Search This Blog

21/08/2013

હોટલની બહાર

તે આમે ય અંદર થોડી ભીડ હતી, એટલે ડિનર માટે મારે વેઇટિંગ લાઉન્જમાં બેસીને રાહ જોયા વિના છૂટકો નહતો. હવે વેઇટિંગ લાઉન્જ તો માય ફૂટ... મોટા ભાગની હોટલોવાળા ગ્રાહકોને બહાર રોડ પર એમની ફૂટપાથો પર બેસાડી રાખે છે. માંગણ બેઠા હોય એવું લાગે ! આમે ય, દેખાવમાં હું કોઈ કરોડપતિ નથી લાગતો, એટલે જોનારા મને માંગણ સમજી ન બેસે અને હજી પેલી આવી નહોતી એટલે, કોઈ જોઈ ન જાય એનું ય ધ્યાન રાખવાનું !

હોટેલોમાં રવિવારે લંચ- ડિનર માટે અંદર કરતા બહાર રાહ જોઈને બેઠેલાઓની ભીડ વધારે હોય છે. એ લોકો જમવા આવ્યા હોય છે ને અંદરવાળા બહાર ન નીકળે ત્યાં સુધી બહાર લાચાર મોંઢે બેસી રહેવું પડે છે. ઓડકારો ખાતું, હવે માંડ માંડ ચાલી શકતું અને વરિયાળીના ફાકડા મારતું એક ફેમિલી જમીને બહાર નીકળે, એટલે ટેબલ-ફેન ડાબેથી જમણે માથું ફેરવે, એમ બધા માંગણોના મોંઢા એની સામે ફરે, 'હવે આપણો નંબર આવશે', એ લાલચે ! રીઝલ્ટ સારું ન આવે, એટલે બધા પંખા પાછા અસલસ્થાને !

'ઘર કરતા સારી રસોઈ જમવાનો મારો જન્મસિદ્ધ અધિકાર છે,' એવું સમજતો હરએક ગોરધન મહીં જઈને તૂટી પડતો હોય છે. લંચ- ડિનરમાં અંદર જતી વખતે જે તરવરાટ, જુસ્સો અને ભૂખની મજબૂરી હોય છે, તે જમી લીધા પછી શહેનશાહીમાં ફેરવાઈ જાય છે. સાલાઓ ચાલી શકતા ન હોય, હોઠ નીચે વરિયાળા ચોંટયા હોય ને આપણે બહાર બેઠા હોઈએ ને જતા જતા આપણા હાથમાં પાઈ-પૈસો મૂકતા તો નહિ જાય ને, એવી બીકો લાગે !

આવા કોઈ ૧૫- ૨૦ ભુખાવડાઓ મારી આજુબાજુમા બેઠા હતા. કચ્ચી કચ્ચીને ભૂખો લાગી હોય, એમાં મોંઢા ફુસ્સ થઈ ગયા હોય. થોડી થોડી વારે એકબીજાની સામે વગર કારણે જોયે રાખે છે. આપણાથી તો એમની સામું ય ન જોવાય... ભૂખના ઝનુનમાં આપણા ગાલે બચકું ભરી લે, એવા ઝનૂની થઈ ગયા હોય. એક જણ અકળાયેલો હતો. મને પૂછ્યું, 'જમવા આયા છો...?'

'ના... હું તો અહીં રોટલી વણવા આયો છું...!'

તારી ભલી થાય ચમના... હું આજે સારા કપડાં પહેરીને ડિનર લેવા હોટલની બહાર લાઇનમાં બેઠો છું, મારું મોઢું તરડાઈ ગયુ છે, જેની રાહ જોઈને બેઠો છું, એ હજી આઇ નથી, એમાં તને ખબર પડતી નથી કે, હું અહીં જમવા જ આવ્યો હોઈશ... હોટલના વાસણ માંજવા નહિ !

છતાં ય હું માણસ તો ખરો ! (આ અંગે ડાઉટ હોય, એમણે દિન-૭માં અરજી કરવી !)

મેં મારો ઉપરનો જવાબ છેકી નાંખીને નવો આપ્યો, ''જી. હું જમવા આવ્યો છું... આપ ?''

એણે આજુબાજુમાં બેઠેલું અને જે કાંઈ વધ્યું- ઘટયું ફેમિલી બેઠું હતુ, એ બતાવીને કહ્યું, ''હા, અમે પણ ડિનર લેવા જ આવ્યા છીએ, પણ કલાક થઈ ગયો... હજી નંબર નથી આવ્યો. હજી ૭૫મો નંબર ચાલે છે. તમારો કયો નંબર છે ?''

આ વિગતોમાં પડવા જેવું હતું નહિ. ઢીંચણ ઉપર મારા બન્ને હાથની પક્કડ બનાવીને હું એકાગ્રતાથી બેઠો રહ્યો. જૂનાગઢ બાજુ મને જોનારાઓનું કહેવું છે કે, આ પોઝમાં બેઠા પછી હું નેપોલિયન બોનાપાર્ટ જેવો લાગું છું. પણ આપણને એનું અભિમાન નહીં. આજુબાજુની પબ્લિકને જોઈને મન વ્યથિત થઈ જતું હતું કે, ભૂખાવડાઓ અહીં લાઇનમાં બેસીને રાહ જોવાને બદલે ઘેરથી જમીને જ આવતા હોય તો ?

આકરૂં તપ કરવા બેઠેલા દુર્વાસા ઋષિનું ધ્યાનભંગ કરવા મેનકા નામની અપ્સરા આવી હતી એમ એક અપ્રતિમ સુંદરી મારો ભૂખભંગ કરવા આવી. (અશોક દવે, મેનકા દુર્વાસા પાસે નહિ, વિશ્વામિત્ર પાસે ગઈ હતી... ઇતિહાસનું જરી ધ્યાન રાખો...!)

સ્ટુપિડો જેવી વાત ન કર, વાચક ! અહીં જગતભરની સર્વોત્તમ સુંદરી મને સ્માઇલ આપવા આવી હતી, એ વખતે હું ઇતિહાસના શિક્ષકના ટયુશનો લેવા જઉં ? અને હજી મારી ખુદની વાઇફ આવવાની બાકી હતી, એ ખૌફ શું મારે ભૂલી જવાનો... ? (જવાબ : એ તો સહેજ પણ ન ભૂલાય... આવે વખતે ધ્યાન મેનકામાં જ પરોવવાનું હોય ! જય અંબે !)

''એક્સક્યૂઝ મી...'' ભૂખનું ય દુઃખ ભૂલાવે, એવા કોઈ મીઠડા સ્વરે મારા કાન ઉપર ઇયર-બેલ દબાવી (ડોરબેલ દરવાજાને હોય !) આહહહહ... ! ઉંમર તો કોઈ ૨૫- ૩૦થી પંદર સેકંડે વધુ નહિ હોય ને હોય તો ય, આપણે કેટલા ટકા ? અહીં હજી રોમાન્સ શરૂ થઉ- થઉ કરતો હોય ત્યાં હું વસ્તી ગણત્રી કારકુન વર્ગ-૩ બની જાઉં ? કોઈ પંખો ચાલુ કરો ! આવતા જન્મે આને બહેન બનાવવી, એવી ખેલદિલી ઊભી કરી આપે એવી એક સુંદર યુવતી એના આઠેક મહિનાના બાળકને તેડીને મારી પાસે આવી. આમ મારા સ્માઇલો સાબરકાંઠા, બનાસકાંઠા ને ઘીકાંટા બાજુ બહુ વખણાય છે. એમાંનું એક કોઈ લેતું નહોતુ, એ આલ્યું.

સામે પણ એવું જ સ્માઈલ મળ્યું, એ આપણી આવનારી આત્મકથાનો એક ભાગ બને !

''યસ...બોલો બેન....'' આવા કિસ્સાઓમાં 'બહેન' બોલવાનું ખરૂં, પણ મનથી એવા નબળા સંબંધો બાંધી નહિ દેવાના...બા ખીજાય !

''સર, ઈફ યૂ ડૉન્ટ માઈન્ડ...બસ, બે-ત્રણ મિનિટ માટે મારા બાબાને સાચવશો. હું ગાડી પાર્ક કરીને જ આવું છું.''

''ઓહ શ્યૉર શ્યૉર શ્યૉર...તમતમારે નિરાંતે આવો...''

''બાબાનું નામ ઝૂન્નુ છે.''

''અરે ઝૂન્નુ ગયો એની--'' આટલું સ્વગત બોલીને મેં કહ્યું, ''અરે એમાં શું....આનો કોઇ ભાઇ-બાઇ હોય તો ય લેતા આવો ને....!''

એ તો ગઇ. એને જતી જોવી પણ એક લહાવો હતો. દેખાતી બંધ થાય, એટલે આપણે મૂળ ધંધા ઉપર ધ્યાન આલવું પડે. મેં એના ઝૂન્નુની દાઢી ઉપર આંગળી દબાવીને, 'ગુલુગુલુગુલુ' કર્યું. સાલાએ સામો કોઇ જવાબ ન આપ્યો. આપણને એમ હોય કે, એ ય આપણી દાઢી દબાવીને આપણને આવું 'ગુલુગુલુગુલુ' કરે, પણ ઝૂનીયાના બાપે સારા સંસ્કાર આપ્યા હોય તો ને ?

થોડી વાર થઇ, પેલી આવી નહિ. આ બાજુ મારો જમવાનો વારો આવી ગયો. આપણાથી જવાય નહિ ને જઇએ ને પેલી પાછી આવે, આપણને જુએ નહિ ને સાલી પૉલીસમાં ફરિયાદ નોંધાવે તો 'માસુમ બાળકના અપહરણમાં પકડાયેલા હાસ્યલેખક'નું છાપામાં ફોટા સાથે ટાઇટલ આવે. મારા તો, બાળક તેડેલા ફોટા ય સારા નથી આવતા.

આ બાજુ ઝૂન્નુએ રડવાનું શરૂ કર્યું ને આ બાજુ વાઇફ આવી પહોંચી. મારા ખોળામાં રમતું બાળક નિહાળી એ ચોંકી ગઇ.

મારા ભૂતકાળ વિશે એણે અનેક દંતકથાઓ સાંભળી હતી, પણ આજે માની પણ જશે, એવું એના પહેલા સવાલથી લાગ્યું,

''અસોક...આ કોનું બારક તેઇડું છે ? ઘરમાં તો આપણાને ય તમે કોઇ 'દિ તેઇડાં નથ્થી...!!''

એની ફરિયાદ વ્યાજબી હતી, પણ મને રાહત કે બાળક એના ખોળામાં મૂકી દઉં તો હું નવરો પડું. પણ કેમ જાણે, કોઇનું પાપ માથે નહિ લેવાની એણે કસમ ખાધી હતી તે ચીડાઇ, ''પહેલાં મને ઈ કિયો કે, આ છોકરૂં કોનું છે ?''

'હર બચ્ચે કા બાપ કૌન હૈ, વો સિર્ફ ઉસ કી માં હી બતા સકતી હૈ...' એવું મેં ફિલ્મોમાં સાંભળ્યું હતું, પણ અહીં તો ઝૂનીયો મારા જ ખોળામાં હતો. એક તો ભૂખ લાગી હતી, બીજું એની માં દેખાતી નહોતી ને ત્રીજું મારી કરિયર બગાડી નાંખે, એવો મારા ઉપર આક્ષેપ. (પેલીને એક વાર જોઇ લીધા પછી, સાલો આક્ષેપ સાચો પડે તો ય આપણે તો ગેલમાં આઇ જઇએ....સુઉં કિયો છો ?)

''ઇસ બચ્ચે કા બાપ કૌન હૈ....?'' એની રમઝટ બોલે, એ પહેલા એની માં આવી ગઇ. સાથે એનો ગોરધન હતો.

ઇડિયટમાં એ સંસ્કારો નહોતા કે, કોકની પાસે બાળક સાચવવા મૂકતા જવાય કે વાઇફ સાચવવા ! ઝૂનીયાને લઇને એની વાઇફ સાચવવા આપતો ગયો હોત તો મજાલ છે કોઇની એને કોઇ હાથ બી અડાડે....? આઇ મીન, આપણા સિવાય !

બરોબર પોણા કલાક પછી એ પાછી આવી હતી, મને ભૂખ્યો રાખીને....! આમ તો શાસ્ત્રોમાં કીધું છે કે, સ્ત્રી સુંદર હોય તો એની ઉપર ગુસ્સો ન કરવો...એનો ગોરધન આઘો હોય તો વહાલ કરવું, પણ અત્યારે હું ગુસ્સામાં હતો, ''ઓ બહેન...મને આમ એકલો મૂકીને ક્યાં જતા રહેલાં ?''

''ખોટું ન લગાડશો, અન્કલ....(દાઝ્યા ઉપર ડામ....સાલી મને અન્કલ કહે છે !) ઝૂન્નુને લઇને ડિનરમાં જઇએ તો એ જમવા દેતો નથી...તમે અહીં નવરા બેઠા હતા, એટલે મેં 'કુ------''

સિક્સર
- પોતાના પ્રધાનો કે વડાપ્રધાન આટઆટલી હાંસિનું પાત્ર બને છે, તે સોનિયાજીને ખબર નહિ પડતી હોય ?
- કૂવામાં હોય તો હવાડામાં આવે !

No comments: