Search This Blog

08/03/2013

'ગુંજ ઉઠી શેહનાઈ' ('૫૯)

ગીતો
૧. તેરે સુર ઔર મેરે ગીત, દોનોં મિલકર બનેંગે ગીત લતા મંગેશકર
૨. હૌલે હૌલે ઘુંઘટપટ ખોલે, બલમવા બેદર્દી લતા-રફી
૩. અખીયાં ભૂલ ગઈ હૈ સોના, દિલ પે હુઆ હૈ જાદુટોના લતા-ગીતાદત્ત
૪. તેરી શેહનાઈ બોલે, સુન કે દિલ મેરા ડોલે, જુલ્મી લતા-રફી
૫. જીવન મેં પિયા તેરા સાથે રહે, હાથોં મેં તેરે મેરા લતા-રફી
૬. દિલ કા ખિલૌના હાય તૂટ ગયા, કોઈ લૂટેરા આ કે લતા મંગેશકર
૭. કહે દો કોઈ ના કરે યહાં પ્યાર, ઇસ મેં ખુશીયાં હૈ કમ મુહમ્મદ રફી
૮. પાપ કહો યા પુણ્ય કહો, મૈંને પીના શીખ લિયા મુહમ્મદ રફી

(તદ્ઉપરાંત, ફિલ્મના સંગીતનો શાસ્ત્રીય હિસ્સો : ઉસ્તાદ આમિરખાં સાહેબની રાગમાલા, જેમાં રામકલી, દેસી, શુદ્ધ સારંગ, મૂલતાની અને રાગ યમન કલ્યાણનો સમાવેશ : એમની બીજી રાગમાલામાં સુર મલ્હાર, બાગેશ્રી અને ચંદ્રકૌંસનો સમાવેશ, ફિલ્મમાં ઉસ્તાદે રાગ ભટીયારમાં 'નિસ દિન...' ગાયું છે. શેહનાઈ અને રાગ કેદારમાં ઉસ્તાદો અબ્દુલહલીમ જાફરખાં સાહેબ અને બિસ્મિલ્લાહ ખાન સાહેબની શેહનાઈ- સિતારની જુગલબંદી. ઉપરાંત, ઉસ્તાદ, બિસ્મિલ્લાહ ખાનસાહેબે ફિલ્મના ટાઇટલ્સમાં કજરી વગાડી છે. બાકી દાદરા, બિહાગ, પહાડી, જયજયવંતી અને સદા સુહાગન રાગ ભૈરવીના સૂરો એમની અપ્રતિમ શેહનાઈથી આ ફિલ્મમાં વહ્યા છે.)

****


****

ફિલ્મ : 'ગુંજ ઉઠી શેહનાઈ' ('૫૯)
નિર્માતા-દિગ્દર્શકઃ વિજય ભટ્ટ
સંગીત : વસંત દેસાઈ
શેહનાઈ : ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન
ગીતો : ભરત વ્યાસ
રનિંગ ટાઈમ : ૧૭૪-મિનીટ્સ
થીયેટર : નોવૅલ્ટી (અમદાવાદ)
કલાકારો : રાજેન્દ્રકુમાર, અમિતા, અનીતા ગુહા, ઉલ્હાસ, મનમોહનક્રિશ્ન, લીલા મિશ્રા, પ્રેમ ધવન, કૃષ્ણાકુમારી અને આઈએસ જોહર

'ગુંજ ઉઠી શેહનાઈ' ભારતની શ્રેષ્ઠ ૧૦ ફિલ્મો પૈકીની એક... સહેજ પણ નહોતી. શ્રેષ્ઠ ૧૦૦ ફિલ્મોમાં ય એનું નામ ન આવે. ૧૦૦ થી આગળ ગણત્રી મને આવડતી નથી (અમારા વખતમાં ગણિતના માસ્તરો વળી ક્યાં સરખું ભણાવતા'તા...?)

પણ વડોદરાના ખૂબ વ્યવસ્થિત ફિલ્મ શોખીન દેવેન્દ્ર બારોટે આ ફિલ્મની મને સીડી મોકલાવીને કેવળ એટલું જ કહ્યું, 'જોયા પછી ગમે તો લખજો.' કોઈ આગ્રહ કે હઠ ન કરી એટલે ફિલ્મ જોઈ 'નાંખવાની' ઉતાવળ ન કરી.

પણ જોઈ... અને ખૂબ ગમી. અફ કૉર્સ, ફિલ્મની વાર્તા-ફાર્તા કે કોઈની ઍક્ટિંગ-ફૅસ્કિંગ માટે તો સહેજ પણ નહિ. વસંત દેસાઈના બેનમૂન સંગીત, લતા-રફીના 'ક્યા બ્બાત હૈ...' બ્રાન્ડના ગીતો અને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાહેબની મરીશું ત્યાં સુધી યાદ રહી જશે, એવી કર્ણમધુર શેહનાઈ માટે. એ તો વિજયભાઈનું નસીબ કે, ખાન સાહેબ તૈયાર થયા... બીજા ખાન સાહેબ આમિરખાનને પણ આ ફિલ્મમાં ગવડાવવા માટે પહેલો યશ વસંત દેસાઈને આપવો પડે કે, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન હોય કે ઉસ્તાદ આમિરખાન, વગાડાવ્યું કે ગવડાવ્યું છે તો વસંત દેસાઈએ!

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાહેબ આટલી મોટી હસ્તિ... ભારત નહિ, વિશ્વવિખ્યાત અને છતાં ય કેવો સીધો સાદો માણસ! અમદાવાદમાં આવે ત્યારે તમે કલ્પના ય ન કરી શકો એવી ભદ્રના કારંજ પોલીસ સ્ટેશન પાછળ આવેલી એક સામાન્ય હોટેલ બિસ્મિલ્લાહમાં જ ઉતરતા. મોટાઈનો કોઈ ભ્રમ નહિ. એ મોટા હતા જ, એ ભ્રમ નહતો, પણ એવા ભ્રમની કોઈ મોટાઈ નહિ! સંગીતક્ષેત્રે પંડિત રવિશંકર અને એમ.એસ. સુબ્બુલક્ષ્મી પછી ભારત દેશનો સર્વોચ્ચ ખિતાબ 'ભારત રત્ન' એમને મળ્યો હતો.

સંગીતના ફીલ્ડ અલગ હતા, પણ દેસાઈ સાહેબ કોઈનાથી એક ઈંચ પણ ઉતરતા નહોતા. નહિ તો હજી એકવાર આ ફિલ્મના ગીતોની યાદી જરા જોઈ તો જાઓ, રફી અને લતા પાસે કેવું સોફ્ટુ-સોફ્ટુ અને મધુરું-મધુરું કામ લીધું છે! અરે, એક જ ગીત અને તે ય લતા સાથેના યુગલ ગીત માટે આવેલી ગીતાદત્તનું 'અખીયાં ભૂલ ગઈ હૈ સોના...'માં ગીતા પાસે કેવો ડાયાબીટીસ કરાવી દેતો મીઠડો અવાજ કઢાવ્યો છે! એમ કહો ને કે દાદા છવાઈ ગયા છે ફુલ બૉડી અને ફૂલ આત્મા સાથે! નહિ તો આપણા એવા ક્યાં નસીબ હતા કે આખા પૅકેજમાં 'ગૂંજ ઉઠીના...' એક સાથે તમામ ગીતો એકબીજાને બીજા નંબરે મોકલે એવા બને! એક સાથે બધા ગીતો સાંભળશો તો, એકે ય ગીતની પૅટર્ન બીજા સાથે મળતી નહિ આવે! લયની દ્રષ્ટિએ સાંભળવા જાઓ તો રિધમ-સૅક્શનની ઉસ્તાદી સાથે વસંત દેસાઈએ કેવી ચલતીનું ગીત 'જીવન મેં પિયા તેરા સાથ રહે...' બનાવ્યું છે અને એ જ ગીતના પ્રારંભમાં લતા-રફીની તાનો તો સાંભળો, બાદશાહ...! પાનનો ગલ્લો ચલાવતા હશો તો ય બે ઘડી બાદશાહ થઈ જશો!

વસંત દેસાઈ સ્વ. ઈંદિરા ગાંધીના બેફામ ભક્ત હતા. એમના જ ૨૦ મુદ્દાના કાર્યક્રમના પ્રચાર માટેના ગીતોનું રૅકૉર્ડિંગ પતાવીને ઘેર પાછા ફર્યા, ત્યારે ઉપર પહોંચી ગયા પછી આખેઆખી લિફટ નીચે પછડાઇ ને સ્થળ પર જ ગૂજરી ગયા.લિસ્ટ તો સેંકડો ગીતોનું થાય પણ એમના ચાર ગીતો હું સમજણો થયો (આમાં ડાઉટ ન કરવો કે વિરોધ ન નોંધાવવો!) ત્યારથી એવો આસક્ત છું કે, મારા વસીયતનામામાં ય છોકરાઓ માટે મૂકતો જવાનો છું. એક તો 'તૂફાન ઔર દિયા'નું લતા મંગેશકરનું 'પિયા તે કહાં, હાં ગયો, નેહરા લગા કે...' બીજું, ફિલ્મ 'અમર જ્યોતિ'નું લતા-મહેન્દ્ર કપૂરનું યુગલ ગીત, 'કલ્પના કે ઘન બરસતે, ગીત ગીલે હો રહે...' ત્રીજું, વાણી જયરામના કંઠમાં ફિલ્મ 'ગુડ્ડી'નું 'હમ કો મન કી શક્તિ દેના, મનવિજય કરે...' અને ચોથું 'દો આંખે બારહ હાથ'નું લતાનું જ, 'સૈંયા જૂઠોં કા બડા સરતાજ નીકલા...' (વાહ ભરત ભ'ઈ વ્યાસભ'ઈ... અનોખા શબ્દો લઈ આવવા માટે!)

બસ. પછી તો ફિલ્મ જોતા જોતા ય ગમતી ગઈ. રાજેન્દ્રકુમાર પણ ગમવા લાગ્યો. આ ફિલ્મ 'ગૂંજ ઉઠી શેહનાઈ'એ રાજેન્દ્રકુમારને પહેલીવાર મોટો સ્ટાર બનાવી દીધો. કેટલો મોટો જાણો છો? એક ફિલ્મ સાઈન કરી, એ પછી એનું પહેલું શુટિંગ ચાર વર્ષ પછી જ શરૂ થઈ શકે, એટલી બધી ફિલ્મો એક આ ફિલ્મની સફળતાથી મળી ગઈ. આપણે કાંઈ લેવા-દેવા નહિ, છતાં થોડા ખુશ થજો કે, આજથી ૫૨ વર્ષો પહેલાં આ ફિલ્મે રૂ.. એક કરોડ ને એંશી લાખનો બિઝનૅસ કર્યો હતો. રાજેન્દ્રનો એક જમાનો એવો આવ્યો કે, મુંબઈના એક સાથે છ થીયેટરોમાં રાજેન્દ્રની છ ફિલ્મો સિલ્વર જ્યુબિલી મનાવી રહી હતી. વચમાં મોટી જ્યુબિલી ઉર્ફે સાયરા બાનુના પ્રેમમાં કુર્બાન થઈ ગયો. સાયરા પણ રાજેન્દ્રને જ પરણવાની હઠ લઈને બેઠી હતી. ભલું થજો મમ્મી નસીમબાનુનું કે, યાચનાઓ કરી કરીને દિલીપકુમારને સમજાવ્યો કે, તમે મારી સાયરાને પરણી જાઓ... જેથી રાજેન્દ્રકુમારનો કાંટો કાઢી શકાય! ને એમ સાયરા-દિલીપના લગ્ન થયા.

પણ પ્રેમ કરવો તો ઓમપ્રકાશ જેવો કરવો. રાજેન્દ્રની માફક એ પણ એક વખત પરણી ચૂક્યો હતો, પણ જાની દોસ્ત સી. રામચંદ્ર સાથે વળી કલકત્તા જવાનું થયું. ત્યાંની બંગાળી ફિલ્મોમાં કામ કરતી અનિતા ગૂહાને જોઈ. ફિદા થઈ ગયા, પણ એ લંપટ નહતો. શાદી ન હુઈ તો ક્યા હુઆ... બન્ને જીવ્યા ત્યાં સુદી પ્રેમીઓ રહ્યા. અનેક ધાર્મિક ફિલ્મોમાં સીતા બની ચૂકેલી ફિલ્મ 'ચાચા ઝીંદાબાદ' અને 'ભૂલી હુઈ યાદોં, મુઝે ઇતના ન સતાઓ...' વાળા ગીતની ફિલ્મ 'સંજોગ'ની આ હીરોઈનને આખા શરીરે કોઢ નીકળવા છતાં ઓમપ્રકાશે એને છોડી દીધી નહિં... ઉપરથી ઓમના ગયા પછી અનિતા સંરક્ષણ સાથે રહી શકે, તે માટે ચર્ચગૅટ પર એક ફલૅટ અનિતાને નામે લઈ આપ્યો.

તો આ ફિલ્મની મૂળ હીરોઈનનો કૅસ આખો ઊલટો છે. અમિતા-શમ્મી કપૂરના 'તુમ સા નહિ દેખા' વાળી! એક નાટક કંપનીના માલિક માણેકલાલ અને શકુંતલાની આ દીકરીનું નામ તો 'જયજયવંતિ' હતું, પણ પરણ-પરણ કરવાની ઘેલછાને કારણે નામ-અટક-ધર્મ-પ્રેમીઓ... બધું બદલાતું ગયું, કહે છે કે, ભારતભરની ડામરની સડકોનો રંગ આ તોલારામ જાલન નામના એક મારવાડી ધનપતિને જોયા પછી ભારત સરકારે નક્કી કર્યો હશે. એમાં ય ગોળ કાળી ટોપી પહેરે અને પેટના ઘેરાવામાં જાણકારો કહે છે, આખું સિદ્ધપુર શહેર આવી જાય. બોલવામાં ભારે તોછડો, એટલે જ તો મેહમુદે એના દેખાવ અને રહેણીકરણીની આબેહૂબ નકલ કરી ફિલ્મ 'સબ સે બડા રૂપૈયા'માં પોતે તોલારામ જાલન બન્યો હતો અને પેલાની તોછડી ભાષા અનુસાર ફિલ્મમાં મેહમુદ પણ કોકને સીધેસીધું બેસવાનું કહેવાને બદલે, 'ચલો, સીટ ગંદી કરો...' કહે છે. આ તોલારામ જાલનની અમિતા પ્રેમિકા બની. ખાસ અમિતાને ચમકાવવા 'તુમ સા નહિ દેખા' બનાવ્યું અને ભારતભરમાં તોતિંગ પોસ્ટરોમાં અમિતાના ફોટા મૂક્યા. ફિલ્મ તો સુપરહિટ ગઈ, પણ સફળતાનો તમામ યશ બે જ જણને મળ્યો. એક શમ્મીકપૂર અને બીજા ઓ. પી. નૈયર. અમિતાનું પત્તું આ ફિલ્મ સાથે જ કપાઈ ગયું. 'ગૂંજ ઉઠી શેહનાઈ'માં ય વિજય ભટ્ટે તો આશા પારેખને લીધી હતી, પણ છેલ્લી ઘડીએ અમિતાને પસંદ કરી. ફિલ્મ અને બધે બધું સોલ્લિડ સફળ થયું, પણ કોઈએ અમિતાની સામે ય ન જોયું. ન છૂટકે એ જ રાજેન્દ્રકુમારની ફિલ્મ 'મેરે મેહબૂબ'માં એને હીરોઈન સાધનાની ચમચીનો તદ્ન ફાલતું રોલ સ્વીકાર્યો ને પછી એનાથી ય રદ્દી રોલ જ મળ્યા. કંઈક બાકી રહી જતું'તુ, તે પેલી દારાસિંઘની મારધાડવાલી ફિલ્મો બનાવનાર કામરાનના ય પ્રેમમાં પડી. આપણી પાસે એટલી બધી માહિતી નથી કે, બન્ને પરણ્યા હતા કે નહિ, પણ કામરાન પેલી ડૅઝી ઈરાની અને હની ઈરાની નામની બાળકલાકારોની મોટી બહેન સાથે પરણ્યો હતો, જેના બે સંતાનોને તમે ઓળખો છો. કૉમેડીયન અને ફિલ્મ 'હાઉસફૂલ'નો નિર્માતા સાજીદખાન અને બીજી એની ડાન્સ-ડાયરેક્ટર બહેન ફરાહખાન. વિવાદો અમિતાનો પીછો છોડતા નહોતા. એની દીકરીને રાજેશ ખન્ના સાથે કોક ફિલ્મમાં હીરોઈન બનાવી. આ સમાચાર તો ફિલ્મી અખબારોમાં નહિ, નૅશનલ ન્યૂઝમાં કુખ્યાત થઈ ચૂક્યા છે કે, રાજેશખન્નાએ આઉટડૉર શૂટિંગ દરમ્યાન પહાડ પર હીરોઈનના દેખતા લઘુશંકા કરી હતી, એ બિભત્સ વર્તન સામે અમિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કહે છે કે, પ્રેસમાં પબ્લિસિટી મેળવવા રાજેશ ખન્નાએ અમિતા સાથે મળીને આવો સ્ટન્ટ કર્યો હતો. હજી અમિતા આપણને અચરજમાં નાંખી શકે એવી બાબત એ છે કે, સ્ટુડિયો કે આઉટડૉર શૂટિંગમાં નવરાશના સમયે આ છોકરી હંમેશા વાંચતી રહેતી... કોઈ ફાલતુ કિતાબ નહિ, 'ગૉન વિથ ધ વિન્ડ' કે 'ડૉ. ઝીવાગો' જેવી કલાસિક બુક્સ! ને બીજી બાજુ મોટી ઉંમરે પણ ઢીંગલીઓ અને રમકડાં સાથે રમવાનો શોખ છોડી શકી નહોતી. શોખ તો ફિલ્મો બનાવવાનો વિજયભાઈ ય છોડી શક્યા નહોતા. ફરક એટલો કે એ જ વિજુભાઈએ 'હરિયાલી ઔર રાસ્તા' અને 'હિમાલય કી ગોદ મેં' જેવી સફળ અને સારી ફિલ્મો પણ બનાવી હતી. વિજય ભટ્ટની ફિલ્મો 'રામરાજ્ય' અને 'બૈજુ બાવરા' પછીની એમની જો કોઈ સુંદર ફિલ્મ હોય તો એ આ! આપણા પાલિતાણામાં જન્મેલા શ્રી વિજયશંકર જગનેશ્વર ભટ્ટભાઈના એક પુત્ર પ્રવીણ ભટ્ટના કૅમેરાનો કસબ તમે અનેક ફિલ્મોમાં જોયો હશે, ને પ્રવીણભાઈનો પૌત્ર વિક્રમ ભટ્ટ આજનો પેલો ઘોળાધોળા વાળવાળો યુવાન નિર્માતા-દિગ્દર્શક છે.

'ગૂંજ ઉઠી શેહનાઈ'ની ઊડીને આંખે વળગે એવી વાત એની ફોટોગ્રાફીમાં છે. ખૂબ સ્વચ્છ અને કલાત્મક રીતે કૅમેરા ફર્યો છે. અંધારું ક્યાંય નહિ. બધું ઊજળું ઊજળું જ જોવાનું. એ ભૂલ તો દિગ્દર્શકની ય કહેવાય કે, 'તેરી શેહનાઈ બોલે, સુન કે દિલ મેરા ડોલે...' ગીતના સ્ટુડિયો શુટિંગમાં રાત્રે ચાંદ તારા બતાવાયા છે, એમાં ચંદ્ર રસોડાની છતમાંથી લટકતા શીકાની જેમ ડોલે રાખે છે. રામ જાણે, એ જમાનામાં ચંદ્રો લટકાતા થતા હશે! એક ગીતમાં વળી હીરોઈન ગાય છે, 'કૈસી પરદેસી તુને પ્રિત જગાઈ, ચૈન ભી ખોયા હમકો નીંદ ન આઈ...' તારી ભલી થાય ચમના... આખી ફિલ્મમાં એનો ચિમન દેશ તો શું, ગામની શેરી છોડીને બહાર ગયો નથી, પછી એ 'પરદેસી' ક્યાંથી થઈ ગયો?

અરે ભ'ઈ, મૂળ વાતમાં ય કાંઈ નહોતું. અનાથ પણ નાનપણથી જ શેહનાઈ બજાવતા કિશનની કલા પારખીને ગુરુજી (ઉલ્હાસ) ઘરમાં આશરો આપે છે. એમની દીકરી રામકલી (અનિતા ગૂહા)ને કિશન પસંદ પડી જાય છે. પણ ડોસી થઈને મરી જાય છે, ત્યાં સુધી ગોપલાને કહી શકતી નથી કે રેશન કાર્ડમાં મારી પાછળ તારું નામ લખાવવું છે, પછી આપણો કિસલો ઝાલ્યો રહે? એ તરત જ ગામની ગોરી ગોપીના પ્રેમમાં પડી જાય છે. ભાઈને બીજું ક્યાંય મળતું નહોતું ને બેનને કોઈ પૂછતું નહોતું, એવો ઘાટ થયો, પણ ગામના ટપાલી આઈ.એસ. જોહરને આ ટપાલ બહુ નાનપણથી ગમેલી છે, એટલે ક્યાંય નાંખવા જવું નથી ને ગોપી-કિશનના દિલના દ્વારે ટપાલ નાંખતો જ નથી. આ બાજુ કિશનને ય જિંદગીમાં એક શેહનાઈ સિવાય બીજું કાંઈ વગાડતા આવડતું નથી, એટલે જોહરના તબલાં વગાડી શકતો નથી ને ગોપીનું લગ્ન બીજે નક્કી થઈ જાય છે. પેલો શેહનાઈમાં ફૂંકો મારતો રહે છે, એમાં ગોપીના જ લગ્નમાં એને ઝાંપાની બહાર શેહનાઈ વગાડવાનો કૉન્ટ્રાક્ટ મળે છે. આપણી જેમ કૉલબૅલ કેવો વાગે છે, એના પરથી દરવાજે ધૂળજી આવ્યો છે કે આપણો વરસ, એની ખબર પડી જાય, એમ ગોપીને પણ શેહનાઈના સૂર સાંભળીને ખબર પડી જાય છે કે પપ્પાએ નોંધાવેલો માલ આવ્યો નથી... કોઈ ભળતો જ માલ લાગે છે, એના આઘાતમાં એ બેભાન થઈ જાય છે. પછી કિશન શેહનાઈ-બેહનાઈ, 'મ્હેલને માથાફૂટ, બાપા'ના ધોરણે પડતી મૂકીને 'ક્યા હુઆ...? ક્યા હુઆ...?' કરતો ઘટના સ્થળે પહોંચી જાય છે. બે-ચાર થીગડાં મારીને છેલ્લે બધું 'જે શી ક્રસ્ણ' કરી નાંખવામાં આવે છે, જેથી પ્રેક્ષકો ઘેર જઈ શકે.

No comments: