Search This Blog

26/02/2014

હું ત્યાં કેમ ન જન્મ્યો?

- આઆઆ... સાંભળ્યું છે કે તમારી ચોપડી-બોપડી બહાર પડે છે ને કંઈ?

- હા.

- તે લાવજોને... ટાઈમ બાઈમ હશે તો વાંચીશું.

આટલા વર્ષો પછી બુઢ્ઢો બાપ બનતો હોય અને મોટી ઉંમરે બાપ બનવાના તો મનમાં આનંદના કેટલા ફૂદાકા મારતા હોઈએ, એમ વર્ષો પછી બે પુસ્તકો બહાર પડી રહ્યા હોય ત્યારે પુસ્તકને કોઈ ચોપડી કહે, ત્યારે એ પુસ્તકનું એક એક પાનુ ફાડી, દરેકનો ડૂચો કરી એ સાલાના મોંઢામાં જબરદસ્તી ખોસી દેવાના ઝનૂનો ના ઉપડે? ને એમાં ય, ખેડૂતનું જુનું દેવું હોય ને જમીનદાર એક વધુ ઉપકાર કરવા કહેતો હોય, 'અચ્છા... ઘેર બાબો આયો છે, એમ? આપણા ઘેર મૂકતા જજોને... નવરા પડીશું તો બે ઘડી રમાડી લઈશું, મારા ભ'ઈ!' જેવી વાત થઈ.

આટલા માટે જ, મારા પુસ્તકો કોઈને ગિફટ આપતો નથી. એક ઘરે ડિનર પર અમને બોલાવ્યા હતા ત્યારે કિચનમાં અચાનક નજર પડી ત્યારે ખબર પડી કે, મારા પુસ્તકનો ઉપયોગ એ લોકોએ માઈક્રોવવના ચોથા પાયા નીચે મૂકવા માટે કર્યો હતો... તારી ભલી થાય ચમના... એ જ માઈક્રોવેવમાં બનેલો વઘારેલો ભાત મારે ખાવાનો?

મસ્તુભ'ઈને ખબર પડી એટલે, છત્રી બહાર મૂકીને મારા ઘેર આવ્યા. 'સુંઉ કાંઈ પુસ્તક-બુસ્તક બહાર પાડયું છે...?'

'હા મસ્તુભ'ઈ... વર્ષો પહેલા હું તો બહાર પડી ગયેલો... આ વખતે પુસ્તકો બહાર પાડયા.'

'ભ'ઈ, તમારા પુસ્તકો ભેટ આપવાના બહુ કામમાં આવે છે... ગઈ ફેરા તમારા તઈણે પુસ્તકો મારી સાળીના મેરેજમાં સ્ટેજ પર ચઢીને આલી આયેલો... એ બહુ રાજી થઈ. કહેતી'તી કે, આવા વીસ-પચીસ પુસ્તકો લાવજો તમે ત્યારે... કામમાં આવશે.'

હેડકી મને આવી. 'કામમાં આવશે? મારા પુસ્તકો કામમાં શું આવે મસ્તુભ'ઈ?'

'અરે, એ બિચારી ઘેર બેઠા અગરબત્તી બનાવે છે, તે ઘરાકને અગરબત્તીના એક પકેટની સાથે અશોક દવેનું એક પુસ્તક ગિફ્ટમાં બહુ ઉપડે છે...'

'મારું પુસ્તક...?'

'ના... અગરબત્તી બહુ ઉપડે છે.'

બધાને તો નાલેજ ન હોય, એટલે મોટા ભાગના વાચકો એમ માને છે કે, પુસ્તક અમે લખીએ છીએ એટલે અમને તો મફત મળતું હશે, એટલે સગાસંબંધીઓને ગિફ્ટમાં આપી દેવામાં વાંધો શું? ઉપરથી મારા ઘરનો કચરો ઓછો થાય!

આમ પાછી એ લોકોની ધારણા સાવ ખોટી ય હોતી નથી. લેખકોના ઘરમાં વધેલા પુસ્તકોની કિંમત કચરાથી વિશેષ હોતી નથી. લગભગ તો ઘરમાં બધા જીવો બાળતા હોય કે, આ લખવા-ફખવાને બદલે કોઈ મહેનતનો ધંધો કર્યો હોત તો ડોહા આજે બે પૈસા કમાઈને આલતા હોત!

વાચકોના ચાર પોસ્ટકાર્ડ આવે, એમાં તો ડોહા પોતાને નરેન્દ્ર મોદી માનવા લાગ્યા છે.

આ વાતે ય સાવ ખોટી નહિ. લેખકો નામ સિવાય કમાયા કાંઈ ન હોય. અમેરિકા-ઈંગ્લેન્ડમાં લખતા હોત તો પોતાના એરક્રાફ્ટ કે પોતાનું એરપોર્ટ હોત. અહીં તો ચોપડા લખવાની મજૂરી ગુમાસ્તાને મળતા પગારથી વધારે હોતી નથી. ગુજરાતમાં તો વાચકો ખુશ થાય તો ટૅક્સ કાપીને પંદર રૂપીયાની બોલપેન ભેટ આપે ને કહેતા જાય, 'દવે સાહેબ... હવે આ પેનથી લખજો, એટલે વધારે સારા લેખો લખાશે. રાંદલ માતાને ધરાવેલી પેન છે.'

સાલા જીવો બળી જાય કે, આ લલવાને બદલે આ પેન રાંદલ માતાએ ખુદ ભેટ આપી હોત તો, ભલે ને આ ઉંમરે એક એકસ્ટ્રા ખોળાનો ખુંદનાર તો દેત...! આ તો એક વાત થાય છે... આપણી એવી કોઈ મહેચ્છા નહિ.

છાપાઓમાં આપણે અનેકવાર વાંચ્યું છે કે, ધોળીયાઓના દેશમાં વાચકો ખુશ થાય તો મર્સીડીઝ ગાડી કે આખે આખો ફલેટ એમના પ્રિય લેખકને ગિફ્ટમાં આપી દે. આવા સમાચારો વાંચીને હું હિજરાઈ જાઉં છું કે, હું ત્યાં કેમ ન જન્મ્યો?

સિક્સર

'તમે કેરાલા જઈ આયા... અમારા માટે શું લાયા...?' એક પરિચિત બહેને લાડ કરતા પૂછ્યું.

'ઢીંચણ સુધી ચઢાવેલી લૂંગી.'

No comments: