Search This Blog

11/12/2013

કાગડી દહીંથરૂં લઇ ગઈ...

સૉલ્લિડ નવાઇની વાત છે કે, આપણા ગુજરાતમાં ૭૦' અને '૮૦ પછી જન્મેલા મોટા ભાગના છોકરાઓ ઑલમોસ્ટ છ ફૂટીયાઓ છે, પણ છોકરીઓ હજી એવી બટકીને બટકી જ પેદા થાય છે. સાડા ચાર કે પોણા પાંચ ફૂટથી લાંબી છોકરી તો હાઇ-હિલ્સમાં ય દેખાતી નથી. આનું કારણ સમજાતું નથી. દેખાવ અને સ્માર્ટનૅસમાં તો એ જ બટકીઓ અદ્ભૂત ચેહરાવાળી સુંદર હોય છે, ફક્ત હાઇટમાં માર ખાઇ જાય છે. પંજાબી કે રાજસ્થાની છોકરીઓ સરસ મજાની લાંબી અને ભરાવદાર હોય છે. ગુજરાતીઓને આ પ્રોબ્લેમ હટાવવા માટે એવી સલાહો ય ન અપાય કે, 'બધું પત્યા પછી રહો ભલે ગુજરાતમાં, પણ લગ્ન પછી હનીમૂનો રાજસ્થાન કે પંજાબમાં કરી આવો !'... 'દેખ ઇસ કે મસલ, ઘી ખાતી હૈ અસલ...' આવી તો એમને સલાહો ય ન અપાય...એ બધીઓની બાઓ ખીજાય !

પ્રોબ્લેમ આ બધીઓને પરણાવતા પહેલા થાય છે. લગ્નના માર્કેટમાં આમના માપના મૂરતીયાઓ ઝટ મળતા નથી. ઢીચકી છોકરીઓ આમ બધી રીતે બરોબર હોય, પણ લમ્બુ છોકરો કેટલું સમાધાન કરે ? એને એકની એક સાથે બે વખત પરણવું પડે..સાઇઝના ધોરણે ! થઇ ગયું એનું થઇ ગયું વળી, પણ બાકીનીઓને છોકરાઓ લાંબા તાડ જેવા જોવાના આવે છે એટલે જોડી ગીલ્લી-ડંડા જેવી લાગે. આ પ્રોબ્લેમ એવો છે કે, છોકરી ટૂંકા માપની આવી હોય તો ઉપરની તરફ એને ગળાથી ખેંચીને લાંબી કરી ન શકાય કે છોકરાને ખભેથી દબાય-દબાય કરીને ટુંકો ન કરી શકાય. આ માપો બદલાતા નથી. છાપાઓ કે ટીવીમાં હાઇટ વધારવાની બેવકૂફીભરી જાહેર ખબરો જોઇને સ્ટુપિડ લોકો ભરમાય છે કે, આની દવા લેવાથી લાંબા થઇ જઇશું.... લાંબા એમના બાપો થઇ જાય છે...હજારો રૂપિયા એ દવાવાળાને પધરાવ્યા પછી !

ઇન ફૅક્ટ, ઉપરથી જ હાઇટ ઓછી આવી હોય તો અફસોસ કરવાને બદલે ગૌરવ લેવું જોઇએ, કારણ...ગૌરવ ન લો તો બીજું તમે કરી ય શું શકવાના છો ? 'જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમઝ લિયા...' ચાર્લી ચૅપ્લિન, લાલ બહાદુર શાસ્ત્રી, ગાવસકર કે તેન્ડુલકરે ય ઢીચકાઓ હતા ને કેવી સિદ્ધિઓને જઇ વર્યા ! બીજી બાજુ, આપણે ત્યાં તો એવી કહેવતે ય છે કે, बोहोत लम्बा, बोहोत बेवकूफ।  લાંબા વર સાથે લાઇફ સફળ થવાની કોઇ ગૅરન્ટી નથી ને ટુંકો હોય એટલે લગ્નજીવન બર્બાદ થઇ જાય, એવું ય ઇતિહાસ કહેતો નથી. અરે, ઠીંગણો હોય તો મોટી ગૅરન્ટી એ વાતે તો ખરી કે, પરણ્યા પછી સાલો કોઇ લાંબી મહિલાના લફરામાં નહિ પડે અને પડવું બી હોય તો એની જ સાઇઝની ઢીચકીઓ કાંઈ આવા બટકાને પસંદ કરે ? ખોટી વાત નહિ કરવાની.

ખરો આઘાત એ વાતે લાગે છે કે, આવી બટકીઓ ગોરધન લાંબા ઉપાડી લાવે છે ને પચી ખરેખર લાંબી થઇ જાય છે. બીજી બાજુ, ઘણી લાંબી સ્ત્રીઓ વ્હેંતીયા વરોને પરણે છે, એમાં ઈગો એમનો સંતોષાય છે. ઘરમાં વજન પણ એનું પડતું હોય. એ વાત જુદી છે કે, ટીંગુજીને પરણવાથી લમ્બી સ્ત્રીને જ હંમેશા નીચાજોણું થાય છે.. પેલાનું મસ્તક સદૈવ ઊચું રહે છે.

વર લમ્બુ અને વાઈફ ટીંગુ, એટલે વાત જમીન-આસમાનની થઇ કહેવાય. બહેનની હાઇટ જ હજી જમીનમાંથી બહાર ઊગી નીકળી ન હોય એટલે એની તો બાજુમાં ઊભેલો દોઢ ફૂટીયો ય લાંબો લાગે. બધું તો આપણે કાંઇ જોયું ન હોય એટલે ધારી લેવાનું હોય કે, આ બન્ને જણા ભેગા થતા હશે, ત્યારે દ્રષ્યો કેવા રચાતા હશે ? અમસ્તું આલિંગને ય કરવું હોય તો પેલીને સ્ટૂલ પર ચઢાવવી પડે. પછી છોકરૂં તેડયું હોય એમ એને સાચવીને સ્ટૂલ ઉપરથી નીચે ઉતારી લેવાની. બૅબીનું ગળું ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. આ બન્ને ઊભા ઊભા કાનમાં વાત કરી ન શકે. ગાડીમાં આ સાઇઝની વાઇફ બાજુમાં બેઠી હોય તો ટ્રાફિક-સિગ્નલ પર ફૂગ્ગાવાળો આના ગાલે ચીપટી ભરીને પૂછતો હશેને, ''બૅબી...લે આ લાલ ફૂગ્ગો...પાંચ જ લૂપીયા...આ લે લ્લે લે !'' આ તો ભલું થજો દુનિયાભરના મિસ્ત્રીઓનું કે, પલંગો પુરૂષના માપના બનાવે છે...નહિ તો, બન્ને જણા રૂમમાં હુવા આયા છે કે, આંબલી-પીપળી રમવા, એની ખબર ન પડે. કેમ કોઇ મારી વાતને સપૉર્ટ કરતું નથી ? મારી વાત ઢીલી પડી રહી છે, યારો !

બીજો લૉટ બજારમાં એવો ય જોવા મળે છે કે, ભ'ઇ એકદમ હૅન્ડસમ હોય ને બેનમાં કોઇ ઠેકાણાં ન હોય. ચિંતામાં પડી જવાય કે, ક્યા મેળની આટલા સ્માર્ટ છોકરાએ આને પસંદ કરી હશે ? એનાથી ઊલટું તો બહુ બને છે કે, વાઇફ કૅટરિના કૈફ જેવી મોહક હોય ને ગોરધન સાલો ગૅરેજવાળા જેવો લાગતો હોય ! અમે ખાડીયામાં રહેતા ત્યારે પોળને નાકે આવા જીવો બહુ બાળતા. વાઇફ જુઓ તો કેમ જાણે આપણી જ ન હોય, એવી સુંદર ને એવી જ મોહક. અને એનો ગોરધન મીસકૉલમાં કાઢી નાંખવા જેવો... આજે એ વાતને ૪૦-વર્ષ પછી ય સાલો મળે તો ખોપચામાં લઇ જઇને ટીચી નાંખીએ, ''ગધેડા...પરણતા પહેલા અમને પૂછવા તો આવવું હતું ! સામેથી કહી દેવાય કે, ''ના બહેન ના... મારા કરતા તો મોટા સુથારવાડાના અશોકભ'ઇને જોઇ આવો...તમારી જોડી જામશે. હું તો તમારો ભાઇ થઉં...બહેન !' એને બદલે સાલો આજે ૪૦-વર્ષ પછી એની વાઇફ સાથે રસ્તામાં મળે છે ત્યારે જીવો આપણા બળાવી જાય છે. બન્નેને સાથે જોઇએ તો રસમલાઈ ઉપર જીવડું ચોંટયું હોય એવું લાગે. કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ...!

આવા જોડાનો સંભવિત ભૂતકાળ ખોતરીએ કે, ક્યા સંજોગોમાં આવી મનમોહિનીએ આવા લલ્લુને પસંદ કર્યો હશે ? શું ભાજપનો હાથ હશે ? શું છોકરી આસારામના આશ્રમમાં આવતી જતી હશે ? શું જીભથી એ તોતડાતી હશે ? શું એના ફાધર ખિસ્સું કાતરતા પકડાયા હશે ? શું પેલાના ફાધર પાસે પૈસો બહુ હશે ? શું લગ્ન પહેલા બન્ને ''પ્રૅગ્નન્ટ-પ્રૅગ્નન્ટ'' નામની ગૅઇમ મોબાઇલ પર રમતા હશે, માટે મૅરેજ કરી લેવા પડયા હશે ?

ગમે ત્યાં ગોઠવો, આપણા મગજમાં જ ન ઉતરે કે, આ મોહક મહિલાએ આવી પડતર કિંમત સાથે લગ્ન કર્યાં શું કામ હશે ? અમે બધા મરી ગયા'તા...? એના આવા ગોરધનને તો કમ્પ્યૂટરમાં કૉપી-પૅસ્ટ કરીને કોંગ્રેસની વૅબસાઇટમાં નાંખી દેવો જોઇએ. સુઉં કિયો છો ?

પણ આ લખ્યું એ બધ્ધું ખોટું. હવે તમે નજર ફેરવી જુઓ. આપણે તો જાણે જગતમાં આઘાત ઉપર આઘાતો ખમવા જ આવ્યા હોઇએ, એમ આવી સુંદર સ્ત્રીઓ એમના આવા રદબાતલ પતિઓને ખૂબ પ્રેમો કરતી હોય છે. એમનું લગ્નજીવન સુખી હોય. શું જાણે સ્વર્ગ મળી ગયું, એમ આપણી નજર સામે આનો હાથ પકડીને આવતી હોય ! આખો ગોરધન બોણીમાં આલી દેવાનો હોય એમ આપણા દેખતા પેલાની કાળજીઓ બહુ રાખે.. આપણા જીવો બળી જાય. પેલાની ગળચી પકડવાને બદલે હાથ પકડે છે, એની શરમો ય નહિ આવતી હોય ? અરે બહેન, તું લકવાગ્રસ્ત હોય ને હાથ પકડયા વગર તારાથી ચાલી શકાતું ન હોય, કે રાત્રે તને ખાસ દેખાતું ન હોય તો તું ભીંતના ટેકે ટેકે ચાલ...તારી બાનો કે અમારો ટેકો માંગ, પણ અમારી નજર સામે તું પેલાના હાથની કોણી પકડીને ચાલે છે, એ શું આપણા પવિત્ર ભારત દેશના સંસ્કાર છે ? શું શકુંતલાએ આવા દુષ્યંતને પસંદ કર્યો હતો ? તારામાં કોઇ ટેસ્ટ-બેસ્ટ જેવું છે કે નહિ ? (હું અત્યારે બહુ ગુસ્સામાં હોઉં, એવું લાગતું હોય તો મને ઠારવો ! મને ગરમ દૂધનો ગ્લાસ પીવા આપવો.)

આવા કે ઉપર જણાવ્યા એ કોઇ જોડાની મશ્કરીઓ ન હોય, પણ ગળામાં ઘચરકો તો આવે ને કે, કઇ કમાણી ઉપર આ લોકોએ આવા પાત્રો પસંદ કર્યા હશે ? હાઈટ અને દેખાવ મનુષ્યના હાથની વાત નથી. એ તો જે આયા હોય, એ જ વાપરવા પડે.

પણ કૉમેડી પાત્રોની પસંદગીમાં થતી હોય છે. ટીંગુજીઓને એમના માપનું મળી રહે છે. લાંબી સ્ત્રીઓને લમ્બુ મળી રહે છે. અને એવું થાય તો કોઇનું ધ્યાન ખેંચાતું નથી. કજોડાં આપણે બનાવીએ છીએ. ઉતાવળમાં આડુંઅવળું ગમાડી લઇને મૂળ પદાર્થ ન જોવો, એવું અનેક કિસ્સામાં બનતું હોય, પણ એમાં તકદીરનો દોષ કાઢી શકો. કારણ કે, તમને જાણ નહોતી એ વાતો તમને નડી છે. છોકરો કે છોકરી જોતી વખતે જ્ઞાતિ, ઘરનો વૈભવ, સુંદર દેખાવ, ભણતર, ચાલચલગત અને પૈસા કમાવાની તાકાત જ જોવાની ન હોય.. હાઇટ અને શરીરની ગોળાઇ પણ જોવી જોઇએ. ઑર્ડર મુજબ, સમય જતા ઉપરનું બધું બદલાઇ શકે છે... હાઇટ પર્મેનૅન્ટ છે. સુઉં કિયો છો ?

સિક્સર

''તરૂણ તેજપાલ પણ 'બુધવારની બપોરે'નો ચાહક છે. દાદુ.'' લલિત નામના લાડે કહ્યું.

'એ કેવી રીતે ખબર પડી ?'

''જૅલમાં બેઠો બેઠો ય 'પંખો ચાલુ કરવાની' બૂમો પાડે રાખે છે !''

1 comment:

Unknown said...

Khatarnaak Lakhyu chhe ho boss!!