Search This Blog

28/02/2014

'અમાનુષ' ('૭૫)

અમાનુષ : ઉત્તમ કુમાર અને ઉત્પલ દત્તના અભિનયની જાહોજલાલી

ફિલ્મ : 'અમાનુષ' ('૭૫)
નિર્માતા-દિગ્દર્શક : શક્તિ સામંત
સંગીત : શ્યામલ મિત્રા
ગીતો : ઈન્દિવર
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ-૧૫૪ મિનિટ્સ
થીયેટર : શ્રી (અમદાવાદ)કલાકારો : ઉત્તમ કુમાર, શર્મીલા ટાગોર, ઉત્પલ દત્ત, અનિલ ચટર્જી, પ્રેમા નારાયણ, અભિ ભટ્ટાચાર્ય, સુબ્રતો મહાપાત્ર, તરુણ ઘોષ, માણિક દત્ત, એસ.એન.બનર્જી, મનમોહન અને કાનુ રાય.

ગીતો

૧. નદીયા મેં લહેરેં નાચે, લહેરોં પે નાચે નૈયા... શ્યામલ મિત્રા
૨. કલ કે સપનેં, ના જાને ક્યું, હો ગયે આજ પરાયે... આશા ભોંસલે
૩. ગમ કી દવા તો પ્યાર હૈ, ગમ કી દવા શરાબ નહિ... આશા ભોંસલે
૪. તેરે ગાલોં કો ચૂમું, ઝૂમકા બનકે, ભોલે દિખતે હો... આશા-કિશોર
૫. ન પૂછો કોઈ હમે ઝહેર ક્યું પી લિયા... કિશોર કુમાર
૬. દિલ ઐસા કિસી ને મેરા તોડા, બર્બાદી કી તરફ... કિશોર કુમાર

ઓહ... કેવી સુંદર ફિલ્મ હતી, 'અમાનુષ'! વાર્તા, અભિનય, દિગ્દર્શન, બંગાળની કન્ટ્રી-સાઈડના લોકેશન્સ, પાત્રવરણી અને હૂગલી નદીની જેમ ખળખળ વહી જતી વાર્તાને જહાજના કેપ્ટનની જેમ વહેવડાવવાનું શક્તિ સામંતનું કૌશલ્ય. મોટું કામ તો એ સારું થયું કે, સમગ્ર ફિલ્મમાં એક પણ જગ્યાએ સ્ટુડિયોના નકલી સેટ્સ વાપરવામાં આવ્યા નથી, એને બદલે એક્ચ્યુઅલ લોકેશન્સ પર જ શૂટિંગ થયા હોવાથી, આપણા જેવા દૂર વસતા ગુજરાતીઓ માટે તો બંગાળની અંતરીયાળ ભૂમિનો મનોહર નજારો જોવા મળે એ પણ જલસો બની જાય.

શક્ય છે, તમે ઉત્તમ કુમારને પહેલી વાર પરદા ઉપર જોઈ રહ્યા છો, તો ય તમે કહી દેવાના, આનાથી સારું પાત્ર ભારતનો અન્ય કોઈ ઍક્ટર ભજવી શક્યો ન હોત. એનો મીઠડો અવાજ, પવિત્રતાની સીમાઓને સ્પર્ષે એવું નિર્મળ એનું રૂપ અને સ્વાભાવિક અભિનયની કુદરતી સમજને કારણે આખી ફિલ્મ એના એકલા ખભા ઉપર સવાર છે. (આમ તો બીજો ખભો ઉત્પલ દત્તનો ખરો) વર્ષો પહેલા ઉત્તમ કુમારે વૈજ્યંતિમાલા સાથે હિંદી ફિલ્મ 'છોટી સી મુલાકાત' (૬૭)થી હિંદી ફિલ્મોની શરૂઆત કરી હતી. મારી પાસે આ ફિલ્મની ડીવીડી નથી, એટલે લખી શકતો નથી, પણ ઉત્તમ-વૈજુના અભિનય ઉપરાંત શંકર-જયકિશનના ધારદાર સંગીતમાં મુહમ્મદ રફીના જાણદાર ગીતો એમાં હતા. અમદાવાદના રૂપમ ટૉકીઝમાં આ ફિલ્મ જોઈ હોવાનું યાદ છે. આ ફિલ્મ દેશની નેશનલ ઈન્ટેગ્રિટીનો ય પર્યાય બની ગઈ હતી. ઉત્તમ દા બંગાળી, વૈજ્યંતિમાલા તમિલ, સંગીતકાર શંકર આંધ્ર પ્રદેશના, જયકિશન ગુજરાતી, ગાયક મુહમ્મદ રફી પંજાબી, લતા મંગેશકર મહારાષ્ટ્રીયન, ગીતકાર હસરત જયપુરી રાજસ્થાનના, શૈલેન્દ્ર બિહારી, રતન ગૌરાંગ નેપાળી (જે મોટા ભાગની ફિલ્મોમાં ચાયનીઝ કે નેપાળી વૅઈટર, ગુરખા કે દારુના પીઠામાં બારટૅન્ડરનો રોલ કરતો... હવે આવ્યો યાદ? 'શા'બજી... શા'બ જી... ઈશકો કહાં રખું?') આ ફિલ્મમાં ગુજરાતી સંજીવ કુમાર પણ હતો, પણ હજી જાણિતો થયો ન હોવાથી ફિલ્મમાં એ થોડીક ક્ષણો માટે ક્યારે આવીને જતો રહે છે, તેની જાણ થતી નથી... આમે ય ગુજરાતીઓનું એવું જ! ક્યારે આવીને જતા રહે. તેની દેશને ખબર પડતી નથી! આ ફિલ્મમાં યોગીતાબાલી બાળકલાકારના કિરદારમાં છે.

થૅન્ક ગૉડ, આખી 'અમાનુષ' ફિલ્મમાં એકે ય બાળકલાકાર નથી. ફિલ્મોના બાળકલાકારો એકદમ બૉરિંગ અને કંઈક વધુ પડતા ચાંપલા હોય છે. શેખર કપૂરની ફિલ્મ 'માસુમ'ને બાદ કરતા ભાગ્યે જ કોઈ ફિલ્મના બાળકલાકારો મને વાસ્તવિક લાગ્યા છે. 'અમાનુષ'માં તમને અવાસ્તવિક ભાગ્યે જ કંઈ લાગે.

ફિલ્મનો હીરો મધુબાબુ (ઉત્તમ કુમાર) અને રેખા (શર્મિલા ટાગોર) પ્રેમીઓ છે, પણ ગામનો વંઠેલ જમીનદાર મહિમબાબુ (ઉત્પલ દત્ત) રેખા ઉપર નજર ઠેરવીને બેઠો હોવા ઉપરાંત, ઘરનો મુનિમ હોવાને નાતે એ મધુબાબુની પૂરી સંપત્તિ પચાવી પાડે છે. રેખા-મધુને જુદા પાડવા ગામની એની ગરીબ પ્રેમિકા પાસે ખોટું બોલાવી મધુબાબુના બાળકની માં બની હોવાની જાહેરાત કરે છે, એમાં રેખા મધુને પડતો મૂકી દે છે અને મધુનો કોઈ બચાવ સાંભળતી નથી. સર્વસ્વ તો મહિમબાબુએ લૂંટી લીધું અને રેખા જતી રહી. એના શોકમાં મધુબાબુ દારૂના રવાડે ચઢી જાય છે. ગરીબી એને ગુન્ડો પણ બનાવે છે, જેથી રેખાની નજરમાંથી એ વધુને વધુ ઉતરતો જાય છે. એકલા મધુબાબુની સેવા કરતી યુવાન ધન્નો (પ્રેમા નારાયણ) મધુબાબુને પ્રેમ ચોક્કસ કરે છે, પણ પ્લૅટૉનિક! બદલી થઈને આવેલા પોલીસ ઈન્સ્પેક્ટર ભુવનબાબુ (અનિલ ચેટર્જી)ને સાચી હકીકતની જાણ તથા મહિમબાબુને ખુલ્લા પાડવા અને રેખા-મધુને એક કરવા સફળ પ્રયત્ન કરે છે.

તમે મોટા ભાગના નહિ, તમામ ફિલ્મોમાં એવા ગીતો જોયા હશે જેમાં એક મોટા રૂમ કે ગાર્ડનમાં હીરો (કે હીરોઈન) ગીત ગાતા હોય ને પાછળથી હીરોઈન આવીને આખા ગીત સુધી ઊભી રહે, પેલો કેટલું બેસુરું ગાય છે, એની નોંધ લીધે રાખે, પણ સાડા ત્રણ મિનિટનું ગીત પૂરું થાય નહિ, ત્યાં સુધી આપણા તાનસેનને ખબર જ ન હોય! આવા એકે ય ગીતની વચ્ચે તમે સાંભળ્યું કે અડધું ગીત અટકાવીને બાઘો બનેલો હીરો અચાનક પાછળ જોઈને, 'અરે... આપ? ઈસ વક્ત??' તારી ભલી થાય ચમના... તું આટલું ખરાબ ગાતો હતો, એમાં પેલી તો હલવઈ ગઈ, પણ અમે ય ભરાઈ ગયા...!

શર્મીલા ટાગોર અફ કૉર્સ, મને ક્યારેય ગમી નથી, પણ આ ફિલ્મમાં એના અભિનયને એટલા માટે દાદ દેવી પડે કે, ફિલ્મની વાર્તા મુજબ એનું ગર્વિષ્ઠ વ્યક્તિત્વ એની પાસે સ્વાભાવિક પડયું છે ને આ વ્યક્તિત્વને શક્તિ દાએ ખૂબીપૂર્વક કમેરાના એન્ગલ્સમાં લેવડાવીને વધુ અસરકારક બનાવ્યું છે.

ઉત્તમ કુમારનું સાચું નામ તો 'સર્વોત્તમ કુમાર' હોવું જોઈતું હતું, કારણ કે એ ભારત દેશનો આજ સુધીનો સૌથી વધુ લોકપ્રિય અભિનેતા હતો. પણ વાસ્તવમાં એનું નામ 'અરુણકુમાર ચેટર્જી' હતું. બંગાળી ફિલ્મોમાં જ બહુધા કામ કર્યું હોવાથી અહીં આપણને એની પહોંચની ખબર નહિ પડે, પણ એક દાખલો કાફી છે, એ કેટલી હદે બંગાળના ચાહકોનો લાડકો હતો કે, એ ગૂજરી ગયો, ત્યારે હજી સુધી ભારતના કોઈ પણ ફિલ્મસ્ટારની સ્મશાનયાત્રામાં આટલી વિરાટ સંખ્યામાં જનસમુદાય એક્ઠો થયો નથી. કોલકાતાની સરકારે તો ત્યાંના મટ્રો સ્ટેશનને પણ ઉત્તમ કુમારનું નામ આપ્યું છે.

'અમાનુષ'માં ઉત્તમ કુમારની રખાત તરીકે વગોવાયેલી પ્રેમા નારાયણને સ્વાભાવિક છે, આજની પેઢીનો કોઈ ફિલ્મી ચાહક ઓળખતો ન હોય, પણ એ ય ૧૯૭૧ની 'મીસ ઈન્ડિયા-રનર અપ' હતી ને 'મીસ વર્લ્ડ'માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મિસ ઈન્ડિયા કે મિસ વર્લ્ડ શબ્દો સમજવા જેવા છે. હજી મોટા ભાગના લોકો એવું માને છે કે, ચેહરો રૂપાળો હોય એટલે આવી 'મીસ' બની જવાય.

ના. એ જ ધોરણ હોત તો આપણા કુકરવાડા, જોરાજીના મુવાડા કે ઊંઝા જેવા ગામડાની ગોરી પણ મિસ ઈન્ડિયા કે યુનિવર્સ બની શકે. ઈન ફક્ટ, 'મીસ...' સ્પર્ધામાં ભાગ લેતા પહેલા અનેક કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. શરીરના અંગોનું પરફક્ટ માપ, બોલચાલ, બુદ્ધિમત્તા, સ્વભાવ અને ઈવન સ્વિમિંગ-કોસ્ચ્યુમમાં પણ તમે કેવા લાગો છો, એવા અનેક ધારાધોરણો પસાર કરવા પડે છે. સહેલું નથી આ સ્પર્ધામાં ઈવન તમને અન્ટ્રી પણ મળે એ!

પ્રેમા નારાયણ (૪ એપ્રિલ, ૧૯૫૫) આંધ્ર પ્રદેશની છે અને કરિયરની શરૂઆતમાં કન્વન્ટ સ્કૂલમાં ટીચર હતી. રેખા-વિનોદ મેહરાના 'ઘર', રેખાનું 'ઉમરાવજાન' અને સચિનના 'બાલિકા બોધૂ'માં તમે એને જોઈ હશે. રાજ કપૂરની ફિલ્મ 'બીવી ઓ બીવી'માં પણ એ હતી.

સુંદર અને ક્લિયર-ક્ટ ચેહરો હોવાને કારણે પ્રેમા પેન્સિલ-સ્કેચના આર્ટિસ્ટનું ડ્રીમ બની શકે, પણ ફિલ્મવાળાઓએ એને વેસ્ટર્ન લૂક્સની બનાવી દીધી એટલે મોટા ભાગે ક્રિશ્ચિયન અને લાંબા પગવાળી ડાન્સરના રોલ જ આપવા માંડયા. આ ફિલ્મ 'અમાનુષ' પ્રેમા પૂરતી નોંધપાત્ર એટલા માટે કહેવાય કે ઉત્તમ કુમારની મનાયેલી રખાત 'ધન્નો'ના રોલ માટે એને બેસ્ટ સપોર્ટિંગ અક્ટ્રેસનું નોમિનેશન મળ્યું હતું.

ઘણી બધી સુંદર હીરોઈનો 'કાસ્ટિંગ-કાઉચ'નો ભોગ બનીને કારકિર્દી ખતમ થતી જુએ છે. સ્વીકારે નહિ તો ઈન્ડસ્ટ્રીમાંથી બીજે જ દિવસે હડસેલાઈ જાય છે. તમે કોઈ પણ હીરોને ચરીત્રનો શુદ્ધ માનતા હો, તો તમે ખૂબ ભોળા છો. આખી ફિલ્મ જુઓ તો આજ સુધીની ફિલ્મોમાં તમે જેટલા બંગાળી કલાકારો જોયા હોય તો બધા અહીં દેખાશે. ઉત્તમ કુમાર, શર્મીલા ટાગોર, અભિ ભટ્ટાચાર્ય, એસ. એન. બેનર્જી, સુબ્રતો, તરુણ ઘોષ, અનિલ ચેટર્જી... લગભગ બધા બંગાળીઓ. તમને ઝીણું કાંતવાની ટેવ હોય તો જોયું હશે, આખા દેશમાં એક માત્ર ગુજરાતીઓ એવા છે, જેમને ગુજરાતી હોવાનું કોઈ ગૌરવ નથી. આ તો ભગવાને પૈસો દોમદોમ આપ્યો છે, એટલે બધુ ચાલી જાય છે ને બીજાઓએ આપણને ચલાવી લેવા પડે છે, નહિ તો વ્હી. શાંતારામની ફિલ્મો કેવળ મહારાષ્ટ્રીયનોથી ભરેલી હોય, બંગાળીઓની ફિલ્મોમાં એ લોકો જ હોય, સાઉથની ફિલ્મોના તો ફાઈટરો કે કોરસ ડાન્સરો પણ ત્યાંના હોય... પંજાબી નિર્માતાઓ તો આપણને ગણતા પણ નથી... ને આપણને એનો વાંધો ય ક્યાં છે?

ફિલ્મના એક માત્ર ગુજરાતી કલાકાર મનમોહનને આ ફિલ્મમાં પણ એક સામાન્ય રોલ જ આપવામાં આવ્યો છે, પણ શક્તિ દા ની લગભગ ઘણી ફિલ્મોમાં એને કામ મળતું. એ વાત જુદી છે કે, હિંદી ફિલ્મોમાં કામ કરી ગયેલા અને કરતા એકે ય કલાકારે પોતે ગુજરાતી હોવાનું ગર્વ તો જાવા દિયો... ઉલ્લેખ પણ ક્યાંય થવા દીધો નથી. મનમોહનનો દીકરો નીતિન મનમોહન ફિલ્મોનું નિર્માણ કરે છે. એણે બનાવેલી ફિલ્મોમાંથી મેં એક જ 'દીવાનગી' (અજય દેવગણ, ઉર્મિલા મતોંડકર અને અક્ષય ખન્ના) જોઈ છે અને એ ગમી હતી.

આ ફિલ્મમાં પણ શક્તિ સામંતે ભરાય એટલા બંગાળીઓને ભરીને ફિલ્મ સુદ્રઢ બનાવી છે ને કામ સરસ થયું છે. શક્તિ સામંતે દેશને કલાસિકથી માંડીને કોમર્શિયલી તોતિંગ સાબિત થયેલી ફિલ્મો આપી છે. હાવરા બ્રીજ, જાલી નોટ, સિંગાપુર, નાટી બાય, ચાયના ટાઉન, એક રાઝ, કાશ્મિર કી કલી, સાવન કી ઘટા, એન ઈવનિંગ ઈન પરિસ, કટિ પતંગ, આરાધના, પગલા કહીં કા, જાને-અન્જાને, અમર પ્રેમ, અનુરાગ, અમાનુષ, આનંદ આશ્રમ, મેહબૂબા, ધી ગ્રેટ ગેમ્બલર અને બરસાત કી એક રાત. આમાંની હાવરા બ્રીજ, આરાધના અને બરસાત કી એક રાતની પ્રીતિશ નાન્દીએ ઍનિમેશન ફિલ્મો પણ બનાવી છે.

ઉત્પલ દત્તનું નામ આવે (બંગાળી ઉચ્ચાર : ઉત્પોલ દત્તો) ત્યાં જ દરેક સિને-ચાહકના ચેહરા ખુશ્નૂમા થઈ જાય, એવો લાડકો અભિનેતા હતો. મૃણાસ સેનની હિંદી ફિલ્મ 'ભુવન સોમ' (જે પણ અમદાવાદના રૂપમ સિનેમામાં ૬૯માં આવી હતી) નવાઈ લાગી શકે, પણ ઉંમરમાં એ ઉત્તમ કુમાર કરતા ય નાનો હતો. ઉત્તમ દા ૩ સપ્ટેમ્બર, ૧૯૨૬ તો ઉત્પલ દા ૨૯ માર્ચ, ૧૯૨૯. ઈવન શક્તિ સામંત પણ ૧૯૨૬માં જ. ૧૩ જાન્યુઆરી, ૧૯૨૬. ઈંગ્લિશ સાહિત્ય અને થીયેટરમાં ઉત્પલ દત્તે જીવન ખર્ચી નાંખ્યું એમ કહેવાય, કારણ કે બર્તોલ્ત બ્રેખ્તને પોતાના ગુરુ માનતા ઉત્પલ દત્તે આ મહાન નાટયકાર બેખ્તના 'ઍપિક થિયૅટર' પરથી જ પોતાના નાટયવૃંદનું એ જ નામ રાખ્યું. પૂર્ણપણે માર્ક્સવાદી વિચારસરણીને વરેલા આ ગ્રેટ કલાકારે આપણને ઋષિકેશ મુકર્જીની (ખાસ કરીને અમોલ પાલેકર સાથેની) ફિલ્મોમાં હસાવી હસાવીને પિદુડી કાઢી નાંખી હતી. ગુડ્ડી, ગોલમાલ, રંગબિરંગી, શૌકિન, નરમ ગરમ. વાંચવું ગમશે પણ અમિતાભ બચ્ચનની ફિલ્મો 'ઈન્કિલાબ' અને 'ધી ગ્રેટ ગેમ્બલર'માં મુખ્ય વિલનનો રોલ કરનાર ઉત્પલ દા અમિતાભની સૌ પ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની'ની મુખ્ય ભૂમિકામાં હતા. આપણને આજે ઉત્પલ દત્તની જોયેલી માંડ કોઈ ૮-૧૦ ફિલ્મોને કારણે એવું લાગે કે, લગભગ એટલી જ હિંદી ફિલ્મોમાં કાં કર્યું હશે, પણ ઉત્પલ દાએ ૭૫-૭૬ હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. નબળા સ્ક્રીપ્ટ રાઈટરોને કારણે તેઓ ઋષિકેશ મુકર્જી જેટલી સફળતા અન્ય ફિલ્મોમાં પામી શક્યા નહિ. બાસુ ચેટર્જીએ પણ 'પ્રિયતમા' કે 'હમારી બહુ અલકા'મા અચ્છું કામ લીધું હતું. ભારત સરકારે આ મહાન કલાકારને શ્રદ્ધાંજલિરૂપે એમની ટપાલ ટિકીટ બહાર પાડી હતી. ફિલ્મ 'અમાનુષ'નો ટાઈટલ રોલ ઉત્પલ દા નો છે, નહિ કે ઉત્તમ કુમારનો.

ફિલ્મનું એક માત્ર ઉધાર પાસું- સોનાની થાળીમાં લોઢાની પેલી શું...? જે હશે તે, પણ શ્યામલ મિત્રાનું સંગીત આજે ય ભૂલાઈ જવાને કાબિલ બન્યું હતું. બેંગોલી ફિલ્મ્સ અને ત્યાંના સંગીતમાં જબરદસ્ત મોટું નામ, પણ અહીં મુંબઈમાં જે કાંઈ ફિલ્મો કરી, એમાં ભાઈ તદ્ન નિષ્ફળ ગયા.

ઘણા વાંચકોને એ જાણવામાં રસ હોય છે કે ફિલ્મના મુખ્ય કલાકારો તો ઓળખીએ, પણ સાઈડીઓ નથી ઓળખાતા, જોયે ઓળખીએ, પણ નામ ન આવડે, જેમ કે આ ફિલ્મ 'અમાનુષ'માં ચરીત્ર અભિનેતા એસ. એન. બેનર્જીને જોયે સહુ ઓળખે, પણ ક્યા? મોટા ભાગની ફિલ્મોમાં હીરોઈનના પિતા બનતા આ બંગાળી કલાકાર ખૂબ ઊંચા, ચશ્માધારી અને હંમેશા પ્રેમાળ રોલ જ કરે, 'અમાનુષ'માં એ ઉત્તમ કુમારના પિતાનો રોલ કરે છે. સુબ્રતો મહાપાત્રને તમે દેવ આનંદની ફિલ્મ જ્હાની મેરા નામમાં આઈ. એસ. જોહરના નકલી આસિસ્ટન્ટ પોલીસ બનતો જોયો છે, તો તરૂણ ઘોષને શશી કપૂરની ફિલ્મ 'ચોર મચાયે શોર'માં શશીના ચમચાના રોલમાં જોયો છે. ઘણા ચાહકો ફિલ્મ 'અનુપમા'માં લતાનું 'ધીરે ધીરે મચલ, અય દિલે બેકરાર, કોઈ આતા હૈ...' ગીત ફિલ્મમાં પિયાનો ઉપર કોણે ગાયું છે, તે પૂછાવે છે. એ અભિનેત્રી હતી, સુરેખા પંડિત. દરેક ફિલ્મોમાં સાઉથ ઈન્ડિયનનો રોલ કરતો ઍક્ટર મિરાજકર છે. હારૂન અને મિર્ઝા મુશર્રફ સરખા દેખાતા હોવાથી ઘણાને તકલીફ પડે છે. બન્ને એક સંવાદ ઈંગ્લિશમાં બોલીને તરત હિંદીમાં અનુવાદ કરી દેતા. બન્ને હંમેશા વિલાયતી શૂટ બો-ટાઈ સાથે પહેર્યા છે. બન્ને તદ્ન પાતળા, વૃદ્ધ અને કામેડીના રોલ જ કરતા હતા.

(સીડી સૌજન્ય : ડો. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

No comments: