Search This Blog

27/12/2013

'ધરતી કહે પુકાર કે' ('૬૯)

ફિલ્મ : 'ધરતી કહે પુકાર કે' ('૬૯)
નિર્માતા : વૈશાલી ફિલ્મ્સ (મુંબઈ)
દિગ્દર્શક : દુલાલ ગુહા
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ
થીયેટર : મૉડેલ (અમદાવાદ)
કલાકારો : નંદા, જીતેન્દ્ર, સંજીવ કુમાર, કન્હૈયાલાલ, નિવેદિતા, દુર્ગા ખોટે, તિવારી, તરૂણ બૉઝ, અસિત સેન, જગદેવ, લીલા મિશ્રા, એ. કે. હંગલ, મનમોહન, મધુમાલિની, વાજીદખાન, મામાજી, અભિ ભટ્ટાચાર્ય.


ગીતો :
૧. જા રે કારે બદરા, બલમ કે પાસ, વો હૈ ઐસે બુદ્ધુ - લતા મંગેશકર
૨. જે હમ તુમ ચોરી સે, બંધે એક ડોરી સે, જઈયો કહાં- લતા - મુકેશ
૩. ખુશી કી વો રાત આ ગઈ, કોઈ ગીત જગને દો, ગાઓ રે - મુકેશ
૪. દિયે જલાયેં પ્યાર કે, ચલો ઈસી ખુશી મેં, બરસ બિતા કે - લતા મંગેશકર
૫. ધરતી કહે પુકાર કે, મુઝે ચાહનેવાલે, કિસ લિયે બૈઠા - મુહમ્મદ રફી

વાંક એનો પોતાનો હશે એટલે ફિલ્મનગરીમાંથી ક્રૂર ઢબે ફેંકાઈ ગયો, એનાથી ય વધુ ક્રૂર ઢબ એના સ્વભાવને કારણે આવી, નહિ તો કન્હૈયાલાલ જેવા સમર્થ ચરીત્ર અભિનેતાનો અન્ય કોઈ સાની નહતો. નાના પળશીકર એક જ બીજો અભિનેતા, જે કન્હૈયાલાલની બરોબરી કરી શકે, સ્વાભાવિક અભિનયમાં. બન્ને જાયન્ટ્સ દારૂની પ્યાલીમાં ડૂબી ગયા. નહિ તો મેહબૂબખાને ઠેઠ ૧૯૪૦માં જે ફિલ્મ 'ઔરત' બનાવી, એમાંથી બે જ કેરેક્ટરો એ જ ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં રીપિટ થયા તેમાંનો એક આ કન્હૈયાલાલ અને બીજી જીલ્લોબાઈ. (જે 'મુઘલ-એ-આઝમ'માં મધુબાલાની અને 'મધર ઈન્ડિયા'માં રાજકુમારની માં બને છે.) આ મહાન એક્ટરને તમે જે તે ફિલ્મોના હીરો કે અન્ય કલાકારો કરતા ય બે વ્હેંત ઊંચી અક્ટિંગ કરતા ફિલ્મ ગંગા જમુના, ગોપી, ઉપકાર, અપના દેશ, આજની ફિલ્મ 'ધરતી કહે પુકાર કે', છેલ્લે છેલ્લે 'હમ પાંચ'માં જોયો છે. રાજ કપૂરની ફિલ્મ 'સત્યમ્ શિવમ્ સુંદરમ્'માં નાનકડી દીકરી સાથે 'યશોમતિ મૈયા સે બોલે નંદલાલા' ગાય છે. મૂળ નામ કન્હૈયાલાલ ચતુર્વેદી બનારસનો સ્ટેજ આર્ટિસ્ટ અને પોતે નાટકો લખીને ભજવતો પણ ખરો. સ્વભાવ અને પ્રકૃતિ ખૂબ નડયા. હીરોઈનો એનાથી કદી ખુશ નહોતી. ૨૪ કલાક પાનના ડૂચા મ્હોંમાં હોય અને વ્હિમ્ઝીકલ પણ ખરો કે, આટલી પ્રસિદ્ધિ છતાં મુંબઈમાં એ છેલ્લે સુધી લોકલ બસોમાં મુસાફરી કરતો. લોકો જોઈને ઓળખી જાય, એ એને બહુ ગમતું.

પણ આજની આ ફિલ્મ 'ધરતી કહે પુકાર કે' પૂરેપૂરી કન્હૈયાલાલને કુરબાન છે. 'મધર ઈન્ડિયા'ના સુખીલાલા જેવો જ બીજો તગડો રોલ એને આ ફિલ્મમાં મળ્યો છે. બંગાળી દિગ્દર્શક દુલાલ ગુહાએ એને લાઈફ-ટાઈમનો રોલ આપ્યો છે. નાના અને સાવકા બન્ને ભાઈઓ-સંજીવ કુમાર અને જીતેન્દ્રને મોટા કરવામાં એ પોતાની જીંદગી ન્યોછાવર કરી દે છે. ફિલ્મનું એક દ્રષ્ય તો બહુ ભાવનાત્મક બન્યું છે. રોજની જેમ ચિક્કાર તાડી પીને આખલો બનેલો કન્હૈયાલાલ જીતેન્દ્રને ખૂબ બેરહેમીથી પિટે છે ને એને રોકતી પત્ની દુર્ગા ખોટેને છાતી કૂટતો કહે છે, 'પરબતીયા... મૈંને ઉસકો બહોત મારા... બહોત મારા... સૌતેલા થા, ના? ઈસ લિયે મારા.' દર્શકોની આંખોમાં આ દ્રષ્ય પાણી લાવી મૂકે છે કારણ કે સહુ જાણે છે કે, એ સાવકો ભાઈ હોવા છતાં સગા પિતાથી ય વધુ વાત્સલ્ય બન્ને ભાઈઓને બતાવ્યું છે, પણ જે જમીનદાર (તિવારી)એ એનું ઘર બર્બાદ કરી નાંખ્યું, એની જ દીકરી (નંદા) સાથે જીતેન્દ્ર પ્રેમો કરે છે, એ છોડાવવા કન્હૈયાલાલ જીતેન્દ્રને પિટે છે.

જમાનો તો પૂરજોશ જીતેન્દ્રનો એકલાનો ચાલતો હતો. આજુબાજુ કોઈ હરિફ નહિ. ધર્મેન્દ્ર કે શશી કપૂર પણ નહિ. રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચન હજી આવું આવું કરતા હતા. સંજયખાનથી માંડીને રાજેન્દ્ર કુમારના વળતા પાણી હતા. જીતેન્દ્ર આ ૧૦-૧૨ વર્ષોમાં જેટલું કમાયો હશે, એટલું આગળ-પાછળની એની જીંદગીમાં નથી કમાયો. મુમતાઝ સાથે એની જોડી શાશ્વત હતી. હેમા માલિની સાથે તો રીતસરનો લગ્ન કરવાનો હતો. એ તો હેમાનો બીજો પ્રેમી ધર્મેન્દ્ર સમજો ને, ઓલમોસ્ટ લગ્નના માંડવે જ હેમાની માતા મીસિસ ચક્રવર્તીને લઈ આવ્યો, એમાં જીતુભ'ઈ એક પત્ની હોવા છતાં બીજી ફિટ કરાવવાની કારીગરીમાં સહેજમાં રહી ગયા. હેમા માલિનીને તો જાણે સમજ્યા કે, પરણવું તો પરણેલા સાથે જ, એવો કોઇ નીમ-બીમ લીધો હશે, એટલે ધરમાને પોતાની સાથેના લગ્નની કૂપન આપી દીધી. જીતેન્દ્રની વાઇફ શોભા સિપ્પીએ ધમપછાડા તો બહુ કર્યા. એનો સગો ભાઈ ફિલ્મ 'શોલે'નો નિર્માતા નિર્દેશક રમેશ સિપ્પી. છતાં એ ખેલ ચાલતો રહ્યો. પછી બન્ને છુટા પડી ગયા. એકબીજા સાથે ફિલ્મો કરવાની બંધ કરી દીધી ને તો ય બી. આર. ચોપરાની ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન'માં ધરમ, જીતુ અને હેમા ત્રણેય સાથે હતા.

ફિલ્મનગરીમાં તો આ બધાની કોઈ નવાઈ જ નહિ.

નંદાના ય આમ જુઓ તો વળતા પાણી શરૂ થઈ ગયેલા. સૌમ્ય અભિનય અને સુંદરતા બરકરાર હતી. બંગાળી દિગ્દર્શક દુલાલ ગુહાએ પંજાબી હીરો જીતેન્દ્ર, ગુજરાતી સાઈડ હીરો સંજીવ કુમાર, નંદા મરાઠી અને ફિલ્મમાં બાકીના તો ભરાય એટલા બંગાળીઓ લઈને ફિલ્મ 'ધરતી કહે પુકાર કે' ઉતારી. ફિલ્મ અમદાવાદની માડેલ ટોકીઝમાં આવી હતી અને આવ્યા પછીના ૬-૭ વીક્સ તો ટિકીટ નહોતી મળતી, એટલું તો અમે મોડેલની આસપાસ રહીએ એટલી ખબર.

જીતેન્દ્ર આટલા પૈસા કમાયો હોય તો એને એ લાયક છે. મહેનત એક બાજુ, પણ ધંધાદારી બુદ્ધિમાં પંજાબી હોવા છતાં રાજસ્થાનીના કોન્ટ્રાક્ટો રદ કરાવે, એવો ખેલંદો, પૈસેટકે પહેલેથી જ સુખી માં-બાપનો એ દીકરો હતો. નામ તો રવિ કપૂર હતું, પણ થઈ ગયો જીતેન્દ્ર. શરૂઆત વ્હી. શાંતારામ સાથે કરી હોવા છતાં ભ'ઈ પત્તું ઉચકાયું નહિ. પણ નિર્માતા દેવી શર્માની એક ફિલ્મ બની રહી હતી, રાજશ્રી સાથેની 'ગુન્હાઓં કા દેવતા'. એ જો હિટ જાય તો માર્કેટ ઉચકાય એમ હતું, પણ આ ફિલ્મમાં શંકર-જયકિશને સંગીત આપવાની ના પાડી હતી. એમની ફી નિર્માતાને પોસાય એવી નહોતી. જીતુનું કિનારે આવેલું વહાણ ડૂબતું હતું. એ પહોંચી ગયો આ સંગીતકારો પાસે. આ ફિલ્મમાં કામ કરવા માટે જીતેન્દ્રને જે રકમ મળવાની હતી, તે બધી એણે શંકર-જયકિશનને આપી દીધી. 'હવે પાડો, ના'. પેલા બન્નેએ ના ન પાડી અને જીતુની ગણત્રી પરફેક્ટ સાચી પડી. આ ફિલ્મમાં શંકર-જયકિશને ખાસ કાંઈ ઉકાળ્યું નહોતું, છતાં નામ જોરદાર હતું અને સીધો ફાયદો જીતુને થયો. એક અક્ટર તરીકે જીતેન્દ્ર માટે સન્માનીય વાત કોઈ નહિ કરી શકે. ઈવન ધર્મેન્દ્ર, મનોજ, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ, જોય મુકર્જી કે મોટા ભાગે તો શશી કપૂરે ય નહિ, પણ જામનગરના લગભગ ૮૦ પ્લસની ઉંમરે પહોંચેલા વડિલ શ્રી અશ્વિનભાઈ ઝાલા માટે જીતેન્દ્ર આજે ય ઘણો લાડકો છે. (આ માટે અભિનંદન અશ્વિનભાઈને નહિ... જીતેન્દ્રને આપવા પડે!)

સંજીવ કુમાર કેટલો સાહજીક અક્ટર હતો, એની પ્રતિતી એ '૬૦ના દાયકાની એની પહેલી ફિલ્મથી જ કરાવતો રહ્યો છે. આ ફિલ્મમાં એ નિવેદિતાનો પતિ બને છે. વાસ્તવમાં પણ નિવેદિતાનો પતિ બનવાના ઘણા વલખા એણે મારેલા. કામેડી એ વાતની થઈ કે, એક બાજુ જોય મુકર્જી નિવેદિતાની પાછળ, એની પાછળ એનો ભાઈ દેબુ મુકર્જી અને આ બન્નેની સામે સંજીવ. પણ ત્રણે એવું માને કે નિવેદિતા મને નહિ. પેલાને પ્રેમ (અથવા પ્રેમો) કરે છે. સરવાળે જાય તો પરણેલો હતો અને સંજીવને માટે નિવેદિતા 'એક બીજી છોકરી'થી વિશેષ કાંઈ નહોતી. એ બીજે પરણી ગઈ.

આ ફિલ્મ એકદમ અદ્ભૂત તો નહિ, પણ કન્હૈયાલાલના અભિનય ઉપરાંત લક્ષ્મીકાંત-પ્યારેલાલના કર્ણપ્રિય સંગીતને કારણે પણ ખૂબ ચાલી હતી. શંકર-જયકિશનના નકશે કદમ પર ચાલીને ખાસ કરીને આરકેસ્ટ્રેશનમાં આ જોડીએ જીવનભર અદ્ભૂત સંગીત આપ્યું છે. એમના જેટલા અને જેવા ઠેકા તો કદાચ કોઈ સંગીતકારોએ આટલી માત્રામાં નથી આપ્યા. એક 'સરગમ ઠેકો' તો એમના નામે આજના સંગીતકારો પણ વગાડે છે. યાદ કરો, 'પથ્થર કે સનમ'માં લતા મંગેશકરના 'કોઈ નહિ હૈ, ફિર ભી હૈ મુઝકો...' ગીતમાં ઢોલક-તબલાનો ઠેકો. એ પછી બહુ પ્રસિદ્ધ નહિ થયેલું ફિલ્મ 'અભિનેત્રી'નું લતાનું જ, 'ખીંચે હમ સે સાંવરે ઈતને ક્યું હો...' ગીતનો ઠેકો યાદ કરો. રિધમ સેક્શન ઉપરાંત ધૂનોમાં ય આ બંનેની કાબેલિયત ઝળહળતી હતી. તમામ જોડી સંગીતકારોમાં કેવળ લક્ષ્મી-પ્યારેની એક જ જોડી એવી હતી, જે કદી ઝગડી નથી. આજે પ્યારેલાલ હયાત છે અને કેટલા આદરથી લક્ષ્મીકાંત કુડાલકરને યાદ કરે છે!

'ધરતી કહે પુકાર કે'ની વાર્તામાં દમ તો હતો. ગામડા ગામમાં ખેતી કરીને ગુજારો કરતા ખેડૂત ગંગારામ (કન્હૈયાલાલ) તેની પત્ની પરબતી અને અભણ દીકરા શિવા (જીતેન્દ્ર) સાથે રહે છે. બીજો દીકરો મોતી (સંજીવકુમાર) ભણવા અને કમાવા શહેરમાં જુદો રહે છે, જ્યાં એ નિવેદિતાના પ્રેમમાં છે. નિવેદિતા મશહૂર એડવોકેટ તરૂણ બૉઝની દીકરી છે. આ બાજુ રાધા (નંદા) વ્યાજખાઉ જમીનદાર હરિબાબુ (તિવારી)ની દીકરી શિવાના પ્રેમમાં છે ને હરિબાબુ એવા ભ્રમમાં કે, રાધા મોતીને પ્રેમ કરે છે. મોતી ઈન ફેક્ટ નિવેદિતાને પરણી ચૂક્યો હોય છે, પણ માં-બાપને જાણ થવા દેતો નથી કે, કદાચ શહેરની છોકરીને એ લોકો પસંદ નહિ કરે. પરિણામે, હરિબાબુ તરફથી રાધાને મોતી સાથે પરણાવવાનું માંગુ ગંગારામ સ્વીકારી લે છે અને મોતીના લગ્ન રાધા સાથે ગોઠવી દે છે. આ બાજુ રાધા અને શિવાનો પ્રેમ કડડભૂસ થઈ જાય, એ પહેલા નાટયાત્મક વળાંકો વચ્ચે સ્ટોરી તરડાતી-મરડાતી રહે છે. '૫૦ અને '૬૦ના દાયકાની મોટા ભાગની ફિલ્મોમાં દરેક વાર્તાલેખકની પિન આ રીતે ચોંટી જતી હતી કે, વાર્તાનો અંત સીધી રીતે નહિ લાવવાનો. વચમાં વિલનો રોડાં નાંખે, સંજોગો બદલાયા કરે કે ઘરમાં બબાલો ઊભી થાય, એવું બધું આવે રાખે, નહિ તો ત્રણ કલાકની ફિલ્મ પૂરી ક્યાંથી થાય. અડધી વાર્તા તો ફિલ્મ શરૂ થતા જ સમજાઈ જતી હોય કે, નંદા વ્યાજખાઉ તિવારીની દીકરી ગરીબ કિસાન જીતેન્દ્રના પ્રેમમાં છે, જેની તમામ જમીન તિવારીએ પચાવી પાડી છે, એ બધી ફિલ્મ પૂરી થતા સુધીમાં તો પાછી આપી જ દેવાનો છે.

કરોડપતિ સસુર તરૂણ બોઝ આખી ફિલ્મમાં આડો ફાટે રાખે કે એની ગુમાની દીકરી ગામડીયા જીતેન્દ્રના અપમાનો કરતી રહે, પણ મહાત્મા ગાંધીના અવતારસમા જીતુભ'ઈ એમાંનું કશું મન પર લેવાના નથી ને છેલ્લે તો આવી વહુને એનો આવો બાપ સજ્જનો થઈ જવાના છે.

અર્થાત્, કેવળ પ્રેમલા-પ્રેમલીના વિષય ઉપર જ બનતી એ ફિલ્મોમાં વાર્તાની દ્રષ્ટિએ નવું કાંઈ નહોતું આવતું. ઋષિકેશ મુકર્જીએ સરસ વાત કરી હતી કે, જગતભરમાં મક્સિમમ ૨૬ પ્રકારે જ વાર્તા લખી શકાય છે. ૨૭મો પ્રકાર બન્યો જ નથી. એ વપરાઈ ગયા પછી નવી વાર્તા લખવા માટે ૨૬ વાર્તાના ટુકડાઓ ઈધર કા ઉધર કરીને નવી વાર્તા બનાવી દેવાય છે.

એ જોતા આજે જે ફિલ્મો બને છે, એમાંની ભલે ૯૦ ટકા કચરો હોય છે, પણ બાકીની સર્વાંગ સુંદર હોય છે.

No comments: