Search This Blog

30/10/2013

બસ...આમાંથી અડધું કરી નાંખો !

આજકાલ નવી અવળચંડાઇ શરૂ થઇ છે. ઘેર કોઇ આવ્યું હોય ને આપણે જે કાંઇ નાસ્તો, ડ્રિન્કસ કે આઇસક્રીમ ઑફર કરીએ, એટલે મેહમાનો આપણી છાતી નહિ, થાળી ચીરાઇ જાય એવી અવળચંડાઇ કરે છે, ''ઓહ..ના ના...આટલું બધું નહિ...આમાંથી અડધો ભલે અંદર પડયો રહ્યો !''

આપણે પહેલેથી કહેવડાવ્યું હોય કે, તમારા માટે સરસ મજાની ખાંડવી બનાવી છે...તમારી મનપસંદ, એટલે પેટો ભરી ભરીને ના આવતા ! જમવાની તો ધડ કરીને ના પાડી દીધી હોય. સમજ્યા કે, અગાઉ એ લોકો આપણા ઘેર જમી ગયા હોય, એટલે બીજી વાર તો કોઇ એવી હિંમત ન કરે...! એ માફ, પણ આપણે તો ફૂલ નહિ પણ ફૂલની ખાંડવી જેટલો જ માલ બનાવ્યો હોય, એ ચાખવા જેટલી ડીસન્સી તો બતાવવી જોઇએ કે નહિ ? એક ડૉઝ લીધા પછી દર્દીને પણ દવાખાને બેસી રહેવું પડે છે, કોઇ રીઍક્શન આવતું નથી, એ જોવા ! હું તો કહું છું કે, ભલે ને ચાવવામાં સોપારીના કટકા જેવી આપણે ખાંડવી બનાવી હોય, પણ પ્રેમથી બનાવી છે ને...એટલે ખાઇ જવી જોઇએ...સુઉં કિયો છો ?

ખાંડવીઓનું તો કેવું છે કે, જીવ બાળવા જેવું છે. વધેલી ખાંડવી અમેરિકા આપણી દીકરીના ઘેરે ય મોકલાવી ન શકીએ. ઘરના બધા તો વર્ષોથી દાઝ્યા હોય, એટલે આ વખતની પણ દાઝેલી ખાંડવી મજાલ છે કોઇ હોઠ પણ અડાડે ? મહેમાનો આપણા ભગવાન કહેવાય, એટલે ઘરના ત્રણ-ચાર મૅમ્બરો મેહમાનનું નાક દબાવી રાખીને મોંઢા વાટે માલ સગેવગે કરી રાખે ! આજે કાંઇ જબરદસ્તી થોડી કરી શકાય છે કે, ''હવે ના પાડો છો...મારી કેટલી બધી ખાંડવી બગડે!''

એ અમારા ફૅમિલીનું કૌશલ્ય છે કે, યુધ્ધ જેવા આગ્રહો કરી કરીને અમારા ઘરે કોઇને જમવા બોલાવીએ ને એ લોકા એવું સમજે કે, અમને એમના ઉપર પ્રેમો ઉભરાઈ આવ્યા છે...! વાસ્તવમાં તો આગલી રાતનો માલ ખૂટાડવાનો હોય....! બે તપેલાં ગરમ કરતા વાર કેટલી ? આ તો એક વાત થાય છે!

પણ આવો માલ અમારે ત્યાં બને છે, માટે આવું થતું હોય પણ વાચકો, તમારા ઘરે તો સારા સારા ઘાણો જ ઉતરતા હોય ને ? છતાં ય અનુભવ તમને ય હશે કે, મેહમાનો અડધું કાઢી નાંખવાની હઠો પકડીને આવ્યા હોય છે ! અડધીયાઓ સમજતા નથી કે આપણે બનાવતી વખતે બધું આખું બનાવ્યું હોય છે, અડધું-અડધું નહિ ! એ લોકોની આદત મુજબ, અડધું કઢાવી જ નાંખવાના છે, એ ધારણાએ આપણાથી પિરસવામાં અડધી ગ્રીલ્ડ-સૅન્ડવિચ, અડધી કાપેલી દાળઢોકળી, અડધા ફાડેલા ગુલાબજાંબુ કે અડધો જ્યુસ આલીએ તો હાળા પીવાના છે ? બીજું કાંઇ નહિ, પણ નાસ્તામાં ફક્ત સેવ-મમરા જ મૂકવાના હોય તો સેવ તો સમજ્યા, પણ મમરા અડધા-અડધા ફાડીને કેવી રીતે મૂકવા ? કેમ જાણે આપણે એંઠું આલતા હોઇશુ ? કોઇ પંખો ચાલુ કરો, ઈ !

જે કાંઇ પિરસીએ, એમાંથી અડધું કરી નાંખવાનું કારણ શું ? શક્ય છે, એ લોકો સાબિત કરવા માંગતા હોય કે, આવી ખાંડવીઓ તો અમારા ઘેર રોજ બને છે. ખાંડવી અમારે મન કોઇ નવી નવાઇ નથી, પણ એમાં ફાટીપડયાઓ આપણી ખાંડવીનું જધન્ય અપમાન કરી નાંખે છે.

જેમ કે, આ કારણ સાવ કાઢી નખાય એવું ય નથી કે, પોતે આવા બહુ બધા આઇસક્રીમો કે ખાંડવીઓ ખાઇ ચૂક્યા છે, એ બતાવવું જરૂરી છે, નોર્મલી, આઇસક્રીમ બધાને ભાવતો હોય ! એટલે ના પાડવાથી આપણા જ અંતરમનમાં એમને માટે અહોભાવ થાય કે, ''ઓ હાય...આ લોકો માટે તો આવા આઈસક્રીમો રોજના થયા...એમણે બહુ બધું જોયું છે ! આપણા આઇસક્રીમોની તો એમને કિંમતે ન હોય !

મેહમાન બનીને જઇએ તો, અમારા કાઠીયાવાડમાં તો આજે ય રાહ જોવાય કે, ફૂટેલાઓ નાસ્તાપાણીમાં શું કાઢશે ? વર્ષોથી ડબ્બે-ડબ્બા ભરી રાખ્યા હોય ગાંઠીયા, સેવ, મમરા અને મગસના લાડુના....આપણે જઇએ એટલે શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રની જેમ થાળી પકડીને ગૃહલક્ષ્મી આવે. છેલ્લે એક મમરો વધ્યો ન હોય, એટલા ઝનૂનથી અમે તૂટી પડીએ. એ લોકોને ય જુનું બધું ખાલી કરવાનું હોય એટલે ગળચી પકડી પકડીને આગ્રહો કરે કે, ''કેમ કાંઇ ખાધું જ નહિ ? થોડું તો હજી લેવું જ પડશે...'' (આપણે 'થોડું' નહિ, 'વધારે'ની રાહમાં બેઠા હોઇએ !) એટલે આમ આપણને તતડાવી-તતડાવીને આગ્રહો કરે ને પેટીનો માલ સાફ થતો જાય !)

પણ એવી મેહમાનગતી કેવળ કાઠીયાવાડમાં આજે બચી છે...(કેટલાક ઘરોમાં તો મેહમાનોને તાજો ગરમ નાસ્તો આપવાનો રિવાજે ય શરૂ થયો છે !) પણ બાકીના ગુજરાતમાં ફેશન જોર પકડતી જાય છે....નાસ્તા-પાણીમાં જે કાંઇ આવે કે હફ્ફ દઇને ના જ પાડી દેવાની, ''ના ના....આટલું બધું નહિ...અડધું કાઢી લો !''

અડધું કઢાવીને બાકીનું બાંધી આપવાનું મેહમાનો નથી કહેતા કે, ચલો બાકીનું ઘેર જઇને ખઇશું. પાછા ઘરેથી કાંઇ ખાઇ-પીને ન આવ્યા હોય ને આપણે પિરસેલું ભાવતું પણ હોય, પણ હવે બધા આવા સોટા પાડવા માંડયા છે ને આપણે ના પાડીએ તો ગામડીયા લાગીએ, એ કારણે અડધું કાઢી નંખાવવાની ફેશન જોર મારતી હોય !

પ્રશ્ન એ થાય કે, નાસ્તાપાણી સિવાય બીજા બધામાં ય લોકો અડધું કઢાવી નાંખતા હશે ખરા ? દરજીએ પ્રેમપૂર્વક પૈસા લઇને સુંદર મજાનો લેંઘો સિવી આપ્યો હોય, ત્યારે આ લોકો આવો વિવેક કરતા હશે ?, ''ના ના ગદાણી સાહેબ...આટલો લાંબો લેંઘો ના હોય...હમણાં જ ઘેરથી પહેરીને આવ્યો છું...આમાંથી એક બાંય ઓછી કરી નાંખો ! આટલો બધા ના હોય !''

લગ્નની પ્રથમ રાત્રીએ કોઇ દુલ્હો દુલ્હનને આખાને બદલે ફક્ત અડધો જ ઘુંઘટ કાઢવાની રીક્વૅસ્ટ કરે છે ? ''ઓહ ના ના સૌભાગ્યલક્ષ્મી...આટલો બધો નહિ...? હું બહારથી હમણાં જ બહુ મોટા ઘુંઘટો જોઇને આવ્યો છું...અડધો પ્લીઝ...ઢાંકી દો !'' (આવા તો બહુ ઘુંઘટો જોઇ નાંખ્યા...એ સાચું પણ હોય તો ય આ શુભ પ્રસંગે આવું બાફી ન મરાય...સુઉં કિયો છો ?)

ઈન ફૅક્ટ, હવે તો ગુજરાતીઓમાં મેહમાનોને ફક્ત જમવા નથી બોલાવતા....''ડ્રિન્કસ'' સાથે જમવા બોલાવાય છે. આ ડ્રિન્કસ જ એવી ચીજ છે, જેમાં કદી આખું પિરસાતું નથી...અડધું ય નહિ, અડધાનું ય અડધું આપવાનું હોય છે. વ્હિસ્કી એ કોઇ છાશ નથી, કૂંવરજી કે આખો ગ્લાસ ભરીને અપાય ! ડ્રિન્કસ સાથે મન્ચિંગ તો હોય, પણ પછી ફૂલ ડિનર પણ હોય અને એમાં કોઇ અડધું કઢાવતું નથી. આનું નામ વિવેક. આનું નામ વિનય.

કહેવાનો મતલબ એટલો કે, અડધું કઢાવી લેવાની આ ખૂંખાર પધ્ધતિ ગુજરાતમાંથી બંધ કરાવવી હોય, તો એકલું લુખ્ખું-લુખું જમવા ન બોલાવો....સાથે મહેફીલ ડ્રિન્કસની રાખો....ભલે બા ખીજાય !

સિક્સર

FM રેડિયોના તમામ આર.જે.ઓએ દિલ્હી પહોંચી જવું જોઇએ. કેવું મધુરૂં, અસ્ખલિત અને કાનને ગમે એવું આ આરજેઓ બોલતા હોય છે ! હું તો તમામ આર.જે. નો ફૅન છું. દાદુઓ (સૉરી, અહીં દાદીઓ નહિ લખાય !) બે મહિના દિલ્હી જઇ આવો...ત્યાં કોઇનું મોઢું ખોલાવવું પડે એમ છે!

No comments: