Search This Blog

13/12/2013

'ચા ચા ચા' ('૬૪)

ફિલ્મઃ 'ચા ચા ચા' ('૬૪)
નિર્માતા-દિગ્દર્શકઃ ચંદ્રશેખર
સંગીતઃ ઈકબાલ કુરેશી
ગીતકારઃ નીરજ, ભરત વ્યાસ, મખદુમ મોહિયુદ્દીન
રનિંગ ટાઈમઃ ૧૫ રીલ્સ
થીયેટરઃ અશોક (અમદાવાદ)
કલાકારોઃ ચંદ્રશેખર, હેલન, ઓપી રાલ્હન, બેલા બોઝ, પોલસન, ઈફ્તેખાર, ટુનટુન, વૃજ મોહન, અરુણા ઈરાની, નિકિતા, મૂલચંદ, રાધેશ્યામ, રિડકુ, સુદીપ કુમાર, પ્રદીપ ગુપ્તા, પાછી, ઍડવિના, વિલિયમ, લીલા મિશ્રા, મદન પુરી, ઓમપ્રકાશ, વાન શિપ્લે અને મેરી ચૅમ્બર્સ.


ગીતો

૧. મીઠી મીઠી મધુર મધુર... એક લલી, ઘર સે ચલી - મુહમ્મદ રફી
૨. તુમ સે, માનો ન માનો મુઝે તુમ સે, પ્યાર હો ગયા હૈ - આશા-રફી
૩. એક ચમેલી કે મંડવે તલે, દો બદન પ્યાર કી આગ મેં - આશા-રફી
૪. વો હમ ન થે, વો તુમ ન થે, વો રહેગૂઝરથી પ્યાર કી - મુહમ્મદ રફી
૫. સુબહા ન આઈ, શામ ન આઈ, જીસ દિન તેરી યાદ - મુહમ્મદ રફી
(ગીત નં. ૧, ૨ ભરત વ્યાસ, નં. ૩ મખદુમ મોહિયુદ્દીન અને ૪, ૫ નીરજ)

મને ફિલ્મ 'ચા ચા ચા' જોવાની એ રીતે મઝા પડી ગઈ કે, એની સ્ટારકાસ્ટ તગડી અને આજે ભૂતકાળમાં જઈને એ લોકોને યાદ કરવાની ગમ્મત પડે એવી છે. હીરો ચંદ્રશેખર અને હીરોઈન હેલનની તો પછી ખબર લઈશું, પણ બાકીના બધા ય અહીં ઈંગ્લિશમાં પેલું શું કહે છે... યસ, 'વર્થ મૅન્શન' હતા.

સૌથી પહેલો નાની ઉંમરનો ઓમપ્રકાશ... કેવો સ્વાભાવિક ઍક્ટર હતો! મૂળ નામ ઓમપ્રકાશ છિબ્બર. (જન્મ સ્થળ : જમ્મુ, ૧૯ ડિસેમ્બર, ૧૯૧૯, ૨૧ ફેબ્રૂઆરી, ૧૯૯૮) ભલભલા ઢંકાઈ જાય એવા અભિનયનો સરતાજ. એ તો પાછળના વર્ષોમાં રોતડો થઈ ગયો નહિ તો એની એક્ટિંગ સ્કિલ્સ માટે કોઈ સવાલ નથી. માણસ તરીકે ય ઉમદા હતો. ધાર્મિક ફિલ્મોની હીરોઈન અનિતા ગૂહાનો એ પ્રેમી હતો, પણ ફિલ્મી પ્રેમી નહિ, ફિલ્મોમાં બતાવાય છે એવો પવિત્ર પ્રેમી હતો. એ જાણવા છતાં કે, પાછલી ઉંમરમાં અનિતાને આખા શરીરે કોઢ નીકળ્યો હતો, છતાં ઓમના પ્રેમમાં કોઈ કાંટછાંટ આવી નહિ. ઉપરથી અનિતા માટે મુંબઈના ચર્ચ ગેટ ઉપર એક આલિશાન ફ્લેટ લઈ દીધો. ઓમને પ્રભા નામની પત્ની હતી, પણ કોઈ સંતાનો નહોતા. ૨મી રમવાનો પાગલ શોખ એટલે મુંબઈના રૂપતારા સ્ટુડિયોમાં પોતાની ઓફિસ દોસ્તો સાથે માત્ર રમી રમવા માટે રાખી હતી. ચેમ્બુરના યુનિયન પાર્કમાં રહે અને અશોક કુમારની બાજુનો જ બંગલો, પણ બંને વચ્ચે જિંદગીભર બોલવાના ય સંબંધો નહોતા.

જેણે રાજ કપૂરની 'ફિલ્મ ઍરાઉન્ડ ધ વર્લ્ડ' ઉતાર્યું, એ નિર્માતા-દિગ્દર્શક એક્ટર 'પાછી' પણ આ ફિલ્મ 'ચા ચા ચા'માં દેખાયે રાખે છે. મોંઢા સરખા હોવાને કારણે પૂછવાની જરૂર નહિ પડે કે, ઓમપ્રકાશનો સગો ભાઇ પાછી ક્યો?

એ જમાનાના વિખ્યાત ગીટારિસ્ટ વાન શિપ્લે પણ અહી મહેમાન કલાકાર તરીકે છે. એસ હઝારાસિંઘ, સુનિલ ગાંગુલી, ઍનોક ડૅનિયલ્સ અને વાન શિપ્લે હિંદી ફિલ્મી ગીતોની ધૂન પોતાની ગીટાર, પિયાનો, માઉથ ઓર્ગન કે અન્ય વાજિંત્ર ઉપર વગાડી એની રૅકર્ડ બહાર પાડતા. વાન શિપ્લે મૂળ ધૂનને બદલીને પોતાની રીતે વગાડતો, એ જોઈને શંકરવાળો જયકિશન બગડયો એટલે વાન કહે, 'એમાં હું ખોટું શું કરું છું? ઉપરથી તમારા ગીતોને વધારે સારા બનાવીને મૂકું છું.' ત્યારે જયકિશન તાડુક્યો, 'બેવકૂફ... એટલી જ તાકાત હોય તો એક ફિલ્મી ગીત તો બનાવ...!'

ફિલ્મ 'શોલે'માં સામ્ભા બનતો મૅકમોહન પહેલા 'મૅક' નહતો, 'બ્રજમોહન' હતો. મૂળ નામ તો મોહન માખીજાની, એટલે સિંધી હશે. 'શોલે'માં દેખાય છે એવો પહેલેથી એ શરીરે આવો ટેંટા જેવો જ હતો. હશે નસીબદાર, કારણ કે નહિ દેખાવ, નહિ પ્રભાવ, નહિ શરીર, ને એક્ટિંગ તો એની ૬૦૦ પેઢીઓમાં કોઈને આવડી નહિ હોય, છતાં એ વખતનો ફિલ્મોમાં ચાલ્યો આવતો હતો. જોય મુકર્જી-સાયરા બાનુની ફિલ્મ 'આઓ પ્યાર કરે'માં જોયના ચાર દોસ્તો પૈકીનો એક સંજય (જે પાછળથી ધી ગ્રેટ સંજીવ કુમાર બન્યો) અને બીજો આ બ્રજમોહન. દસેક વર્ષ પહેલાની હીરોઈન રવિના ટંડનનો એ સગો મામો થાય. ૧૦ મે, ૨૦૧૦ના રોજ એ ફેફસાના કેન્સરથી ગુજરી ગયો, એ પછીની પ્રાર્થના સભામાં સ્ટુડિયોના જૂના સ્પોટ બોય્ઝથી માંડીને અમિતાભ બચ્ચને પણ હાજરી આપી હતી, બહુ ઓછા માની શકશે કે, મૅકમોહનનો ઈંગ્લિશ બોલવા અને લખવા ઉપર સજ્જડ કમાન્ડ હતો. મારી જેમ, મૅકમોહન પણ 'રીડર્સ ડાયજેસ્ટ'નો પાગલ ચાહક હતો. લખનૌમાં ભણતો ત્યારે એ સુનિલ દત્તનો ક્લાસમેટ હતો.

ફિલ્મ 'જ્હૉની મેરા નામ'માં જે પૂજારીની દીકરીનું પ્રાણ-પ્રેમનાથ અપહરણ કરાવી છે, તે 'મોસે મોરા શ્યામ રૂઠા...' વાળો પૂજારી 'રાધેશ્યામ' હતો, જે મોટા ભાગની ફિલ્મોમાં પૂજારી જ બન્યો હતો. એક જમાનામાં આશા પારેખ જેવી દેખાતી એક્ટ્રેસ-ડાન્સર બેલા બોઝ અને તદ્ન નવીસવી આવેલી અરુણા ઈરાની પણ અહીં છે. ઓપી રાલ્હન રાજેન્દ્ર કુમારનો સાળો થાય, જેણે રાજેન્દ્ર સાથે 'ગહેરા દાગ' અને 'તલાશ' બનાવ્યા અને ધર્મેન્દ્ર સાથે 'ફૂલ ઔર પથ્થર' બનાવ્યું હતું. એ સમયની મોટા ભાગની ફિલ્મોમાં પેલો વ્હેંતીયો કૉમેડિયન દેખાતો હતો, જે મિજાજનો ગરમ હોય એનું નામ રિડકુ.

આપણા સહુની ખૂબ ફેવરિટ ડાન્સર હેલન સાથે બનેલી આ સત્યઘટના છે :

પ્રેમ નારાયણ અરોરા નામનો એક બુઢ્ઢો દિગ્દર્શક ગમે તેમ કરીને સાવ કૂમળી ઉંમરની હેલનને ફસાવવામાં સડસડાટ સફળ થઈ ગયો. આ છોકરીના ફાધર એગ્લો-ઈન્ડિયન હતા. નામ જયરાજ, પણ હેલનની બર્મીઝ મમ્મીએ ઈંગ્લેન્ડના ધોળીયા રિચાર્ડસન સાથે લગ્ન કરી લીધા. હેલનને એનો આ ફાધર ગમ્યો કે નહિ, નથી ખબર પણ એનું નામ ગમી ગયું, એટલે અસલી બાપ જયરાજને બદલે આ રિચાર્ડસનનું નામ પોતાના નામની સાથે જોડી દીધું. એ પછી તો એની માં એમના જ ડ્રાઇવર સાથે ભાગી ગઈ એટલે હેલને માં ને ય છોડી દીધી. (બેવકૂફ ડ્રાઇવર હેલનને બદલે એની માંને ભગાડી ગયો, એટલે હેલને માં ને નહોતી છોડી...) માં ના લક્ષણો ઉપર પહેલેથી એ નારાજ તો હતી જ! એકની સામે બે ફ્રીની સ્કીમ હેઠળ, એકાદ-બે ભાઈ-બહેનો ય હતા... એમને ય કાઢી મૂક્યા.

એટલે આ પી.એન. અરોરાને ચાન્સ ઝડપથી મળી ગયો. હેલન પાસે એ પોતાના ઉપર પ્રેમપત્રો લખાવતો. સંખ્યા ૭૦૦થી વધારે થઈ ગઈ, એ દરમ્યાન કમાય હેલન ને વાપરે આ ડોહો... હેલનમાં બુદ્ધિ ફૂટી નીકળી ને કાઢી મૂક્યો તો પેલાએ રીતસર ફિલ્મી ઢબે બ્લેક મેઈલિંગ શરૂ કરી દીધું. ડોહો ખિસ્સામાં ૭૦૦ પ્રેમપત્રોનો થોકડો લઈને ફરવા માંડયો. મજબૂર હેલનને એ મારઝૂડ તો રોજ કરતો. હેલનનો નજીકનો દોસ્ત શમ્મી કપૂર મદદ કરવા જાય ખરો, પણ એ મદદ આના બ્લેક-મેઈલિંગ સામે ટૂંકી પડતી. હેલનને પૈસે ટકે ડોહાએ તદ્ન ખલ્લાસ કરી નાંખી, એટલે સુધી કે, જે ફલેટમાં એ રહેતી હતી એને ય સરકારે જપ્ત કરી લીધો.

આંકડો તો મને ય સાચો લાગતો નથી, પણ હેલને ૭૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે, એવું ઈન્ટરનેટ કહે છે, ભ'ઈ! 'મૂછેં હો તો નથ્થુલાલ જૈસી...' એ તકીયા કલામ ઉપર અમિતાભ બચ્ચન ફિલ્મ 'શરાબી'માં કોમિક ઊભું કરે છે, એ દ્રશ્યમાં બચ્ચન ચમચાગીરી કરવા એનો આખો સ્ટાફ ખોટી મૂછો ચોંટાડીને આવી જાય છે, એમાં 'સક્સેના સા'બા... આપ ભી...?' જેને કહે છે, એ ચંદ્રશેખર. આ ફિલ્મ 'ચા ચા ચા' એણે ઉતારી હતી. '૬૦ના દશકમાં ચંદ્રશેખર દારાસિંઘ અને કામરાન (આજની ડાન્સ ડાયરેક્ટર ફરાહ ખાન અને કોમેડીયન સાજીદખાનનો પિતા) સાથે સાઈડ-હીરો તરીકે એ આવતો.

ચંદ્રશેખર ક્યારેય સારો એક્ટર બની જ ન શક્યો એટલે આમ તો ઠેઠ '૪૦ના દશકમાં હિંદી ફિલ્મોમાં આવી ગયો હતો, છતાં એ ગૌરવ લઈ શકે, એવી કોઈ ફિલ્મ નહિ. દારાસિંઘ અને રણધાવાના સાઈડી તરીકે '૬૦ના દશકમાં બહુ આવ્યો. તકદીરનું ય સ્તર નીચે જતું ગયું, એમાં તો એ સાઈડીને બદલે એક્સ્ટ્રામાં આવવા માંડયો. છતાં ય, નસીબ ક્યાંક સાથ આપતું હોય તો ટ્રાય કરી જોવામાં એણે મહેનત બહુ કરી હશે... સફળ ક્યાંય ન થયો.

નહિ તો હીરો તરીકે એને પહેલો ચાન્સ આપનાર વ્હી. શાંતારામ હતા, જેમણે ફિલ્મ 'સુરંગ'માં તક આપી.

દિલીપ કુમાર અને ચંદ્રશેખરની ફિલ્મી કારકિર્દી એક જ ફિલ્મથી શરૂ થઈ. ફિલ્મ 'જ્વારભાટા' દિલીપ કુમારની સૌથી પહેલી હતી, એ જ ચંદ્રશેખરની પહેલી હતી. એ મૂળ હૈદ્રાબાદ-આંધ્રપ્રદેશનો હતો. હજી એ જીવિત છે, પણ છેલ્લે '૩-ઈડિયટ્સ'માં કામ કર્યા પછી નિવૃત્તિ લઈ લીધી. હવે ગરીબ બની ગયેલા જૂના જમાનાના ફિલ્મ કલાકારો માટે એણે એક સંસ્થા ઊભી કરી અને ખૂબ સુંદર કામ પણ કર્યું.

આ ફિલ્મ વિશે લખવાનું હેલન ઉપરાંતનું મુખ્ય કારણ હતું. સંગીતકાર ઈકબાલ કુરેશી. ખૂબ સારો સંગીતકાર હોવા છતાં ઈકબાલ કુરેશીનું પત્તું જ ન ચાલ્યું. લતા મંગેશકરનો ઈકબાલે ભાગ્યે જ ઉપયોગ કર્યો છે. ફિલ્મનું નામ યાદ આવતું નથી, પણ ઈકબાલના કમ્પોઝીશનમાં લતાએ ગાયેલું 'યાદ સુહાની તેરી, બની જીંદગાની મેરી, ઓ સાજના... આહાહાહાહા' એ ગીત મને ગમે છે. તમે જુઓ તો ખરા કે, માંડ ૮-૧૦ ફિલ્મોમાં સંગીત આપ્યું પણ કેવું મધુરું! આજ સુધી, 'લવ ઈન સિમલા, પંચાયત, ચા-ચા-ચા, યે દિલ કિસ કો દૂં?, બનારસી ઠગ, બિંદીયા, ઉમર કૈદ, કવ્વાલી કી રાત...'

હિંદી ફિલ્મોમાં કવ્વાલી બનાવવામાં હજી સુધી સંગીતકાર રોશનનો કોઈ સાની થયો નથી, પણ ફિલ્મો વધુ મળી હોત તો ઈકબાલ કુરેશી રોશનની નજીક પહોંચી શક્યો હોત. 'કહેનેવાલે તૂ ભી કહે દે, જો દિલ કી બાત હૈ, કવ્વાલી કી રાત હૈ...' બાકી આ ફિલ્મ 'ચા ચા ચા'માં રફી સાહેબ પાસે ગીતો ગવડાવીને કેવી કમાલો આ માણસ કરતો ગયો છે? જરા યાદી ઉપર નજર તો ફેરવો.

મોટા ભાગે ઝભ્ભો અને લુંગી પહેરતા સાડા છ ફૂટ લાંબા ઈકબાલ કુરેશી પોતાના જ ગીતોની ચોરી કરવામાં માહિર હતા. મનોજ કુમારવાળી ફિલ્મ 'બનારસી ઠગ'માં લતા-રફીનું 'આજ મૌસમ કી મસ્તી મેં ગાયે પવન, સનસનાસનસનન...' આની આ જ ધૂન ઉઠાવીને ફિલ્મ 'ચા ચા ચા'માં ગોઠવી દીધી, 'એક ચમેલી કે મંડવે તલે...' એવું જ નકશીકામ એન. દત્તાએ પોતાની જ ફિલ્મ 'મોહિની'નું 'ક્યા ક્યા ન સહે તુમને સિતમ મહેલોં કી રાની....'ની બેઠી ધૂન ઉઠાવીને 'ધૂલ કા ફુલ'માં રફીએ જ ગાયેલું, 'તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા...'માં ઠઠાડી દીધી હતી. રડી તો પડાય ત્રીજા ગીતમાં કે સંગીતકાર રવિએ પણ ૧૯૬૦માં એ જ રફી પાસે આ જ ધૂન પર ત્રીજું ગીત ગવડાવ્યું, 'ગમ હો કે સિતમ તુ કભી આંસુ ન બહાના...'

રૉક-એન-રોલ, જર્ક, બોલડાન્સ કે ચા-ચા-ચા ધોળીયાઓનું જોઈ જોઈને આપણી ફિલ્મોમાં ય છૂટથી આવવા માંડયા. ખોટું નહિ બોલાય કે, આપણે તો કેવળ નકલ કરતા હતા પણ કોઈક અપવાદોને બાદ કરતા મોટા ભાગની ફિલ્મોમાં આવા ડાન્સ પરફેક્શનથી થતા હતા. 'ચા ચા ચા'ને વધારે ફેમસ કર્યા ઉષા ઉથુપે ફિલ્મ 'શાલિમાર'માં 'વન-ટુ ચાચાચા, ક્રોસ ટુ ચાચાચા...' ગીતથી. હકીકતમાં 'ચા-ચા-ચા' વન-ટુ બીટ્સનો નહિ, ટુ-થ્રી ચાચાચા અને ફોર એન્ડ વન ટુ થ્રી ચાચાચા બીટ્સથી શરૂ થાય. 'વન-ટુ ચાચાચા'માં ડાન્સરો ટાઈમિંગ જાળવવામાં ગોથા ખાઈ જાય, માટે એ સૂચિત નથી.

સાવ અંધારામાં ન રહીએ, માટે આ સુંદર ડાન્સની થોડી ઘણી સમજ મેળવી લઈએ. 'ચા-ચા-ચા' ડાન્સ મૂળ ક્યુબાનો. (ફિડેલ કાસ્ટ્રોવાળું ક્યુબા) ૧૯૫૩માં ક્યુબાના સંગીતકાર ઍન્રિક જૉરિને શોધ્યો હતો. (સ્કેન્ડિનેવિયન દેશો ઉપરાંત મૅક્સિકો કે ક્યુબામાં પણ ઈંગ્લિશ 'જે'નો ઉચ્ચાર 'ય' થાય છે, એટલે 'યૉરિન' પણ બોલાય.)

આ ડાન્સ ક્યુબન, લેટિન પોપ કે લેટીન રૉક મ્યુઝિક ઉપર જ કરી શકાય. બૅઝિક્લી, આ બોલરૂમ ડાન્સ હોવાથી જાહેરમાં (કે આજની આપણી ફિલ્મમાં કર્યો છે, એમ પહાડના મેદાનોમાં ન થાય. કરો તો પોલીસ પકડી જતી નથી, પણ આ બેઝિક્સની જાણ હોય તો બા ન ખીજાય! ચંદ્રશેખરના ખાતે જમા થાય એવી એક વાત ખરી કે, આ ફિલ્મના ટાઈટલ પ્રમાણે પૂરી ફિલ્મમાં એ ડાન્સના આ પ્રકારને વળગી રહ્યો છે. માત્ર નામ રાખવા ખાતર જ રાખી દીધું નથી. બાકી ફિલ્મ તો કેવી ઢંગધડા વગરની બનાવી હશે, એની તો ચર્ચા કરવી ય બેહૂદી છે. ચંદ્રશેખર હરિજન અંધ યુવાન છે, જેના પ્રેમમાં હેલન પડે છે, પણ એ હરિજન હોવાને કારણે હેલનના પિતા ઓમપ્રકાશ લગ્ન કરાવી આપવાની ના પાડે છે. હેલનના જ પ્રયત્નોથી અંધ ચંદ્રશેખર ફિલ્મની શરૂઆતમાં જ દેખતો થઈ જાય છે, પણ છેલ્લે એ પોતે લંગડી થઈ જાય છે અને ચંદ્રશેખરની પ્રાર્થનાઓથી એ પાછી ચાલતી થઈ જાય છે. તમારા બે ય ની ભલી ચમન/ચમની... આમ જ આંખો અને પગ આવી જતા હોત તો દેશના એકોએક મંદિરોમાં ભક્તોની લાઈનો ઓછી થતી ન હોત! છેવટે આડાઅવળા પ્રસંગો ઊભા કરીને આપણે છૂટીએ છીએ.

(સીડી સૌજન્ય : શ્રી ભરત દવે- સુરત)

2 comments:

Dilip Bhatt said...

Thanks Ashokbhai Dave.

Dilip Bhatt said...

અશોક ભાઇ,
તમારો ચા ચા ચા પરનો "ગુજરાત સમાચાર મા પ્રકાશિત લેખ વાંચ્યો; ગમ્યો. આ લેખમાં તમે યાદ કરેલું ગીત "યાદ સુહાની તેરી; બની ઝીંદગાની મેરી; ઓ સાંજના...આહાહાહાહાહા" -- એ "બનારસી ઠગ" (ફિલ્મ) નું છે. મારી પાસે mp3 માં આ ગીત છે. તમે મને તમારું email જણાવો તો મોકલી આપું. મારું email છે: ddbhatt20044@gmail.com હું તમારી લેખમાળાનો ચાહક છું. નામ: દિલીપ ભટ્ટ. સાવરકુંડલામાં કૉલેજ માં શિક્ષક છું. Thanks for your nice articles in Film India in Gujarat Samachar.