Search This Blog

04/12/2013

રીસૅપ્શનમાં કૉમેડી

આમ મને મારામારીના વિચારો આવતા નથી અને આવે તો ય હું કોઇને મારી શકું એમ નથી. કોઇને મારતી વખતે ડરના માર્યા મારી આંખો બંધ થઇ જાય છે, એટલે પછી હું ક્યાં, કોને, શું કામ મારી રહ્યો છું, એની ખબર રહેતી નથી ને મુઠ્ઠીઓ હવામાં ઘુમાવે રાખું છું. એવું નથી કે, હું આંધળો છું અને કોઇને ઢીબી નાંખવાનું મને ગમતું નહિ હોય, પણ એક તો સામું આપણને વાગવાનો ડર લાગે અને બીજું યુધ્ધ પહેલા જ પરિણામ નિશ્ચિત હોય કે, પરાજય તો મારો જ હોય !

પણ લગ્નના રીસૅપ્શનોમાં સ્ટેજ પર ચાંદલો કરવા જતી વખતે લાઇનમાં ઊભા રહેવું પડે ને આપણી નજર સામે બીજા ભૂખાવડાઓ ડિનર લેતા હોય, એ હવે નથી સહેવાતું, ભાઇ નથી સહેવાતું. એક તો આવી લાઇનોમાં આવડતી હોય તો ય ધક્કામુક્કી કરી શકાતી નથી, લાઇનમાં ઘુસી શકાતું નથી અને કાચબાઓ લાઇનમાં ઊભા હોય એમ આગળ-આગળ હપ્તે હપ્તે ખસતા રહેવું પડે છે. આપણને આ સ્પીડ ગમતી નથી. અફ કૉર્સ, રીસૅપ્શનની આવી લાઇનોમાં 'હતુતુતુ....હુતુતુતુ'ની ઝડપે પણ સ્ટેજ ઉપર ધસી જવાતું નથી...એવી સ્પીડો મારીએ તો બા ખીજાય !

કાંઇ બાકી રહી જતું હોય, એમ ઉપર ગયેલું ફૅમિલી સ્ટેજ પરથી ખસે નહિ. કોઇ કારણ વગરના હા-હા-હિ-હિ કરે. બહુ મોટી જોક મારી હોય એમ કૅમેરાની સામે જોઇને ટટ્ટાર ઊભા ઊભા ફોટા પડાવે રાખે, પણ હેઠા ઉતરે નહિ. 'ના બસ.... હવે એક ફોટો તો ભાભીની બાજુમાં ઊભા રહીને પડાવવો જ પડે... ભ'ઇ, ઘરમાં લગ્નો રોજરોજ નથી આવતા...!' એમ કહીને લાઇનમાં છેલ્લો જતો રહે ને નવા ફોટા પડાવે પણ નીચે ઉતરે નહિ. આપણે નીચે ઊભા ઊભા અકળાતા હોઇએ, ભૂખો લાગી હોય, પણ વાંદરૂં આપણો ટુવાલ લઇને ઝાડ પર ચઢી ગયું હોય ને ઉતરતું ન હોય એમ આવડો આ ફૅમિલી સાથે સ્ટેજ પર ચઢ્યા પછી નીચે ઉતરે નહિ.

બસ, આ તબક્કે મને મારામારીના વિચારો આવે છે. આપણાથી કરી કાંઇ ન શકાય પણ વિચારી તો શકાય ને કે, આને સ્ટેજ ઉપર જઇને ફટકારવા માટે, રીસૅપ્શનના દરવાજેથી પૂરપાટ ઘોડા ઉપર હાથમાં ખુલ્લી તલવાર લઇને ધસી આવું અને સપાટો બોલાવી મેદાન સાફ કરી નાખું....આવા અકળાતા તો આપણી પાછળ વાળાઓ ય હોય, પણ એમ કાંઇ બધાની પાસે ઘોડા હોય....? આ તો એક વાત થાય છે !

લગ્નના રીસૅપ્શનના વિડીયોગ્રાફરોમાં હ્યૂમર જેવું હોતું નથી. કેટલા બધા કૉમિક દ્રષ્યો ઝડપી શકે, ઝડપવા હોય તો ! એ લોકો તો બસ... મિલ-કામદારની જેમ રીસૅપ્શનના સ્ટેજની સામે ભૂખ હડતાળ પર ઉતર્યા હોય, એમ મંચ બાંધીને ઊભા રહી જાય છે. લાઇટનો ઝંડો પકડીને એમની બાજુમાં ઊભો રહેતો માણસ ઇન્કલાબી બાગીની જેમ 'હિંદુસ્તાન હમારા હૈ'ની મુદ્રામાં એક હાથમાં લાઇટ પકડીને ઊભો હોય.

બસ. સ્ટેજ પર મેહમાનો આવતા જાય, ફોટા પડાવતા જાય ને ખસે એટલે આમનું કામ પૂરૂં.... ચલો નૅકસ્ટ...!

તારી ભલી થાય, ચમના. તું આજુબાજુ તો ક્યાંક નજર દોડાવ. વિડિયો જોનારા ફાટફાટ થઇને હસી પડે, એવા કલાકારો સ્ટેજની બાજુમાં ચાંદલો કરવાની લાઇનમાં ઊભા હોય, એમને ઝડપવા જેવા છે. આ સ્ટેજ નીચે ઊભેલાઓ, પ્રસુતિગૃહની બહાર લૉબીમાં ઊભેલા ફાધરો જેવા મોંઢા લઈને ઊભા હોય છે. ચૈન પડે નહિ ને મોંઢા તરડાઈ ગયા હોય પણ ઓપરેશન-થીયેટરનું અડધું બારણું ખોલીને નર્સ હસતાં મોંઢે સમાચાર આપે, 'લડકા હુઆ હૈ...' ને આવડો આ છ-છ ફૂટ ઊંચા ઠેકડા મારવા માંડે, એમ અત્યાર સુધી સ્ટેજ નીચે, રોજગાર કચેરીની લાઇનમાં ઊભા હોય એવા મેહમાનો વારો આવે ને સ્ટેજનું છેલ્લું પગથિયું ચઢતા જ મોંઢા ઉપર બારે માસની પ્રસન્નતા આવી જાય ને સાલાઓ એવા ખુશ થઇ જાય કે, વર-કન્યાના મૉમ-ડૅડી ય માની જાય કે, છોકરાં ભલે આપણા પરણતા હોય પણ, સાચી ખુશી તો આ બંનેને જ થઇ છે. વિડીયોગ્રાફરો આ બંને તબક્કાઓ પકડી શકે છે.

વાચકો માને છે એટલું, સ્ટેજ નીચે લાઇનમાં ઊભા રહેવું સહેલું નથી. મોટા અંબાજી કે શ્રીનાથજીના મંદિરની લાઇનમાં ઊભા રહેવું સહેલું પડે... આ નહિ ! આગળ પોતાની જ સગ્ગી વાઇફ ઊભી હોય એટલે ઊભા ઊભા રૉમૅન્ટિક બનવાનો ય વિચાર ન આવે. પાછળવાળાની સામે પાછળ ફરીને જોવાય નહિ...સાલો કાંદા-લસણવાળો હોય. રોજ બીજાને પોતાની ઑફિસની બહાર મિનિટો સુધી ઊભા રાખનાર પોતે અહીં લાઇનમાં ઊભો હોય છે, એ અપમાન સહન થતું નથી. આ રીસેપ્શન છે, સરકારી સમારંભ નથી કે, કોકના હાથમાં દસની નોટ પકડાવીને આગળ ઘુસી જવાય.

પ્રોબ્લેમ એ થાય છે કે, વરના ફાધરે તો ઓળખીતા સગા-સંબંધીઓને જ બોલાવ્યા હોય છે, છતાં સ્ટેજ ઉપર આવી ગયા પછી ફાધરે મોંઢું તો એ જ માપનું હસતું રાખવું પડે છે. સ્ટેજ ઉપર ચઢી આવનારા બધા ઇમ્પૉર્ટન્ટ હોતા નથી, પણ પરાણે એમને ય ફોટા પડાવવા ઊભા તો રાખવા જ પડે, મોંઢું ય હસતું રાખવું પડે.

ઘણાને વર, કન્યા કે બેમાંથી એકે ય ના ફાધર-મધર ઓળખતા નથી અથવા તો એ યાદ આવતું નથી કે, 'આ લોકો કોણ ?' પેલી આખી ટીમ પૂરી તૈયારી સાથે આવી હોય, 'શું વાત છે... દીકરાના લગ્ન કરી નાંખ્યા છે ને કાંઇ...? વાહ...' હજી ફાધર ઓળખે નહિ, પણ સ્ટેજ પરથી પેલા નીચે ઉતરતા હોય ત્યારે યાદ આવે કે, 'આ તો સ્વિમિંગ-પૂલમાં રોજ સાથે નહાતા હોય છે, એ....! આપણને શી ખબર, અહીં પૂરા અને કોરા કપડાં પહેરીને આવશે !'

તારી ભલી થાય ચમના.... તને ઓળખવામાં લોચા ન વળે, એટલા માટે પેલો ફૅમિલી સાથે ભીનો થઇને સ્વિમિંગ કૉસ્ચ્યૂમ પહેરીને આવે ?

કહે છે કે, રીસેપ્શનોમાં હવે નવો ધારો આવી રહ્યો છે. ગોંડલ, ધોરાજી અને પોરબંદર બાજુ તો શરૂઆત થઇ પણ ચૂકી છે. લાઇનોમાં ભીડ ઓછી કરવા તેમ જ વરના ફાધરને સ્ટેજ પર એમની સાથે કેટલું હસતું મોંઢુ રાખવું તેની ખબર પડે, એ માટે સ્ટેજની નીચે ચાંદલા પ્રમાણે લાઇનો લગાડાશે. હજારથી નીચે ચાંદલો કરનારાઓ 'બ' વિભાગમાં ઊભા રહેશે. એ લોકના હાથમાં લાલ ઝંડી પકડાવી દેવાશે. હજારથી ઉપરવાળાઓ 'અ' વિભાગમાં ઊભા હશે. એમને માટે ડિનર ત્યાં જ-ઘટનાસ્થળે પિરસવામાં આવશે. કહે છે કે, દસ હજારથી ઉપરવાળાઓને તો ઉપર આવવાની ય જરૂર નહિ પડે...એમના માટે વર-કન્યા ને બંને ફાધર-મધરો નીચે આવીને હસતા મોંઢે ફોટા પડાવશે.

અહીંથી છૂટા પડેલા ડિનરીયાઓ જ્યાં બધા જમતા હશે, ત્યાં પહોંચશે. વચમાં જે કોઇ હડફેટે ચઢયું એની પાસે ઊભા રહેવાનું, જેથી કોની સાડી વધારે કિમતી છે, એ બતાવી શકાય. બની શકે ત્યાં સુધી અહીં અર્થ વગરની વાતો કરવાની હોય છે. અહીં 'આસારામનું શું લાગે છે ?' એવા ધાર્મિક સવાલો ન પૂછાય.

બસ. હવે જમવા માટે રીતસર નીકળી પડવાનું હોય છે. આકાશમાં ફરતા કૃત્રિમ ઉપગ્રહો થોડી વાર માટે અહીં લીલી લોન ઉપર ફરવા નીકળ્યા હોય, એમ આ લોકો ટેબલે-ટેબલે ચક્કર મારવા પડે છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. આજકાલના રીસેપ્શનોમાં કયા ટેબલ પર શું ગોઠવાયું છે, એની યાત્રિક બન્યા વિના ખબર પડતી નથી. ઘણી વાર તો ભરાઇ પડાય છે ને ઘેર જતા જતા યાદ આવે કે, સૂપ લેવાનો તો રહી ગયો !

મેહનત વગર કાંઇ મળતું નથી, એ કહેવત રીસેપ્શનોને કારણે પડી હતી. ભ'ઇ, સારૂં જમવું હોય તો રખડવું તો પડે. અહીં તમને ચારે કોર ભટકતી રૂહો અને ભટકતા આત્માઓ મળશે. એને ફક્ત સર્વિસ-ટૅબલ પર જ નથી જોવાનું, બીજાની ડીશોમાં ય જોવું પડે છે, જેથી આપણી ડિશમાં કાંઇ રહી ન જાય અને સૂપ જેવું ન થાય. એમના હાથમાં ડીશ તો છે, દિશા નથી. રૂહો અને આત્માઓને લોહીઓ પીવા હોય છે... આમને દાળો પીવી હોય છે.

બહુ ઓછા લોકોમાં એ ડીસન્સી તો જાવા દિયો...જાણકારી હોય છે કે, આપણે ડીશ લઇ લીધી, અહીં કોઇને નડીએ નહિ, એમ ટૅબલથી દૂર જઇને પાપી પેટ ભરવાનું હોય છે. 'એક બીજાને નડતા રહીએ'નો સાચ્ચો નજારો તમને જમવાના ટૅબલોને અડીને જોવા મળશે. ભિખારીઓમાં ય એટલી અક્કલ અને ડીસન્સી હોય છે કે, જમવાનું મળી ગયું, એટલે આઘા જઇને કોક ઝાડ નીચે બેસીને જમે રાખવાનું, પણ આ લોકો એમનું સ્મારક પણ ત્યાં જ ઊભું કરવાનું હોય, એમ ટેબલની પાસે જમવાનું ચાલુ કરી દે છે. બીજાની સાડીઓ ઉપર દાળ ઢોળાશે ને એમને ય પાછળથી કેટલાય કોણીઓ મારતા આગળ વધશે, અચાનક ધક્કે તમારા કપડાં ઉપર કયું શાક ઢોળાયું છે, એની ત્યાં ખબર ન પડે. એ તો રાત્રે ઘેર આવ્યા પછી ખબર પડી કે, મારા નવાનક્કોર બ્લૅઝરના ખિસ્સામાં છાલવાળા બટાકાનું ફોડવું પડયું હતું....ખાઇ જવું પડે, બીજું શું ?

હિંદુ સંસ્કૃતિમાં ઊભા ઊભા કે વાતો કરતા કરતા જમવા ઉપર નિષેધ છે. અને તે એટલા માટે કે, જમતી વખતનું તમારૂં મોંઢું અમારે જોવું ન પડે. સાલો વાત કરતા કરતા જમે અને આપણા ઉપર એના મોંઢામાંથી ભાતના દાણા ઉડાડતો જાય. એ તો આયુર્વેદમાં ય કીધું છે કે, ઊભા ઊભા જમવાથી અનેક રોગો પેટમાં પડે છે. (આવું કાંઇ કીધું-બીધું નથી... આ તો દાખલો આવો આપીએ તો વાતમાં જરા વજન પડે... સુઉં કિયો છો ?)

એ વાત તો તય છે કે, ૯૮-ટકા ડિનરીયાઓને ડિશમાં શું લેવું ને શું રહેવા દેવું, એનું ભાન નથી. જે ચીજ દેખાય તે 'નાંખો...નાંખો...'ના ધોરણે ઝીંકવા જ મંડવાનું. બાસુંદીમાં પાસ્તા બોળી બોળીને ઉપડયો હોય ! એક તો ડિશ નાની ને એમાં મધ્યમ વર્ગના ફૅમિલીની જેમ આખું કુટુંબ એક રૂમમાં પડયું રહેતું હોય ને એકબીજાની મદદ કરતા હોય, એમ આની ડિશમાં શાકનો રસો કાજુના હલવાને મળવા ધસ્યો હોય. આટલા નાના ઘરમાં બે દહાડા સાસુ-સસરા ય રહેવા આવ્યા હોય એમ આખી થાળી પાપડ-સારેવડાંથી ભરી મૂકી હોય ! તારી ભલી થાય ચમના... તું અહીં જમવા આવ્યો છું કે, જૂના ભંગારનો સામાન કાઢવા આવ્યો છું ? હોઠ નીચે કૉબીજનું ફોતરૂં ચોંટયું છે, એ પહેલા કાઢ અને પછી મુખવાસના ફાકડા માર...!

વિડીયોગ્રાફરો લોકોની રીસેપ્શનમાં જમતા ફિલમ ઉતારે, તો કપિલના કૉમેડી શો કરતા આમાં વધારે હસવાનું છે..!

સિક્સર

- છેલ્લા કેટલાક વર્ષોથી એક મસ્તમઝાની પ્રથા શરૂ થઈ છે.... 'ચાંદલો કે ભેટ લેવાના નથી'. આ આટલી ધમકી ભાવકોના મનમાં એટલી પ્રસન્નતા આપે છે કે, મનથી આશીર્વાદ આપવા માંડે છે કે, 'ભ'ઇ... તારા ઘેર દર મહિને બબ્બે લગ્નો થાય !'

- ઉતાવળ ન કરો. હવે તો એવું ય ગોઠવાઇ રહ્યું છે કે, સ્ટેજ પર જઇને ચાંદલો આપવાને બદલે એ લોકો આપણા હાથમાં હજાર-બે હજારના કવરો પકડાવશે...!

No comments: