Search This Blog

07/08/2013

મૈં ગાઉં તુમ સો જાઓ...

હિંદુસ્તાનમાં રીવૉલ્વર રાખવાની મનાઇ છે, કારણ કે સવા સો કરોડની વસ્તીમાં દોઢ સો કરોડ લતા મંગેશકરો અને દોઢ સો કરોડ મુહમ્મદ રફીઓ છે. મૂકેશ અને કિશોરો તો નહિ નહિ તો ય આઠ સો કરોડ હશે.

એ બધાને આપણે વારાફરતી ભડાકે ન દઇએ, માટે રીવૉલ્વર રાખવાની સરકારે છુટ નથી આલી....બોલો, જય અંબે.

પ્રસ્તુત આંકડો વાચકોને બોગસ લાગી શકે છે, પણ બોગસ છે નહિ. જે દોઢ સો કરોડ લતા-રફીઓ છે, એ બધા પાછા મૂકેશ-કિશોર કે આશા ભોંસલેઓમાં ય ઍન્ટ્રી તો મારવાના ! એ રફીનું ગીત ગાવા જતો હોય ને અટકાવીને તમે કિશોરના ગીતની ફર્માઇશ કરો, તો એ ના નહિ પાડે...પેટીનો માલ કાઢતો હોય, એમ હાજર સ્ટૉકમાં કિશોરનું સંભળાવી દે. આનો અવાજ સાંભળતી વખતે ખૂન્નસ સાથે એ વિચાર આવે કે, જો છેલ્લા શ્વાસો વખતે કિશોરે આને સાંભળ્યો હોત તો કિશોર કેવો રિબાઇ રિબાઇને મર્યા હોત ! લતાએ ગાવાનું છોડી કેમ દીધું અને પેલા બધા મરી કેમ ગયા, એનો સાચો જવાબ આ દોઢ સો કરોડ લતા-રફીઓમાં છે. આ લોકો જે રીતે લતા-મૂકેશના ગીતો 'હંભળાવે' છે, એ સાલી ગાળો કરતા ય વધુ બિભત્સ લાગે છે. રીવૉલ્વર રાખવાની છુટ મળે તો હું નથી માનતો કોઇ પોતાની વાઇફોના કપાળમાં ભડાકા કરે, પણ આ લોકોની છાતીમાં ઠોકાય એટલી ગોળીઓ ઠોકીને શાતા અનુભવે.....બોલો જય જીનેન્દ્ર.

આમ પાછી તમારી પાસે ચૉઇસ રહે છે કે, મન, કાન અને શરીર બાળવું, એના કરતા આવા રફી-કિશોરને સાંભળવા જ નહિં. એટલે સ્ટેજ પ્રોગ્રામોમાં જવાનું જ નહિ. પણ આપણા જ ઘરે મહેમાનો જામ્યા હોય ને વાત તોફાનમસ્તી ઉપર પહોંચી હોય ત્યારે કેટલાંકને ગાવાની સનક ઉપડે છે. ઑડિયન્સ મળ્યું છે કે મળશે, એની લ્હાયમાં ને લ્હાયમાં આ ગાયકો બડી બેરહેમીથી આપણી ઉપર ફરી વળે છે. સાલા સંસ્કાર આપણાં ખરાબ કે, કોઇ ગાય એટલે સૌજન્ય ખાતર બી સાવ ખોટીના પેટની તાળીઓ પાડવી પડે ને બે-ત્રણ વખત, ''બહુ સરસ....બહુ સરસ...'' બોલવું પડે, એમાં પેલો વધારે ઉપડે. 'આજે તો મરૂં કે મારૂં ?'ના ધોરણે...મદારી સૂંડલામાંથી સાપ કાઢતો હોય, એમ આવડો આ ગળામાંથી બીજું એક ગીત કાઢે, ''બહારોં ફૂલ બરસાઓ, મેરા મેહબૂબ આયા હૈ...હોઓઓઓ.''

ઉર્દૂમાં ભલે પ્રેમિકા માટે ય 'મેહબૂબ આયો' વપરાતું હોય, પણ આપણને તો ગાનાર ભાઈની ચાલચલગત ઉપર સવાલો થવા માંડે કે, આ પુરૂષ થઇને મેહબૂબો રાખવા માંડયો છે ? એમાં ય મૂળ ગીતને જે રીતે આ પેશ કરતો હોય, ત્યારે એના મોંઢાં સામે તમારે તાકી તાકીને જોયો રાખવું પડે, નહિ તો જલ્દી સમજ ન પડે કે, 'ગીત તો સંભળાય છે, પણ શરીરના ક્યા ભાગમાંથી આ ગાઇ રહ્યો છે ?' એ નક્કી કરવા ચાલુ ગીત દરમ્યાન જોવા મળે એટલા બધા અંગો ઉપર નજર ફેરવવી પડે કે, ''આવો ધ્વનિ આ કાઢે છે ક્યાંથી ?'' બોલો જય જલારામ.

ઍક્ચ્યૂઅલી, એ વખતે એના ગળામાં કેવળ મુહમ્મદ રફી નહિ, મહેન્દ્ર કપૂર, હેમંત ચૌહાણ, સાબરી બ્રધર્સ, મહેશ કનોડીયા અને દમયંતિ બરડાઇ...બધા ભેગા થયા હોય...ટૂંકમાં રફી સિવાય આ તમામે ભેગા થઇને 'બહારોં ફૂલ બરસાઓ' ગાયું હોય, એવી ફીલિંગ અપાવી શકે....

મરી ત્યાં રહીએ કે, આ હજી પત્યો ન હોય ત્યાં એની બાજુમાં બેઠેલો ગળું ખંખેરવા માંડયો હોય ! શ્રધ્ધા બધાને વધવા માંડી હોય કે, 'આને ચાન્સ મળ્યો છે, તો આપણને ય મળશે,' એટલે હાલમાં ગાઈ રહેલા રફી ઉપર કોઇનું ધ્યાન ન હોય ને ગાતો ગાતો આ રફી એવું સમજતો હોય કે, લોકો કેવા સ્તબ્ધ થઇને મને સાંભળે છે ? આપણે સ્તબ્ધ-બબ્ધ કાંઇ ન થયા હોઇએ, ડઘાઈ ગયા હોઇએ. ગીતના શબ્દો બદલાય એમ એ હાથના હાવભાવ બતાવવા માંડે. આસમાનની વાત હોય તો હાથ આકાશ તરફ લઇ જાય, શબ્દો આંસુ છલકવાના આવે ત્યારે આનું મોંઢું રડું-રડું થવા માંડે. આકાશ ઉપર જ હોય ને જમીન નીચે હોય, એની આપણને ખબર ન હોય, એનું ય ગાતા ગાતા એ ધ્યાન રાખે છે. સંગીતની સમજ, તે આનું નામ ! તારી ભલી થાય, ચમના....હજી થોડું વધારે ગાઈશ તો આ લોકો 'સ્તબ્ધ' નહિ, 'સ્વર્ગસ્થ' થઇ જશે....બોલો, ખુદા ખૈર કરે !

મેહફીલનો મજો મૂળ ગાયકની બાજુમાં બેઠેલા નવોદિત ગાયકને જોઇને આવવા લાગે છે. પેલાએ તલત મેહમૂદનું ગીત ઉપાડયું હોય, એમાં આને કોઇ રસ ન હોય. એ પોતાના શબ્દો યાદ કરવામાં ભરાયો હોય. ચેહરો ટૅન્સ જોવા મળશે. સ્વગત ગાતો હોય એમ મનમાં શબ્દો યાદ કરીને ગાવાનું ચાલુ કરી દીધું હોય. આપણાં સુધી એ ધ્વનિ હમણાં ન પહોંચે...ક્રાંતિ એટલી ગતિથી કદી ન આવે. બાજુવાળા મન્ના ડે ના પતાવાની એ રાહ જોતો હોય. તાળીઓ બધા રાબેતા મુજબની પાડે એમ આણે ય પાડવી પડે, પણ એની તાળીઓ 'માં જયઆદ્યાશક્તિની' આરતી વખતે પડાતી તાળીઓ જેવી હોય. એને એટલી ખબર હોય કે, હવે વારો આપણો છે ! બોલો, જય મહાદેવ.

મેહમાનોની મેહફીલમાં ગાવા-બાવાની ખૂબી એ છે કે, કોઇ તરત હા ન પાડે. આપણે તો જાણે ઘેર આવેલી લતા મંગેશકરને રીક્વૅસ્ટ કરતા હોઇએ અને આવા ફાલતુ ઑડિયન્સમાં શું ગાવું, એવા ઝટકા મારીને બહુ મોટું મન હોય એમ આપણને કહે, ''તમે ગાઓ ને...તમે તો સારૂં ગાઓ છો...!'' કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ!

સાલું, આવું કહે એમાં આપણે ભરાઇ જઇએ ને સદીઓ જૂની આપણી શંકા દૂર થતી લાગે, ''....એમ...? આપણે સારૂં ગાઇએ છીએ ? ને આપણને જ ખબર નહોતી ? પહેલા કીધું હોત તો ભૂકાં કાઢી નાંખત કે નહિ ?'' પણ ગીત ગાવા માટે માન મંગાવવામાં આપણે એ બધાના ફાધર થતા હોઇએ ને ખૂબ વિવેકી ચેહરે સ્માઇલ સાથે નમ્ર બનીને, ''ના ના...મને તો ગાતા જ ક્યાં આવડે છે....!'' (ડર એ હોય કે, સાલાઓ બધા 'હા' પાડી ન દે ! તાળીઓના ગડગડાટો સાથે આપણી નિખાલસતા બધા સ્વીકારી .. ન લે ને આપણે માંડી વાળવાનો વખત ન આવે ! એવી ભૂલ એ લોકો ન કરે,એટલે બાકીનું નિવેદન સહેજ હળવું બનાવીને કહીએ, 'ભ'ઇ....ગાતો'તો એક જમાનામાં....ને લોકો કહેતા પણ હતા કે, આપનો અવાજ બિલકુલ મૂકેશને મળતો આવે છે...પણ વર્ષો થઇ ગયા એ વાતને તો....!'

પબ્લિક સમસમી ગઇ હોય આપણી વાત સાંભળીને એટલે ફરી વાર રીક્વૅસ્ટ ન કરે, એટલે હવે તો કોઇની ય ફર્માઇશ વગર સીધેસીધું ઉપાડી જ લેવું પડે, ''ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના....હોઓઓઓ'' હવે બોલો, જય ભીમ !

કરૂણા છેલ્લે બચ્યો હોય એની આવે. મૂઢમાર ખાઇખાઇને બધા એવા સૂઝી ગયા હોય કે, છેલ્લે બચેલાને ગાવા ન દે. અકળાઇને હાથ-બાથ કોઇ ન જોડે, પણ એકબીજાની સામે જોયા વગર ઊભા જ થવા માંડે....

કારણ કે, બધાની નજર પડી ગઇ હોય કે, અગાઉ બબ્બે-તત્તણ ગીતો ફટકારી ચૂકેલા રફી-લતાઓ કોઇના ય આગ્રહ વગર બીજી ઇનિંગ્સની તૈયારી કરી રહ્યા છે...જય ઝૂલેલાલ.

સિક્સર

- બિશનસિંઘ બેદી કોણ છે ?
- જી. એ ક્રિકેટનો દિગ્વિજયસિંઘ છે !

No comments: