Search This Blog

08/12/2013

ઍનકાઉન્ટર : 08-12-2013

*  'નો લાઈફ, વિધાઉટ વાઈફ...' આપનો શું અભિપ્રાય છે?
- બીજા કોઈની પણ વાઈફ મારા માટે માતા સમાન છે. જય અંબે.
(અરવિંદ પટેલ, સુરત)

* 'સૌ બરસ કી ઝીંદગી સે અચ્છે હૈ, પ્યાર કે દો-ચાર દિન...' આવું અત્યારે બુઢાપામાં યાદ આવ્યું છે, તો શું કરવું?
- લાઈફ ઈન્શ્યોરન્સમાં સો વર્ષની જીંદગી માટે ચાર દિવસનું પ્રીમિયમ
(ફખરી બારીયાવાલા, ગોધરા)

* તમારી કૉલમો માટે 'ગુજરાત સમાચાર' જ કેમ પસંદ કર્યું?
- અમેરિકાનું 'ધી વોશિંગ્ટન પોસ્ટ' મને જરા નાનું પડે!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* માહિતી કાયમ સરકારી 'વર્તુળો'માંથી જ મળે છે, સરકારી 'ત્રિકોણો' કે 'ચતુષ્કોણો'માંથી કેમ નહિ?
- વર્તુળનો એક અર્થ 'શૂન્ય' પણ થાય!
(કલ્પેશ ગાલા, મુંબઈ)

* ભારતમાં રાષ્ટ્રપ્રેમીઓ કરતા ગદ્દારોની સંખ્યા મોટી હોવાનું તમને નથી લાગતું?
- ટીવી પર ભાજપ કે કોંગ્રેસ, સાલું કોઈ દેશના વિકાસની એક નાનકડી વાતે ય કરે છે? પાકિસ્તાનને કેવી રીતે સીધું કરીશું, પૅટ્રોલ, ડૂંગળી કે અનાજપાણીના ભાવો કાબુમાં કેવી રીતે લાવીશું... કાંઈ નહિ! વિચાર કરો, આવા માણસોને આપણે મત આપવાના છે... 'પવિત્ર મત...!'
(કિશોર વ્યાસ, ઘોઘા)

* સ્ત્રીઓ બાધાઓ કેમ રાખે છે?
- એવું નથી. કેટલીક તો પોતાના વરને ય રાખે છે !
(ઓમકાર જોષી, ગોધરા)

* 'બ્રાહ્મણની આંખમાં ઝેર હોય' એવું કહેવાય છે, તો બીજી કોઈ જ્ઞાતિવાળાની આંખોમાં અમૃત હોય છે ખરું?
- આખા શરીરમાં હોય, એવું બને!
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* સુખી થવા માટે માણસ આટલો દુઃખી કેમ થાય છે?
- સુખી થવા માટે કોઈને ટાઈમ મળતો નથી... દુઃખી થવા હર કોઈ પાસે ટાઈમ જ ટાઈમ છે.
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

* ભણવાનો હેતુ પૈસા કમાવા માટેનો જ હોય તો તમારી દ્રષ્ટિએ ક્યું ભણતર વધુ જરૂરી?
- બસ... એક આશ્રમ ખોલી નાંખો !
(દીપા ડી. કતીરા, ભુજ-કચ્છ)

* મંદિરો-દેરાસરોમાં ઈશ્વરભક્તિને બદલે ભેટ-દાનનો મહિમા કેમ વિશેષ છે?
- આવા જે કોઈને ઓળખતા હો, એમને પૂછી જો જો, 'દેશ કે સમાજ માટે આજ સુધી તમે એક રૂપિયો ય ખર્ચ્યો છે?' દેશના ખરા દુશ્મનો પાકિસ્તાનીઓ નથી...
(પોસ્ટકાર્ડમાં સરનામું ને મોબાઈલ નંબર નહિ લખો તો હવે પછી કૅન્સલ થશો.)
(નિશાન્ત સોમૈયા, મુંબઈ)

* હૅર કટિંગ સલૂન અને બ્યુટી પાર્લર વચ્ચે શો ફરક છે?
- જ્યાં તમે જઈ ન શકો એને બ્યુટી પાર્લર કહેવાય ને જ્યાં તમારા વાઈફ જઈ ન શકે...
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

* આપ એક ફોટામાં હાથી પર બેઠા છો, પણ હાથમાં અંકુશ છે... એનો અર્થ?
- ફોટો પાડનારને અક્કલ આવે કે, અસલી બૉસ કોણ છે... હું કે હાથી?
(દીપક આશરા, ગાંધીનગર)

* 'લૅડીઝ ફર્સ્ટ' ક્યાં ક્યાં હોય?
- સ્મશાન સિવાય બધે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

*  'ઍનકાઉન્ટર'માં દર સપ્તાહે ૨૫ સવાલોના ઉત્તર આપો છો, અર્થાત, વર્ષના ૧૩૦૦ થયાને આ કૉલમને દસેક વર્ષ થયા, એ હિસાબે ૧૩ હજાર જેટલા સવાલો થયા... શું લાગે છે?
- આ દેશમાં ૧૩ હજાર સવાલો હજી વણઉકલ્યા છે.
(હસમુખ રાજાણી, રાજકોટ)

*  હજી કેટલાક માં-બાપ સંતાનો ઉપર હાથ ઉપાડે છે... આવા માં-બાપને શું કહેવાય?
- માં-બાપ
(અફરોઝબેન મીરાણી, મહુવા)

*  ગુજરાતના ગાંધી અને સરદારે દેશને આઝાદી અપાવી... હાલના ગાંધી અને સરદાર શું અપાવે છે?
- ઈ.સ. ૨૦૧૪ની ચૂંટણીઓ પછી એ લોકો દેશને આઝાદી અપાવશે.
(પરેશ એસ. ભાવસાર, અમદાવાદ)

*  વકીલો વિશે આપનો શું અભિપ્રાય છે?
- ઊંચો... મારા જમાઈ અને વેવાઈ બન્ને મારાથી બહુ ઊંચા છે.
(યાકુબ કાલવાત, માંગરોળ)

*  અમરેલી જીલ્લાનો વિકાસ ક્યારે થશે?
- જીલ્લો તો સાઈઝમાં એટલો જ રહેશે... મહીં જે તોડફોડ કરાવવી હોય એ કરાવી લો.
(રાજુ જીંજરીયા, શિરવાણીયા, અમરેલી)

*  'અપમાનનો બદલો લેવા કરતા એને સહન કરવામા વધુ ફાયદો છે' એવું એએમટીએસની બસની પાછળ સૂત્ર લખ્યું છે... સુઉં કિયો છો?
- ડ્રાયવરો ખોટા ડરે છે... જે સાયકલવાળાને તમે હડફેટમાં લો છે, એ એની સાયકલ લઈને તમારી બસ ઉપર ખાબકવાનો નથી!
(વિનોદ પરમાર, અમદાવાદ)

*  વિમેન્સ ક્રિકેટમાં અમ્પાયરો પુરુષો જ કેમ?
- કોને ક્યાં ભરાવી દેવા, એનું સ્ત્રીઓને પૂરતું નૉલેજ છે!
(કનુ જે. પટેલ, સંધાણ, માતર)

*  ભિખારીને ભીખ આપી શકાય?
- ચૂંટણીઓ સુધી રાહ જુઓ.
(મણીબેન પટેલ, ઊંટડી, વલસાડ)

*  'જયહિંદ' શબ્દ કેમ ભૂલાતો જાય છે?
- ના રે ના... દર વર્ષે ૧૫મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી ત્રણ વખત બોલાય છે.
(આશિષ એમ. વ્યાસ, વલસાડ)

*  અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ વચ્ચે કેટલો ફરક?
- વૃદ્ધોને એ આશ્રમમાં બહુ લાંબુ ખેંચવાનું હોતું નથી... અનાથોને જીંદગી ખેંચી નાંખવી પડે છે!
(મહેન્દ્ર ભાટીયા, મુંબઈ)

*  બેસણું અને રાજકારણ - બન્નેમાં કપડાં સફેદ કેમ?
- બેસણામાં તો કપડાં પોતાના પહેરવા પડે છે!
(બિપીન કે. શાહ, રાજકોટ)

*  સાસરામાં જમાઈની ઈજ્જત વધારે કેમ હોય છે?
- વેચેલો માલ પાછો ન આવે માટે.
(ફેસલ છીપા રેશમવાલા, અમદાવાદ)

No comments: