમાં બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?
(હરિશ કે. અસ્વાર, જામનગર)
૧૩. ગાય-ભેંસ ગમે તેવું અશુઘ્ધ ખાય છે, છતાં દૂધ ચોખ્ખુ આપે છે, જ્યારે માણસ ચોખ્ખુ ખાઈને અશુઘ્ધ આચાર-વિચારો કેમ આપે છે ?
- ગાય-ભેંસોને નાનકડો એંઠવાડ ખાવા ય મ્યુનિ. ઑફિસોમાં લાઈનમાં ઊભા રહેવું પડતું નથી !
(સલમા મણીયાર, વિરમગામ)
૧૪. મને દાઢીવાળા પુરૂષો નથી ગમતા, છતાં મને એ જ મળ્યો છે... શું કરવું ?
- એની દાઢી ઉપર હાથ રાખીને પ્રેમ કરવો.
(આરતી નાણાવટી, રાજકોટ)
૧૫. રાષ્ટ્રપતિ બુઝુર્ગોને કે કેમ બનાવાય છે ?
- પ્રતિભા પાટીલે જે રીતે દેશને ખાડામાં ઉતારી પોતાના ફૅમિલીને અમનચમન કરાવ્યા છે, એ જોતા રાષ્ટ્રપતિ બુઢ્ઢા હોય કે ઘોડીયામાં હોય... દેશને તો માર જ ખાવાનો છે !
(અજય મુંજપરા, લીંબડી)
૧૬. તમે ‘એનકાઉન્ટર’માં SMS ની મજાક ઉડાવો છો... શા માટે ? (SMS = સરદાર મનમોહન સિંઘ)
- હું કદી ય મજાક ઉડાવતો નથી. સાચું કહું છું. કમનસીબે, પ્રજા એને મજાક સમજી લે છે.
(ટી.વી. બારીયા, વડોદરા)
૧૭. રામદેવ બાબા જાહેરમાં અધખુલાં આવે છે. કેવું ગંદુ લાગે છે ?
- આપણા દેશની કમનસીબી છે કે, ધર્મને નામે નાગાં ફરો તો ય કોઈ બોલી શકે એમ નથી.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
૧૮. ગોરધન એની રડતી પત્નીને કહે છે, ‘‘હવે મગરના આંસુ બંધ કર...!’’ આંસુ મગરના જ કેમ ?
- મગરની વાઈફો રડતી હોય ત્યારે મગરો ગુસ્સે થઈ જાય છે, ‘‘સાવ માણસોની વાઈફો જેવું ના રડ, સ્ટુપિડ !’’
(તપસ્યા વી. ધોળકીયા, અમદાવાદ)
૧૯. દુનિયાભરમાં તબાહી-બર્બાદીઓ શરૂ થઈ ચૂકી છે, એનું કારણ ભ્રષ્ટ રાજકારણીઓ તો નહિ હોય ને ?
- ના. આ લોકોની તબાહી-બર્બાદીનો પ્રકાર અલગ હોય છે. એમનું મિશન પોતાના દેશને જ બર્બાદ કરવાનું હોય છે.
(જયેન્દ્ર શાહ, અમદાવાદ)
૨૦. એ HMV એ રૅકડર્સ ઉપર ગ્રામોફોન સાંભળતા કૂતરાનો લોગો ક્યા તર્ક ઉપર મૂક્યો હશે ?
- સારૂં સંગીત સાંભળવાનું તો કૂતરાં ય છોડતા નથી, એ !
(શશીકાંત મશરૂ, જામનગર)
૨૧. બહાર ડાફરીયાં મારતા પુરૂષોને ય પત્ની તો સતિ સાવિત્રી જ જોઈએ છે... સુઉં કિયો છો ?
- સ્ત્રીઓ બહાર ડાફરીયાં નથી મારતી, એવું તમને કોણે કીઘું ? પકડાતી નથી, એ જુદી વાત છે... બાય ધ વે, એમને પણ ગોરધન શ્રીરામ જેવો નહિ, ૠત્વિક રોશન જેવો જોઈએ છે.
(ફૈસલ છીપા રેશમવાલા, અમદાવાદ)
૨૨. ‘ઍનકાઉન્ટર’ રવિવારે જ આવે છે. મારી પત્નીને ખૂબ ગમે છે, પણ રવિવારે અમે ખૂબ કામમાં રોકાયેલા હોઈએ છીએ, તો શું કરવું ?
- કાં તો કામ માટે માણસો રાખી લો ને કાં તો ‘ઍનકાઉન્ટર’ વાંચવા માટે !
(અરવિંદ પંડ્યા, ભાઈંદર)
૨૩. ફિલ્મ સંગીત વિશે આપનું જ્ઞાન વિશાળ છે, પણ આપને ‘તંબુરો’ વગાડતા ય નથી આવડતો, એ વાત સાચી છે ?
- આવા સવાલો પૂછશો તો, રોજ તંબૂરો લઈને બહાર નીકળવાના દિવસો ય આવશે !
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)
૨૪. શું તમે ‘કૌન બનેગા કરોડપતિ’ હજી જુઓ છો ?
- અમિતાભ બચ્ચન ખોંખારો ખાય તો ય હું જોઉં એમ છું, પણ હવે એમાં પૈસા બનાવવા નવી ફિલ્મોને પ્રમોટ કરવાના આડા ધંધે ચડી ગયું છે. બચ્ચનબાબુને એ શોભતું નથી.
(મીરાં દેસાઈ, અમદાવાદ)
****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા.
સરનામું : ‘એનકાઉન્ટર’,
ગુજરાત સમાચાર, ખાનપુર,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)
No comments:
Post a Comment