Search This Blog

16/02/2014

ઍનકાઉન્ટર: 16-02-2014

* ખોખું તો મગફળીનું આવતું હતું. હવે રૂ.. એક કરોડને ખોખું કહેવાય છે.
- તમારે ત્યાં હોય એટલા મોકલી આપો. મને ખોખાં ભેગા કરવાની હૉબી છે.
(કરીમ સોઢા, સુરેન્દ્રનગર)

* કરોડો લોકો ખાઇ શકે, એટલું અનાજ સડી જાય છે ને આ બાજુ ભૂખમરો !
- દિલ્હીમાં બેઠેલા બસ.. કોઇ ૧૦-૧૫ લોકો એ અનાજ ખાઇ જાય છે. કરોડોના ભાગનું !
(જ્યોતિ જયેશ સંપટ, મુંબઇ)

* 'એક નૂર આદમી, હજાર નૂર કપડા, લાખ નૂર ટાબક- ટીબક, કરોડ નૂર નખરા..' સૂઉં કિયો છો ?
- સની લીયોને તમારી માન્યતા ખોટી પાડી છે.
(યોગેન્દ્ર વી. જોશી, અમદાવાદ)

* કરન્સી નૉટ પર 'અશોક સ્તંભ'ની પ્રતિકૃતિ હોય છે. આપની સફળતા સાથે ચાલુ નાણાંકીય વર્ષને 'અશોક-વર્ષ' તરીકે કેમ ન ઉજવાય ?
- એટલા માટે ન ઉજવાય કે, આપણો અશોક સ્તંભ રાષ્ટ્રની ઓળખ છે અને મને તો મારી સોસાયટીમાં ય કોઇ ઓળખતું નથી.
(વિક્રમ સી.પરીખ, વડોદરા)

* 'ઍનકાઉન્ટર'માં રાજકારણના સવાલોના જવાબો નહિ આપો, તો કૉલમમાં બાકી રહેશે શું ?
- આપણે સહુ લાચાર છીએ નેતાઓ પાસે... પણ એ લોકો અમારાં પત્રકારો અને લેખકોના બ્રેડ-બટર છે.
(રશિદા શબ્બીર તરવાડી, ચલાલા)

* આપની જંગી સફળતા પાછળનું રહસ્ય શું ?
- 'આગળનું' ખબર છે... મારી આગળના હરિફોનો ય આદર કરી શકું છું.
(હરિશ મણીયાર, જેતપુર)

* માતા પોતાના દીકરા માટે રાષ્ટ્રની તિજોરી ખુલ્લી મૂકાવી દેશે.. લ્હાણી જ લ્હાણી ?
- એને માટે અમારી 'નૅટવર્ક' કૉલમમાં વર્ષોથી એક તકીયા-કલામ વપરાય છે.. 'કોના બાપની દિવાળી ?'
(પી.આર.સોનપાલ, ભાવનગર)

* જૈન લઘુમતિ..! સરકાર શું કરવા માંગે છે ?
- એ જ..જે અંગ્રેજ સરકાર કરી ગઇ ! 'ડિવાઇડ ઍન્ડ રૂલ'.. જૈનોને બાકીની કૌમો સાથે લડાવી મારો !
(મયૂરી શાહ, અમદાવાદ)

* મર્યા વગર સ્વર્ગમાં જવાનો કોઇ રસ્તો ખરો ?
- બસ... આ કૉલમ નિયમિત વાંચતા રહો !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* થોડા વર્ષોમાં બાકીના તમામ હિંદુઓ લઘુમતિમાં આવી જશે.. પછી ?
- આપણે કોઇ હિંદુ, જૈન કે મુસલમાન ન બનીએ.. ફક્ત ભારતીય બની જઇએ...કોઇ બાપની તાકાત નથી કે, આપણને નીચા દેખાડી શકે !
(ચારૂદત્ત શાહ, પૂણે-મહારાષ્ટ્ર)

* સરકાર હૅલમૅટ પહેરવાનો કાયદો કડક કેમ બનાવતી નથી ?
- હા, પણ ઘરમાં બેઠા તેમ જ બહાર રોડ ઉપર ગયા પછી, વાહન વગર હૅલમૅટ પહેરી રાખવી અઘરી નહિ પડે ?
(બુધ્ધિધન ત્રિવેદી, અમદાવાદ)

* દુનિયાના ક્યા વિસ્તારમાં શાંતિ છે, તો  ત્યાં પહોંચી જઇએ ?
- તમે ત્યારે પહોંચી જાઓ.. હું તો પરણેલો છું. મારે શાંતિ સાથે શું લેવા-દેવા ?
(રમાકાંત પટેલ, વડોદરા)

* અવકાશ (સ્પૅસ)માં હનીમૂન કેવું રહેશે ? કોઇ દરવાજો ખખડાવશે, એવી ચિંતા તો નહિ ?
- ત્યાં દરવાજાની નહિ... પલંગની જરૂર પડશે !
(ડૉ.સનત જાની, ખેડબ્રહ્મા)

* તમે સાહિત્યકાર હોવા છતાં, અન્ય ક્ષેત્રોમાં ય કૌવત બતાવી દીધું છે.. રહસ્ય?
- લક્સ સાબુ.
(નરેન્દ્ર ચૌહાણ, મેહસાણા)

* ભગવાને દરેક માણસને જુદું જુદું બ્લડ-ગ્રૂપ કેમ આપ્યું છે ?
- માણસોનો તો ઝાઝો અનુભવ નથી, પણ કહે છે કે, જાનવરોના ય બ્લડ-ગ્રૂપ જુદા હોય છે !
(મિહિર પી.ત્રિવેદી, ભાવનગર)

* નામ 'બુધવારની બપોરે'ને બદલે 'સવારે' રાખ્યું હોત તો અમારે છાશવારે પંખો ચાલુ કરવો ન પડત ને ?
- સવારે જ રાખવાનું હતું, પણ સવાર-સવારમાં તો બા ખીજાતા'તા...!
(જયંત વી.હાથી, મુંબઇ)


* 'ઍન્કાઉન્ટર'ને ઘણા વર્ષો થઇ ગયા.. હવે નામ બદલીને 'શૂટ ઍટ સાઇટ' રાખો તો ?
- ઘણા નમ્ર માણસ છો તમે... કે, 'અશોક'ને બદલે 'રાહુલ' બદલી નાંખવાનું ના કીધું !!!
(અખિલ બી.મહેતા, અમદાવાદ)

* સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, એવું સાંભળ્યું છે, પણ એવું ક્યાંય જોયું નથી..!
- હવે થોડું ધ્યાન પુરૂષો તરફ પણ રાખો, ભ'ઇ !
(ફૈસલ છીપા રેશમવાલા, અમદાવાદ)

* કોક મેળામાં ચોખ્ખા ઘીની નદીને નામે મૂલ્યવાન ઘી વેડફાય છે. સુઉં કિયો છો?
- આ જ તો આપણા દેશની તાસિર છે... ધર્મને નામે જે કાંઇ કરો.. બધું માફ છે !
(સ્વયં મૌલિક જોશી, જૂનાગઢ)

* પાપ કરી લીધા પછી ગંગામાં ડૂબકી મારવાનો અર્થ શું ?
- ભ'ઇ, હું તો ઘેર જ નહાઇ લઉં છું. આપણું નામ ક્યાંય આવવું ન જોઇએ.
(ડી.કે.માંડવીયા, પોરબંદર)

* ચૂંટણીઓ વખતે એસ.ટી. અને પોલીસની બસો નેતાઓની પાછળ પાછળ કેમ હોય છે ?
- 'આશિક કા જનાઝા હૈ, બડી ધૂમ સે નીકલે..!'
(..અને બાબાભ'ઇ, હવે તમે મોટા થયા... તન્ના અભિષેક કે ગાંધી રાહુલ સારૂં ન લાગે)
(અભિષેક તન્ના, રાજકોટ)

* સવાલ પૂછનારના નામની પાછળથી 'ભાઇ' કે 'બેન' કેમ કાઢી નાંખો છો ?
- આ અમારા કાઠીયાવાડનું કલ્ચર છે, જે મને નથી ગમતું.. પોતાના નામની પાછળે ય લોકો 'ભાઇ' લગાડતા હોય છે, 'હું રમેશભાઇ બોલું છું..' અરે ફાટીપડયા... અમારે તને રમેશીયો કહેવો કે માનનીય રમેશભાઇ કહેવું, એ તારા લક્ષણો નક્કી કરશે, તું શેનો સામેથી માન પડાવી જાય ?... પંખો ચાલુ કરો હવે !
(તપસ્યા ધોળકીયા, અમદાવાદ)

* 'બચપન કી મુહબ્બત કો, દિલ સે ન જુદા કરના..'મારે તો છે.. તમારે આવી કોઇ બચપનની મુહબ્બત ખરી ?
- ખોટા વહેમાઓ છો મારી ઉપર... જામનગર સાઇડમાં આપણું કોઇ મૂડીરોકાણ નહિ !
(નલિન હ.ત્રિવેદી, જામનગર)

* ભ્રષ્ટાચાર દૂર કરવા સાઉદી અરેબીયા જેવો કાયદો આપણા દેશમાં કેમ નહિ ?
- તે એમ કહો ને, ભારત દેશમાં તમારે એક પણ માણસ જીવતો જોઇતો નથી..!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* તમે છાંટો-પાણી કરો છો ?
- આ આમંત્રણ છે કે પૂછપરછ ? (ઇંગ્લિશમાં આવું પૂછાય છે..!)
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ઘણી સ્ત્રીઓ એમના ગોરધનો માટે આપણને ''તમારા ભાઇ... તમારા ભાઇ'' કીધે રાખે છે, પણ અમારે એમના જેવા ભાઇ નથી જોઇતા.. તો શું કરવું ?
- તૂટી જશો તો ય, તમારા માટે એના વરને એ 'તમારા ભાઇ' નહિ બોલે... પી જાઓ ગુસ્સો !
(અરવિંદ પી.પંડયા, મુંબઇ)

No comments: