Search This Blog

01/12/2013

ઍનકાઉન્ટર : 01-12-2013

* તો આખરે સચિન તેન્ડુલકર રીટાયર થયો...!
- બસ. આખરે દિલ્હીવાળા ય કાંઈ સમજે.
(શિવાની શાહ, અમદાવાદ)

* બોલીવૂડની હીરોઇનો પરણવા માટે બીજવરો જ કેમ પસંદ કરે છે?
- કૂંવારાઓ એમને ઓળખી ગયા હોય છે!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* સહનશક્તિ સમજાવશો. સહન કરે જવું એમાં સહનશક્તિ છે કે સામનો કરવામાં?
- સ્ત્રી છો. આવા બધા પ્રોબ્લેમો પુરૂષોને થવા જોઇએ... તમને નહિ!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* ભૂખ વગર ખાવું નહિ અને ભૂખ હોય એટલું ખાવું નહિ... સાચું?
- એનો આધાર તો આદત ઘરે જમવાની પાડી છે કે બહાર, એની ઉપર છે.
(રમેશ સુતરીયા 'ટ્રોવા', મુંબઈ)

* રાષ્ટ્રની આઝાદી જૂની સારી હતી કે નવી ?
- નવી માટે તો આટલા ઝૂઝીએ છીએ... ૨૦૧૪-ની ચૂંટણીઓ સિવાય નવી આઝાદી મળે એમ નથી.
(હિરેન વ્યાસ, ઘોઘા)

* છૂટાછેડાના કસોમાં વળતર પતિ પાસે માંગવામાં આવે છે, પત્ની પાસે કેમ નહિ?
- 'સમરથ કો નહિ દોષ ગુંસાઈ...'!
(વિજયકાંત સિધપુરીયા, કામરેજ-સુરત)

* તમે તો માર્ચમાં અમેરિકા જવાના છો... પછી 'ઍનકાઉન્ટર'નું શું?
- અમેરિકામાં શસ્ત્રબંધી કે વસ્ત્રબંધી નથી... એટલે ચિંતા થાય છે કે ત્યાં મારૂં ઍનકાઉન્ટર તો નહિ થાય ને?
(મનુ એન. સુરતી, બિલિમોરા)

* મૌની બાબા પ્રાઈમ મિનિસ્ટર ૬૫-વખત પરદેશ જઇ આવ્યા... તો દેશના કામો ક્યારે કરતા હશે?
- એ તો જે કરતું હોય એને ચિંતા અને આમે ય... ક્યાં ગાંઠના પૈસે પરદેશ જવાનું છે?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* ચીનમાં ભ્રષ્ટાચાર બદલ રાજકારણીઓને પણ ફાંસીની સજા થઈ છે... ભારતમાં ક્યારે થશે?
- ચીનના રાજકારણીઓને ભારતમાં સજા ન થાય... એ તો ત્યાં જ કરવી પડે!
(હસમુખ કે. વૈદ્ય, નવસારી)

* સાસરે કન્યાએ જ જવું પડે છે, વરને કેમ નહિ?
- વરોને ક્યાં જવાય ને ક્યાં નહિ, એનું કુદરતી જ્ઞાન હોય છે!
(મહેફૂજા મનસુરી, ધોરાજી)

* ઘરને જ મંદિર કહેવાતું હોય તો પછી લોકો મંદિરોમાં કેમ જાય છે?
- મંદિરોમાં ઘર કરતા વધુ શાંતિ હોય છે!
(સુમિત સીરવાણી, જૂનાગઢ)

* ગાંધારીએ છતી આંખે પટ્ટી કેમ બાંધી હશે?
- કન્ઝક્ટીવાઈટીસ.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* મૅચ ફિક્સિંગની આટઆટલી ઘટનાઓ છતાં તમારો રસ ક્રિકેટમાં જળવાઈ રહ્યો છે?
- અફ કૉર્સ. દેશ ગૌરવ લઈ શકે, એવી એક ચીજ ક્રિકેટ તો છે. બાકી ટીવી ન્યૂસ કે સીરિયલો તો વિકૃત છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* જગતની સર્વોત્તમ ચીજ દોસ્તી છે... આપ શું માનો છો?
- ''દોસ્તાના'' જેવું ન થાય તો વાત સાચી.
(ચિન્મય વસાવડા, રાજકોટ)

* ફાવે તેમ બફાટ કર્યા પછી માફી માગી લેનારા નેતાઓને માફીને બદલે શું આપવું જોઈએ?
- એમ...? કોઈએ માફી માંગી ખરી? હજી તો, ''મીડિયાએ મને ખોટો ટાંક્યો છે'' અથવા તો ''હું આવું બોલ્યો જ નથી'' એવા ખુલાસા થાય છે.

* દરેક પુરૂષની સફળતા પાછળ એક સ્ત્રી હોય છે... આપને કેવું છે?
- મારે બહુ બધીઓના નામો લેવા પડે એમ છે.
(ભાનુપ્રસાદ ગો. સોની, અમદાવાદ)

* લગ્ન પહેલા બરડામાં વરરાજાને પીઠી કેમ ચોળવામાં આવે છે?
- ચાલુ લગ્ને ખંજવાળો ન ઉપડે માટે.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ડૉ. મનમોહનસિંઘને કાબુમાં રાખવા સોનિયા ગાંધી કયો ઉપાય અજમાવે છે?
- એમ...? મનુભ'ઈ એટલા પાવરફૂલ છે?
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* દેવી-દેવતાઓ ડુંગર પર રહે છે... ખીણમાં કેમ નહિ?
- આપણા મસ્તકો શાનથી ઊંચા રહે માટે.
(પ્રવીણ પટેલ, ગડત-ગણદેવી)

* તમને સપના આવે છે ખરા? આવતા હોય તો કેવા?
- હાલમાં હું '૭૦-ની સાલ પહેલાના સપનાઓ રીવાઇન્ડ કરી કરીને જોઉં છું... આઇ મીન, મારા લગ્ન પહેલાના!
(જ્યોત્સના હિંડોચા, રાણાવડવાળા)

* ગત ચૂંટણીમાં મોદીને પ્રચંડ જીત અપાવનાર શ્રી અર્જુન મોઢવાડીયા વિશે કાંઇ કહેશો?
- હું એક વાર મળ્યો છું. વ્યક્તિગત ધોરણે અત્યંત બાહોશ અને સુંદર સ્વભાવના વ્યક્તિ છે.
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* અનેક જોડીઓના સંબંધો જળવાય છે, પણ સાળા-સાળીના રસ્તા કેમ ફંટાય છે?
- સાઈડ બતાવીને વળો તો કાંઈ ન ફંટાય!
(રેખા શશીકાંત ગઢીયા, રાજકોટ)

* આસારામ બાપુનો ય બચાવ કરનારા હજી કેમ સમજતા નહિ હોય?
- એમનો વિરોધ કરનારા ય ક્યાં સમજે છે?
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* જવાબો તો તમે જ આપો છો, પણ એવું ન બની શકે કે, સવાલ તમે પૂછો અને ઉત્તર વાચકો આપે?
- વાચકોને જુઠ્ઠું બોલતા થોડું આવડે?
(ડૉ. આનંદપ્રકાશ, અમદાવાદ)

* પોલિયો મુક્ત ભારતની જાહેરાતો જોરશોરથી થાય છે... ભ્રષ્ટાચાર મુક્ત ભારતની જાહેરાત ક્યારે?
- ભારતનો ભ્રષ્ટાચાર પોલિયો મુક્ત છે... ઇસ ધૅટ ઓકે?
(કલ્પિત પટેલ, કરજણ)

* મધ્યાહ્ન ભોજન બંધ કરીને રોકડ રકમ વિદ્યાર્થીઓને આપી દેવાથી ભ્રષ્ટાચાર ઓછો નહિ થાય?
- તમે બહુ ભોળા માણસ લાગો છો.
(જગજીવન સોની, કોડીય-કચ્છ)

* દેશના પ્રત્યેક ધર્મોને દેશનું એક એક મહત્ત્વનું કામ સોંપી ન શકાય?
- યસ. દેશને બચાવવો હોય તો ધર્મગુરૂઓ જ રક્ષણ કરી શકે એમ છે... પણ કયો ધર્મ દેશની વાત કરે છે?
(ડૉ. તૈયબ એચ. સાહેરવાલા, ગોધરા)

No comments: