Search This Blog

03/03/2013

ઍનકાઉન્ટર 03-03-2013

* ગુજરાતની પોલીસ વ્હિસ્કીની બૉટલો ઉપર રોડ-રોલર ફેરવે છે, એ જોઇને મારી લાગણી દુભાય છે. કોઇ ઉપાય ?
- ભાઇ, એ બૉટલો નથી... સાડા પાંચ કરોડ ગુજરાતીઓમાંથી પાંચ કરોડ શોખિનોના હૃદયો છે, ભાઇ... કોઇ મારા ખભે હાથ મૂકો !
(નૈમિષ સિધ્ધપુરા મેલબોર્ન-ઓસ્ટ્રેલિયા)

* કોઇ આપણી સાદગીને કંજૂસાઇ સમજે તો શું કરવું ?
- મને તમારી સાદગી ઉપર ડાઉટ પહેલેથી હતો !
(રાહુલ બગડા, જૂનાગઢ)

* મુખવાસ હંમેશા જમ્યા પછી જ કેમ ખવાય છે ?
- અમારામાં એવું કાંઇ ન હોય... નવરા બેઠાં હોઈએ તો જમવા જેટલો મુખવાસે ય ઝાપટી જઈએ...! એમાં પેટ ભરાઈ જાય પછી એકાદ-બે ફાકડા મુખવાસના મારી દઈએ...હઓ !
(વેદાંત શ્રીંમાંકર, મહુવા)

* હોટેલોમાં નાસ્તા કે જમવાના આટઆટલા ઊંચા ભાવો છતાં રોકનાર કેમ કોઇ નથી ?
- દરેક પુરૂષને ઘર કરતા વધુ સારી રસોઇ જમવાનો જન્મસિધ્ધ હક્ક છે.
(જગદિશ ઠક્કર, મુંબઇ)

* મર્યા પછી સ્વર્ગમાં જવાની ઇચ્છા સહુની હોય છે, છતાં મરવું કોઇને ગમતું નથી. એવું કેમ ?
- ન કરે નારાયણ ને સ્વર્ગમાં એમની સાસુ મળી જાય તો ?
(સદ્દામ દીવાન,વડાલી)

* તમને યાત્રાએ ઉપડવાનું મન થતું નથી ?
- ફિલ્મ 'શરાબી'માં બચ્ચન એક ડાયલૉગ બોલે છે, ''અભી અભી મૈં સમુંદર છોડકે આયા હું...ઔર સમુંદર મે તૈરનેવાલે, કૂઓં ઔર તાલાબોં મેં ડૂબકીયાં નહિ મારતે...!''એમ હમણાં હું સાસણ-ગીરના સિંહોને મળીને આવ્યો છું...! આઇ બાત સમઝ મેં...?
(હરીશ મણીયાર, જેતપુર)

* આ કૉલમમાં મારો સવાલ છપાય એ રવિવારે કૂતરા મારી સામે જોઇને ભસે છે...શું કરવું ?
- મને છોડવો...સગાઓ સાથેના સંબંધો કદી ન તોડાય !
(વંદિત નાણાવટી, રાજકોટ)

* અરવિંદ કેજરીવાલે આટલા કૌભાંડો બહાર પાડયા. બધા નેતાઓ ઢીલા થઇ ગયા હશે ને ?
- એ માણસ મોટો ફુગ્ગો છે. એની પાછળ સમય બગાડાય એમ નથી !
(ગૌરી વી.કાચા, અમદાવાદ)

* ચકલી અને ચકલા વચ્ચે શું ફેર હોય ?
- હાથમાં પકડીને ચૅક કરી લો.
(હેમંત વી.કડિયા, ખંભાત)

* સ્ત્રીના વાળ લાંબા અને પુરૂષના ટૂંકા કેમ ?
- બેન...કોઇએ તમને કીધું ખરૂં કે, હું 'ધી અશોક દવે હૅર કટિંગ સલૂન' ચલાવું છું ?
(ભારતી બારોટ, વહેરા-આણંદ)

* અમારા આ સાવ નાનકડા ગામનું નામ આપની કોલમમાં એક વખત છપાય છે, એમાં આખું ગામ એકબીજાને અભિનંદન આપે છે.
- આભાર.
(કવિતા ના. પટેલ, સરવટ)

* કંકુનો ચાંદલો કર્યા પછી ચોખા ચોંટાડવાનું કારણ શું ?
- ચોખા નાના હોય... સોપારીનો આખો ગટ્ટો ન ચોંટાંડાય !
(અર્જુનસિંહ પરમાર, ખાડી-વડોદરા)

* ભ્રષ્ટાચાર પ્રિયતમા જેવો છે. કાબુમાં ન રહે. તમે શું માનો છો ?
- મને એ બન્નેમાંથી સાલો એકે ય નો અનુભવ નથી.
(એસ.એ.સૈયદ,ગોધરા)

* કૂતરાની પૂંછડી વાંકી જ કેમ રહે છે ?
- બગડે નહિ માટે.
(શેહઝાદ પઠાણ, આણંદ)

* આપણાં દેશમાં શિક્ષણનું સ્તર દિન-પ્રતિદિન ઘટતું કેમ જાય છે ?
- તમે લખેલો સવાલ આ હતો. 'આપણા દેસમાં સિક્સણનું સ્તર દીનપ્રતીદીન ઘતતું કેમ જાય છે ?'
(રિતેશ સુખડીયા, ખંભાત)

* ખૂબ ઝડપથી વાહન ચલાવતા યુવાનોને આપનો કોઇ સંદેશ ?
- મારૂ ડ્રાયવિંગ જ મારો સંદેશ છે...પોલીસ સિવાય ગમે તેને ભટકાડો !
(ડી.કે.માંડવીયા, પોરબંદર)

* જીસસ ક્રાઇસ્ટ, બુધ્ધ, મહાવીર કે કૃષ્ણ પૃથ્વી પર પાછા ફરે તો શું કરવું ?
- જીસસ ક્રાઇસ્ટ, બુધ્ધ, મહાવીરની તો ખબર નથી, પણ કૃષ્ણનું કામ હોય તો બોલો, ''શું કરી શકું ?''
(ભરત ડી.સાંખલા, ડીસા)

* ગાંધીજી તો સમગ્ર દેશના રાષ્ટ્રપિતા છે, છતાં દારૂબંધી ફક્ત ગુજરાતમાં જ કેમ ?
- આ બધું આપણે બન્ને સમજીએ...મોદી કાંઇ માનવાના છે ?
(યોગેશ યાજ્ઞિાક, ભાવનગર)

* બુધ્ધિશાળી પુરૂષની સરખામણી બિરબલ સાથે થાય છે, તો બુધ્ધિશાળી સ્ત્રીની સરખામણી કોની સાથે થાય ?
- અચ્છા અચ્છા... એવી સ્ત્રી તમને જોવા મળી ખરી...! વાઉ..!!
(મધુકર પી.માંકડ, જામનગર)

* 'જે કહીશ, તે સત્ય જ કહીશ', એવું કહેનારા જુઠ્ઠું જ કેમ બોલે છે ?
- હું જે કહું છું, તે તદ્દન જુઠ્ઠું જ છે.
(પ્રબોધ જાની, વસઇ-ડાભલા)

* આટલી લોકપ્રિયતા છતાં હજી તમે ફ્લૅટમાં કેમ રહો છો ?
- લોકપ્રિયતા વેચવાના કોઇ ચણા ય નથી આલતું !
(જયેશ અંતાણી, ભાવનગર)

* ઇશ્વર મનુષ્યને કેમ માફી આપતો રહે છે ?
- અમારા લોકોની પર્સનલ વાતો અમે કદી જાહેર કરતા નથી.
(અલકા ચંદારાણા, મીઠાપુર)

* દવે સાહેબ, અમિતાભ બચ્ચનને સ્થાને ગુજરાત પ્રવાસન નિગમ તમને રાજદુત બનાવે તો ?
- મારી એટલી ''હાઇટ''નથી !
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* ખાદ્યચીજોના ભાવો પણ રોજેરોજ વધે છે, તેનો કોઇ ઉપાય ?
- નથી.
(મનિષા પંડયા, વડોદરા)

* 'ઍનકાઉન્ટર'નો ટીવી પર વાચકો સાથે લાઇવ-શો કેમ યોજાતો નથી ?
- હસવા માટેના લાઇવ-શો તમામ ન્યૂસ ચૅનલો પર રાજદીપ સરદેસાઇ, અર્ણવ ગોસ્વામી કે બરખા દત્તોના ટોક-શો આવે જ છે.
(ફિરોઝ ડી.ગાર્ડ,અમદાવાદ)

No comments: