Search This Blog

09/08/2013

ધર્મપુત્ર ('૬૧)

ફિલ્મ : ધર્મપુત્ર ('૬૧)
નિર્માતા : બી.આર. ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : એન. દત્તા
ગીત : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, માલા સિન્હા, શશી કપૂર, ઈન્દ્રાણી મુકર્જી,રહેમાન, નિરૂપા રૉય, મનમોહન ક્રિષ્ણ, તબસ્સુમ, બબલૂ, દેવેન વર્મા, રોહિત, જગદિશરાજ, બાલમ, નર્મદાશંકર, નઝીર કાશ્મિરી, માસ્ટર નિસાર તેમજ શશીકલા અને રાજેન્દ્ર કુમાર (મેહમાન કલાકાર)

ગીતો
૧ મૈં જબ ભી અકેલી હોતી હૂં, તુમ ચૂપકે સે આ જાતે હો - આશા ભોંસલે
૨. મેરે દિલબર મુઝપર ખફા ન હો, કહીં તેરી ભી કુછ ખતા ન હો - રફી-કોરસ
૩ સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા - રફી-કોરસ
૪. યે મસ્જીદ હૈ વો બુતખાના, ચાહે યે માનો ચાહે - મહેન્દ્ર કપૂર-બલબીર
૫ આજકી રાત નહિ શિકવે શિકાયત કે લિયે, આજકી રાત - મહેન્દ્ર કપૂર
૬ ક્યા દેખા ઓ નયનોંવાલી, નૈના ક્યું ભર આયે - આશા ભોંસલે
૭. બગાવત કા ખુલા પૈગામ દેતા હૂં જવાનોં કો....જયજનની - મહેન્દ્ર કપૂર
૮. ભૂલ સકતા હૈ ભલા કૌન યે પ્યારી આંખેં, રંગ મેં ડૂબી હુઇ - મહેન્દ્ર કપૂર
૯. યે કિસ કા લહૂ હૈ કૌન મરા - મહેન્દ્ર કપૂર-કોરસ


શશી કપૂરના ચાહક હો, તો હીરો તરીકે એની પહેલી ફિલ્મ ''ચાર દિવારી'' હતી કે ''ધર્મપુત્ર'', એની ચર્ચામાં ન પડશો. ખૂબ ગમી જાય એવા રૂપકડા અને યુવાન શશી કપૂરને જોવા માટે પણ બી.આર. ચોપરાની આ ફિલ્મ ''ધર્મપુત્ર'' જોઇ લેજો. ચોપરાની ફિલ્મોમાં આપણા મનગમતા ફિલ્મ કલાકારો ઠાંસી ઠાંસીને ભર્યા હોય, એટલે મુંબઈની સાયકલવાડી કે ખાડીયાના મોટા સુથારવાડાની લિંગોમાં કહીએ તો, ચોપરાની ફિલ્મો ''પૈસા વસૂલ'' ફિલ્મો હોય અથવા આજકાલની ''વૉટ્સ અપ'' ભાષામાં કહીએ તો, ''એક વાર જોવાય....!''

પણ સૅન્સિબલ વાચકોને તો આ ફિલ્મ એક વાર જોવાની ભલામણો ય કરાય એવી નથી. ચોપરાની નબળી ફિલ્મોમાં ''ધર્મપુત્ર'' આવે. અશોક કુમાર કે માલા સિન્હા-થી માંડીને તમામ....કોઇની ઍક્ટિંગમાં ઠેકાણાં નહિ, વાર્તા બનાવટી લાગે, જેણે ચોપરાની જ ફિલ્મ ''વક્ત''ના આજ સુધી યાદ રહી જાય એવા ઢાંસુ સંવાદો લખ્યા હતા, તે અમજદખાનના સસુરજી અખ્તર-ઉલ-ઇમાનની ડાયલૉગબાજીમાં નથી બાજી કે નથી ડાયલૉગ્સ ! પેલા વિશ્વ નહિ તો દેશ નહિ તો છેવટે જૂના ફિલ્મોના સંગીતના સાચા ચાહકોમાં ખૂબ પ્રસિદ્ધ ત્રણ ગીતો (લિસ્ટમાં જુઓ, ગીત નં. ૧, ૫ અને ૮)ને બાદ કરતા સંગીતકાર દત્તા નાઈક ઉર્ફે એન.દત્તા બહુ વામણાં પૂરવાર થયા. ફિલ્મની વાર્તામાં કોઇ શકરવાર નહિ. બાય ધ વે, આશા ભોસલેએ ગાયેલા 'મૈં જબ ભી અકેલી હોતી હૂં...' ગીતના અંતરામાં ''...મસ્તાના હવા કે ઝોંકો મેં'' લાઇન પછી જે સંગીત વાગે છે,મેન્ડોલીન અને બ્લૉક સાથે વાગ્યા છે. તેમાં તમને નૌશાદના ફિલ્મ ''અંદાજ''ના મૂકેશે ગાયેલા ''હમ આજ કહીં દિલ ખો બૈઠે...''નો આભાસ જણાશે. બલદેવ રાજ ચોપરા અમદાવાદમાં આવ્યા ત્યારે અમદાવાદના આશ્રમ રોડ પર એક જમાનામાં ખૂબ જાણિતી હોટેલ કર્ણાવતીમાં મેં એમનો ઇન્ટરવ્યૂ લીધો, ત્યારે પોતે પણ એક જમાનામાં પત્રકાર હતા, એ દિવસો ચોપરા સાહેબે યાદ કર્યા હતા. મને તો યાદ હતી, એટલે પૂછી લીધું, ''બી.આર. ચોપરાની એક આ જ ફિલ્મ નબળી કેમ પડી ?'' જવાબ એમણે એમની ફિલ્મના ડાયલૉગ જેવો આપ્યો હતો, ''હાં, અપને દસ બચ્ચોં મેં સે એક યે બિમાર નીકલા...!''

બી.આર.ચોપરા હિંદુસ્તાની ફિલ્મોના સરનશીનોંમાં પહેલા પાંચમાં આવે. એક પછી એક હેતુલક્ષી ફિલ્મો એમણે આપી છે. ચોપરાની અનેક ખૂબીઓ હતી. એક તો હમણાં કીધું એમ, એમની તમામ ફિલ્મોમાં સમાજને કોઇ મૅસેજ હોય. બીજું, ઋષિકેશ મુકર્જીની જેમ ચોપરાની ફિલ્મોના ગીતો ય મૂકવા ખાતર ન મૂકાયા હોય....ગીતો પણ વાર્તાનો એક ભાગ બનતા હોય. ત્રીજું, ઈવન આજ સુધી, હિંદી ફિલ્મોમાં ફિલ્મની વાર્તા માટે એક અલગ ડીપાર્ટમૅન્ટ હોય, એવું ફક્ત ચોપરા ફિલ્મ્સમાં. અપવાદો જવા દિયો, બાકી બધી ફિલ્મોમાં સંગીત રવિ અથવા એન.દત્તાનું હોય. બીજા ખાતાઓમાં બદલીઓ હજી થાય, એક ન થાય એ સાહિર લુધિયાનવીની. એ પર્મેનૅન્ટ રહ્યા. ઈવન, યશ ચોપરા પણ બીઆરથી છુટા પડયા પછી ય ગીતકાર તરીકે સાહિરને જ લેતા. ચોપરાની ફિલ્મોના કલાકારો અને સ્ટાફ પણ રીપિટ થતા. અગેઇન, માઇલ્ડ અપવાદોને બાદ કરતા એમની તમામ ફિલ્મના નામો ઉર્દુ-ફારસી કે અરબીમાં રહેતા. ગુરૂ દત્તની જેમ બી.આર. ચોપરાએ પણ લતા મંગેશકરને ભાગ્યે જ પોતાની ફિલ્મોમાં લીધી છે. રફી પણ સમજો ને...ન છૂટકે જ હોય. ચોપરા-કૅમ્પના કાયમી ગાયકોમાં આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર-જે એમનો ભાણો થતો હતો. મોટા ભાગના પંજાબી નિર્માતાઓની જેમ, ચોપરા પણ સંબંધોનો ગેરલાભ લેવામાં માહિર હતા. રવિ હોય કે મહેન્દ્ર કપૂર, બન્નેને પૂરતા પૈસા ક્યારેય નથી મળ્યા. મહેન્દ્ર કપૂરની કરિયરમાંથી બી.આર.ચોપરાની ફિલ્મો કાઢી લો તો વાંહે શકોરૂં ય ન રહે.ભારતના કોઇ પણ હિંદી ફિલ્મસંગીતચાહકના પહેલા એકથી પાંચ મનપસંદ ગાયકોમાં મહેન્દ્ર કપૂરનું નામ ક્યારેય ન આવે. એની ગાયકીમાં કોઇ ગરબડ નહોતી, પણ નિરાધારોનો આધાર હોવાને કારણે મહેન્દ્ર કપૂરને ય સંગીતકારો મન્ના ડેની જેમ ગરજ પડે ત્યારે જ લેતા હોવાથી હિંદી ફિલ્મોના આજ સુધીના શ્રેષ્ઠ ગીતોની યાદીમાં આ બન્નેના બહુ થોડા ગીતો આવે. મહેન્દ્રના તો બહુ ઓછા, પણ ''ગુમરાહ'' કે ''હમરાઝ'' જેવી ફિલ્મોના ગીતો સાંભળો તો સહેજ પણ ભેદભાવ વગર કહી શકાય કે, આ ગીતોમાં રફી કે મૂકેશ....કોઇને પણ બદલે મહેન્દ્ર કપૂર જ મીઠડો લાગે. એમાં ય, ફિલ્મ ''ધર્મપુત્ર''ના એના બે ગીતોમાં એના કંઠની મીઠાશ ઊડીને કાને વળગે એવી છે. શશી કપૂરને તો ફિલ્મોમાં આવવું જ નહોતું. એક કારણ એ હતું કે, ફિલ્મ ''આવારા''માં નાના રાજ કપૂરનો રોલ કરવામાં મોટા ભાઈ રાજ કપૂરની શિસ્ત અને કડક સ્વભાવનો બહુ ખૌફ રહેતો. આજે પણ શશી ''રાજ સા'બ' અથવા ''રાજ જી' કહીને જ ઊલ્લેખ કરે છે. શશી નાનો હતો ત્યારે અત્યંત બિભત્સ ગાળો ઈવન ઘરમાં ય બોલતો, એવું એની સગી બહેન ઊર્મિલા સ્યાલે એક ઇન્ટરવ્યૂમાં કીધું છે. એક માત્ર રાજ સા'બનો માત્ર શશી કપૂરને નહિ, સહુને ખૌફ રહેતો, એટલે શશીની ગાળોની ફરિયાદ પછી રાજ કપૂર એને ઘરના ડ્રૉંઇંગરૂમમાં માથે ફૂટપટ્ટી મૂકીને ૩-૩ ૪-૪ કલાક ઊભા રહેવાની સજા આપતા. અને સજા રાજ સા'બે આપી હોય એટલે ઘરમાંથી કોઇ મદદ કરવા ય જઇ ન શકે. શશીના આગળના બે દાંત મોટા અને શરીરે પણ વધ પડતો ભરાવદાર હતો. રાજ કપૂર અને શમ્મી કપૂરની સરખામણીમાં આ ત્રીજો કપૂર કદરૂપો ય લાગતો. પણ જુવાની ફૂટતી ગઈ, એમ સાલો પરફૅક્ટ હૅન્ડસમ થતો ગયો...એટલો હૅન્ડસમ કે ત્રણે ભાઈઓમાંથી વધુ હૅન્ડસમ કોણ છે, એ નક્કી કરવાનું માંડી વાળવું પડે. આ ''ધર્મપુત્ર'' તો એ બાળકલાકારમાંથી યુવાન થયો, એ પછીની પહેલી ફિલ્મ હતી. એની પહેલા ''ચાર દિવારી''માં એ હીરો હતો. શશી કપૂરની આ બિભત્સ ગાળો બોલવાની આદતમાં પાપા પૃથ્વીરાજની ટ્રેઇનિંગ ભલે ના હોય, પણ વારસો ઍકઝૅક્ટ આવ્યો હતો. આ કૉમેડિયન આગાએ કહેલી વાત છે કે, મૂંગી ફિલ્મોના જમાનામાં એ હિંદી ફિલ્મોમાં આવ્યો, ત્યારે એક સ્ટુડિયોમાં પૃથ્વીરાજ કપૂર અને ચરીત્ર અભિનેતા મુબારકનું શૂટિંગ ચાલતું હતું. બન્ને જે તે ફિલ્મના સંવાદો બોલવાને બદલે એકબીજા સામે આંખ મીંચકારીને અત્યંત ગંદી ગાળો બોલતા હતા. આગાને નવાઈ લાગી, ત્યારે કોઇકે કહ્યું, ''આ તો સાયલન્ટ ફિલ્મ છે. અહીં બોલાયેલી ગાળો (કે સંવાદો) રૅકૉર્ડ થવાના નથી, એટલે આ બન્ને જણા મસ્તી કરે છે.'' બસ, ત્યાર પછી આગાએ, ''મોટાઓ પાસેથી કંઇક સારૂં શીખવું જોઇએ, એ મુજબ ગંદી ગાળો બોલવાનો સિલસીલો શરૂ કર્યો, તે મર્યો ત્યાં સુધી ચાલુ રાખ્યો. આ વાચનારને જલ્દી ગળે નહિ ઉતરે, પણ ફિલ્મનગરીમાં નઠારી ગાળો બોલવી ને સાંભળવી, કોઇ નવાઇની વાત નથી. ધર્મેન્દ્રનું તો આ સાહિત્યમાં ઘણું ઊંચુ નામ છે. હીરોઇનો ચાલુ શૂટિંગે નઠારી ગાળો બોલવાની આગા માટે મનાઈ ફરમાવવા છતાં આગો સુધર્યો નહિ, એમાં બધી હીરોઇનોએ ગાળો સાથેનો આગા ચલાવી લેવો પડયો. થોડું નહિ ઘણું ચોંકી જવાશે, કે આજની ફિલ્મોના હીરોલોગ જ નહિ, તમે જેને જેને સારા ઘરની માનો છો, એ મોટા ભાગની હીરોઇનો એવી જ ગાળો આસાનીથી બોલે છે, જે આપણે ગુજરાતી પુરૂષો પુરૂષોની હાજરીમાં ય બોલતા અચકાઈએ.''

અલબત્ત, મને પર્સનલી શશી કપૂર પહેલેથી ખૂબ ગમ્યો છે. એની ચાલ તો ખૂબ ગમતી. ફિલ્મ ''વક્ત''માં પીળા રંગના સ્વૅટર સાથે શર્મીલાની બાજુમાં એ ચાલતો બતાવાયો છે, એ મારૂં કાયમી મનગમતું દ્રશ્ય છે. દરેક ફિલ્મમાં શશી બાબા મિનિમમ એક વખત સફેદ કપડાં પહેરે જ. શશી કપૂરે કદી રવિવારે શૂટિંગ કર્યું નથી. ફિલ્મ 'સત્યમ્, શિવમ્, સુંદરમ્' પૂરતી જીદ તોડવા ખુદ રાજ કપૂર પણ શશી ઉપર ગુસ્સે થઇ ગયો હતો, પણ રવિવારે કે દિવાળી, હોળી ને ક્રિસમસમાં આ કપૂરે સ્ટુડિયોમાં પગ મૂક્યો નથી. શશી કપૂરે પોતાની પહેલી ગાડી ૧૯૪૯-ના મૉડૅલની એમજી સ્પૉર્ટ્સ કાર ખરીદી હતી, જેના પૈસા શમ્મી કપૂર પાસેથી ઉધાર લીધા હતા.

જરા હસી પડાય એવો એક કિસ્સો છે. શશી કપૂર હજી કમાતો થયો નહોતો. મુંબઈના દાદર વિસ્તારમાં આજે પણ જે સ્ટોર છે, 'કૉલોની સ્ટોર્સ,' ત્યાં શમ્મીનું ખાતું ચાલતું હતું. શશી પોતાના જ નામની સહિ કરીને મનફાવે એટલી ખરીદી કરી લેતો. શમ્મીને બિલો તપાસવાનો ક્યાં ટાઇમ હોય ? એક વખત, શમ્મી કપૂરના જન્મદિવસે શશી કપૂરે પેલા સ્ટોર્સમાંથી જ કોઇ મોંઘી ગિફટ ખરીદીને આપી. શમ્મી બહુ ઇમોશનલ થઇ ગયો અને બધાની વચે ઢીલા થઇ જઇને કહ્યું, ''જોયું....મારો ભાઇ હજી તો સ્કૂલમાં છે, છતાં કેવી લાગણીથી મારા માટે મોંઘી ગિફટ લઇ આવ્યો !'' એ તો મહિનાના અંતે શમ્મીના સૅક્રેટરી સુરિન્દર કપૂર (અનિલ કપૂરના પિતા)એ શમ્મીના હાથમાં બિલ પકડાવ્યું, ત્યારે રાઝ ખુલ્યો ! અફ કૉર્સ, ત્રણે ભાઇઓ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા. એ લોકો ધર્મની બહેનો જેવા ધર્મના ભાઈઓ નહોતા...સગા ભાઈઓ હતા. કેવળ આ ફિલ્મ પૂરતો જ શશી કપૂર ''ધર્મપુત્ર'' બન્યો હતો. 'ધર્મપુત્ર'ની વાર્તા કંઇક આવી હતી.અંગ્રેજોના શાસનમાં ઇ.સ. ૧૯૨૫-ના સમયગાળા દરમિયાન ગુલશન રાય (નાના પળશીકર) અને નવાબ બદરૂદ્દીન (અશોક કુમાર) એટલા બધા નજીકના દોસ્ત કે બન્નેના આજુબાજુના મકાનોની દિવાલો તોડીને બેમાંથી એક મકાન બનાવીને બન્ને પરિવારો રહેવા લાગ્યા. નવાબની દીકરી હુસ્ન બાનુ (માલા સિન્હા) જાવેદ (રહેમાન) નામના યુવાનથી પ્રેગ્નન્ટ થાય છે ને જાવેદ ક્યાંક અલોપ થઇ જાય છે. ખાનદાન કી ઇજ્જત ધૂલ મેં મિલા દી....જેવી રાડું નાંખવાને બદલે નવાબ હુસ્ન બાનુની પ્રસૂતિ કરાવે છે, જીગરજાન અને હવે સ્વર્ગસ્થ થઇ ગયેલા દોસ્ત ગુલશન રાયના ડૉક્ટર પુત્તર ડૉ. અમૃત રાય (મનમોહન કૃષ્ણ) પાસે, જે પોતાની પત્ની સાવિત્રી (નિરૂપા રૉય)ની ખુશીમરજીથી બાનુના બાળકને અપનાવીને પોતાના પરિવારનું નામ પણ આપે છે-દિલીપ (શશી કપૂર). મતલબ, મુસલમાનનું અનૌરસ સંતાન હિંદુના ઘરમાં હિંદુ બનીને મોટું થાય છે, જે પ્રખર હિંદુવાદી અને ભાગલાવિરોધી ક્રાંતિવાદી માનસ ધરાવે છે. એ દરમિયાન માલા સિન્હાનો પતિ રહેમાન પણ પાછો આવી જાય છે. શશી કપૂરને ખબર નથી કે, પોતે આ મુસલમાન દંપતિનો પુત્ર છે. ભાગલાનું એકમાત્ર કારણ મુસ્લિમોની બેવફાઇ સમજીને ચુસ્ત હિંદુવાદી શશી કપૂર પોતાના જ હિંદુ માં-બાપના ઘરમાં બેઠેલા મુસલમાન રહેમાન અને માલા સિન્હાને જીવતા બાળી નાંખવા ધસી જાય છે, પણ ઘટસ્ફોટ થાય છે કે, ખુદ એ મુસલમાનનું સંતાન છે, એ જાણીને એનું હૃદયપરિવર્તન થાય છે અને પોતે એકમાત્ર હિંદુ કે એકમાત્ર મુસલમાન હોવાને બદલે એકમાત્ર ભારતીય હોવાના ફખ્ર સાથે ફિલ્મનો સુખદ અંત લાવે છે.

બહુ મન પર નહિ લેવાનું પણ ચોપરા-કૅંપમાં મનમોહનકૃષ્ણનું નામ બહુ સન્માન્નીય હતું, એટલે સમજો ને, દરેક ફિલ્મમાં એ તો હોય જ ને આ ફિલ્મમાં તો ટાઇટલને સ્પર્ષતો રોલ સોંપાયો છે. નાઉ...આ મનમોહનકૃષ્ણ...એટલે એક ભારત ભૂષણ, બીજો પ્રદીપ કુમાર ને ત્રીજો મનોજ કુમાર.....આ ત્રણેના ચેહરાનું ગરમાગરમ મીક્ષ્ચર બનાવો ને જે ચહેરો તૈયાર થાય એ આ મનમોહનકૃષ્ણ. પેલા ત્રણ અને આની વચ્ચે ફરક એટલો કે, પેલા ત્રણેને તમે દિલ્હીના કુતુબ મીનાર ઉપરથી ઊંધા લટકાવો તો ય ચહેરા ઉપર કોઇ ઍક્સપ્રેશન્સ ન આવે ને આ ડૉહાના ચેહરાની સામે તાજી જ તપાવેલી કેસરી-કેસરી થઇ ગયેલી તલવાર અડાડવાની ધમકી આપો, તો ય એનો ચહેરો સ્થિર રાખી ન શકે. એક મિનિટમાં ૨૦-લાખ હાવભાવો લાવતો જગતભરનો આ એક માત્ર કલાકાર હતો. એક જમાનાની બૉમ્બે ટૉકીઝની હીરોઇન લીલા ચીટણીસનો કેવો દુઃખદ જમાનો આવ્યો હશે કે, આ ફિલ્મમાં એક જ શૉટ માટે એને લેવામાં આવી છે અને તે પણ ફાલતુ ! ''ધર્મપુત્ર'' પૂરતું એણે આશ્વાસન એટલું જ લેવાનું કે, આ ફિલ્મમાં અશોક કુમાર, માલા સિન્હા, રહેમાન કે નિરૂપા રૉય...બધાએ મનમોહનકૃષ્ણ કરતા ય વધુ ફાલતુ ''ઍક્ટિંગો'' કરી છે ! બહાર આટલું મધુરૂં લાગતું ''મૈં જબ ભી એકલી હોતી હૂં...'' ફિલ્મમાં બહુ નબળી રીતે મૂકાયું હોવાથી મનને કે આંખને ગમતું નથી. નવાઈ લાગે, પણ પોતાની દરેક ફિલ્મના ટાઇટલ્સ અનોખી રીતે પેશ કરવામાં વ્હી.શાંતારામ ખુદ અનોખા હતા. અહીં યશ ચોપરાએ શાંતારામની નકલ કરીને ટાઈટલ્સ બનાવ્યા છે. અડધી ફિલ્મ મુસ્લિમ કલ્ચરની હોવા છતાં આર્ટ-ડાયરેક્ટર સંત સિંઘે મુસ્લિમોના મકાનોની લાક્ષણિકતાઓ સમજ્યા નથી. ચટ્ટાઇના બે પડદા મૂકી દેવાથી ઘર મુસ્લિમનું ન લાગે !દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદે ઉતારેલી રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ 'આખરી ખત'ની હીરોઇન ઇન્દ્રાણી મુકર્જી અહીં શશી કપૂરની હીરોઇન છે. પછી તો એ ડૉસીઓના રોલમાં આવતી અને તે પણ અર્થ વગરના રોલ. આખી ફિલ્મમાં પરદા પાછળની કૉમેન્ટ્રી દિલીપ કુમારના અવાજમાં છે.

No comments: