Search This Blog

18/12/2013

મૉર્નિંગ વૉક

વહેલી સવારે રોડ ઉપર ચાલવા જનારાના ધાડા ઉતરી આવે છે. એ લોકો ક્યાં જતા હોય છે, એનું કારણ શોધવું મુશ્કેલ છે. પણ બનતા સુધી ક્યાંક જતા હોય છે ખરા. આ લોકો વિશ્વપ્રવાસીઓ નથી, એરિયા પ્રવાસીઓ છે. ત્યાંને ત્યાં એટલામાં ચકરભમ- ચકરભમ બે ચાર ચકરડાં મારીને પાછા આવતા રહે છે. ટીવી પર 'એનિમલ પ્લેનેટ' જેવી ચેનલો ઉપર હજારોની સંખ્યામાં પશુ-પક્ષીઓ સ્થળાંતર કરતા દર્શાવાય છે, એવું આ સ્થળાંતર નથી, આ તો 'સ્થળ' વગરનું અંતર' કાપનારાઓ છે

આ લોકો કોઇને નુકસાન કરતા નથી, નિર્દોષ છે. દિશા ભૂલેલા માસુમો છે. ગર્વ નથી, છતાં ટટ્ટાર- ટટ્ટાર ચાલે જાય છે. વચમાં તમે બોલાવો તો બોલતા નથી. એક પણ અપવાદ વગર, આ બધા 'ચાલુ માણસો' મોંઢું ગંભીર રાખીને ચાલે છે. ચેહરા ઉપર કોઇ પ્રસન્નતા નહિ. કૂતરા ય એમને ઓળખી ગયા હોય છે, એટલે એમની પાછળ પડતા નથી. વળતા સૌજન્ય સ્વરૂપે, આ લોકો ય સજ્જનો છે અને કૂતરાની પાછળ પડતા નથી. શરીરની ચરબી ઉતારવા તેઓ મજૂરી કરે છે ને આગળ જઇને ગરમાગરમ ફાફડા-જલેબી આરોગે છે ને એ ચરબી ઉતારવા ત્યાં ને ત્યાં ગાજરનો ગરમાગરમ સૂપ પીવા માંડે છે. જ્યાં અટકે ત્યાં વહેલી સવારના તડકામાં થોડીઘણી વાતો કરવાનો શિરસ્તો છે. વર્ષોથી ચાલવાના ફાયદાઓ ઉપર મેથી મારી મારીને આ લોકો એવા કંટાળ્યા હોય છે કે, યોગ-ફોગને બદલે આ લોકો સીધા આસારામ અને તરૂણ તેજપાલની વાતો ઉપર ચઢી જાય છે, એમાં જ્ઞાન સાથે એટલી ગમ્મત મળે છે કે, સમય ક્યાં પસાર થઇ જાય છે, એનું ભાન રહેતું નથી. અફ કોર્સ, ઘેર પાછા ફરતી વખતે એમનો એ દબદબો અને ચેહરા પરનું ગુમાન રહેતું નથી. આવતા-જતાની બંને ચાલ વચ્ચે ફરક હોય છે. ઘેર પાછા જતી વખતે, ''સાલું.. પાછા ઘેર જવાનું આવ્યું...!'' એવો અફસોસ ચેહરા ઉપર ઉઘાડો અને ચાલમાં, 'તૂટી ગયાનો' ભાવ દેખાય છે.

નથી સમજાતી એક જ વાત કે, આ લોકોની સ્વતંત્ર વિચારસરણી કે સ્વતંત્ર ''ચાલસરણી'' કેમ નથી હોતી? ચાલ પણ પોતાની સર્જનાત્મક નહિ? ઘેટાંની માફક એમની આગળ ચાલનારાઓની પાછળ - પાછળ ચાલે જવાનું! મિથ્યાભિમાન નહિ એટલે, આગળવાળાના નકશ-એ-કદમ પર ચાલવાને બદલે, પોતાની કોઇ નવી રાહ કંડારીને નયા રાસ્તાનો સમાજને સંદેશ આપવો, એવું અભિમાન નહિ. આટલું ચાલવું ન પડે, માટે શોર્ટ-કર્ટસ શોધીને વચમાં કોક પતલી ગલીમાંથી નીકળી જવું કે આગળવાળાથી આગળ નીકળી જઇને, ''લે... ડિક્કો ડમ્મ...'' જેવી ઇર્ષા આ લોકોમાં ન હોય.

આ ચાલુઓ જમીન પર નીચું જોઇને ચાલતા હોય એમાં લાગે એવું કે, ગઇ કાલે રાતનું એમનુ કાંઇ પડી ગયું હશે, તે સવાર શોધવા નીકળ્યા છે. (કેટલાક જાતકો માટે, આગળના વાક્યમાં 'એમનું કાંઇ' છેકી નાંખીને 'કોઇનું કાંઇ' સુધારીને વાંચવું!) બેઝિકલી, આ લોકા મંઝિલ વિનાના માણસો છે. એમને ક્યાં જવું નથી. બાવાઓ ય એમની જેમ આડેધડ ચાલતા રહે છે, પણ બાવાઓની તો કોઇ મંજિલ હોય છે. એ ક્યાંક તો પહોંચે છે... છેવટે આપણા ઘરના દરવાજે! જ્યારે આ ચાલુ માણસો નથી કોઇના ઘેર જતા, નથી પર્વતોની ટોચ પર જતા કે નથી દૂઉઉઉ... ર... કોઇ અગમનિગમના પ્રવાસે નીકળી જતા. આ લોકો તો રોજ સીધા ઘેર પાછા આવે છે... અને એ ય પોતાના જ ઘેર, બોલો! રોજેરોજ આટલા લાંબા થઇ થઇને ઘેર જ પાછા આવવાનું હોય તો, કમાયા શું? અરે, સંબંધો સારા રાખ્યા હોય તો કોકના ઘેર જઇને બેસીએ. કહે છે કે કાંકરીયા તળાવ પર વર્ષોથી પતી ગયેલા પતિઓ વાઇફો સાથે અચૂક આવે છે. કાંકરિયાના ગોળગોળ ચક્કરો મારે રાખે. આજે નહિ તો કાલે, વાઇફને કદી સર્જનાત્મક વિચાર આવે તો કાંકરીયું નજીક તો પડે, એવા પવિત્ર ભાવોથી લોકો વાઇફોને ઢસડતા આવે છે. પણ બંનેને ચાલતા જુઓ તો હસવું આવી જાય. સાયકલની પાછળ કોક કપડું લટકતું લટકતું ઘસડાતુ જાય, એમ આની વાઇફ બિચારી બે ડગલાં પાછળ પાછળ ખેંચાતી આવે.

સ્ત્રીઓમાં હવે સ્પોર્ટ્સ- શૂઝ પહેરીને ચાલવામાં જરીક બદલાવ આવ્યો છે. સાડી નીચે ય સ્પોર્ટસ- શૂઝ તો પહેરાય... હઓ! પણ પહેલાં બીજીઓએ કેવા શૂઝ પહેર્યા છે, એના ઉપર ધ્યાન વધારે રહેતું... હવે પોતે કેવા મોંઘા અને ઇમ્પોર્ટેડ શૂઝ પહેર્યા છે, એ બતાવવા અત્યંત જરૂરી હોવાથી ઘણીઓ તો સાડી ય થોડી ઊચી પહેરીને હાલી નીકળે છે. તારી ભલી થાય ચમની... જે કાંઇ ઇમ્પોર્ટેડ હોય તે બધું આ પદ્ધતિથી ન બતાવાય! તારી તો બા ય ખીજાતી નથી...? કે પછી.. એ ય આમ જ ઘરમાં સ્પોર્ટસ શૂઝ પહેરીને ફરે છે?

* * *

''અસોક... આજે તમને એક શરશ મજાની વાત કે'વાની છે...''

''કોણ મરી ગયું?''

''સૂઉં આવી ભૂન્ડાબોલી વાતું કરો છો? કોક મરી જાય, ઇ શરશ મજાની વાતું હોય? મારા ભાઆ'યે લનડનથી મારા હાટું શ્પોર્ટસ- સૂઝ મોઇકલાં છે... ! તે મેં કુ... આપણે બે હાલવા નીકળીએ!''

''ડાર્લિંગ... લંડન સુધી ચાલવાનું મને નહિ ફાવે... કહેતી હોય તો, આપણા કિચનમાં બે આંટા મારી આવું!''

''કોક'દિ તો બુધ્ધિવારી વાતું કરો, અસોક! કિચનમાં જૂતાં પે'રીને હાલવા જવાતું હઇશે? કિયે છે કે, વે'લી શવારે હાલવા જાવાથી તબિયતું બવ હારી રિયે છે...! આવતી કાલે આપણે હાલવા જાશું...?''

''તું એકલી જજે.. તારા ભાઇએ ચાલવાના જૂતાં ફક્ત તારા માટે મોકલ્યા છે... મારા માટે તો મોજાં ય નથી મોકલ્યા?''

''અસોક.. સુઉં આવા ગાન્ડા કાઢો છો, તી? આપણે બંને કાંય જુદાં છીએ? કોક 'દિ મારા તમે પે'રજો ને?''

''એક બુટ તું પહેરે ને બીજું હું પહેરું..... એમ કાંઇ વહેલી સવારે ચાલવા ન જવાય! બા ખીજાય!''

કહે છે કે, વહેલી સવારે ચાલવા નીકળવું હોય તો ઘડીયાળનું એલાર્મ સવારે આઠ વાગ્યાનું ન મૂકાય.! મેં મૂક્યું હતું, જેથી ઉઠવું ન પડે અને આપણી નિષ્ઠા માટે એને કોઇ સવાલ ન થાય. ''ભૂલમાં સવાર ૪ને બદલે ૮નું એલાર્મ મૂકાઇ ગયું હતું ડાર્લિંગ!''

પહેલે જ દિવસે એ ચાલવા નીકળી અને ત્રીજી જ મિનિટે પાછી આવી ગઇ... કૂતરાઓએ દોડાવી દોડાવીને એની પિદૂડી કાઢી નાંખી. સોસાયટીના જ કોક જાણિતા કૂતરાની પૂંછડી ઉપર એનો પગ પડી ગયો, પછી કાંઇ બધા કૂતરાં અશોક દવે જેવા સહનશીલ થોડા હોય? પૂંછડી પર નેહરૂ બ્રીજનો પિલર પડયો હોય, એટલું વજન સહન ન થવાની કૂતરાએ ઊંચું જોયું. ઘુરકીયું કર્યું. અને પિલરના માપનું ભસીને આની પાછળ દોડયું. ખૂબ ગભરાઇને ''હું નો'તી.. હું નો'તી...''ની કારમી ચીસો પાડતી વાઇફ ઘર તરફ દોડી... ને સહેજ માટે સાલા કૂતરાનું માપ ખોટું પડયું... નહિ તો એ લોકોના બચકાં તો કેવા પરફેક્ટ હોય... ! સીધા ૧૪ ઇન્જેકશન..!

કૂતરું ય આખરે માણસ છે... આઇ મીન, કૂતરું ય આખરે કૂતરું છે. અંધારામાં વહેલી પરોઢે એ ય ડરી જાય, એવો માનવ-આકાર જોવા મળે ને એમાં ય પૂંછડા ઉપર મકાનના બીમ જેવો પગ પડે, પછી એ કાંઇ છોડે? બીજા દિવસે પરોઢિયે તો એ આપણા આવવાની રાહ જોઇને બેઠું હોય...! વાઇફે સામેથી ના પાડી દીધી. ''અસોક, આમાં કેવું હોય કે, બા'ર જાવાની જરૂરતું જ નો હોય.. ઘરમાં ને ઘરમાં હાલે રાખો, તો ય ફાઇદો એટલો જ થાય. મારા હાટું ઓલુ. ટ્રેડમિલ-ટેસ્ટ જેવું વોકર લિ આવી દિયો... હું ઘરમાં ને ઘરમાં હાલે રાખીશ.. ને ટ્રેડ મિલ પર હાલવાથી મોટો ફાયદો ઇ કે, વાંહે કૂતરાંવ તો નો દોડે... ! સેકન્ડ- હેન્ડુમાં ૧૫-૨૦ હજારનું તો આસાનીથી મળી જાશે!

આના કરતાં ચાલવા બહાર જવાનું સસ્તું પડત...!

સિક્સર 
હાસ્યલેખક અને ડૅા. અશ્વિન હી. પટેલની ચબરખી...
'અરવિંદ કેજરીવાલની' 'આમ' આદમી પાર્ટી.
આસારામ-નારાયણની 'કામ' આદમી પાર્ટી.

1 comment:

Anonymous said...

લીફ્ટ બગડી .... પછી નો એવો જ સુપર ડુપર લેખ.. ટેરિફિક..