Search This Blog

06/12/2013

કરોડપતિ ('૬૧)

ફિલ્મ : કરોડપતિ ('૬૧)
નિર્માતા : સહગલ બ્રધર્સ
દિગ્દર્શક : મોહન સેહગલ
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઆઇમ : ૧૬ - રીલ્સ
થીયેટર : લાઇટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, શશીકલા, કે.એન. સિંઘ, અનુપ કુમાર, રાધાકિશન, કુમકુમ, એસ.એન.બૅનર્જી, મિર્ઝા મુશર્રફ, બ્રહ્મ ભારદ્વાજ



ગીતો
૧. પહેલે મુર્ગી હુઇ થી કે અંડા, જરા સોચ કે બતાના... મન્ના ડે
૨. ઓ સાજના ન પૂછ મુઝ સે પ્યાર ક્યા હૈ... લતા મંગેશકર
૩ ઓ લડકે બઢતે બઢતે તુ યહાં ભી આ ગયા.... લતા-કિશોર
૪ આપ હુએ મેરે બલમ મૈં તુમ્હારી હુઇ જાન લિજીયે.... લત્તા-મન્ના ડે
૫ ઓ મેરી મૈના, અરે સુન મેરા કહેના, હાથોં મેં... રફી-કિશોર
૬ સૈંયા ન છેડો દિલ કે તાર, પૈંયા પડું તોરી...... લતા મંગેશકર
૭ કાબુલ કી મૈં નાર, મેરી આંખે રસીલી કટાર.... ગીતાદત્ત-કિશોર
૮ હાય સાવન બન ગયે નૈન, નૈન પિયા બિન.... આશા ભોંસલે
૯ દેખનેવાલોં થામ લો દિલ કો અપના તમાશા શુરૂ.... કિશોર કુમાર
૧૦ અય આસમાં કે રાહી તુ હી ગવાહ રહેના.... ?
૧, ૨, ૩, ૪ અને ૫ ના ગીતકાર શૈલેન્દ્ર. ૬, ૭, ૮ ના હસરત જયપુરી
અને ૯, ૧૦ના ગીતકારોના નામો પ્રાપ્ય નથી.

તમારી પાસે કિશોર કુમાર જેવો વર્લ્ડ-ક્લાસ પરફૅક્ટ કૉમેડી કરી શકતો સ્વભાવિક ઍક્ટર પડયો હોય ને તમે આખી ફિલ્મમાં ન એને કૉમિક સંવાદો આપી શકો, ન કૉમિક સિચ્યૂએશન આપી શકો. અને સરવાળે જે કરાવો, એ કૉમેડીને નામે તદ્દન હાસ્યાસ્પદ અને ફાર્સ પણ ન કહેવાય, એવી બેહૂદી કૉમેડી કરાવો એ બતાવે છે કે, એ જમાનામાં (કે, ઈવન, આ જમાનામાં) સારી કૉમેડી લખી શકે, એવો કોઇ લેખક રહ્યો જ નથી ? કિશોરની ઑલમોસ્ટ તમામ જૂની ફિલ્મો મેં જોઇ છે પણ 'ચલતી કા નામ ગાડી' કે 'પડોસન' જેવી કોઇ ૪-૫ ફિલ્મોને બાદ કરતા એકેયની કૉમેડીમાં ઢંગધડા નહિ. ફિલ્મ કૉમિક હોય તો પહેલી જરૂરત અર્થસભર હાસ્યસંવાદો લખનારની પડે...! શરમજનક વાત તો એ છે કે, આ ફિલ્મ 'કરોડપતિ'ના સંવાદલેખકો તો એ જમાનાના બે સવોત્તમ કૉમેડીયનો-આઇ.એસ. જોહર અને રાધાકિશન-પોતે હતા, છતાં એક જગ્યાએ હાસ્ય ઊભું કરવાનો પ્રયત્ન પણ થયો નથી.

યસ. મેહમુદ અને કિશોર કુમાર વચ્ચે કૉમેડીયન તરીકે સરખામણી કરવી હોય તો બે માર્ક મેહમુદને વધારે મળે કારણ કે, કિશોરની કૉમેડીનો એક ઢાંચો નક્કી જ થઇ ગયો હતો... દિગ્દર્શકો ઑલમોસ્ટ દરેક ફિલ્મોમાં એની પાસે ગાંડાવેડાં કરાવે, ઉટપટાંગ હરકતો કરાવે ને કિશોર પણ એવી સ્થૂળ (Slapstick) કૉમેડીમાંથી બહાર જ ન નીકળ્યો. મેહમુદે તો લિબાસથી માંડીને બોલચાલ, હરકતો, અવાજ અને વિવિધ રોલની પસંદગીને પહેલું મહત્ત્વ આપ્યું, એટલે એ છવાઇ ગયો. પણ કિશોર એ મુદ્દે બે માર્ક મેહમુદ કરતા વધારે સરભર કરી લાવે કે, એનો કંઠ મીઠો અને ગાયકીને સમૃધ્ધ કરનારો હતો એટલે એના ગીતોને કારણે પણ એ વધુ મશહૂર થયો.

કમનસીબે, આ ફિલ્મમાં આજ સુધીના સર્વોત્તમ ફિલ્મી સંગીતકારો શંકર-જયકિશન હોવા છતાં ન તો કિશોર પાસે એક ગીત ઢંગનું ગવડાવી શકાયુ, ન એને પૂરા ગીતો ગાવા આપ્યા. આમે ય, આ મહાન સંગીતકારો એક માત્ર કિશોરનો ઉપયોગ કરવામાં પહેલેથી ઢીલા જ સાબિત થયા છે. ફિલ્મ ' બેગૂનાહ'નું કોઇ ગીત લોકહૃદય સુધી પહોંચ્યું નહિ, ફિલ્મ 'શરારત'માં 'હમ મતવાલે નૌજવાન...'ને બાદ કરતા બાકી બધે મીંડું. 'નઇ દિલ્હી'નું 'નખરેવાલી' અને બહુ જાણકાર હો તો, 'અરે ભ'ઇ નીકલ કે આ ઘર સે, આ ઘર સે'....! આ મારો અંગત મત છે કે, મારી સમજ મુજબ, શંકર-જયકિશનથી વધુ સારા કોઇ સંગીતકાર હિંદી ફિલ્મોમાં આવ્યા નથી, પણ કિશોર કુમારનો સર્વોત્તમ ઉપયોગ આ બન્ને સંગીતકારો કેમ કરી ન શક્યા ? ઉપરથી, જે ફિલ્મમાં હીરો કિશોર કુમાર હોય, એમાં ય કિશોર માટે પ્લેબૅક મુહમ્મદ રફી કે મન્ના ડેને સોંપી દેતા. કબુલ કે, પ્રત્યેક ગીત કિશોર ગાઇ શકે, એવી શાસ્ત્રોક્ત કાબિલીયત કિશોરમાં નહોતી, પણ એ લોકો તો સંગીતકારો હતા...ધૂન બદલીને કિશોરને અનુરૂપ ગીતો બનાવી જ શક્યા હોત ! ઓપી નૈયર પણ આવું જ કરતા કે, 'મન મોરા બાવરા, નિસદિન ગાયે ગીત મિલન કે...' એ ગીતમાં કિશોરને પ્લેબૅક રફી પાસે અપાવ્યું. અન્ય ફિલ્મોમાં પણ ઓપીએ કિશોરને આવો જ અન્યાય કર્યો. સલિલ ચૌધરી તો કિશોર માટે હેમંત કુમારનું પ્લેબૅક ઉપાડી લાવ્યા હતા, (ફિલ્મ 'નૌકરી') નહિ તો 'છોટા સા ઘર હોગા, બાદલોં કી છાંવ મેં, આશા દીવાની મન મેં બંસુરી બજાએ' મારી પાસે ય હેમંતના અવાજમાં પડયું છે, જે પછીથી કિશોર પાસે ગવડાવ્યું હતું.

પણ કિશોરવાળા કિસ્સા બાદ કરીએ તો શંકર-જયકિશને ઈવન આ ફિલ્મમાં પણ પોતાનો ઊંચો સ્ટ્રાઈક-રૅટ તો જાળવી જ રાખ્યો છે. લગભગ બધા ગીતો મશહૂર કરી દેવાની એમની સિધ્ધિ અહીં થોડી ઓછી પડી છે, પણ ઘરડા તોય સિંહો હતા ને ? લતા મંગેશકરનું 'સૈંયા ન છેડો દિલ કે તાર...' તો આપણે શશીકલાના સૈંયા ન હોવા છતાં ભીંજવી નાંખે એવું ખૂબસુરત ગીત બન્યું છે. ધૂન જયકિશનની છે અને આ જ ગીત એણે ફિલ્મના ટાઇટલ્સમાં અનોખી રીતે પેશ કર્યું છે. (શંકર-જયકિશની તમામ ફિલ્મનું ટાઇટલ સંગીત અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માત્ર જયકિશનનું જ હોય !) મન્ના ડે અને લતાનું 'આપ હુએ મેરે બલમ...'ની સીધી ઉઠાંતરી એમણે 'નૈન મિલે ચૈન કહાં, દિલ હૈ વહીં તુ હૈ જહાં...' ગીતમાં કરી છે, પણ 'કરોડપતિ'ના બાકીના ગીતો ભલે 'સો સો' હોવા છતાં આશા ભોંસલેનું 'સાવન બન ગયે નૈન...' તો આજ સુધી જીવંત રહ્યું છે. આપણને ખોટ કેવળ કિશોરના ગીતોની સાલે કે, માલ પડયો હતો છતાં શંકર-જયકિશને વાપર્યો કેમ નહિ...?

પણ વ્યક્તિ તરીકે કિશોર કેવો મહાન ? આ બધા જીવો આપણે બાળીએ છીએ, પણ ખુદ કિશોરને એવો કોઇ ઈગો જ નહિ મળે ! હીરો પોતે હોવા છતાં પ્લેબૅક બીજાનું લેવાનું હોય તો એ નાનકડો વિરોધ પણ ન કરે, એ તો જાવા દિયો પણ ગૌરવપૂર્વક રફી, મન્ના ડે કે હેમંતનું પ્લેબૅક પરદા પર ખીલવી બતાવે...(એક ગીતમાં તો એણે આશા ભોંસલેનું ય પ્લેબૅક લીધું છે!) જે કલા કિશોરનો USP હતો, (એટલે કે યુનિક સૅલિંગ પૉઇન્ટ), એ હરકતો કે યૉડેલિંગ આ ફિલ્મ 'કરોડપતિ'ના યુગલગીત, 'ઓ મેરી મૈના, અરે સુન મેરા કહેના...'માં મુહમ્મદ રફી પાસે શંકર-જયકિશને કરાવી અને કિશોર પાસે હરકતો વગરનું સીધેસીધું ગવડાવ્યું, ત્યાં સુધી ય બરોબર છે, પણ ગીતના છેલ્લા અંતરામાં કિશોર પાસે પોતાનું પ્લેબૅક પણ સ્વીકારી લીધું. એ વાત જુદી છે કે, રફીએ તો અનેક ફિલ્મોમાં કિશોરને પ્લેબૅક આપ્યું છે.

ફિલ્મ 'કરોડપતિ'તો પાછી મોહન સેહગલ જેવા, આગળ-પાછળ કંઇક સારી ફિલ્મો બનાવી ચૂકેલા સારા ડાયરેક્ટરે દિગ્દર્શિત કરી હતી ને તો ય ભવાડો જ ઊભો કર્યો. વાર્તા તો શું મારા ભ'ઇ...અહીં એના અંશો લખું તો ય શું ને ન લખું તો ય શું ? પટકથા આઇ.એસ. જોહરે લખી હતી, ત્યાં જ ખબર પડી જાય કે, ફિલ્મમાં કોઇ ભલીવાર નહિ હોય ! નહિ તો આ જોહરે બી.આર. ચોપરાની ફિલ્મ 'અફસાના' લખી હતી...(યાદ છે ને, લતા મંગેશકરનું, 'અભી તો મૈં જવાન હૂં...') અને લતાના સી.રામચંદ્રના કમ્પૉઝીશનમાં ગાયેલા 'તેરે ફૂલોં સે ભી પ્યાર તેરે કાંટો સે ભી પ્યાર...' જેવા ગીતોથી બનેલી ફિલ્મ 'નાસ્તિક'ની વાર્તા ય જોહરે લખી હતી. અરે, એની હ્યૂમર કેટલા ઊંચા ગજાંની હતી, એનો સર્વોત્તમ પુરાવો તો વર્ષો સુધી 'ફિલ્મફૅર'માં આવતી 'ક્વૅશ્ચ્યન બૉક્સ'માંથી મળી રહે. એ સહેજ પણ ફાલતુ હ્યૂમરિસ્ટ નહતો. પણ હિંદી ફિલ્મો બનાવવાની આવે ત્યારે તે તદ્દન છેલ્લા પાટલાની ફિલ્મો બનાવતો. (ને તો ય...મને એની 'જોહર મેહમુદ ઇન ગોવા,' 'જોહર ઇન બૉમ્બે' કે 'જોહર-મેહમુદ ઇન હાઁગકાઁગ' એની સ્થૂળ કૉમેડીને કારણે પણ ખૂબ ગમી હતી.

આ ફિલ્મ 'કરોડપતિ' પણ જોહરના જ ભેજાંની નિપજ છે. કિશોરકુમાર પાગલ છે અને કરોડોની સંપત્તિનો માલિક છે, જેને ચાઉ કરી જવા ખલનાયક કે.એન. સિંઘ પેંતરા રચતો રહે છે. હીરોઇન શશીકલા અને સાઇડી કુમકુમના સાથમાં કિશોર સિંઘના કરતુતો ખુલ્લા પાડે છે. વચમાં અનુપ કુમાર પણ સિંઘના ચમચા તરીકે વિલનગીરી કરતો રહે છે અને શશીકલાને પોતાની પ્રેમજાળમાં પરોવવા માટે અવનવા નખરા કરે છે. એ બન્નેની જોડી શમ્મી કપૂરની ફિલ્મ 'જંગલી'માં સારી લાગી હતી. મૂકેશ અને આશા ભોંસલેનું 'નૈન તુમ્હારે મજેદાર ઓ જનાબેઆલી' યુગલ ગીત આ જ જોડીએ ગાયું હતું.

કે.એન. સિંઘ કિશોર કુમારને બહુ ગમતો. સમજો ને, કિશોરની ઘણી ફિલ્મોમાં એ હોય જ. કિશોર આ ફિલ્મની જેમ પોતાની ફિલ્મ 'બઢતી કા નામ દાઢી'માં સિંઘની સંવાદો બોલવાની ઢબની મિમિક્રી કરે છે. એ ફિલ્મના એક ગીતમાં તો કિશોરે સિંઘને તદ્દન ઉઘાડો કરી, માત્ર ચડ્ડીભેર અને કપાળ ઉપર પીંછું પહેરાવીને ભગવાન શ્રી કૃષ્ણ જેવી રાસલીલા રમતો બતાવ્યો છે.

કિશોર કુમારને કુમકુમ પણ મેહબૂબ ખાન અને રામાનંદ સાગર જેટલી જ ગમતી હશે (એને તો કઇ નહોતી ગમતી ?) પણ જ્યાં ત્યાંથી કુમકુમને એ પોતાની ફિલ્મમાં લઇ આવે જ ! આ ફિલ્મમાં પણ કુમકુમને વૅમ્પ બનાવી છે.

યસ. એ જોવાનો નજારો અનોખો હોય કે, એ સમયની ફિલ્મોમાં આજની જેમ પલ-દો-પલ માટે મેહમાન કલાકારો લઇ આવવાનો રિવાજ બહુ નહતો. પણ કિશોરના મોટા ભાઈ અશોક કુમાર આ ફિલ્મમાં સ્વયં અશોક કુમાર બનીને બે મિનિટ માટે આવે છે. શશીકલાને ચોપરાની ફિલ્મ 'ગુમરાહ'માં જોઇ હોય, એટલે અહીં સીધીસાદી હીરોઇન તરીકે જલ્દી ઓળખી શકાય એવી નથી. ફિલ્મ જોતા જોતા બોલવું પડે, ''એએએ...આ શશીકલા છેએએએ?'' યોગાનુયોગ, આજે આ ફિલ્મ 'કરોડપતિ' બને બાવન-બાવન વર્ષો થઇ ગયા અને આ ફિલ્મ સાથે અભિનય, સંગીત, દિગ્દર્શન કે અન્ય કોઇપણ વિભાગ સાથે સંકળાયેલી એક પણ વ્યક્તિ હયાત નથી, સિવાય શશીકલા. નૂરજહાંની ખૂબ મશહૂર થયેલી કવ્વાલી 'આંહે'ન ભરી શિકવે ન કિયે, કુછ ભી ન ઝુબાં સે કામ લિયા...'માં શ્યામાની જેમ શશી પણ પહેલીવાર ફિલ્મોમાં દેખાઇ હતી. હવે તો એણે ફિલ્મોમાં આવવાનું ય બંધ કરી દીધું છે, પણ જેણે એ સમયની શશીકલા જોઇ છે, એ હૈરત પામી જાય કે, એક સ્ત્રી જીવનના તમામ વર્ષો એક સરખું ફિગર જાળવી કેવી રીતે શકી હશે ? કેટ્લા ચીઝ-બટર અને ઘીઓ પર કાબુ રાખ્યો હશે, એ જાણ્યા પછી આપણી ગુજરાતણો તો પાગલ થઇ જાય...!

યસ. ફિલ્મ પાગલ કિશોર ઉપર આધારિત છે, પણ હિંદી ફિલ્મોમાં એક પણ લેખક ડાહ્યો નહિ હોય, એવો સવાલ ઊભો થઇ શકે કારણ કે, કોઇ પણ ન્યુરોસર્જન ઓળખીતો હોય તો પાગલો વિશે બે-ચાર સવાલો પૂછવા જેવા છે (વધારે નહિ...નહિ તો એ તમારો કૅસ સમજશે !) કે, ફિલ્મોમાં પાગલો અવનવી અનેક હરકતો કરતા દેખાય છે, એ સાચું છે ? જવાબ ના નો આવશે. ફિલ્મોના પાગલ ઝાડ ઉપર ચઢી જાય, ખોટેખોટું હસીને તરત રડવા માંડે કે ઘરમાં કાલ્પનિક સ્કૂટર ચલાવે, એવું વાસ્તવિક પાગલો ન કરે. ગમે તે એક કે બે હરકતો ઉપર એમની પિન ચોંટી ગઇ હોય ! પાગલ એટલે કે મગજથી અસ્થિર માણસ ફિલ્મો જેવા ગાંડા ન કાઢે. વાસ્તવિક પાગલ કોઇ એક-બે હરકતો જ કરે રાખે. ફિલ્મોના પાગલો આપણને પાગલ સમજીને હરકતો કરતા હશે ! (પાગલો વિશે આટલી જાણકારી મારા એકે ય સ્વાનુભાવ ઉપરથી લેવામાં આવી નથી, તેની વાચકો નોંધ લે !)

(સીડી સૌજન્ય : શ્રી ભરત દવે : સુરત)

No comments: