Search This Blog

06/03/2013

ટીમ્મી ભાગી ગઈ

હજી તો રાતના ફક્ત પોણા ત્રણ જ થયા હતા ને તો ય ઘરમાં રડારોળ અટકતી નહોતી. કદાચ દૂધવાળો આવે ત્યાં સુધી પણ ચાલુ રહે. આ રોકકળને રડારોળોનું કાંઈ નક્કી ન કહેવાય. એ સ્ત્રીઓ જેવી હોય છે, અર્થાત્, સાચી કે ખોટી... કાંઈ ખબર ન પડે ! ઘરના સભ્યો ભેંકડા તાણવાની જાણે હરિફાઈમાં ઉતર્યા હતા. કોણ મોટેથી ગળું ફાડી શકે છે, એટલું જ સાબિત કરવાનું હતું ને નિર્ણાયકો તરીકે બારીઓમાં આવી ગયેલા પડોસીઓ મૂંઝાતા હતા કે, કોક હાળું મરી ગયું હશે કે શું હશે ?

અરે, વાતમાં ય કોઈ માલ નહોતો. બુલુભાઈની ટીમ્મી ઘર છોડીને ભાગી ગઈ, એમાં શું ય જાણે પ્રોબ્લેમ મોટો થઈ ગયો, એવા આ લોકો રડતા હતા. આપણા જેવા સમજુઓ તો વાઇફો ભાગી જાય તો ય ના રડીએ ને આ લોકો છોકરી ભાગી ગઈ એમાં ય આટલું બધું રડે ? ઠીક છે, સમાજને બતાવવા બે-ચાર ઠુઠવા મૂકીને ડાયલોગ- બાયલોગ મારી લઈએ કે, ''ટીમ્મુ બસ.. આમ ભાગી જશે તેની કલ્પના જ નહોતી..! હે ભગવાન... આ બધું શું થઈ ગયું...?''

યસ. એક્સેલૅન્ટ. આટલું બોલો, એટલે ખરખરો કરવા આવનાર સમજી જાય કે, દીકરી પોતાની ભાગી છે, છતાં ય આ લોકોને ભારે માઇલું દુઃખ પહોંચ્યું છે. એ લોકોને ય કંઈક શીખવા મળે કે, કાલ ઉઠીને એમની દીકરી ઊડન-છૂ થઈ જાય તો ઘરે ખબર કાઢવા આવનારાઓ પાસે આ ડાયલૉગ શોભી ઉઠે એવો છે, ''ટીમ્મુ બસ... આમ ભાગી જશે, તેની કલ્પના જ નહોતી...! હે ભગવાન.. આ શું થઈ ગયું... ?'' આપણે તો ખાલી ટીમ્મીને બદલે આપણી દીકરીનું નામ જ બદલવાનું રહે, મેહનત કેટલી બચી જાય ને ખબરકાઢુઓને સાંત્વના મળે કે, ટીમ્મી 'આમ' ભાગી જાય તેની કલ્પના નહોતી, પણ ટીમ્મી 'તેમ' ભાગી જાય, એવો ડાઉટ એ લોકોને હતો ખરો ! છોકરી ઘર છોડીને ભાગી'તી, દુનિયા છોડીને નહિ.. તો એ તો કોકની સાથે જ ભાગી હોય ને ? ઉપરથી બિચારી વરસ 'દિમાં ઘેર ખોળામાં બાબલો રમાડતી રમાડતી આવે, તો એ તો ઉપરથી મા- બાપનો લગ્નનો અને પ્રસૂતિનો જંગી ખર્ચો બચાવ્યો કહેવાય ! છોકરીઓ આટલી ગેરંટી સાથે ભાગતી હોય પછી ઘરમાં કાગારોળો શેની મચાવવાની હોય ? કેમ કોઈ વાચક મને ટેકો આપતો નથી... ? મારો કેસ નબળો પડી રહ્યો છે !

ઘણી છોકરીઓ તો સાલી હજી ભાગતી ન હોય ''તો'' મા-બાપના જીવો બળે કે, આમે ય, આ ખાલી કરવાનો માલ હોય. આને જોવા જે પહેલો કે જે છેલ્લો આવે એની પાસે તાબડતોબ ગોડાઉન ખાલી કરી નાખવાનું હોય, શહેરભરના મૅરેજ-બ્યૂરો આનાથી તૌબા પોકારી ગયા હોય ને, ''કોઇ ઇન્કવાયરી આઇ... ?'' એવું રોજનો એક ફોન કરીને એનો બાપ બ્યૂરોવાળાનો દમ તોડી નાખતો હોય, એના બદલે બ્યૂરોવાળા આવા ફોનો નહિ કરવાનું દર મહિને ભાડું સામેથી ચૂકવવા માંડયા હોય, ત્યારે મા-બાપને આ જાલીમ જમાના ઉપર નફરત થવા માંડે કે, ગામ આખાની છોડીઓ ભાગે છે... હાળા એવીઓને ભગાડનારા ય મળી જાય છે... પાછી નહિ મૂકી જવાની ગેરન્ટી સાથે ને આને કોઈ ભગાડતું ય નથી... ! છાપામાં છોકરી ભાગવાના સમાચાર હોંશે હોંશે મૉમ-ડેડ જલ્દી જલ્દી વાંચી લે, ને નિરાશ થઈને હિંચકા ઉપર છાપું પછાડે કે, ''આમાં આપણી છોકરીનું નામ તો છે જ નહિ... ખોટા પૈસા પડી ગયા...!''

પોતાની છોકરીને કોઈ ભગાડી જતું ન હોય, એવા લાચાર મા-બાપો ડરના માર્યા ઘણીવાર ઊંઘમાંથી ઝબકીને જાગી જતા હશે કે, આપણાવાળીને કોઈ ભગાડતું નથી... ક્યાંક બીજાની ભગાડેલી આપણા ઘેર તો નહિ મૂકી જાય ને ? બુલુભાઈ ઢીલા માણસ, પણ વાઇફ વાસંતિ આમ પાછી જોરદાર ! આવી વાત પાછી સગા-વ્હાલામાં કહેવાય નહિ... ખોટો ટાઇમ બગડે. કાલ સવારે છાપામાં તો બધા વાંચવાના જ છે. પણ તો ય ભ'ઈ... માનું હૃદય છે ને ? મૉમ વાસંતિબેન બહુ ગળગળા થઈ ગયા હતા. કોકની સાથે ભાગવાનો એમને ય અનુભવ હતો, પણ એ જમાનામાં કેવું હતું કે, જે ભગાડી જાય એ પેલીને પરણી પણ જતો. (બેવકૂફ કહેવાય, ગધેડો !!) સાવ આજના જેવું નહિ, લહેર-બહેર કરીને છોડી દે!

વાસંતિબેનને, એમના હાલમાં બધા મામલે નિવૃત્ત જીવન ગાળતા ગોરધન બુલુભાઈ નહોતા ભગાડી ગયા. બુલુભાઈ તો ઇવન આજે ઘરમાં ભરાયેલું કબુતરૂં ય ભગાડી શકે એમ નથી. પણ 'વાસી'ને કાન્તીડો (અરે, આપણા ઇશ્વરલાલનો મોટો છોકરો, કાન્તીડો... જેનો એક ખભો જનમથી જ સવા ફૂટ નીચો આવ્યો છે, એ) ભગાડી ગયો, એ વાસીને પયણ્યો નહતો. અધવચ્ચે રીક્ષામાંથી ઉતારી દીધી ને માસુમ વાસંતિ વારાણસી, ખડગવાસલા, ચેન્નાઈ, હિમાચલ પ્રદેશ અને સાબરકાંઠાના જંગલોમાં 'મધર ઇન્ડિયા'ની નરગીસની જેમ દરદરની ઠોકરો ખાતી ફાધરને ઘેર પાછી આવી. એ કાન્તીયાનો છોકરો જ આપણી ટીમ્મીને ભગાડી ગયો હતો, એની વાસીને ચિંતા હતી. આવા મામલામાં વાસંતિથી થનાર વેવાઈ પાસે શરતે ય ન મૂકાય કે, 'અલ્યોં કૉન્તિડા.... તારો છોકરો મારી ટીમ્મીને ભગાડવા નેકર્યો છઅ... તો તું મને ભગાડી જા... આપણો તો બહુ જૂનો હિશાબ છ...!'

વાસીના મધર-ફાધરને '૬૨ની સાલમાં કાન્તીડા સામે એ જ ફરિયાદ હતી કે, શું એનું ફેમિલી કરિયાણાની દુકાન છ કે, પસંદ ન પડે તો ગ્રાહક માલ પાછો મોકલાવી દે ? વાસંતિને આજે એ જ ભય સતાવતો હતો કે, એક તો માંડ માંડ વળી કોક ડોબો ટીમ્મીને ભગાડી ગયો છે, સમાજના દેખતા રાબેતા મુજબની છાતીફાટ કાગારોળે ય મચાવી હતી. રડયા'તા ય કેટલું ? છાપામાં જાહેરખબરોના ભાવો આપણને ન પોસાય... બીજી છોકરી ય ભાગી જાય તો બન્નેની ભેગી જા.ખ. આલવી સસ્તી પડે. હવે, આટલી બધી મેહનત કરાવ્યા પછી કાન્તીડાનો છોકરો ટીમ્મુડીને પાછી મૂકવા આવે તો આપણે તો લેવાદેવા વગરના ભરાઈ જ જઈએ ને ?

બીજી બાજુ, સમાજમાં ય આજે હવે પહેલા જેવા ભગાડનારાઓ રહ્યા નથી. ઇ જમાનો તો ગીયો... ભા'આ...ય! સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાને ભગાડી ગયો કે, શહેનશાહ અકબર-એ-આઝમની શક્તિશાળી સલ્તનત વચ્ચેથી સલિમ અનારકલીને ભગાડી ગયો ને છેલ્લે છેલ્લે અમારા રોહિત ફૂઆએ એક જ ધક્કામાં સીમાફોઈ અને નિશાફોઈને ભગાડીને સમય, પૈસા અને શક્તિ બચાવવાનો સારો પુરુષાર્થ કરી બતાવ્યો હતો. પણ, કોક સંતે વળી સાચું જ કીધું છે ને કે, એકનું ભલું થતું હોય તો બેનું કર... બેનું કરી શકતો હોય તો પાંચનું કર... કર ભલા, હોગા ભલા ! આ જ નૈતિકતા ઉપર રોહિત ફૂઆ બે બહેનોને એક સાથે ભગાડી ગયા'તા... પણ આજ કાલ આવા ફૂઆઓ ય ક્યાં થાય છે, ભાઈ?

એકલા એકલા ભાગવું ય હવે તો કોઈને આ ભાવમાં પરવડતું નથી. છોકરીને ભગાડવી હોય તો ભગાડનારો રીક્ષાભાડું ય આપણી પાસે માંગે છે. સાલો, ભલાઈનો જમાનો જ નથી રહ્યો. પણ કોઈ એ મેહનતકશ ભગોડાને પડતી મુશ્કેલીઓનો વિચાર સુધ્ધા કરતું નથી. કોઈ પણ છોકરીને ભગાડવામાં સૌથી પહેલી મુશ્કેલી વાહનની પડે છે. પૃથ્વીરાજ કે શાહજાદા સલીમને ઘોડો મળ્યો હતો, આપણને અડધી રાત્રે ચાર રસ્તેથી રીક્ષા ય ન મળે. મળે તો ય, આમાં કાંઈ મીટર તપાસીને ન બેસાય... એ તો લાખ ભેગા સવા લાખ...સુઉં કિયો છો ? (ઉફ્ફો... તમે શેના કાંઈ કિયો ? તમને ભાગવા- ભગાડવાનો બસ્સો ગ્રામે ય અનુભવ છે, તે વચમાં હા-એ-હા કરો છો ?... આ તો એક વાત થાય છે !)

આ વિદ્રોહીઓને બીજી મુશ્કેલી પોલીસની આવે છે. એક તો ફફડતા હૈયે ભાગતા હોઈએ ને એ અડધી રાત્રે આપણી આખી રીક્ષા ઊભી રખાવીને, ''ક્યાં જાઓ છો ?'' પૂછે, ત્યાં મચડાઈ જવાય. ''અરે તારા બાપના તબેલામાં જઈએ છીએ... તારે શું કામ છે ? તું ફક્ત એટલું ચૅક કરી લે કે, તારૂં બૈરું તો રીક્ષામાં નથી બેઠું ને.. ?''

જો કે, એ બૈરૂં એ પોલીસવાળાનું ન હોય, એ આપણા ફાયદામાં છે. નહિ તો અતિ ઉત્સાહમાં પોલીસવાળો રીક્ષાવાળાને અગાઉથી ભાડુ આપી દે, તો એ સીધો ઘા આપણા સ્વમાન ઉપર થયો કહેવાય... બૈરૂં ભલે એનું ભગાડીએ પણ રીક્ષા ભાડું એ શેનો આલે ! આપણે કંઈ સ્વમાન- બમાન જેવું હોય કે નહિ ?

બુદ્ધિશાળી અને સાહસિક પુરુષ કોકની સ્ત્રી ભગાડી જતો હોય તો ભાગ્યા પછી તમામ પૈસા પેલી પાસે જ કઢાવે. સ્ટોરીઓ જ એવી બનાવવાની કે પેલી એના ગોરધનને ખાંગો કરીને તમારી સાથે ભાગી નીકળે, એમાં જ તમારી શાન, શૌકત... અને પછી ત્રીજું શું આવે... ? હા, એમાં જ તમારી ઉસ્તાદી છે. આવા ભાગવા- ભગાડવાના લફરામાં પૈસા ઘરના ન કઢાય... કાઢે પેલી...બહુ મંડી'તી તે.. મારા સેવંતી... તું જ મારું જીવન છે ને તું જ મારું મૃત્યુ છે..!'' તારા બાપનું કપાળ..જીવન-ફીવન બરાબર છે. મૃત્યા-ફૃત્યા આવે તારી બાને કે બાપાને...! તું તારે પૈશા છૂટા કરતી રહે... ખલાસ થશે એટલે તને 'નગરી નગરી દ્વારે દ્વારે...' કરી આલીશું.

દીકરીઓ ઉપર એવો કડપ ન રખાય કે ડરીને એ ભાગી જાય... ને એવી છૂટો ન અપાય કે, સ્વચ્છંદી બની જાય. દીકરો- દીકરી તમારા છે, એટલે આખી દુનિયામાં બેસ્ટ તો જાણે હોવાના... બધી હવા નીકળી જાય છે, એ ભાગી જાય ત્યારે. એમને ખબર ન પડવા દો કે, તમારી ચાંપતી નજર હંમેશા એમની ઉપર હોય છે.

બાકી નિખાલસતાથી જવાબ આપજો.. તમારા સંતાનો તમારાથી સો ગ્રામે ય ડરે છે ખરા ? કે તમને હડધૂત કરે છે, સામે તમને દબડાવે છે કે ઘેર આવતા એના દોસ્તો પાસે તમારું આટલું માને ય નથી રાખતા...!
આવા સંજોગોમાં ઘર છોડીને મા-બાપે ભાગી જવું જોઈએ... ! જય અંબે. 

સિક્સર 

ત્રણ સ્ત્રીઓ એક હોટલમાં એક દિવસ માટે રોકાવા ગઈ. મૅનેજરે એક દિવસના રૂ. ૩૦૦/- માંગ્યા. આ લોકોએ સૉલ્જરી કરીને વ્યક્તિદીઠ રૂ. ૧૦૦/- કાઢી રૂ. ૩૦૦/- આપી દીધા. એમના રૂમમાં ગયા પછી મેનેજરે રૂમબૉયને બોલાવીને કહ્યું, ''જા... એમને આ રૂ. ૫૦/- ડિસકાઉન્ટ આપી આવ.'' પેલાએ રૂ. ૨૦/- પોતાના ખિસ્સામાં નાખી, બાકીના રૂ. ૩૦ ત્રણે જણીઓને આપી આવ્યો. એ ત્રણેએ રૂ. ૧૦/ ૧૦/ ૧૦/ વહેંચી લીધા. મતલબ... એ લોકોને રૂમ વ્યક્તિદીઠ રૂ. ૧૦૦/-ને બદલે રૂ. ૯૦/-માં પડયો એટલે કે ત્રણે વચ્ચે રૂ. ૨૭૦/-માં. આ રૂ. ૨૭૦/-ને રૂ. ૨૦/- રૂમબૉય લઈ ગયો, તો બાકીના રૂ. ૧૦/- ગયા ક્યાં ?

No comments: