Search This Blog

21/02/2014

'મૈં સુહાગન હૂં' ('૬૪)

મૈં સુહાગન હૂં
મોહમ્મદ રફીના કલાસ-વન ગીતોની મેહફીલ
તુ શોખ કલી, મૈં મસ્ત પવન... અય દિલ મચલ મચલ કે યૂં, રોતા હૈ ઝાર ઝાર ક્યા... સબ જવાં, સબ હંસિ, કોઈ તુમસા નહિ... ગોરી તોરે નૈન, કજર બિન કારે કારે

ફિલ્મ : 'મૈં સુહાગન હૂં' ('૬૪)
નિર્માતા : નય્યર ફિલ્મ્સ
દિગ્દર્શકઃ કુંદન કુમાર
સંગીત : લચ્છીરામ તમર
ગીતો : (લિસ્ટ મુજબ)
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : નૉવૅલ્ટી (અમદાવાદ)
કલાકારો : માલાસિન્હા, અજીત, નિશી, કેવલ કુમાર, તિવારી, નઝીર હુસેન, કેવલ મીશ્રા, ચાંદ બર્ક, રાજા, કેસરી, ઈન્દિરા બંસલ, નજમા.


ગીતો

૧. તુ શોખ કલી, મૈં મસ્ત પવન, તુ શમ્મે વફા... મુહમ્મદ રફી
૨. અય દિલ મચલ મચલ કે યૂં, રોતા હૈ ઝાર ઝાર ક્યા... લતા મંગેશકર
૩. ગોરી તોરે નૈન, નૈનવા, કજર બિન કારે કારે કારે... આશા-રફી
૪. હમ ભી થે અંજાન સે, તુમ ભી થે અંજાન સે... આશા-સુધા મલ્હોત્રા
૫. સબ જવાં, સબ હંસિ, કોઈ તુમ સા નહિ... મુહમ્મદ રફી
૬. યે કિસ મંઝિલ પે લે આઈ મેરી બદકિસ્મતી મુઝકો... તલત મેહમુદ
૭. તુ શોખ કલી, મૈં મસ્ત પવન, તુ શમ્મે-વફા મૈં પરવાના... આશા-રફી
ગીત નં. ૧, ૩, ૫, ૭ કૈફી આઝમી, નં. ૨ બુટરામ શર્મા, નં. ૪ અઝીઝ કાશ્મિરી અને નં. ૬ અસદ ભોપાલી

'એવખતે આજની જેમ ગીતો મફતમાં ડાઉનલોડ નહોતા થતા. મફતમાં તો જાવા દિયો, પૈસા ખર્ચીને ય એક મનગમતું ગીત મેળવવા બસ્તી-બસ્તી, પર્બત પર્બત રખડવું પડતું અને એ ય કેસેટમાં મળે તો મળે. સીડી કે એમપી-૩ ક્યાં શોધાઈ હતી? હું લગભગ પાગલ થવાની પૂરજોશ તૈયારીમાં હતો, લતા મંગેશકરનું 'અય દિલ મચલ મચલ કે યૂં, રોતા હૈ ઝાર ઝાર ક્યા...' ગીત બાય-હૂક-ઓર-બાય-ક્રૂક મેળવવા માટે. લતાને માંનો દરજ્જો આપ્યા પછી એના ચરણોની પ્રસાદીરૂપે એક આ અને આવા અનેક રેર ગીતો પામવા મારી રખડપટ્ટીઓ અને ઠેરઠેર આજીજીઓને આટલા વર્ષે પણ હું સલામ કરું છું. 'પહેલે જરાં હંસા દિયા, જી ભર કે ફિર રૂલા દિયા, કિસ્મત પે ઈખ્તિયાર ક્યા, કિસ્મત કા ઐતબાર ક્યા? (ઈખ્તિયાર એટલે પ્રભાવ) બુટારામ શર્માએ લખેલા આ શબ્દોથી પ્રભાવિત એટલો કે, કોકની બર્થ-ડે પાર્ટીમાં ય અશોક દવે ગીત તો આ જ લલકારે! નહિ એના સંગીતકાર કે નહિ ગીતકારના નામો જાણીતા, પણ ફિલ્મ 'મૈં સુહાગન હૂં'ના તમામ ગીતોને કારણે મારા માટે ગીતકાર-સંગીતકાર, આ બન્ને નામો વંદનીય થઈ ગયા.

ને ચલો વાત હવે શરૂ કરો મુહમ્મદ રફીના એ અણમોલ ગીતોની ને, શરૂ થઈ જશે સંગીતનો ૧૯મો અધ્યાય! આમ પોતાને રફી સાહેબના 'સોલ્લિડ' ચાહક કહેવડાવતા હોય ને 'મૈં સુહાગન હૂં'ના રફીના ગીતો સાંભળ્યા ન હોય, એમણે હવે પછી હિમેશ રેશમીયાની લતે ચઢી જવું જોઈએ. રાગ દેસ પર આધારિત આશા ભોંસલે સાથેનું 'ગોરી તોરે નૈન, નૈનવા, કજર બિન કારે કારે કારે...' ક્યાંક ને ક્યાંક રાગ માલકૌંસના 'અખીયન સંગ અખીયાં લાગી'ની યાદ અપાવશે. રાગ દેશ પર તો બે-ચાર ગીતો બહુ જાણીતા છે. ભ'ઈ... 'આપકો પ્યાર છુપાને કી બુરી આદત હૈ...' 'હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈં...' અને જયદેવનું તોફાની સ્વરાંકન, 'તુ ચંદા મૈં ચાંદની, તુ સરવર મૈં પ્યાસ રે...!' આશા કેવી વર્સેટાઈલ ગાયિકા...! શાસ્ત્રોક્ત ઊંચાઈઓ ઉપર એ લતાથી એક દોરો ય નીચી નહિ! રફીનું જે ગીત ઝીણી સોય બનીને છાતીની આરપાર નીકળી જવાને બદલે છાતીની વચ્ચે ભરાઈ રહે છે, તે 'તુ શોખ કલી, મૈં મસ્ત પવન, તુ શમ્મે વફા મૈં પરવાના...' આ જ ફિલ્મમાં થોડા નોખા ઢાળ સાથે આશાએ યુગલ સ્વરૂપે પણ ગાયું છે, પણ કમ્પોઝીશન બાકાયદા રફીનું સોલો વધારે સારું. છેલ્લા અંતરામાં તો યાદ છે ને, રફી કેવા તારસપ્તકમાં જઈને, '... હરદમ બહેકે દીવાનાઆઆઆ...' કેવી ટીસ કઢાવી નાંખે છે? અને આ જ ફિલ્મનું અનોખું કમ્પોઝીશન, 'સબ જવાં સબ હંસિ કોઈ તુમ સા નહિ' પણ મુહમ્મદ રફીના ગળાની કમાલ.

લચ્છીરામ રામ જાણે ચાલ્યા કેમ નહિ? એમની અટક બે હતી. એક 'તમર' (અજયવાળી 'તોમર' નહિ!) અને બીજી 'ચૌધરી'. મૂળ તો વોયલિન-પ્લેયર. ફિલ્મોમાં તો ૧૯૪૦ના દાયકામાં આવી ગયા હતા, પણ '૬૪માં આ ફિલ્મ 'મૈં સુહાગન હૂં'ના ગીતોની તોતિંગ સફળતા જોવા એ માંડ જીવ્યા ને '૬૬માં ગૂજરી ગયા. આખી જીંદગીનો સરવાળો ૧૯ ફિલ્મો, એમાં એક મધુબાલા-દેવ આનંદની ફિલ્મ 'મધુબાલા' અને બીજી નિરૂપા રોય, પી. જયરાજની ફિલ્મ 'રઝીયા સુલતાના' જેનું આશા-રફીનું ડયુએટ, 'ઢલતી જાયે રાત, કહે લે દિલ કી બાત, શમ્મા પરવાને કા ન હોગા ફિર સાથ' તો બધાએ સાંભળ્યું હોય. આમે ય, લતાના આ બેનમૂન ગીત (રોતા હૈ ઝાર ઝાર ક્યા) સિવાય લચ્છુએ લતાનો ઉપયોગ ભાગ્યે જ કર્યો છે. આશા એમની ફેવરિટ ગાયિકા હતી.

અહીં એક મસ્ત ભૂલ થવાની શક્યતા છે. મદન મોહનના સંગીતમાં મુહમ્મદ રફીનું ક્યા બ્બાત હૈ ગીત, 'તુ મેરે સામને હૈં, તેરી ઝૂલ્ફેં હૈ ખુલી, તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહું?' 'મૈં સુહાગન હૂં'નું નહિ... એકલી 'સુહાગન'નું. ઓહ માય ગોડ... મદન મોહને કેવા ઢાંસુ ગીતો બનાવ્યા હતા, યાદ તો છે ને? 'એક બાત પૂછતી હૂં, અય દિલ જવાબ દેના', 'ભીગી ચાંદની છાઈ બેખુદી, આજા ડાલ દે બાંહો મેં અપની બાંહે', 'તુમ્હી તો મેરી પૂજા હો, તુમ્હેં દિલ મેં બસાયા હૈ' અને રફીનું, 'મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા, તેરે દિલ કા ફૂલ ન ખીલ સકા...'

ફિલ્મ 'મૈં સુહાગન હૂં' એઝ એક્સપેક્ટેડ... અત્યંત ફાલતુ ફિલ્મ હતી. અજીત (મૂળ નામ 'હમિદઅલી ખાન') માલા સિન્હાની સામે હીરો હોય, એ બેંગોલી મીઠાઈની સામે ઢેબરૂં મૂક્યું હોય એવું લાગે. આ પછી બીજું કાંઈ પૂછવાનું રહેતું નથી એક્ટીંગ તો સમજ્યા કે, એણે વિલન સિવાયની કરવી પણ જોઈતી નહોતી, છતાં ય હિંદી ફિલ્મોના વણલખ્યા દસ્તૂર મુજબ, એકાદી ફિલ્મ હિટ જાય, એટલે હઓ...હઓ... ચાલ્યા ભ'ઈ! એ વિલનમાં જ ચાલે. માલા સિન્હા સાથે બગીચામાં લાંબી કાર લઈને ખાસ એક ગીત બગાડવા જાય છે. આ જ આપણું, 'તુ શોખ કલી મૈં મસ્ત પવન...' સ્ટુપિડ બગીચામાં પ્રેમ કરવા આવ્યો છે કે, બેબી સિટિંગ માટે બેબલીને બગીચો ફેરવવા આવ્યો છે, એ શંકા આખું ગીત છેક સુધી ધારી ધારીને જોવા છતાં દૂર થતી નથી! માલાના ગાલે અડવા જાય તો ય ચિંતા આપણને રહે કે, પંપાળશે કે ખેંચીને આડા હાથની દઈ દેશે? અજીત પ્રેમીને બદલે બાઉન્સર જેવો વધારે લાગે. પણ માલા તો માલા જ છે ને? મૂળ નેપાળની ક્રિશ્ચિયન માલા આલ્બર્ટ સિન્હામાં જોવાની ખૂબી એ છે કે, ફિલ્મોમાં એ કોઈ એક્ટ્રેસ તરીકે નહિ, ગાયિકા તરીકે આવી હતી ને આપણી હીરોઈનોને જરીક અમથું ગાતા આવડતું હોય પછી માઈક છોડે? (જવાબઃ ના છોડે, ભ'ઈ...ના છોડે! જવાબ પૂરો) એકલી નૂતને ગાયું છે... માલા સિન્હાએ તો કદી નહિ!

માલુ પાછી પ્રદીપ કુમારના ભરચક પ્રેમમાં અને પ્રદીપ અને મધુબાલા વચ્ચે જોરશોરથી પ્રેમો ચાલે. મધુબાલાએ તો પાછું ભારત ભૂષણના આધાર-કાર્ડમાં ય પોતાનું નામ કોતરાવ્યું હતું. પ્રેમનાથ, દિલીપ કુમાર, કિશોર કુમાર કે રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલ તો મધુબાલાના વધારાના પ્રેમીઓ તરીકે પછી જોડાયા, પણ એ પહેલા બોલબાલા ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણ અને પદુ (એટલે કે, પ્રદીપકુમાર)ની હતી. કહેવાય છે કે, પ્રદીપ કુમાર ટુ-ટાઈમર છે, એ ખબર પડતા જ માલુ પ્રદીપના ઘેર જઈને થપ્પડો વરસાવી આવી હતી, બોલો! પદુ ભ'ઇ પાછા ફૂલ-ટાઈમ પરણેલા તો ખરા જ! આપણી પેલી ટીવીવાળી બિનાની મમ્મી સાથે!

અફ કોર્સ, માલા હજી ય ખૂબસુરત લાગે છે. ૧૯૩૬મા જન્મીને આજે ૭૯ વર્ષની થઈ હોવા છતાં. થોડા જ સમય પહેલા દાદા સાહેબ ફાળકે એવોર્ડ ફંક્શનના આમંત્રણ-પત્રમાં એનું નામ જ ન છપાયું, પણ સ્વ. યશ ચોપરાની પત્ની પામેલાનું નામ છપાયું, ઉપરાંત માલા અને તેના પતિ ચિદામ્બર પ્રસાદ લોહાણીને ઓડિટોરિયમમાં ય સીટ પાછળ આપી હતી, તેનાથી એ ભભૂકી ઉઠી હતી અને ટીવી ઈન્ટરવ્યૂમાં જવાબદારોની ખબર લઈ નાંખી હતી.

ફિલ્મની બીજી હીરોઈન નિશી એના જમાના પ્રમાણે ગ્લેમરસ (અને આજની ફિલ્મોની ભાષામાં, 'સેક્સી') હીરોઈન હતી. ગમે તેમ તો ય 'મૈં નશે મેં હૂં'માં રાજ કપૂરની સાઈડ હીરોઈન હતી. નિશીની જીંદગીની તોતિંગ સફળતા એક માત્ર ફિલ્મ 'લૂટેરા'માં... ના. બધા માર્ક્સ એકલા લક્ષ્મી-પ્યારેના સંગીતને જ અપાય એવા નથી. એ પોતે ય સાતમા આસમાનની પરી જેવી સુંદર લાગતી હતી. (જોકે, મેં બાકીના છ આસમાનો જોયા નથી, પણ સાતમા આસમાનમાં માની જાઓ ને, ભ'ઈ!)

આ કોલમમાં દરેક ફિલ્મના રીવ્યૂની સાથે નેચરલી, વાર્તા લખાય છે, પણ ગાળો લખી શકાતી નથી. આ ફિલ્મ જોતી વખતે ગાળો સિવાય કાંઈ જ ન સૂઝે, એ હદની કચરાછાપ સ્ટોરી હતી. ફિલ્મ બનાવતી વખતે એક પણ માણસ બોલ્યો કે બોલી નહિ હોય કે, સાલું થોડી તો લાજશરમ રાખો. આખી ફિલ્મના એક દ્રષ્યની વાત થોડી તો ગળે ઉતરવી જોઈએ ને? વાર્તાનો સારાંશ સાવ ટૂંકમાં કહી દઉં, જેથી ફિલ્મની હીરોઈનને 'મૈં સુહાગન હૂં' કેમ બોલવું પડયું હશે, એટલી ખબર પડે!

માલા સિન્હા મામા નઝીર હુસેન (બારમાસી રોતડો)ના ઘેર ઉછરીને મોટી થઈ છે. એ અજીતના પ્રેમમાં પડીને લગ્ન કરે છે, પણ ચીન સામેના યુદ્ધમાં સિપાહી અજીતના મૌતની ખબર આવે છે, એટલે અજીતના બા (ચાંદ બર્ક) ખીજાય છે ને માલાને સિંદુર-બંગડીઓ ફગાવી દેવાનો હુકમ કરે છે. માથાનું સિંદુર ડૂંગળી-પેટ્રોલ જેટલું સસ્તું આવતું ન હોવાથી, લગાડેલું સિંદુર અને ખાધેલી ડૂંગળી માલા સિન્હા પાછી કાઢવા તૈયાર નથી અને પોતાનો સુહાગ મરે જ નહિ, એવી હઠથી વિધવા બનવાનો ઈન્કાર કરીને કહી દે છે, 'મૈં સુહાગન હૂં'. હવે ભારતની જૂની અને તાજી બધી વિધવાઓ આના જેવી હઠો પકડીને બેસે, તો બીજી વાર પરણવા માંગતા આશાસ્પદ વિધૂરોના તો પછી કોઈ ચણા ય ના આલે ને? સુઉં કિયો છો? ખાદી ભંડારવાળાના ય ધોળા હાડલા ના વેચાય! આવી બબાલ ન થાય માટે ફિલ્મના લેખક વાર્તામાં નવો ટ્વિસ્ટ ઉપાડી લાવે છે. મામુ નઝીર હુસેન સંગીતજ્ઞા છે ને એમનો શિષ્ય (ફિલ્મનો હીરો) કેવલ મિશ્રાને પોતાના ઘરમાં જુવાનજોધ વિધવા ભાણી હોવા છતાં કાયમ માટે રહેવા બોલાવે છે. આ કેવલ સેકન્ડ હીરોઈન નિશીને સંગીત શીખવવા એના ઘેર આવ-જા કરે છે. નિશી પાસે એ વખતે કોઈ કામધંધો ન હોવાથી કેવલના પ્રેમમાં પડી જાય છે. લગ્નમાં તો અનુભવી (વિધવા થવાનો અનુભવી) હાથ સારો, એટલે કેવલ નવીનક્કોર નિશીને પડતી મ્હેલીને માલુના પ્રેમમાં પડી જાય છે. પણ અનેક મહિનાઓની ગુમનામી પછી આખેઆખો ઘેર પાછો આવે છે. પત્ની માલા તો કેવલના લફરામાં છે, એવું માનીને ગીન્નાઈ જાય છે, પણ આખરે માલુ બધાની વચ્ચે કેવલને પોતાનો ભાઈ સાબિત કરી દેતા બાજી ફિટાઉન્સ થઈ જાય છે અને માલા-અજીત ઘર ભેગા થાય છે.

ઘણા પૂછે પણ છે કે, તમને તો પહેલેથી ખબર પડી જાય છે કે, ફિલ્મ આટલી ફાલતુ છે, તો પછી એવી ફિલ્મો વિશે લખો છો શું કામ?

વાત સીધી છે. આપણા જમાનાની ફિલ્મો ૭૦ ટકાથી વધારે સંખ્યામાં અત્યંત નબળી હતી. અને સાવ આવી ફાલતુ ય દસ-વીસ ટકા હતી, પણ આપણા જમાનાની ફિલ્મો એની વાર્તા નહિ, એના કલાકારો અને ખાસ તો એના સંગીતને કારણે આવી તદ્ન થર્ડ-કલાસ ફિલ્મો ય આજતક મશહૂર અને યાદોમાં રહી ગઈ છે. હીરો-હીરોઈનો તો જાવા દિયો, ફિલ્મોના સાઈડીઓ ય મોટા ભાગના આપણી ઓળખ-પરેડની બહાર નથી. સમજો ને, લગભગ બધાને ઓળખીએ. જ્હોની વોકરો કે અચલા સચદેવો જ નહીં, આપણે તો બદ્રીપ્રસાદ, નર્મદા શંકર (આ ફિલ્મમાં માલા સિન્હાની સાસુ ચાંદ બર્કને વહુ વિશે અનાફશનાફ ઉશ્કેરતી પડોસણ 'દયાદેવી' છે, જે પોતાની નાકથી ય આગળ વધી ગયેલી ગોળમટોળ અને લાંબી દાઢી માટે કૂખ્યાત હતી.), ભુડો અડવાણી કે ઈંદિરા બંસલ અને ઈંદિરા બિલ્લી કોણ, એ ય ઓળખી કાઢીએ. જોય મુકર્જીની ફિલ્મ 'ફિર વહી દિલ લાયા હૂં'માં જાડીગોળમટોળ અને રાજેન્દ્રનાથની બેવકૂફ માં બનતી એક્ટ્રેસ ઈન્દિરા બંસલ છે, જે આ ફિલ્મમાં છે, તો 'લખનૌ મેં ઐસી કૌન ફિરદૌસ હૈ, જિન્હે હમ નહિ જાનતે...' બોલીને 'જાની' રાજકુમાર ફિલ્મ 'મેરે હુઝુર'માં ફિરદૌસનો ઉલ્લેખ કરે છે, તે ભૂરી આંખોવાળી સેક્સી અભિનેત્રી ઈંદિરા બિલ્લી.

નાના નાના એક્ટરોને ઓળખી કાઢવાનું અમારા વખતમાં ડાબા હાથનો ખેલ હતું, તો સંગીતમાં ય અમારા ખાડીયાની પોળો પાછી પડે નહિ. આટલા ભરચક લાગતા શંકર-જયકિશનના બે ગીતો 'દિલ કે ઝરોખે મેં તુઝકો બિઠાકર...' અને 'આજા, આઈ બહાર દિલ હૈ, બેકરાર ઓ મેરે...'માં ક્યા ક્યા અને કેટલા વાજીંત્રો વાગે છે, એના ઉપર તો શરતો જીતાય. સાધના-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'આરઝુ'માં સંગીત ભલે શંકર-જયકિશનનું હોય, પણ આખી ફિલ્મમાં સંગીત એકલા જયકિશનનું હતું. સિવાય કવ્વાલી, 'જબ ઈશ્ક કહીં હો જાતા હૈ...' કારણ કે, બન્ને વચ્ચે ઝગડો થયો હતો. શંકરે જુદા થઈને ફિલ્મ 'સ્ટ્રીટ-સિંગર' જેવી ફિલ્મમાં 'સૂરજ' નામથી એકલાએ સંગીત આપ્યું હતું કે, ફિલ્મ 'ઠાકૂર જરનૈલસિંઘ'ના લતાના 'સૈંયા સે વાદા થા નાઝૂક ઘડી થી...'ના સંગીતકાર ગણેશ લક્ષ્મીકાંતનો સગો ભાઈ અને ૧૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, એવી ય બધાને ખબર. અફ કોર્સ, 'ઠાકૂર...'ના બીજા ગીત 'હમ તેરે બિન જી ના સકેંગે સનમ...' સિવાય બાકીની એકે ય ફિલ્મનું એકે ય ગીત જામ્યું નહોતું.

ટૂંકમાં, ફિલ્મ ગમે તેવી નબળી હોય, પણ એમાં જોવા-સાંભળવા કે જાણવા જેવું કંઈક મજબૂત હોય તો એવી ફિલ્મોને પણ આપણે અહીં પેશ કરીએ છીએ. આમ આપણે ભૂલી ગયા હોઈએ, પણ જોઈએ એટલે યાદ આવે પણ નામ નહિ, તો એવી માહિતી આપવાની ય લહેર આ કોલમમાં આવી જાય છે.

ફિલ્મ 'મૈં સુહાગન હૂં' તો બાય ગૉડ, ન જોશો પણ એના ગીતો ગમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો.

No comments: