Search This Blog

19/02/2014

પ્લાસ્ટરમાં પત્ની

સાબરમતિ નદીના રિવરફ્રન્ટ ઉપર તડકો ખાવા બે ઘડી ઍનાકૉન્ડા આડો પડયો હોય, એમ મારી સગ્ગી વાઇફ પ્લાસ્ટરવાળા પગ સાથે પલંગમાં ઊભી પડી હતી.... પણ એ તો બે ઘડી નહિ.... હવે તો 'હેએએએ...ય' ગઇ ચાર મહિના માટે અંદર... આપણે જામીન પર છુટ્ટાં... ઢીન્કાચીકા, રિન્કાચીકા....!

આ તો મેં વળી ગયા મહિનામાં સારા પૂણ્યો કર્યા હશે, એનું ફળ મને ચાર મહિનાની છુટ્ટી સાથે મળ્યું. (ડૉકટર તો ત્રણ મહિનામાં એને ઊભી કરી આપવાનું કહેતા હતા, પણ ડૉકટર અગાઉ પોલીસખાતામાં સેવાઓ આપતા હતા, એટલે 'થોડામાં' માની ગયા... ભગવાન સહુનો છે, 'ઇ!) કેટલાક નિરાશ ગોરધનોને મારા જેવું-ભલે કામચલાઉ સુખ ન મળે, એમાં તો ભગવાન ઉપરથી ભરોસો ઉઠાડી લે છે. આવું નહિ કરવાનું. મંદિરે રોજ જવાનું. આ જ સબ્જૅક્ટની પ્રાર્થના રોજ કરવાની. 'અશોકભાઇની લાજ રાખી, એમ અમારી ય રાખજો, પ્રભો!' એવું લાંબા શ્વાસ સાથે પ્રાર્થનાઓ કરવાની. શ્રધ્ધા રાખો. ભગવાન કોઇને ભૂખ્યો ઉઠાડતો નથી.

એનો પગ ભાંગવામાં ઘરના અમારા કોઇ ઉપર ડાઉટ ન લાવવો. કહે છે ને કે, અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે, એ ધોરણે વહેલી સવારે બાથરૂમના દરવાજામાં એનો એક પગ લૉક થઇ ગયો... (બે પગ લૉક થાય, એવા તો હવે દરવાજાઓ ય ક્યાં આવે છે!) શક્ય છે એ હાથને બદલે પગથી દરવાજો ખોલવા ગઇ હશે. સહનશક્તિ ઓછી એટલે ચીસાચીસ કરી મૂકી. ઘરના અમે સહુ દોડયા. દરમાં ઘુસેલા કાળીનાગની બહાર કેવળ પૂંછડી જ દેખાતી હોય, એમ એના આખા પગનો અડધો ભાગ જ બહાર દેખાતો હતો. ''મને બા'ર કાઢો.... મને બા'ર કાઢો, અસોક... મરી ગઇ છું..'' મને આખી મૅરેજ કરિયરમાં વાઇફનો ફસાયેલો પગ કઢાવવાનો થોડો બી અનુભવ નહિ, એટલે મેં દરવાજાનું હૅન્ડલ હાથમાં પકડી રાખીને એને પગ ઉપર મારો પગ મૂકીને ઉપર ચઢી ગયો. મેં 'કુ.... આમ કરવાથી દરવાજો ખુલી જશે, એને બદલે તો એણે તોતિંગ ચીસ પાડી અને સભ્ય પરિવારોમાં જે બોલી શકાય, એવી તમામ ગાળો દીધી. મહાત્મા ગાંધીએ કીધું હતું કે, કોઇ આપણા જમણા ગાલ પર તમાચો મારે તો ડાબો ગાલ ધરવો, એમ મને થયું કે, મારો બીજો પગ એના પગ ઉપર મૂકી જોઉં... પણ ઘરમાં બીજા તો બુધ્ધિશાળી હોય ને... મારા પુત્રએ કહ્યું, ''નહિ પાપા... એમ કરવાથી મમ્મીને વધારે દુઃખશે.''

મહીંથી ગગનભેદી ચિત્કારો આવે રાખતા હતા. અમે દરવાજો ખોલવાનો ભરચક ટ્રાય કરતા હતા. ટૅકનિકલી, દરવાજો તોડવાનો અને વાઈફનો હૉસ્પિટલનો ખર્ચો લગભગ સરખો આવે એમ હતો, એટલે મન મજબુત રાખીને દરવાજો તોડયો. ઈમરજન્સીમાં હું ખર્ચાની કદી ચિંતા કરતો નથી.

આવી દયાજનક હાલતમાં અમે હિંમત હાર્યા નહિ. એને ઉચકીને પલંગમાં સુવાડવી પડે એમ હતી. ૪-૫ મજૂરો ભેગા થઇને, ચોથા માળે બાલ્કની-માર્ગે દોરડે બાંધલું કબાટ ચઢાવે, એમ અમે વાઇફને પલંગ ઉપર ચઢાવી, ચીસાચીસ તો ભ'ઇ... બહુ થઇ. અમારામાંથી કોકનો ખભો વળી ગયો, કોકના હાથમાં છાલા પડી ગયા, કોકને શ્વાસો ચઢી ગયા. નવાઇઓ બધાને લાગી કે, અમે બધા તૂટી ગયા પણ પપ્પા (એટલે કે, હું) આટલા સ્વસ્થ કેમ છે? પણ મારી બાએ મને શીખવાડયું છે કે, જ્યાં બધા જતા હોય ત્યાં આપણે નહિ જવાનું, એટલે હું શ્રમયજ્ઞામાં જોડાયો નહતો.

ઑર્થોપીડિક ડૉકટર પાસે વાઇફને લઇ જવાના સૂચનો થયા, એટલે લઇ તો જવી જ પડે! કોઇ એ નથી જોતું કે, એમાં ખર્ચો કેટલો રાક્ષસી આવે છે! કાળજે પથ્થર રાખીને અમે એને હૉસ્પિટલ લઇ જવાનું નક્કી કર્યું. ફરી પાછા ત્રણ-ચાર જણાએ એને ઉચકી, પણ દરવાજાની બહાર નીકળતા માથું પહેલું આવે કે પગ, એની ચર્ચાઓ ચાલી. કોક વડિલે કીધું ય ખરૂં કે, માથું કે પગ પહેલું-બીજું કાઢવાની વિધિ કોકને કાઢી જવાના હોય ત્યારે કરાય, આમાં નહિ... તે મેં કીધું કે, '', પતાવો ને જેમ પતતું હોય એમ...!'

પણ આવી રીતે વાઇફો ખસેડવાનો બહોળો અનુભવ તો કોને હોય? અમે ચારેક જણાએ એને આડી સુવડાવીને ઉચકી હતી, એમાં પહેલા એના પગ બહાર કાઢવામાં કોકનો ધક્કો આવ્યો ને કોકનું બૅલેન્સ ન રહ્યું, એમાં વાઇફના બન્ને પગ બારણામાં અથડાયા. આજે બધું તૂટવા બેઠું હતું. નસીબ ખરૂં કે, બારણાને નુકસાન થયું નહોતું, પણ વાઇફે ફરી મોટી ચીસ પાડી...!

અમારી લિફટમાં ચાર મુસાફરોથી વધારે ઍલાઉડ નથી. આનું એકલીનું વજન ત્રણ મુસાફરો જેવું તો અમથું ય થાય છે, એટલે કોકે વળી સૂચન કર્યું કે, 'બેનને લિફ્ટમાં એકલા ઉતારો... આપણે નીચે પહોંચીને જોઇ લઇશું.' બીજો ટેકનિકલ પ્રોબ્લેમ હતો કે, લિફ્ટ અધવચ્ચે જ બંધ થઇ ગઇ તો? આમાં પછી સગાવહાલાઓને વાઇફની ખબર કાઢવા રોજેરોજ તો લિફ્ટની બહાર ન મોકલાય ને! લોકો કેવી કેવી વાતો કરે? એક પડોસી ફાયરબ્રિગેડમાં છે. એમણે ઉપયોગી સૂચન કર્યું કે, ''આમાં તો નીચે ગ્રાઉન્ડ-ફ્લૉર પર દસ-બાર ગાદલાં-બાદલાં પાથરીને અહીં બાલ્કનીમાંથી બેનનો વચ્ચોવચ્ચ ઘા જ કરવાનો હોય... ઈમરજન્સીમાં અમે લોકો આવું જ કરતા હોઇએ છીએ...!''

પણ આવા કામ માટે કોણ પોતાના ગાદલાં ઉધાર આલે?... બધાની બાઓ ખીજાય, કે નહિ?

છેવટે, બહુ સાચવીને-લિફ્ટમાં ડાઘોબાઘો પડે નહિ, એમ વાઇફને નીચે ઉતારી. શિવજીની જટામાં ગંગાજી અવતર્યા હોય એમ ગ્રાઉન્ડ-ફ્લૉર પર તો માણસ ભેગું થઇ ગયું હતું. સાલાઓ જુએ છે તો ય પૂછે છે, ''શું થયું? શું થયું?''

''કંઇ નહિ... આ તો અમે 'બાઇ બાઇ ચાયણી' રમીએ છીએ.'' એવો ગુસ્સો આવી શકતો હતો.. ન આવ્યો! લોકોને પણ થોડુંઘણું મનોરંજન મળે, એમાં ખોટું શું છે?

હૉસ્પિટલના વૉર્ડ-બૉયઝ સાલા ડોબાઓ...! આને સ્ટ્રેચર પર સુવડાવીને ઓપરેશન-થીયેટરમાં લઇ જતા હતા, એ વખતે સાઈડ આપ્યા વગર ડાબી બાજુ ઓપરેશન-થીયેટર તરફ વળ્યા, એમાં બીજા સ્ટ્રેચર પર બીજા કોઇની વાઇફ આવતી હતી. એક પ્રચંડ ધ્વની સાથે બન્ને હેઠીઓ પડી ને એવી પડી કે મને તો અંદાજ જ ન રહ્યો કે, આ બેમાંથી મારા વાળી કઇ? ', માણસ માત્ર, ભૂલને પાત્ર. ઘણી અનુકંપા, વિવેક, વિનય, ચિંતા, કાળજી, સ્માઇલ અને મોટી આશાઓ સાથે હું વાંકો વળીને જેને ઊભી કરવા ગયો, તે કમનસીબે મારા વાળી વાઈફ નહોતી. મારા વાળીએ તો પડયા પડયા ય મને ખખડાવ્યો, ''હવે આંઇ તો હખણા રિયો... હું આંઇ છું, મને ઊભી કરો!'' એ નવાનક્કોર ઉંહકારાઓ સાથે બોલી.

કુદરત પણ કેવી વિચિત્ર ગોઠવણીઓ કરી મૂકે છે.... 'જો યહાં થા વો વહાં ક્યું કર હુઆ...?'

પરમકૃપાળુ પરમેશ્વરની અસીમ અનુકંપાથી ઑપરેશન સફળ થયું. આઇ મીન, ડૉકટર ઓળખીતા નીકળ્યા, એટલે પૈસા જ ન લીધા... આજે આવા ડૉકટરો થાય છે ક્યાં? એક આઘાત જરૂર આપ્યો કે, ''આમને હૉસ્પિટલમાં રાખવાની જરૂર નથી... કાલે રજા આપી દઇશ. એમને ઘેર જ આરામ કરવા દો.' ઇશ્વરમાં ગમ્મે તેટલી શ્રધ્ધા રાખો, આપણા તો ચાર મહિનાના કાર્યક્રમો ચૌપટ થઇ ગયા ને?

મોટા ભાગના ખબરકાઢુઓ પૈકી સ્ત્રીઓ મારી વાઈફને અને પુરૂષો અમારા બાથરૂમના દરવાજાને જોવા આવતા હતા. આશ્ચર્ય બધાને કે, વાઈફો તો અમારી ય રોજ બાથરૂમનો દરવાજો ખોલે છે... અમારાવાળી કોઇ 'દિ ભરાતી નથી.' ઉત્તરમાં હું મૌન રહું, એમાં મને બદનામ કરવામાં આવ્યો કે, ધંધાની સફળતાના રહસ્યો હું કોઇને કહેવા માંગતો નથી.

સિક્સર
- ગુજરાતમાં આટઆટલા ટૉલટૅક્સવાળા પ્રજાને લૂંટે છે ને કોઇ એકનો જીવ બળતો નથી કે વિરોધ થતો નથી.

- બધા રાજ્યો પાસે 'મનસે'ના રાજ ઠાકરે જેવા સિંહો ન હોય ને?

No comments: