Search This Blog

14/08/2013

ઘણાં ઘરોમાં....

નોર્મલી, શિરસ્તો એવો હોય કે, જેના ઘરે મેહમાન બનીને ગયા હો, એ લોકો એમના ગૅટ પર આપણને હસતા મોંઢે લેવા આવે. ઉલ્લાસ અને પ્રેમથી તમને આવકાર આપીને અંદર લઇ જાય. ગૅટ પર આપણને લેવા ડોહા એકલા જ આયા છે કે, ઘરના મોટા ભાગના બધા આવ્યા છે, એના ઉપર તમારા આવવાનું મૂલ્યાંકન થાય. કલાકેક બેસીને ઊભા થાઓ, ત્યારે તમને ઘરમાં બેઠા બેઠાં જ રવાના કરી દેવાય છે કે, હસતા મોંઢે ગૅટ સુધી મૂકવા આવે છે, એના ઉપરથી એ ફેમિલીમાં તમારૂં માન કેટલું છે, એ નક્કી થાય.

અહીં તો એવું કાંઇ ન મળે. મને સો-દોઢસો વર્ષ પહેલા રામ જાણે શરીરના કયા ભાગ ઉપર કૂતરી કરડી ગયું હશે તે, અમે એમના ઘરે ડિનરનું ઇન્વિટેશન સ્વીકાર્યું. આજકાલ કોઇના ઘરે મફત નથી જમાતું. No lunch is free. ગાડીનું આવવા-જવાનું પૅટ્રોલ, તમે એમના ઘર માટે રસ્તામાંથી આઇસક્રીમ કે છોકરાઓ માટે મોંઘા ભાવની ચૉકલૅટ્સ જેવું લઇ જતા હો ને ખાસ તો, સાલુ કદી કોના ઘરે જતા ન હોઇએ ને દોઢસો વર્ષ પહેલાં પેલું કૂતરૂં કઇડી ગયું હોય એટલે, અમારૂં આમંત્રણ સ્વીકારીને જમવા ગયા હોઇએ, ત્યાં પહોંચો એટલે ભ્રમ ભાંગે કે, જીવનના જેટલા વર્ષ બાકી રહ્યા હોય, એટલામાં ન રહેવાતું હોય તો નર્મદા કિનારે ઝૂંપડી બાંધીને આવતા-જતા યાત્રિકો પાસેથી પાઇ-પૈસો માંગી લેવો, પણ કોઇના ઘરે જમવા જવું નહિ.

મેં કોલબેલ દબાવ્યો. દરવાજો ખુલ્લો હતો. કોઇ આવ્યું નહિ, એટલે રાહ જોઇને - અવિવેક લાગે છતાં - અંદર ગયા પહેલો જ એમનો ડ્રોઇંગ રૂમ આવે. સુરૂભ'ઇ ત્યાં જ બેઠા હતા. નવાઇ લાગી કે, આટઆટલી વાર કૉલબેલ વગાડવા છતાં એની માંનો સુરીયો ઉઠયો કેમ નહિ? અમને ફૂલ-ફૅમિલી જુએ છે, છતાં સુરિયો કોઇપણ હાવભાવ વગર પૂછે છે, ''આઇ ગયા..?''

''ના, અમે નથી આયા. અમે તો હજી બહાર જ ઊભા છીએ!'' એવું ન કહેવાયું - એ તબક્કાથી આપણી દાઝો શરૂ થઇ ગઇ. બેસવાનું મોમાંથી ફાટવાને બદલે હાથનો ઇશારો કરીને બેસવાનું નોંતરૂં ફેક્યું, અમે બેઠા.

આ સુરીયો મારો નાનપણનો ધોબી. આમ તો જાતનો બા'મણ, એટલે દેખાવમાં ચોખ્ખો અને ચીકણો બહુ, એટલે હું એને 'સુરીયો ધોબી' તરીકે બોલાવું. નાનપણમાં આટલો બેવકૂફ નહતો દેખાતો - મારા જેવો દેખાતો. પણ હાલમાં મારી સરખામણીમાં એ ઊભો ય રહી ન શકે... (બેવકૂફ દેખાવામાં નહિ... સ્માર્ટ દેખાવાની વાત થાય છે.. કોઇ પંખો ચાલુ કરો!) સુરીયાના માથા ઉપર કપાળ જેવું કાંઇક ઊગ્યું હતું, પણ ત્યાં વાળ જેવું કાંઇ ઊગ્યું નહોતું. કપાળ પણ.. ટચ વૂડ, પુરીપકોડીની સાઇઝનું. બંને બાજુના લમણાં કોઇ સાનભાન વગર બહાર નીકળી આવ્યા હતા. વિશ્વના તમામ પુરૂષોના નાક નીચે મૂછો આપેલી હોય છે, જે જીવનભર સમજી વિચારીને વાપરવાની હોય. સુરીયાએ વેડફી નાંખી હતી, કારણ કે, એનો ઉપલો હોઠ મ્હોંની અંદર જતો હોવાથી એક ગોઝારી રાત્રે ભૂલમાં સૂરીયો મૂછો ગળી ગયો હશે...

એનું બૉડી વાળીને થેલીમાં મૂકી દઇ શકાય, એટલું પતલું- પતલું બોલો! આપણે તો જોવા ગયા નથી, પણ કહે છે કે, એની છાતીમાં નાનકડું નારીયેળ ગોઠવી શકાય એટલો મોટો ખાડો હતો. અમને આવકારવા સોફામાંથી એ ઊભો નહતો થયો, એનું કારણ હવે સમજાયું કે એક ખાડો સોફામાં ય પાડી નાંખ્યો હતો, પરિણામે જો એ ઊભો થવા જાય તો કાચબો તળાવમાંથી બહાર આવતો હોય, એટલું જોર કરીને આવવું પડે.

એની વાઇફમાં ય આપણાથી તો પડાય એવું નહોતું. એ સાલી ઝાટકા મારી મારીને ખભો હલાવીને બોલે. એના દરેક ઝટકે સૌજન્ય ખાતર આપણે ય ડોકીનો વળતો ઝટકો ના મારવો પડે? (જવાબઃ ભ'ઇ, સંબંધો જાળવવા મારવો પડે!) આપણે બધા ઊભા રહ્યા પછી ઉત્તર દિશા તરફ આખું શરીર જતું હોય. આ શિલ્પાનું (હા, બોલો... આવીઓના નામો ય 'શિલ્પા' હોય... સાલીએ દુનિયાભરની શિલ્પાઓ ઉપરથી માન ઉતારી દીધું...! આ તો એક વાત થાય છે) બૉડી તો જમીન પરથી જ ઉપર જતું તું, પણ પછી એને આસમાનની વાટ નહોતી પકડી.... સહેજ ફંટાતી હતી. ભીની માટીમાં ખોસેલી ફાઉન્ટ પેન જરા આડી કરી હોય, એમ શિલ્પુ ઊભી રહેતી હતી. (કરૅકશનઃ આવીને શેનું 'શિલ્પુ' કહેવાનું હોય... શિલ્પાડી જ કહેવાય!) એ હાથ લૂછતી કિચનમાંથી આવી, પણ અમે આવ્યા છીએ એની કોઇ નોંધ જ ન લીધી, મારી વાઇફને હેબતાઇ જવા ઉપર સારો હાથ બેઠો છે, એટલે જરૂર પૂરતું હેબતાઇ જઇને એને તરત પૂછ્યું, ''શિલ્પા ભાભી, કાં કેમ છો? શ્યૉરી હોં શ્યૉરી... અમારે જરા આવતાં મોડું થઇ ગીયું.. રસ્તામાં અસોકની ગાડી બઇગડી 'તી!''

ગાડી તો રસ્તામાં જ બગડે.. કોઇ મકાનની ટેરેસ ઉપર કે તળાવની વચ્ચોવચ તો ન બગડે ને? છતાં શિલ્પાડી'ન હોય...!' એવું આશ્ચર્ય એના ખભાના વર્લ્ડ ફેમસ ઝટકા સાથે વ્યક્ત કર્યું.

તમારામાંથી કોઇને જુવાનીમાં જોયેલા સર્કસો યાદ હોય તો એ જમાનામાં સર્કસમાં જંગલી વાઘ-સિંહો પાંજરામાંથી એક પછી એક આવતા જાય ને નિશ્ચિત ટેબલ પર ઊભા રહી જાય. સુરીયા- શિલ્પાના ઘરમાં ય વધેલી પબ્લિક હતી, તે બધી એક પછી એક પોતાના રૂમમાંથી બહાર આવીને અમારી સામે સોફામાં ગોઠવાતી ગઇ. એક પુત્ર જેવું કંઇક હતું. એની વાઇફ જેવું ય કંઇક હતું. પણ આપણને કોઇનામાં ઊંડા ઊતરવાની બહુ આદત નહિ, એટલે પૂછવા કરતા ધારી લેવું સારૂં. ખોટી વાત છે મારી?

આ લોકોનો પુત્ર નામનો પદાર્થ માં-બાપ ઉપર ઉતર્યો હતો. એની આપણી સામે જોવાની પદ્ધતિ કાચમાં પૂરેલા ઝેરી સાપોને બાળક જોતું હોય, એવી હતી. સાપો તો કાચમાં બંધ હોય પણ વાત ફડકની છે કે, એ કાચની અંદર અને આપણે કાચની બહાર હોવા છતાં સાપ જરાક અમથું માથું ઊંચુ કરે, તોય આપણે ફડકી જઇએ, એમ આ લોકોનો દીકરો અમે કાંઇક બોલવા જઇએ એટલે ફડકીને અડધોએક ફૂટ પાછો ખસી જાય. વહુ આ લોકો ઉપર નહોતી ઉતરી કારણ કે એ પેદા આ લોકોએ નહોતી કરી, નહિ તો આખા ફૅમિલીનો ઘાણ નહિ, કચ્ચરઘાણ ઉતર્યો હોત! એનામાં વિવેક - વિનય જેવું હતું, પણ સ્માઇલ-બાઇલ નહિ. એ એકલી બોલી, ''અંકલ, બોલો, કેમ આવવું થયું....?''

તારી ભલી થાય ચમની... સાલી, તારા ડોહાએ અમને જમવા બોલાવ્યા છે, ને તું હજી પૂછીશ, 'કેમ આવવું થયું?'

આપણા ઘરે કોક આવ્યું હોય તો કમસેકમ વાતો તો શરૂ કરીએ ને? ને એમાંય, અમને તો જમવા બોલાવ્યા હતા. ભૂલી ગયા હશે? આપણે પરફ્યૂમની શૉપ સમજીને ગયા હોઇએ ને ત્યાં યુરીયાનું ખાતર વેચાતું હોય. ઘરમાંથી કોઇ હણહણતું નહોતું. આપણું તો ઉદાર મન કે, આ લોકો ભૂલી ગયા હોય તો સ્વમાન ખાતર એમની બાજુવાળાના ઘેર જઇને ય જમી આવીએ! ખોટું અભિમાન નહિ. પણ ભોગ લાગ્યા છે કે, આ લોકોની બાજુમાં કોઇ રહેવા ય આવ્યું હોય?

જમવાનું તો જાવા દિયો, પણ કોઇનો ચહેરો ય હસમુખો નહિ. એમના ઘરે ચાર મિનીટ બેઠા પછી ડઘાઇ જવાય કે, આપણે ભરાઇ પડયા. આખા ફેમિલીનું વાતાવરણ સૂકું. આ ઘરમાં છેલ્લા છસ્સો વરસથી કોઇ હસ્યુ નહિ હોય, એવી બાતમી ત્યાં જ મળી જાય. પાછું, આખા ફૅમિલીમાં એકે ય પીસ મનોરમ્ય નહિ; જેની સામે જુઓ એનુ મોઢું ચઢેલું હોય. આ લોકો બહાર ઊભા રહીને એકબીજાને વેચવા કાઢે તો ઘરમાંથી ય કોઇ ખરીદે નહિ. વટેમાર્ગુઓ પાઇ-પૈસો નાખતા જાય પણ, 'આ ડોહો કેટલામાં કાઢવો છે?'' એવી બોલી કોઇ ન બોલે. બીજે કોક સારા ઠેકાણે ગયા હોઇએ તો એક ડૉસીના બદલામાં મકાન ઉપરાંત ગામની જમીન-બમીને ય ફ્રીમાં આલે. આમના ઘરમાંથી તો ભંગાર કાઢી જવાનો ખર્ચો આપણને ચોંટે.

સુરૂભ'ઇનું આખું ફૅમિલી આવું. આપણે તો એમના ઘેર જમવા ગયા છીએ કે કાણે બેસવા ગયા છીએ, એની એમને ય ખબર ન પડે. નોર્મલી, તો કોઇ આપણા ઘરે આવે, એ નસીબ કહેવાય. ક્યાં આજકાલ કોઇ આપણા ઘરે આવવા નવરું છે! દેશમાં ટીવી આવ્યા પહેલાના દિવસો યાદ કરો. મહિને દહાડે આપણે કોકના ઘેર ડિનર માટે જવાનું હોય, કોઇ આપણા ઘરે આવવાનું હોય ને હે... ય, નિરાંતે બેસતા બધા. ખૂબ જલસા કરતા. હવે ટ્રાયલ ખાતર કોઇને ફૅમિલી સાથે જમવા બોલાવી તો જુઓ...કોઇ આવતું નથી. શહેરમાં ડિસ્ટન્સ,ટાઇમના પ્રોબ્લેમો, ટીવી, વધતી ઉંમર અને જીંદગીમાં પ્રવેશી ગયેલી શુષ્કતા. આ બધાને કારણે એકબીજાના ઘેર આવવા-જવાનું હતું કે આપણે કોના ઘેર ગયા હતા? હિસાબ એવો થવા માંડયો છે કે, હવે કોઇના ઘેર જઇએ તો કોઇ ના પાડતું નથી ને ના જઇએ તો કોઇ રાહ જોઇને બેઠું હોતું નથી. વર્ષોથી કોઇના ઘેર ન જાઓ તો કોઇ ખોટું લગાડતું નથી.. આપણે ય ક્યાં લગાડીએ છીએ?

સુરીયાની સાથે બેઠા ને બહુ વાર બેઠા પણ જમવાનું કોઇ નામ લેતું નહોતું ને આપણી પાસે આપણી રીવોલ્વરે ય ના પડી હોય! ભય ચોક્કસ હતો કે, 'ચાલો ત્યારે જઇએ...?'' એવું પૂછીશું તો તરત હા પાડી દેશે, એટલે ખોટો વિવેક પણ શું કરવો?'

ત્યાં અચાનક મારો મોબાઇલ રણક્યો, 'દાદુ, ક્યાં છો? અમે રાહ જોઇને બેઠા છીએ... ભૂલી તો નથી ગયા ને કે, ડિનર અમારે ત્યાં છે?''
ફોન સુરેશનો હતો... એ ય સુરીયો હતો. નાનપણનો દોસ્ત.

સિક્સર
પાકિસ્તાને એક એક ભારતીયને મારી નાંખ્યો હશે.. દેશભરમાં કોઇ બચ્યું નહિ હોય ત્યારે એક માત્ર મનમોહન જીવતા હશે અને ચોખ્ખી સંભળાવી દેશે, ''હવે અમે પાકિસ્તાન ઉપર કડક પગલાં લઇશું.''

No comments: