Search This Blog

24/08/2013

'ખાનદાન' ('૬૫)

ગીતો
૧. બડી દેર ભયી નંદલાલા, તેરી રાહ તકે બ્રીજબાલા.... મુહમ્મદ રફી-સાથીઓ
૨. ઓ બલ્લે સોચ કે મેલે જાના, સારા શહર તેરા દીવાના.... આશા-રફી-સાથીઓ
૩. નીલગગન પર ઊડતે બાદલ આ, આ, આ.... આશા ભોંસલે-રફી
૪. આ ડાન્સ કરે, થોડા રોમાન્સ કરે, નગર નગર મેં.... આશા-મુહમ્મદ રફી
૫. કલ ચમન થા, આજ એક સહરા હુઆ, દેખતે હી દેખતે યે.... મુહમ્મદ રફી
૬. તુમ્હીં મેરે મંદિર, તુમ્હીં મેરી પૂજા, તુમ્હીં દેવતા હો.... લતા મંગેશકર
૭. મેરી મિટ્ટી મેં મિલ ગઈ જવાની હાય.... આશા ભોંસલે- ઉષા મંગેશકર
૮. તુ હો કે બડા બન જાના, અપની માતા કા રખવાલા.... મુહમ્મદ રફી

ફિલ્મ : 'ખાનદાન' ('૬૫)
નિર્માતા : વાસુ મેનન
નિર્દેષક : એસ. રામનાથન
સંગીત : રવિ
ગીત-સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : નૉવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : નૂતન, સુનિલ દત્ત, મુમતાઝ, પ્રાણ, ઓમપ્રકાશ, લલિતા પવાર, સુદેશ કુમાર, મોહન ચોટી, હેલન, જીવનકલા, મનમોહનકૃષ્ણ, સુલોચના ચેટર્જી, રવિકાંત.





એ વખતે ચૅન્નઈ નહિ, મદ્રાસ કહેવાતું અને ગુજરાતીઓ મદ્રાસમાં બનેલી હિંદી ફિલ્મો જોવા આંખ મીંચીને જતા... સૉરી, જતા આંખ મીંચીને પણ જોતા આંખો ખોલીને! કારણ કે, અપવાદોને બાદ કરતા મદ્રાસની બધી ફિલ્મો સામાજીક અને સુંદર પણ હતી. આપણા જ ઘરની વાત હોય. પ્રૉડક્શન પણ મુંબઈની ફિલ્મો કરતા ઊંચું અને ખર્ચાળ. વળી, સિલ્વર-જ્યુબિલીની તો સમજો ને, ગૅરન્ટી જ હોય. એટલે મુંબઇમાં ગમે તેટલો મોટો સ્ટાર હોય, મદ્રાસની ફિલ્મમાં કામ કરવા મળે, એટલે ધન્ય થઈ જતો. એ સમયમાં મદ્રાસની એવીએમ, વાસુ મૅનનની વાસુ ફિલ્મ્સ કે જેમિનીની ફિલ્મો દેશભરમાં વખણાતી ને એમાં ય 'ખાનદાને' તો સિલ્વર જ્યુબિલીથી ય ઘણો વધારે ધંધો કર્યો હતો. હમણાં આઈપીએલ-ક્રિકેટમાં ચૅન્નઈના શ્રીનિવાસનનો જમાઈ મયપ્પન પકડાયો હતો, તે આ 'ઍવીએમ' એટલે કે એ.વી. મયપ્પનનો પૌત્ર થાય. આમે ય, જોડી નૂતન-સુનિલ દત્તની હોય એટલે ફિલ્મ મદ્રાસમાં બની છે કે મુંબઈમાં, એ કોઈ જોવાની જરૂર પડતી નહિ. ઇન દોનોં કા... સિર્ફ નામ હી કાફી થા!. આ બન્નેની ફિલ્મ બહારના સમાજમાં પણ છાપ અત્યંત સાત્વિક અને પવિત્ર. પર્સનલ લાઇફમાં ય આ બન્ને પોતપોતાનું પુરૂં સ્વચ્છ જીવન જીવ્યા છે ને એમાં ય એમની સાથે સ્વ.પ્રાણ હોય, પછી તો કેવી જમાવટો થઈ હોય? પ્રાણ સાહેબની છેલ્લી વર્ષોની ફિલ્મો જોનાર નવી પેઢીના દર્શકોને તો એ ય ખબર નહિ હોય કે, એક જમાનામાં એ ઘણો ઘાતકી વિલન હતો. સરસ મજ્જાની ફિલ્મ ચાલતી હોય ને પ્રાણ આવે, એટલે હીરો-હીરોઇન જ નહિ. પ્રેક્ષકોની ય હવા નીકળી જતી કે, ''આ ક્યાં આયો...? હમણાં કાંઈ હાંધાહલાડા કરશે... હમણાં હીરોઇનની લાજ લૂંટાશે... હીરોલોગ પ્રાણની ધોલાઈ હંમેશા ફિલ્મના અંતે કરતા, પણ ત્યાં સુધી પ્રાણનો દબદબો ઠસ્સાદાર રહેતો. ખલનાયકીમાં કૉમેડી એનો યુએસપી હતો... યુએસપી એટલે 'યુનિક સૅલિંગ પોઇન્ટ', એટલે ગ્રાહકને તરત જ આકર્ષી લે, એવી કરામત. 'ખાનદાન'માં પ્રાણ પોતાની ખાનદાની અભેરાઈ ઉપર ચઢાવી દે છે અને નૂતન-સુનિલ દત્તના લોહીઓ પી જાય છે.

વાસ્તવિક જીવનમાં આ જ પ્રાણ સાહેબે આપણા શરીરોમાં લોહી ભરી આપવાના અભિનયો કર્યા હતા. એના કે એની પહેલા-પછીના એકેય વિલનમાં પ્રાણ જેવો અભિનય કોઈ આપી શક્યું નથી, એ તો સહુ સ્વીકારે છે. યાકુબ, જીવન, કે.એન. સિંઘ, અજીત, મદન પુરી, અમરીશ પૂરી, રહેમાન, પહેલાનો વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહા... કોઈ ઊભા રહી ન શકે પ્રાણ સાહેબની ખીજ ચઢાવતી ખલનાયકી સામે. એ વાતની તો સહુને જાણ છે કે, પ્રારંભની કોઈ ૩-૪ ફિલ્મોમાં શત્રુઘ્ન સિંહા સફળ થયો, એમાં તો નિવેદનો આપવા માંડયો કે, ખલનાયકીમાં મેં પ્રાણની છુટ્ટી કરી દીધી છે, ત્યારે કોઈ સહૃદયીએ સામે કટાક્ષ કર્યો હતો, ''પ્રાણ સાહેબે જેટલા વર્ષો ફિલ્મનગરીમાં કાઢ્યા, એટલા કાઢી તો બતાવ...!'' ગણત્રીઓ માંડીએ તો શત્રુઘ્ન એટલા મહિનાઓ ય કાઢી શક્યો નહિ. બોલીને બફાટો કરવામાં આજકાલ કોંગ્રેસના દિગ્વિજયસિંહનું નામ છે. તો સામે શત્રુઘ્ન દિગ્ગીથી ય વધુ બેવકૂફ લાગી શકે છે. બહુ હસી પડતા, પણ આજકાલ આવેલી એની દીકરી સોનાક્ષી સિન્હા પાસે ય એણે બોલાવ્યું હતું, ''મારા પાપા આજે ય સુપરસ્ટાર છે.''

મતલબ, આ બધું ખાનદાનમાંથી જ આવે. નૂતન-સુનિલ દત્ત-પ્રાણની ફિલ્મ 'ખાનદાન' એના અર્થપૂર્ણ દિગ્દર્શન ઉપરાંત મધુર સંગીત અને નૂતન-પ્રાણના બેમિસાલ અભિનયથી આજે પણ સહુને યાદ છે. સુનિલ દત્ત થોડો નહિ, પણ ઘણો નબળો ઍક્ટર હતો, સિવાય કે ડાકુ અથવા ગુસ્સાવાળા ગોરધનનો રોલ કરવાનો હોય ત્યાં એ એના સમકાલીનો કરતા ય ઘણી ફિલ્મોમાં વધુ સારો ઍક્ટર જણાયો હતો. મધર ઈન્ડિયા, મુઝે જીને દો, યે રાસ્તે હૈ પ્યાર કે જેવા રોલ ઑફર કરતી ફિલ્મોમાં સુનિલ બેશક પ્રભાવશાળી લાગે, બાકી તો મેહમુદની ધોધમાર સફળ ફિલ્મ 'પડોસન'ની એક માત્ર નબળી કડી સુનિલ દત્ત હતો કે નહિ? દારાસિંઘ સૂટ પહેરવાથી જેવો લાગે એમ સુનિલ દત્ત કૉમેડી કરવામાં લાગતો. સુઉં કિયો છો? મુમતાઝ નવી નવી તો કાંઈ નહોતી, પણ આ ફિલ્મની સાઇડ હીરોઈન બનવા પાછળ એની ઘણી મશક્કત જોડેલી હતી. મૂળ દારાસિંઘની ફિલ્મોની આ હીરોઇન આગળ જતા કેવી આધારભૂત હીરોઇન બની ગઈ!

આલ્ફ્રેડ હિચકોકની એક ફિલ્મ 'નોર્થ બાય નોર્થ વેસ્ટ'માં હીરો કૅરી ગ્રાન્ટને હિચકોકે આખી ફિલ્મમાં સ્ક્રીન પર ડાબી બાજુએ ઊભેલો જ બતાવ્યો છે. ભાગ્યે જ કોઈ દ્રશ્યમાં એ આપણી જમણી તરફના પડદા પર દેખાય. એ જ રીતે, ડેવિડ લીનની મહત્વાકાંક્ષી ફિલ્મ 'લૉરેન્સ ઑફ અરેબીયા'માં... અત્યારે તમારા માનવામા પણ નહિ આવે, પણ આખી ફિલ્મમાં તમામ પાત્રો સ્ક્રીન ઉપર ડાબેથી જમણી તરફ જતા જ દેખાય છે. એકાદો અપવાદ હોઈ શકે, પણ ફિલ્મનું એક એક પાત્ર પશ્ચિમથી પૂર્વ તરફ જતું દેખાય. આપણી ફિલ્મ 'ખાનદાન'ના દિગ્દર્શકે ય આવું કંઈક કર્યું છે. ફિલ્મના હીરો-હીરોઇન હોય કે, અન્ય પાત્રો, કોઈનો કૅમેરામાં ક્લૉઝ-અપ શૉટ બતાવાયો નથી. ઓમપ્રકાશનો ચેહરો એક વખત પૂરતો આખી સ્ક્રીન રોકે છે ખરો, પણ એય ક્લૉઝ-અપ નહિ... છાતી સુધીનો!

'ખાનદાન' વધુ જાણીતું થયું એના ૩-૪ મધુરા ગીતોથી. આપણાવાળો એ તો જમાનો જ એવો હતો કે, ફિલ્મ બંડલ ચાલી જાય, સંગીત સદાબહાર જોઈએ. એવી અગણિત ફાલતુ ફિલ્મો છે, જેના ગીતો સાદ્યંત યાદ છે, પણ ફિલ્મમાં શું હતું, ઍક્ટરો કોણ હતા... ઈવન આપણે જોયું હતું કે નહિ, તે પણ ભૂલી ગયા હોઈએ, પણ સંગીત સુહાનું હોય તો બાકીનું બિલ માફ!

રવિ બેહરીન સંગીતકાર હતા, એ તો એમના દુશ્મનને ય સ્વીકારવું પડે... ખાસ કરીને મુહમ્મદ રફી પાસેથી સદાબહાર કામ લેવા અંગે. રવિએ મને જ કીધેલી વાત છે કે, રોજ સવારે ઍક્ઝેક્ટ દસ વાગે રફી સાહેબ મારા ઘરે આવી જ જાય. દસમાં પાંચ મિનીટ પણ આઘાપાછી નહિ. એમાં મુંબઇના ટ્રાફિક કે લાંબા અંતરનું બહાનું નહિ. આ ફિલ્મ 'ખાનદાન'માં રફી પાસે ગવડાવેલા બે ગીતો આજ સુધી લાંબા ચાલ્યા તો નહિ, પણ મારા જેવા જેમણે પણ રફી નામની માળા પહેરી છે, એ સહુને રફીના બે ગીતો, ''કલ ચમન થા, આજ એક સહેરા હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ' અને 'તુ હો કે બડા બન જાના, અપની માતા કા રખવાલા...'માં રફી પૂરબહારમાં મીઠા લાગ્યા છે. બન્ને ગીતોની મીટરલૅસ સાખીમાં એમના કંઠની વેદના પારખી શકાય છે, તો બીજી બાજુ રવિને શતશત પ્રણામ કરવા પડે, લતાએ નૂતન માટે ગાયેલા, 'તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હીં દેવતા હો...' કેવળ નૂતન ઉપર જ સારું લાગે અને લાગ્યું છે. પોતાના હાથ-પગે અપંગ પતિની લાચારીને ખાળવા આદર્શ પત્ની નૂતન પતિનો જુસ્સો બુલંદ કરવા, પતિ જ એનું સર્વસ્વ છે, એ સાબિત કરવા આવું અર્થસભર ગીત ગાય છે. નૂતનને બદલે આજની કોઇપણ હીરોઇન ઉપર આ ગીત ધારી જુઓ. પ્રિયંકા ચોપરા પાસે આ ગીત ભજવાયું હોય, તો હિંદુસ્તાની સાડીને બદલે એણે ઢીંચણથી ઉપરનો ચડ્ડો પહેર્યો હોત ને લી-વાયની જર્સી પહેરીને પતિના ચરણોમાં માથું મુકીને આ ગીત ગાવાને બદલે સ્વિમિંગપૂલમાં અડધા ભીનાં શરીરે 'તુમ્હી મેરે મંદિર...' ગાયું હોત! જે શી ક્રસ્ણ.સૉફ્ટ ગીતો બનાવવામાં રવિ એમના ગુરૂ હેમંત કુમારના પરફૅક્ટ પગલે ચાલ્યા. આ ફિલ્મમાં ક્યાંય ઇંગ્લિશ-ધૂન પર ગીત બનાવવાનું આવે, એટલે કલ્યાણજી-આણંદજીની માફક એમના મોતીયા મરી જતા. ધૂન દેસી હોય અને બોંગો-કોંગો, ડ્રમ્સ, ગીટાર કે ઍકોર્ડિયન જેવા વાજીંત્રો વગાડી લો, એટલે ''એમની સમજ મુજબ'' ઈંગ્લિશ ધૂન તૈયાર. આ હૂન્નરના અસલી કારિગર તો દાદા હતા... સચિનદેવ બર્મન. રાજીન્દર કિશને 'ખાનદાન'ના ગીતો લખ્યા છે. સંવાદ પણ એમના જ. ક્યારેક આઘાત લાગે કે, આ માણસ રંગમાં આવે ત્યારે સાહિર લુધિયાનવીની કક્ષાનું લખી શકતો અને એના અનેક પ્રમાણો આપ્યા છે. 'ખાનદાન'માં તો ખૈર... સંવાદોમાં કોઈ ચમત્કૃતિ નથી અને બે-એક ગીતમાં શબ્દો સારી કક્ષાએ પહોંચું-પહોંચું કરે પણ છે, પણ બાકી બહુ કૅઝ્યુઅલ માણસ હતો આ. ફાલતુ ગીતો લખવામાં એણે હસરત-મજરૂહોને ય પાછળ રાખી દીધા હતા. પેલા બન્નેમાં તો મૂળભૂત રીતે જ સત્વ નહોતું, એટલે કે લોકો તો ફાલતુ જ લખી શકે. રાજીન્દરનું સાવ એવું નહોતું. એ બેશક સમર્થ હતો, પણ આ પ્રોફેશનને બહુ કૅઝ્યુઅલી લીધો હશે. એ સિગારેટ બહુ પીતા ને મનમાં આવે ત્યારે ગાડીમાં બેઠા બેઠા સિગારેટના પાકીટ ઉપરે ય ગીતનું હમણાં સૂઝેલું મુખડું લખી નાંખે. ફિલ્મ 'શરાબી'ના રફીના 'સાવન કે મહિને મેં, લગતી હૈ તો પી લેતા હૂં...' ગીત મદન મોહન સાથે દારૂ પીતા પીતા - ચઢેલી અવસ્થામાં - લખી નાખ્યું હતું. ઘણા લોકો આમાં પાછા રાજી થૈ, ''અરે સાહેબ, કેટલો શીઘ્ર કવિ...? દારૂ પીતા પીતા આખું ગીત લખી નાખ્યું, બોલો!'' તારી ભલી થાય ચમના... શેર'ઓ શાયરી આટલી આસાન લેવા જેવી બાબત નથી. ગાલિબ જેવા ગાલિબ પણ એક વખત લખેલી ગઝલ અનેકવાર મઠારતા, યાર દોસ્તોને વંચાવી જોતા ને છેલ્લે પોતે જ કન્વિન્સ ન થાય તો મેહફીલમાં એવી ગઝલ મૂકતા પણ નહિ. સાહિત્ય સિગારેટના ખોખા ઉપર લખી નાંખ્યવાનો ખેલ નથી. આ જ ફિલ્મ 'ખાનદાન'નું નીલગગન પર ઉડતે બાદલ, આ, આ, આ... દેખ અભી હૈ કચ્ચા દાના પક જાયે તો ખા...' દેખાવમાં કેવું રસમધુરૂં ગીત લાગે છે? પણ સાહિત્યની થોડીઘણી સમજ હોય તો આંચકા લાગે કે, ઉડતા વાદળો કહી દીધું, ત્યાં વાત પતી ગઈ... એમને નીલગગનમાં કહેવાની જરૂર જ ક્યાં છે? છોકરૂં ય જાણે છે કે, વાદળો ગગનમાં જ ઊડે, આપણી પોળો કે સોસાયટીઓમાં ઊડવા ન આવે. વળી, ઊગાડેલું અનાજ વાદળોને ખાવા માટે ટૅકનિકલ કે સાહિત્યિક ઑફર કોઇ કાળે સમજાતી નથી. વાદળોને પ્રતિકાત્મક બનાવીને પક્ષીઓને આ ઑફર કરાઈ હોય, એ ય શક્ય નથી કારણ ખેડૂત પક્ષીઓને ભગાડતો હોય છે, સામે ચાલીને 'આવ... આવ... મારી પથારી ફેરવ અને મેં ઊગાડેલું બધું અનાજ ખા... એવી બેવકૂફી કરતો નથી. રાજીન્દર કિશનના શબ્દો જેવી જ ફિલ્મની વાર્તા કંઈક આવી હતી :

પિતા રામસ્વરૂપના અવસાન પછી ઓમપ્રકાશ અને શંકર મનમોહનકૃષ્ણ નામના બે ભાઈઓ પાસે ખેતર, જમીન અને મકાનોની અઢળક સંપત્તિ હતી અને બન્ને સંપથી રહેતા હતા. ઓમની પત્ની લલિતા પવાર છે અને મનમોહનની સુલોચના ચૅટર્જી. ઓમને કોઈ સંતાન નથી, પણ મનને સુનિલ દત્ત અને સુદેશ કુમાર નામના બે પુત્રો છે. સુદેશ બહારગામથી આવે છે, ત્યારે ઘરમાં મોટા ડખા શરૂ થઈ ગયા હોય છે. લલિતાનો ભત્રીજો સિંગાપુરમાં ચોર-ઉચક્કો નવરંગી (પ્રાણ) એની બહેન મુમતાઝ અને નોકર મોહન ચોટીને લઈને આ લોકોના ઘરમાં રહેવા આવી જાય છે અને બે મકાન અને ઘર જૂદા કરાવે છે. સુનિલ નાનપણમાં ઈલૅક્ટ્રીક-કરન્ટ લાગવાથી હાથે-પગે અપાહિજ હોય છે. બહારગામ ભણીને ગામડે પાછા આવેલો સુદેશ કુમાર પ્રાણની બહેન મુમતાઝના પ્રેમમાં પડયો હોવાથી, માંડમાંડ ઘર છોડવા તૈયાર થયેલી આ ટોળકીને જવા દેતો નથી અને ઘરની બર્બાદી શરૂ થાય છે. પ્રાણે લલિતાને ઉલ્લુ બનાવીને મોટી રકમ મારી લીધા પછી શહેરમાં જઇને સર્કસ શરૂ કરે છે, એમાં ખોટ જતા બનેવી સુદેશ કુમાર પાસેથી એની ઑફિસના પૈસા પરાણે લઈને ઊડનછૂ થઈ જાય છે. આ પૈસાથી એ દસ હજારમાં હાથી ખરીદે છે, જે નાના બાળકોને હવામાં ઉછાળી પોતાની સૂંઢમાં પાછો કૅચ કરી લે છે. આ માટે પ્રાણને બાળકો મળતા નથી, એટલે સુનિલ દત્તના બાળકને ઉઠાવી જાય છે. એની પત્ની નૂતન સાથે સુનિલ બાળકને છોડાવે છે, પણ એની ધમાચકડીમાં સુનિલને ફરી કરન્ટ લાગે છે, એમાં હાથ-પગ ફરી પાછા તંદુરસ્ત થઈ જાય છે અને બન્ને કુટુંબો ભેગા થાય છે. બહુ ફાલતું વાર્તા હતી. મેલોડ્રામાં બનાવીને કે ગળે ન ઉતરે એવી ઘટનાઓ બતાવીને આ ફિલ્મને પારિવારિક ટચ આપવાનો પ્રયાસ હિણો ઉતર્યો છે. વડોદરાના જીએસએફસીના ડૅ.મૅનેજર શ્રી. હરેશ જોશી ખાસ કરીને મુહમ્મદ રફી અને પ્રાણના ડાયહાર્ડ ફેન છે. આ ફિલ્મમાં એમના બન્ને ચહિતાઓ પૂરજોશ ખીલ્યા હોવાથી મને 'ખાનદાન'ની ડીવીડી મોકલાવી. મેં ૬૫-માં જ પહેલી અને છેલ્લી વાર આ ફિલ્મ અમદાવાદના નોવેલ્ટીમાં જોયેલી ને આ ફરી જોઇ. પ્રાણે મોટી કમાલો કરી છે. એમની ખલનાયકીમાં બહુ ઓછાનું ધ્યાન પડયું હશે કે, શરીરને સુદ્રઢ રાખવામાં પ્રાણ કોઇ હીરોથી કમ નહોતા. કપડાં તો ખુબ શોભતા અને હાવભાવ વિલનના હતા, ચેહરો કોઇ હીરોથી કમ નહોતો. ''ખાનદાન''માં દિગ્દર્શકે એને ચિત્રવિચિત્ર કપડાં પહેરાવ્યા છે. ચાર્લી ચેપ્લિન-કટની મૂછો અપાવી છે, પણ પ્રાણ અજીબોગરીબ કલાકાર હતા. એ કોઇ પણ ગેટઅપમાં ખીલી ઉઠે. છેલ્લી વાર અમદાવાદ આવ્યા ત્યારે સ્ટેડિયમની સ્પોર્ટર્સ ક્લબમાં હું રવિને મળ્યો ત્યારે રફી સાહેબનો એક મજ્જાનો કિસ્સો કીધો હતો, મુંબઇમાં ''રવિ નાઇટ''માં રફી સાહેબ કોઇ ગીત ગાઇ રહ્યા હતા. સ્થાયી એટલે કે ગીતનું હજી મુખડું પૂરૂં થયું અને ઇન્ટરલ્યુડ મ્યુઝિક શરૂ થયું, ત્યાં જ રફી સાહેબને અચાનક રવિનું ફિલ્મ ''અપના બના કે દેખો''નું બહુ મધુરીયું ગીત, ''રાઝ- એ- દિલ ઉનસે, છૂપાયા ન ગયા, એક શોલા ભી દબાયા ન ગયા...'' યાદ આવ્યું અને ગાવાનું મન થયું. એમણે સ્ટેજ પર જ બાજુમાં ઊભેલા રવિને પોતાની આ ઇચ્છાની વાત કરી. રવિ મૂંઝાયા કારણ કે, કોઇપણ સ્ટેજ પ્રોગ્રામોમાં અચાનક તમે કોઇ ગીતની ફર્માઇશ કરો અને સંગીતકારો એ ગીત વગાડી શકે, એવું ન બને. એ ગીતના સ્વરાંકનો પાસે હોવા જરૂરી છે. રવિએ ના પાડી, એની સાથે જ ચાલુ ગીત પુરૂ થતા જ મુહમ્મદ રફીએ, ''રાઝે દિલ...'' શરૂ પણ કરી દીધુ. ધેટ્સ ફાઇન, રવિ ય સંગીતકાર હતા એટલે જેમ તેમ કરીને મ્યુઝીક તો ગોઠવી લીધું પણ, ખુદ રફી સાહેબ ગીતના અંતરાના શબ્દો ભૂલી ગયા (''પહેલે પહેલે તો મુઝે, વો સમઝ ભી ન સકે, દિલ કો તડપાતે રહે...'') મૂંઝાયા. રવિના કાનમાં પૂછ્યું, ''હવે શુ કરવું ?''પેલા શું જવાબ આપે ? પણ આ ય રફી સાહેબ હતા. મૂળ ગીતના શબ્દો યાદ ન આવ્યા, પણ એ વખતે જહેનમાં રાજ કપૂરની ફિલ્મ ''શ્રી ૪૨૦''ના 'મેરા જૂતા હૈ જાપાની'ના શબ્દો યાદ હતા. જરા ધ્યાનથી વાંચો.. રફી સાહેબે ''મેરા જૂતા હૈ..''ના શબ્દો ''રાઝે દિલ..''ના અંતરામાં જાતે ગોઠવીને ગાઇ નાંખ્યા...! માય ગોડ.... સાંભળનારા તો કેવા પાગલ થઇ ગયા હશે...?

(સ્પષ્ટતાઃ- ફિલ્મ 'શોર'ના રીવ્યૂમાં જયા ભાદુરીનો ઉલ્લેખ શરતચૂકથી રહી ગયો હતો. એ જ રીતે, એ ફિલ્મમાં જીવન ચલને કા નામ...'ગીતમાં ગાયિકા શ્યામા ચિત્તારનો ઉલ્લેખ ય છે, પણ શ્યામાનો કંઠ 'પાની રે પાની તેરા રંગ કૈસા...'ગીતમાં નથી.)

No comments: