Search This Blog

01/03/2013

જ્વાલા

મધુબાલાની આખરી અને એકમાત્ર રંગીન ફિલ્મ

ગીતો
૧...થામ લો કલેજા સબ અપના, રાહી આયા હૈ ઝૂમતા....મૂકેશ
૨...મેરા જ્વાલા નામ, જીયા જલાના કામ....લતા મંગેશકર
૩...હોલે હોલે એક ભી ન ઘુંઘરૂં બોલે......ગીતા દત્ત-લતા-સુધા મલહોત્રા
૪...આહા લે ગઈ ઓ જીયા લે ગઈ છબિ સુંદર.....લતા મંગેશકર
૫...દુનિયા કી કિતાબોં સે એક દિન, મુશ્કિલ કા નામ મીટ જાયેગા.... મુહમ્મદ રફી
૬...આજા રે આજા રે મોરે સજન આ...... લતા-મન્ના ડે
૭...જગી રાતભર તેરી યાદ મેં બલમ.....લતા મંગેશકર
૮...દેખોજી આંખો મેં દેખો, આંખે હમારી....લતા મંગેશકર
ગીત નં. ૪ અને ૫ શૈલેન્દ્રભાઈના લખેલા છે, બાકીના રાજિન્દર કિશન હસરત કેમ ગૈરહાજર છે, તેનું રહસ્ય સમજાતું નથી. 


ફિલ્મ : 'જ્વાલા' ('૭૧)
નિર્માતા-દિગ્દર્શક : એમ.વી. રમણ
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૭-રિલ્સ
કલાકારો : મધુબાલા, સુનિલદત્ત, સોહરાબ મોદી, આશા પારેખ, પ્રાણ, ઉલ્હાસ, કમ્મો ત્રિપાઠી, ડૅવિડ, જાગીરદાર, રાજ મહેરા, કમલા લક્ષ્મણ, વિજયા લક્ષ્મી, મુકરી, કેસરી, ચમનપુરી, લલિતા પવાર, શિવરાજ.

એક ફિલ્મને કેટલી હદે ફાલતુ બનાવી શકાય, એ જોવું હોય તો (જો કે, એવું શું કામ જોવું હોય ?) મધુબાલા-સુનિલ દત્તની ફિલ્મ ''જ્વાલા'' જુઓ. ફિલમ તો ફિલમ, એનું સંગીત, એની વાર્તા-સંવાદો કે, એનું કાંઈ પણ તમને અકળાવી નાંખનારૂં બન્યું હોય તો ફિલ્મ પૂરી કરતા કેટલો માનસિક ત્રાસ વેઠવો પડયો હશે, (ફિલ્મ બનાવનારાઓને નહિ, આપણને જોનારાઓને !) એ તો આ લેખ લખનાર જ જાણે ! સુનિલ દત્ત મને ગમતો, એટલે એક ગૂન્હો ઓછો થયો. શંકર-જયકિશનનું મારાથી મોટું ચાહક બીજું કોઈ ન હોય, એવું આ દેશમાં મારી જેમ બીજા એક કરોડ લોકો માને છે, એમના ય તદ્દન વાહિયાત સંગીત છતાં લતા મંગેશકરનું ખાસ તો ઢોલકનવાઝ દત્તારામના ઠેકા ઉપર સરસ મઝાની લયમાં ગવાયેલું ''દેખોજી, આંખો મેં દેખો, આંખે હમારી, સપને તુમ્હારે...'' સાંભળીને હૃદયની ૨૦-ટકા જવાળાઓ હોલવઈ જાય, એ બીજો ગૂન્હો માફ...! જેમણે ફિલ્મ ''દસ્તક'' જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી, તે રાજીન્દરસિંઘ બેદીએ આ ફિલ્મના સંવાદો લખ્યા છે, એમાં આપણો ઉશ્કેરાટ વધી જાય કે, તમે ફિલ્મી લેખકની છાપ લઈને નથી આવ્યા, સાહિત્યકાર છો તો કમ-સે-કમ, એકાદ ચમત્કૃતિ તો સાહિત્યિક બતાવો ! એક એક સંવાદ કચરાપેટીનો માલ છે. સ્ટારકાસ્ટ વાંચીને પહેલે જ ઘાએ પ્રેક્ષકોને ફિલ્મ જોવા જવાનું મન થાય પણ પછીનો ક્યો ગૂન્હો માફીને કાબિલ ગણવો ?

આ રાજીન્દરસિંઘ બેદીનો એક કિસ્સો મશહૂર છે : દારૂ પી પીને બહુ વહેલા મરી ગયેલા તેમના પુત્ર સ્વ. નરેન્દ્ર બેદી સાથે તેઓ હાઈ-વે પરના કોક નાનકડા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. ડ્રાઈવિંગ પિતા કરતા હતા, એટલે સ્વાભાવિક છે સ્પીડ માંડ ૩૦-૪૦ કી.મી.ની હોય ! અચાનક એક સાવ નાનકડા ગામમાંથી પસાર થતાં એક નાનું બાળક સહેજમાં બેદીની ગાડી નીચે આવતા રહી ગયું. બાળક બચી ગયું. ફાધર-એ-આઝમ કટાક્ષમાં હસી પડયા, (ને જુવાન લોહીઓ તો મગજ હોય કે ગાડી, કેટલી સ્પીડમાં ચલાવતા હોય એ તમે જાણો છો !) અને બોલ્યા, ''જોયું બેટા... મારી જગ્યાએ તું ગાડી ચલાવતો હોય, તો બાળક કચડાઈ ગયું હોત !...'' પુત્ર નરેન્દ્ર આ વખતે નશામાં નહતો. એણે સામો જવાબ આપ્યો, ''ડૅડ... ગાડી હું ચલાવતો હોત, તો બાળકના રસ્તો ક્રોસ કરવાના કલાક પહેલા આપણે અહીંથી નીકળી ચુક્યા હોત !''

ફિલ્મના મદ્રાસી નિર્માતા-દિગ્દર્શક એમ.વી. રમણનું ભલે તમે બહુ નામ ન સાંભળ્યું હોય, પણ જૂની ફિલ્મો 'આશા', 'ચંદન', 'પાયલ કી ઝંકાર', 'લડકી', 'પહેલી ઝલક', 'ભાઈભાઈ', (બધાનો હીરો કિશોર કુમાર) અને પોતાની સુપુત્રી વૈજ્યંતિમાલાને પહેલીવાર હિંદી ફિલ્મોમાં લાવવા માટે ઉતારેલી ફિલ્મ ''બહાર'' (''સૈંયા દિલ મેં આના રે, આ કે ફિર ન જાના રે...'') આ એમ.વી. રમણે ઉતારી હતી... ઍન્ડ સૉરી માય બૉય... આમાંની એક પણ ફિલ્મ તમને ગમી હોય તો પરમેશ્વર તમારી રક્ષા કરે !

યસ. એક હિમ્મત રમણભ'ઈએ બેશક કરી હતી. આમ તો, મધુબાલાની નિર્લજ્જ માંદગીને કારણે ફિલ્મ ઠેલાતી ગઈ અને ઠેઠ ૧૯૭૧-માં રીલિઝ થઈ. જે રીતે આશા પારેખનો રોલ આ ફિલ્મમાં હીરોઈનની ચમચીનો છે અને તે પણ ભાગ્યે જ કોઈ બે-ત્રણ દ્રષ્ય માટે, તે જોતા આશા પારેખ તો શમ્મી કપૂર સાથે ૧૯૫૯-માં પહેલીવાર આવી હતી, એ જોતા મધુબાલાની આ ફિલ્મ શરૂ તો એ પહેલાની થઈ ગઈ હોવી જોઈએ, નહિ તો આશા શું કામ આવો રદ્દીના પેટનો રોલ કરે ? મધુ જન્મી ત્યારથી જ તેના હૃદયમાં કાણું હતું-કદી ન પૂરાય તેવું અને તે પણ જન્મ પછીની કોઈપણ ક્ષણે તેનો જાન લઈ શકે તેવું ખૌફનાક કાણું હતું. આટલું જીવી ગઈ, એ અલ્લાહની મેહરબાની. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં ફક્ત બે-ચાર રીલ્સ જ રંગીન હતા, બાકી આખી ફિલ્મ બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ. એ જોતા ''જ્વાલા'' મધુબાલાની પહેલી અને છેલ્લી કલર ફિલ્મ 'જ્વાલા' હતી. (ફિલ્મ બનાવનારાઓમાં એકે ય માણસ ચાર ચોપડી ભણ્યો નહિ હોય, કારણ કે લતાના ગીત, ''મેરા જ્વાલા નામ...''માં ઉચ્ચાર ''જ-વાલા'' કરે છે. ફિલ્મના ટાઈટલ્સ ઉપરાંત આવું જ-વાલા અનેક વખત બોલાતું રહ્યું છે. આ જ બિમારીને કારણે (પ્રેક્ષકો ય પકડી પાડી શકે, એટલી) જગ્યાઓએ મધુને બદલે એની ડુપ્લિકેટ લેવી પડી છે. એવું જ કામકાજ ફાઈટમાસ્ટર શેટ્ટીનું હોય. શેટ્ટીને બધાએ જોયો છે. કાળો ડીબાંગ, ઊંચો-પહોળો, દર ત્રીજી સેંકડે આંખોના મોટા ડોળા કાઢતો અને એને એ કલાસિક ઍક્ટિંગ પણ ગણતો હશે...! જો કે, આવા ડોળા કાઢવાની સિધ્ધિ સુધી ય આ તમારા ભારત ભૂષણ કે પ્રદીપ કુમારો પહોંચી શક્યા નહોતા. ગળામાંથી અવાજ કાઢવો હોય ને જેટલા હોઠ ફફડે, એટલી જ ઍક્ટિંગ ! હંમેશની જેમ દરેક ફિલ્મમાં શેટ્ટીના ફાઈટ-કમ્પોઝીશનમાં કોઈ તલવારબાજી કરતા તો ગુજરાતના દાંડીયા-રાસમાં લોકોને દાંડીયા વધારે વાગતા હશે ! (ફિલ્મોમાં ફાઈટ-માસ્ટર અલગ હોય છે. હીરોએ મુક્કો કેવી રીતે મારવો અને ખાધા પછી વિલને ગોથમડું ખાઈને કેવી રીતે પડી જવું તે, બધું ઍક્શન સાથે ફાઈટ-માસ્ટર શીખવાડતા હોય છે !)

સોહરાબ મોદી ઍક્ટર તરીકે ફિલ્મમાં હોય, એટલે ઉત્તરપ્રદેશના ભૈયાઓ જેવું કરવા માંડે ! આ ભૈયાઓને જગતભરનું કોઈપણ ગીત ગાવા આપો, રાગ-બાગ કાંઈ ન બદલાય, એમ સોહરાબ મોદી સામે ફિલ્મની સીચ્યુઍશન કોઈ બી હો... સંવાદો તમામ પૃથ્વીવલ્લભની અદાથી જ બોલવાના. એમાં કોઈ ફેરફાર ન થાય ! ''તુમ્હારા ખૂન ખૂન... ઔર હમારા ખૂન પાની ?'' સોહરાબની એક સમજ તો કોઈને પડે એવી નથી.

એક નવાઈ તો નહિ, પણ આંચકો વિરાટ લાગે છે, શંકર-જયકિશનની આ ફિલ્મમાં બેફામ નિષ્ફળતા જોઈને ! પણ નવાઈ એ વાતની લાગે કે, મૂકેશને આ ફિલ્મમાં કેમ લીધો હશે ? બહુ ઓછાના ધ્યાન પર બેઠું હશે કે, શંકર-જયકિશને એક ફરજીયાત રાજ કપૂરની ફિલ્મોને બાદ કરતા મૂકેશને ભાગ્યે જ લીધો છે. એમાં ય આ ફિલ્મમાં મૂકેશને આપેલું ગીત તો મૂકેશના ડાય-હાર્ડ ચાહકોને ય યાદ રહે એવું નથી. એ તો આપણે મૂકેશ-મૂકેશ કરે રાખીએ, બાકી એક સલિલ ચૌધરીને બાદ કરતા કોઈ સંગીતકારે એને કોઈ ભાવ આપ્યો નથી. ખૂબ લાચારીમાં મૂકેશને કામ માંગવા દરદર ભટકવું પડયું હતું.

મધુબાલા પાસે જ્યારે પણ કોઈ ૨૦-૨૫ સેકંડો છુટ્ટી પડી હોય, ત્યારે અરીસો જોઈને સમયનો સદુપયોગ કરી લેતી. ખોટો સમય વેડફાય નહિ, માટે ! આવી ગંજાવર આદત પૃથ્વીરાજ કપૂરને ય હતી. છોકરાઓ પાછળ ગાડીમાં બેઠા હોય, ત્યારે સ્પીડ ૩૦ કિ.મી.ની રાખવાની જેથી રીયર-મિરરમાં (ગાડીની પાછળ આવતા વાહનોને જોવાનો અરીસો) પોતાનો ચેહરો અવારનવાર જોઈ શકાય. શશી કપૂર બૂમો પાડે રાખે, ''પાપાજી, ગાડી ફાસ્ટ ચલાઈએ, ના...!''

વારંવાર પોતાનો ચેહરો જો જો કરનારને ઈંગ્લિશમાં Narcissist   'નાર્સિસિસ્ટ' કહેવાય છે. પોતે બહુ ખૂબસુરત છે, એવી બાતમી મળી ગયા પછી અનેક લોકોને 'નાર્સિસિસ્ટ' બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. મધુબાલાને તો ગામ આખું, ''બહુ રૂપાળી... બહુ રૂપાળી...'' કહેતું હતું ને એને એનો મજો ય પડે રાખતો હતો. સવાલ એ ઊભો થાય કે, એ કેટલી હદે સૅક્સી પણ લાગતી હશે કે, દિલીપ કુમાર જેવો દિલીપ કુમાર... એ જાણવા છતાં કે, બહેન ઘાટ ઘાટના પાણી પી અને પિવડાવીને આવ્યા છે... કુરિયરમાં છોડાવેલો માલ સાવ કોરોધાકોડ નથી, છતાં દિલીપ એવો તે કેવો આસક્ત થઈ ગયો હશે કે, નિકાહ (લગ્ન) ફક્ત મધુબાલા સાથે જ કરવાની હઠ પકડી બેઠો હતો ? ભારત ભૂષણ, પ્રદીપ કુમાર કે પ્રેમનાથ સાથે ખુલ્લેઆમ ઈશ્કેમીજાજી કરનાર મધુબાલા સિવાય દેશની હજારો સુંદર સ્ત્રીઓ દિલીપ પર કુરબાન હતી જ. વળી, જેમાં શક્તિ કપૂર ઝડપાઈ ગયો - ફિલ્મમાં કામ અપાવવાને બહાને છોકરીઓ ઉપર શારીરિક બળજબરી કરવાના સાહસો સાથે કૅમેરાના સ્ટિંગ-ઑપરેશનમાં ઝડપાઈ ગયો એ - કામ માટે તો દિલીપ કુમાર વર્ષોથી બદનામ થઈ ચૂક્યો હતો. સુરૈયાના મામુએ તો દિલીપને સ્ટુડિયોમાં જઈને મારવા લીધો હતો અને અન્ય હીરોઈનો પણ ફરિયાદ કરી ચૂકી છે, એવું હું નથી કહેતો... 'મધુબાલા' ઉપર એક આખું પુસ્તક લખનાર ખૂબ જાણિતા પત્રકાર મોહનદીપે લખ્યું છે. દિલીપને ખુશ કરવા 'મુગલ-એ-આઝમ'ના દિગ્દર્શક કે.આસિફે ખાસ સુરૈયાને લઈને ફિલ્મ 'જાનવર' બનાવી અને આ કૉલમમાં અગાઉ લખાઈ ચૂક્યું છે તેમ, સુરૈયાના મોંઢા ઉપર સાપ કરડે છે, જેનું ઝેર ચૂસી લેવાના બહાને દિલીપ સુરૈયાનો ચેહરો ચૂસતો રહે છે, એ એકનું એક દ્રષ્ય સતત ત્રણ દિવસ સુધી ચાલ્યું ('શૉટ ખોટો લેવાઈ ગયો', એ બહાના હેઠળ!) સુરીને ખબર પડી એટલે ઘેર જઈને એના મામાને કહી દીધું, પછી મામા દિલીપને સ્ટુડિયોમાં મારવા આવ્યા.

બીજી બાજુ, ફિલ્મ 'નયા દૌર'માં હીરોઈન મધુબાલા હતી. મુંબઈમાં ને મુંબઈમાં શૂટિંગ થાય તો મધુનો બાપ અતાઉલ્લાહ ખાન હાજરાહજૂર હોય ને એ જાણતો હતો કે, નિકાહની લાલચ આપીને દિલીપ મધુને બેવકૂફ બનાવતો રહ્યો છે, એટલે એણે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક બી.આર. ચોપરાને આઉટડૉર શૂટિંગમાં (મુંબઈની બહાર) મોકલવાની ના પાડી. એ સમયની ફિલ્મોમાં તમામ નિર્માતાઓએ દિલીપના આવા દલાલનું કામ કરવું પડતું (લેખક : મોહનદીપ) ચોપરાનો ય છુટકો નહતો. એણે અતાઉલ્લાહ ખાનને ખૂબ મનાવી જોયા, જેને ''ચલ હટ્ટ...'' કહીને ખાન હડસેલી દેતો. મધુને મુંબઈ બહાર લઈ જવાનો પ્લોટ ભલે દિલીપ કુમારનો નહિ હોય, પણ ખાન દિલીપને ભારોભાર નફરત કરતો હતો.

છેવટે ચોપરાએ મધુબાલાને 'નયા દૌર'માંથી કાઢી મૂકીને વૈજ્યંતિમાલાને લીધી. ઈંગ્લિશ ફિલ્મી છાપા 'સ્ક્રીન'માં મોટી જાહેરખબર પણ આપી. ચોપરાએ જા.ખ. પણ અનોખી આપી હતી. પોતાની હાલમાં બની રહેલી બધી ફિલ્મોનું લિસ્ટ મોટા અક્ષરે છાપ્યા પછી ફિલ્મ 'નયા દૌર'માંથી મધુબાલા કૅન્સલ છે, એટલું બતાવવા મધુના નામ પર મોટી ચોકડી ચિતરાવી. જવાબમાં મધુએ પણ બીજા સપ્તાહે એવી જ જાહેરખબર છાપી, પોતાની આગામી ફિલ્મોની યાદી લખી, 'નયા દૌર' ઉપર ચોકડી મરાવી હતી. ચોપરાએ (૧૯૫૬) મુંબઈના ગીરગાંવ પોલીસ સ્ટેશનમાં મધુબાલા સામે ફરિયાદ નોંધાવી, કરારમાંથી ફરી જવા ઉપરાંત મધુને ચૂકવાયેલા રૂ. ૩૦,૦૦૦/- પાછા લેવાની. એમ કહેવાય કે, એક 'પ્રેમ આહુજા ખૂન કૅસ' (જેના પરથી સુનિલ દત્તે 'યે રાસ્તે હૈ પ્યાર કે' બનાવી હતી) ને બાદ કરતા મુંબઈની એકે ય અદાલતમાં આટલી ભીડ કદી જોવા મળી નહોતી. આ કૅસમાં દિલીપ કુમારને પ્રત્યક્ષ હાજર રહેવા પડયું, એમાં છાપાઓમાં બે મોટી હૅડલાઈનો બની. એક તો, ન્યાયમૂર્તિ આર.એસ. પારેખે ભરી અદાલતમાં દિલીપને મધુબાલા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ કરવા પૂછ્યું, જેના જવાબમાં દિલીપે ખુલ્લે આમ કબુલ્યું કે ''હા, હું મધુને પ્રેમ કરૂં છું અને કરતો રહીશ.''

કમનસીબે, મધુબાલા માટે આમાં ખુશ થવા જેવું કાંઈ નહોતું, કારણ કે એ જ દિલીપે એ જ અદાલતમાં મધુબાલાને નહિ, બી.આર. ચોપરાની તરફેણમાં બયાન આપ્યું. સંબંધો તૂટી ગયા ને એવા તૂટેલા સંબંધે આખી 'મુગલ-એ-આઝમ'માં બન્નેએ પ્રેમદ્રષ્યો ભજવ્યા હતા. આમ તો, કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા મધુએ દિલીપની સંમતિ લેવી પડતી (સંબંધો પ્રેમના હતા ત્યારે), પણ મદ્રાસના એમ.વી. રમણની ફિલ્મ 'જ્વાલા' સાઈન કરતી વખતે કોઈને પૂછવું પડયું નહોતું, એનું વધુ સાચું કારણ એ કે, લાઈફમાં પહેલીવાર મધુબાલાને આખી રંગીન ફિલ્મમાં ચમકવા મળતું હતું... અને પોતે બ્લૅક-ઍન્ડ-વ્હાઈટમાં આટલી ખૂબસુરત લાગે છે, તો કલરમાં તો કેવી પરી જેવી લાગશે, ને નાર્સિસિસ્ટ ભાવ પણ ખરો !

No comments: