Search This Blog

10/03/2013

એનકાઉન્ટર 10-03-2013

૧. સમૃધ્ધિ અને સંસ્કારની સ્પર્ધામાં કોણ આગળ નીકળે ?
- આ સ્પર્ધામાં મને આ બન્નેમાંથી એકમાં બાકાત ગણવો.
(દેવેન્દ્ર શાહ,પેટલાદ) 

૨. અપહરણ પ્રજાના બાળકોના થાય છે, કોઇ નેતાના બાળકનું કેમ થતું નથી ?
- સંભવ છે, બાળક ''નેતાનું'' ન પણ હોય !
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર) 

૩. પોતે આટલા જ્ઞાની હોવા છતાં, દેશની ખાનાખરાબી થઇ રહી છે, એ ડૉ. મનમોહનસિંઘને કેમ દેખાતું નહિ હોય ?
- એમના જોવાના ચશ્મા સોનિયાજી પાસે મૂકવા પડયા છે !
(મૂકેશ પડસાળા, અમદાવાદ) 

૪. રવિપૂર્તિમાં 'એનકાઉન્ટર'સૌથી છેલ્લે કેમ ?
- કોલમની લોકપ્રિયતાની દ્રષ્ટિએ આ ક્રમ ગોઠવાયો છે.
(માધવી શાહ, અમદાવાદ) 

૫. પ્રેમ આંધળો છે, તો નફરત કેવી છે ?
- સોરી...રોંગ નંબર...! નફરત કરવી પડે, એટલી ઉંચાઇએ તો મારો કોઇ દુશ્મન પહોંચ્યો નથી...એને મારો અંધાપો જ મળ્યો છે !... એન્ડ, આઇ મીન ઇટ !
(મયૂરી ભાવેશ વોરા, સુરેન્દ્રનગર) 

૬. 'યદા યદા હી ધર્મસ્ય...' વાળો કોણીએ ગોળ ચોંટાડયા પછી પ્રભુ ક્યાં સંતાઇ ગયા છે ?
- ધર્મોએ તો દેશની રગડી છે ! બધું ભગવાન જ કરે ને આપણે પલાંઠો વાળીને 'રાધેરાધેરાધે' કરે રાખવાનું.... હઓ !
(મણીબેન પટેલ, ઊંટડી) 

૭. શું તમારા વાઇફ 'એનકાઉન્ટર'વાંચે છે ?
- કરે છે !
(પ્રકાશ સીરવાણી,જુનાગઢ) 

૮. હાલના સંદર્ભે આપણા દેશમાં લોકશાહી સારી કે રાજાશાહી ?
- અરાજક્તા આપણને માફક આવી ગઇ છે.
(વિશાલ એમ.મેહતા, પોરબંદર) 

૯. અમિતાભ બચ્ચન 'એન્ગ્રી યંગ મેન'કહેવાય છે, તો અશોક દવે ?
- લાફિંગ ઓલ્ડ મેન.
(સૌરભ બી. રાવલ, અમદાવાદ) 

૧૦. પતિ રાજકારણમાં ઝંપલાવે તો શું સમજવું ?
- બ્રિલિયન્ટ ગોરધન મળ્યો કહેવાય !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર) 

૧૧. 'એન્કાઉન્ટર' કદી અનુસંધાનને પાને જતું નથી, તેનું રહસ્ય શુ ?
- રીક્ષા નથી મળતી !
(અલીઅસગર એમ.સાઇગર, માંડવી) 

૧૨. માણસ એકની એક ભૂલ વારંવાર કેમ કરે છે ?
- એ બેની બે કે ત્રણની ત્રણ ભૂલ પણ વારંવાર કરતો રહે છે...એકની એક જ નહિ !
(મયૂરી એ.રાઠોડ, પોરબંદર) 

૧૩. બીજી વાર પરણતા પુરૂષને બીજવર કહેવાય તો બીજી વાર પરણતી સ્ત્રીને 'બીજવહુ'કેમ ન કહેવાય ?
- બહુ ટેન્શનમાં લાગો છો...! ઓકે, જેને કહેવી હોય એ કહી દો...પણ મન ઉપર આટલો ભાર ન રાખો, ભાઇ !
(ડો.મનહર જે. વૈષ્ણવ, અમદાવાદ) 

૧૪. પોતે ભેગા કરેલા સોના-ચાંદી ને રોકડા પોતાની સાથે ઉપર લઇ જવાનું સત્યસાંઇ બાબા ભૂલી ગયા હશે ?
- હું સત્યસાંઇ કે અસત્યસાંઇ, એકે ય બાબાને માનતો નથી. પણ બીજા ધર્મોના ગુરૂઓ કરતા સત્યસાંઇ બાબાએ એક કામ સારૂં કર્યુ, પ્રજા માટે પૈસા વાપરવાનું અને તે પણ ફક્ત પોતાના અનુયાયીઓ માટે જ નહિ, સમગ્ર પ્રજા માટે.
(પરિન્દા અનુપમ પટ્ટણી, અંજાર-કચ્છ) 

૧૫. પચીસ પૈસાનું ચલણ રદ થયા પછી શુકનના 'સવા'રૂપીયાનું શુ ?
- હા પણ રૂપીયો આજકાલ બહુ 'દોઢ'થાય છે !
(લલિત ઓઝા, જુનાગઢ) 

૧૬. શાહરૂખખાનને 'કિંગ ખાન'કહે છે, તો તમને 'કિંગ દવે'કેમ નહિ ?
- શું કામ દુનિયાભરના 'દવેઓ' સાથે ઝગડા કરાવવા માંગો છો ?
(નીલમ ડોડીયા, ઠળીયા-તળાજા) 

૧૭. 'સાસુ'ની વ્યાખ્યા શું ?
- માનું સ્થાન લઇ શકે એવી સ્ત્રી.
(હિમાની વોરા, જોરાવરનગર) 

૧૮. શુક્રવારે 'ચિત્રલોક'માં આપની કોલમ 'ફિલ્મ ઇન્ડિયા'માં વિનોદ મહેરાની પહેલી ફિલ્મ 'પરદે કે પીછે' વિશે કેમ લખતા નથી ?
- પરદાની બહાર આવે તો કંઇક લખું !
(સ્વપ્નેશ મોદી, વ્યારા) 

૧૯. ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ કરતા ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ સવાયા કેમ છે ?
- 'અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુઝપે દિલ કુર્બાન...હોઓઓઓ !'
(હેતાંષ જીજ્ઞોષ પંડયા, અમદાવાદ) 

૨૦. તમારા મત મુજબ, બળાત્કારીને પરફેક્ટ સજા કઇ હોવી જોઇએ ?
- નપુંસક
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ) 

૨૧. મહાત્મા ગાંધી અને મહાન સચિન તેંડુલકર વચ્ચે શું ફરક ?
- સચિન ગાંધીજીને ઓળખે છે...!
(ઇસરાર ઝુબેર મુકરદમવાલા, કાવી-જંબુસર) 

૨૨. એકતા કપૂર એકલી છે ને હું એને પ્રપોઝ કરવા માંગુ છું. કોઇનું ભલું પૂણ્યનું કામ છે. સલાહ આપજો.
- મને ખબર નથી કે, એકતા પાપમાં પડવા માંગે છે કે નહિ...!
(રમેશ વર્મા, વડોદરા) 

૨૩. વયસ્ક પરિણિત પુત્ર માટે મા-બાપ એવું કેમ કહેતા હોય છે કે, 'દીકરાને પરણાવીને પસ્તાયા...!'
- દીકરે-દીકરે ફરક હોય. કેટલાક દીકરાઓ પણ કહેતા હોય છે, 'ખોટા માબાપને ત્યાં જન્મી બેઠા...!'
(ડો.સુરેન્દ્ર દોશી, રાજપિપળા) 

૨૪. સ્વ.બાલ ઠાકરેના સ્મારક વિશે મંતવ્યો ભિન્ન છે. તમારા મતે સ્મારક ક્યાં બનવું જોઇએ ?
- જમીન ઉપર.
(રમેશ આર.સુતરિયા 'ટ્રોવા', મુંબઇ) 

૨૫. અબજો રૂપિયા મંદિરો-દેરાસરો બનાવવા પાછળ ખર્ચાય છે, એ રાજ્યના વિકાસ માટે ખર્ચાયા હોત તો ?
- એટલી બુધ્ધિ હોત તો દેશ આજે આતંકવાદીઓ કે ભ્રષ્ટ નેતાઓના કબજામાં હોત ?
(પૂનાભાઇ વાઘેલા, ખેડા) 

૨૬. નેતાઓની સૌગંદવિધિમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કેમ બાકાત રાખવામાં આવ્યો છે ?
- તો મંચ પર બેઠેલા અને સૌગંધવિધિ કરાવનાર...બધા મરે !
(દર્શના મુંજપરા, લીંબડી) 

No comments: