Search This Blog

13/03/2013

શર્ટ પરનો ડાઘ

કોઈ મને પૂછે કે, 'અમે તમને જોયા નથી તો રસ્તામાં મળો, તો તરત ઓળખાઈ જાઓ, એવી કોઈ નિશાની ખરી ?'

દેખીતું છે, હવે આ જમાનામાં મારા ખભે તીર-કામઠું, હાથમાં તલવાર ને માથે મુગુટ ન હોય. હું ઘોડા ઉપર બેસીને 'અમુલ'ના દૂધની કોથળીઓ લેવા ન જતો હોઉં... મૅક્સિમમ સાયકલ ઉપર હું બેઠો હોઉં. ગમે તેમ તો ય, નામથી હું 'સમ્રાટ અશોક' છું. છતાં આ સાધનોને હું બતૌર નિશાની ન રાખી શકું. ભ'ઈ, રાજા-મહારાજા તરીકે હતો ત્યારે, હતો એક જમાનો આપણો ય...!

ટુંકમાં હાલમાં મારી પાસે કોઈ શાહી નિશાની બચી નથી, પણ 'શર્ટ પરના ડાઘ'ને મારી પર્મેનૅન્ટ નિશાની ગણવી. હું આટલો મોટો ઢાંઢો થયો, છતાં ચા-પાણી કે નાસ્તા-ફાસ્તા દરમ્યાન ધ્યાન ગમે તેટલું રાખું, દાળ-કઢી કે ચા નું એક ટપકું પાડયા વિના રહી શકતો નથી. શક્ય છે, મને જન્મ અપાવતા પહેલા ભગવાને શંકરે શરત મૂકી હોય, ''ભાઈ અશોક... તારા લખ્ખણો જોઈને આમ તો પૃથ્વીલોકમાં તને સાવ ઉઘાડો મોકલવાનો મારો વિચાર હતો... પણ ગયા આખા જનમમાં તારા વડે ભૂલથી કોઈ એકાદ-બે સારાં કામો થઈ ગયા હોવાનું અમારૂં કમ્પ્યૂટર બતાવે છે, એટલે તને સાવ ઉઘાડો તો નહિ મોકલું, પણ જ્યારે તું શર્ટ પહેરીશ, તારા શર્ટ પર એકાદ ડાઘો ડૅફિનૅટલી પડી જશે. બોલ છે, મંજૂર ? મંજૂર હોય તો જ જા પૃથ્વીલોકમાં...!''

પ્રભુની શરત માનવામાં ખાસ કોઈ વાંધો નહતો. ડાઘો આમે ય એમણે શર્ટ ઉપર પાડવાની ધમકી આપી હતી... બહારથી દેખાતા અન્ય વસ્ત્રો ઉપર નહિ. ઉઘાડા ફરવામાં મને ખાસ કોઈ વાંધો નહતો. બા કહેતા'તા કે, હું નાનો હતો ત્યારે ઉઘાડા શરીરે પ્રભુ શ્રી બાળકૃષ્ણ જેવો લાગતો. કળીમાંથી ફૂલ નીકળે, એમ જ્યારે જ્યારે હું શર્ટ કાઢીને ઉઘાડો થાઉં છું, ત્યારે મનમોહક લાગું છું. (આમ તો આ પ્રક્રિયાને, 'સાપ કાંચળી ઉતારે છે', એવી સિમીલી અપાય !) આવું કોઈએ કીધું નથી, પણ આપણા પ્લસ-પૉઈન્ટ્સ તો આપણે જ જાણતા હોઈએ કે નહિ ? બોલો, હું તો નહાઉં છું. પણ ઉઘાડે-ઉઘાડે. શર્ટનો ખર્ચો આવે, ઉઘાડા ફરવાનો કોઈ ખર્ચ નહિ, એટલે પહેલા તો મને એવો વિચાર આવી ગયો કે, પહેરેલા કપડાંમાં ય મારી પર્સનાલિટી કે કોઈ બી લિટી પડતી નથી, તો પછી ધરતી પર ઉઘાડો જ જવા દે... સ્વયં ભોળા મહાદેવજીએ વળી કયે દહાડે શર્ટ, જર્સી કે ઝભ્ભા-લેંઘા પહેર્યા છે ? મહાત્મા ગાંધી પણ અમારા જેવા મહાન માણસોની આવી યાદીમાં ખરા. આમે ય, મને ક્યું કપડું શોભશે, એની લાંબી બુધ્ધિ મારામાં નથી. થપ્પીમાં ઉપર જે શર્ટ પહેલું પડયું હોય, એ પહેરી લઉ છું. બ્રાન્ડેડ શર્ટો પહેરવા છતાં આજ સુધી સ્ત્રીઓમાં મારી આકૃતિથી કોઈ ખલબલી મચી નથી, પુરૂષોએ ઈર્ષા કરી નથી... તો જવા દે મને ઉઘાડો... બહુ બહુ તો લોકો મને ભિખારી સમજશે કે સલમાન ખાન સમજશે ! દેખાવમાં તો એ બન્ને સરખા જ લાગે છે...! યસ. પરમેશ્વરે પણ મારા વસ્ત્રો ઉપર કેવળ ૫૦-ટકા કાપ મૂક્યો છે, ફૂલ કાપ નહિ. (મારા વિચારોથી વાચકો ઈમ્પ્રેસ થયા હોય તો એક ઝીણકું સ્માઈલ આપવું. જવાબ : જરાય ઈમ્પ્રેસ નથી થયા...! અમે તમને રૂબરૂ જોયા છે. દર વખતે તમે તમારી જાતને ઉતારી પાડો છો, એવા ખરાબ લાગતા નથી... સારા લાગો છો... ખોટી સ્ટાઈલો ના મારો ! જવાબ પૂરો)

નવું શર્ટ મને તાત્કાલિક પહેરવા અપાતું નથી. મારા રૂદીયામાં નવા કે જૂના શર્ટ વચ્ચે કોઈ ભેદભાવ નથી. ડાઘો હું બન્ને ઉપર પાડી શકું છું, એટલે વાઈફ બગડે, એમાં એનો કોઈ વાંક છે ? લિનનનું શર્ટ બે-ચાર હજારથી તો શરૂ થતું હોય છે, ને એમાં વ્હાઈટ. (ક્ષમા કરજો. હું લિનનનું પૅન્ટ નથી પહેરતો, શર્ટ જ પહેરૂં છું... ક્ષમા પૂરી) માં તો ડાઘો તરત દેખાય. આ પધ્ધતિમાં ય ડાઘે ડાઘે ફેર હોય છે. શર્ટના કલર સાથે ય ડાઘો મૅચ થવો જોઈએ. રંગશાસ્ત્રોમાં કીધું છે કે, સફેદ શર્ટ ઉપર દાળનો ડાઘો મૅચ થતો નથી હોતો. ચા ના ડાઘમાં કહે છે કે, બહુ કોઈ વાંધો નથી આવતો. કેટલાક કાબિલ ગોરધનોના શર્ટમાં છાતીના ભાગ ઉપર આ... મોટ્ટું તેલનું ધાબું પડયું હોય છે, એ સંસ્કારની દ્રષ્ટિએ સારૂં ન કહેવાય, પણ એવા ગોરધનોની જગમાં સર્વત્ર ઈર્ષા થાય છે... બોલો જય અંબે.

થયું એવું કે, વાઈફનો ભાઈ લંડનથી મારા માટે બહુ ખૂબસુરત પાર્ટી-શર્ટ લઈ આવ્યો. સાળો તો બોલે એવો નથી, પણ વાઈફ ઝાલી ન રહી, ''અસોક, મારા ભા'ય તમારા હાટું શિત્તેર પાઉન્ડનું સર્ટ લિ આયવા છે... એટલે કે, રૂપિયા પાંચેક હજારનું આ સર્ટ છે... મેં'રબાની કરીને આની ઉપર ડાઘો નો પાડશો.'' ચેતેશ્વર પૂજારાને કોઈ કહે, ''ભાઈ, તું સૅન્ચૂરી ના કરતો...'' ડૉ. મનમોહનસિંઘને કોઇ કહે, ''બંડીના ખિસ્સામાં બન્ને હાથ નાંખીને ના ફરશો'' કે પછી, ઘરના પાળેલા ડૉગીને કોઈ કહે, ''ઘરમાં મહેમાનો આવે ત્યારે તું આમ જીભડો બહાર લટકાઈને 'હાફ...હાફ...હાફ...' કરતો બેસી ના રહે...'' તો આ લોકો માનવાના છે ? તો મારી પાસે ડાઘ વગરના જીવન કે શર્ટની અપેક્ષા કેમ રાખવામાં આવે છે ? કોઈ પંખો ચાલુ કરો...!

મને શર્ટ પહેરાવવાની સામાન્ય વાતને એક ઘટનાનું સ્વરૂપ અપાયું. ઠાકોરજીને વાઘાં પહેરાવવાના હોય એમ આખું ફૅમિલી મારી આજુબાજુ ઊભું રહી ગયું. પ્રારંભે શ્રી ગાયત્રીનો મંત્ર બોલવામાં આવ્યો. ડૉક્ટરો ધૂએ છે એવા સ્પિરીટવાળા ગરમ પાણીથી મારા હાથ ધોવડાવવામાં આવ્યા. રૂમમાં અગરબત્તીઓ હળગાવાઈ. વાઈફે કીધું, ''શર્ટ પહેરતા પહેલાં બા ને પગે લાગો''. તો એ લાગ્યો. મારા સાળાએ શૅક-હૅન્ડ કરીને મને બેસ્ટ લક કીધા. ડાઘો પડે, એવી તમામ ચીજવસ્તુઓને રૂમમાંથી ખસેડી લેવામાં આવી. મારી તો જાણે નવેસરથી પીઠી ચોળવાની હોય, એમ મને સોફાને બદલે લાકડાની ચોરસ પાટ ઉપર બેસાડવામાં આવ્યો અને પ્રસન્ન મુદ્રા સાથે વાઈફ એના ભાઈએ મને પહેરવા આપેલું શર્ટ અંદરના રૂમમાંથી લઈ આવી. યુધ્ધભૂમિમાં જતા પહેલા અર્જુનને નવું નક્કોર ધનુષ-બાણ શ્રીકૃષ્ણ ભેટ આપતા હોય એમ મારા સાળાએ શર્ટ મારા મસ્તક ઉપર અડાડયું. ''હવે શું થશે ?... હવે શું થશે ?'' એવો વિષાદ હરએકના ચેહરા પર સ્પષ્ટ દેખાતો હતો. મને શર્ટ નહિ, રેશમી ઝભલું પહેરાવવાનું હોય, એમ એક-બે જણાએ મારા હાથ ઊંચા અને આડા પકડી રાખ્યા. થૅન્ક ગૉડ, કોઈને હજી મારા ગળે લાળીયું પહેરાવવાનો વિચાર આવ્યો નહતો. શાહજાદા સલીમના રાજ્યાભિષેક વખતે એની હિંદુ માં જોધાબાઈ એના કપાળે તિલક કરે છે, એમ વાઈફ કંકુની ડબ્બી લેતી આવી. જો કે, એ મારી માં નહોતી, પણ આ બાજુ હું ય વળી ક્યાં શાહજાદો સલીમ હતો ?

પણ અહીં એક કૌતુક થયું. મને તિલક કરવા જતાં વાઈફના હાથને ગોદો વાગી ગયો ને બધું કંકુ શર્ટ પર ઢોલાયું. હો-હા થઈ ગઈ. મેરે તો દોનોં હાથ બંધે હુએ થે... એટલે આપણો કોઈ વાંક ન આવ્યો. કંકુ સ્વભાવે તોફાની ટોળાં જેવું હોય છે... જરીક અમથું ખંખેરો, એટલે નાસભાગ થાય અને રસ્તો હતો એવો કોરોધાકોડ થઈ જાય, એમ શર્ટ સાફ થઈ ગયું. ફિલ્મોમાં તો, બધા વૉર્ડબૉયઝ ભેગા મળીને, ગાંડાને એના હાથ બાંયોમાં એવી રીતે ભરાવી દેવામાં આવે છે, જેથી પાછળથી એ લાંબી બાંયો બાંધી દઈ શકાય. આ લોકો મને ગાંડો નહોતા સમજતા પણ એ લોકો કોઈ રિસ્ક પણ લેવા માંગતા નહોતા. ધીમે ધીમે ક્યાંય કોઈ કરચલી પડી ન જાય, એવી સાવધાનીથી મને શર્ટ પહેરાવવામાં આવ્યું. પહેરાઈ ગયા પછી તાળીઓના પ્રચંડ ગડગડાટો થયા. હું કેવો લાગું છું, એનો કોઈ અભિપ્રાય ન આવ્યો, પણ શર્ટ કેવું લાગે છે, એ બાબતે વિસ્યજનક ચર્ચાઓ શરૂ થવા લાગી. વાઈફની વાતમાં વજન હતું કે 'આ સર્ટ મારો ભા'આય લાઈવો છે...' સહુ આગળથી પાછળથી મને જોવા લાગ્યા. પણ બધા જ ભૂલી ગયેલા કે, નીચે તો મેં હજી ટુવાલ જ પહેર્યો છે... અને જાતે પહેર્યો છે. આ એ લોકોની પહેલી ભૂલ હતી. સંસારનો નિયમ છે કે, પાટલૂન પહેલા પહેરી લેવાય ને પછી શર્ટ પહેરાય, જેથી શર્ટ ઈનસર્ટ કરવાની ખબર પડે. ટુવાલોમાં શર્ટો કદી ઈનસર્ટ થતા નથી. મેં જ પરિવારના વિવેક-વિનય જળવાઈ રહે તે માટે ઑફર મૂકી, ''પૅન્ટ હું જાતે અંદર બાથરૂમમાં જઈને પહેરી આવું છું... કારણ કે, પૅન્ટ તારો ભાઈ લાવ્યો નથી.''

અગાઉ કહેવત હતી, ''દિવારોં કે ભી કાન હોતે હૈ''. મારા પૂરતી બદલાઈ કે, ''દિવારોં પે ભી દાગ હોતે હૈ... પાન કી પિચકારી કે'' એટલે સીડીનું પગથીયે-પગથીયું જાળવીને મને નીચે ઉતારવા મારી સાથે વાઈફ અને મારા બે સંતાનોને નીચે મોકલવામાં આવ્યા.
(વધુ 'બોરિંગ ભાગ...' આવતા અંકે)

સિક્સર

આ કોઈ ક્વિઝ-ફીઝ નથી, પણ માનવામાં ય ન આવે એવો ટેસ્ટ છે. ફોન પર તમે કોઈને 'ભૂમિદીપ ફ્લૅટ્સ' એટલું બોલી બતાવો. પહેલે જ ટ્રાયલે કોઈ સાચું 'ભૂમિદીપ' સાંભળે, તો કમાલ તમારા ઉચ્ચારોની કહેવાશે... પણ પહેલે ટ્રાયલે જ...!

No comments: