Search This Blog

14/02/2014

'ગૃહસ્થી' ('૬૩)

ફિલ્મ : 'ગૃહસ્થી' ('૬૩)
નિર્માતા : જેમિની સ્ટુડિયો- મદ્રાસ
દિગ્દર્શક : કિશોર સાહૂ
સંગીત : રવિ
ગીતો : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૭ રીલ્સ
થીયેટર : નૉવૅલ્ટી કે કૃષ્ણ ?
કલાકારો : અશોક કુમાર, રાજશ્રી, મનોજ કુમાર, નિરૂપા રૉય, ઇન્દ્રાણી મુખર્જી, મેહમુદ, સુદેશ કુમાર, વંદના, બિપિન ગુપ્તા, લલિતા પવાર, ઇફ્તેખાર, નિરંજન શર્મા,કન્હૈયાલાલ, અચલા સચદેવ, પુષ્પાવલ્લી, ભારતી માલવણકર, શોભા ખોટે.


ગીતો

૧. પાયલ ખુલ ખુલ જાય રામ મોરી..... આશા- રફી
૨. આજ મિલી એક લડકી, જીસે દેખ તબિયત ફડકી... મુહમ્મદ રફી
૩. જાને તેરી નઝરો ને ક્યા કર દિયા, જબ તુઝે દેખું મોરા... લતા- રફી
૪. જા જા રે જા દીવાને જા, મૈને જો ચાહા તુઝકો... આશા- રફી
૫. જરા દેખ સનમ મેરા જઝબ-એ-દિલ, મુઝે આજ... લતા મંગેશકર
૬. ખિલે હૈ સખી આજ ફૂલવા મન કે, જાઉંગી સસુરાલ... લતા, આશા, ઉષા
૭. જીવન જ્યોત જલે, કોઉ ન જાને, કબ નિકસે દિન... આશા ભોંસલે
૮. વો ઔરત હૈ જો ઇન્સાનો કી ઊંચી શાન કરતી હૈ... મુહમ્મદ રફી
૯. ડિંગ ડૉન્ગ ડિંગ ડાન્ગ ડિંગ લાલા, હો કોઇ દિલ કો... ગીતા દત્ત

'જજ સાહેબ... હું નપુંસક નથી, એની સાબિતી આપવાની હોય તો આ ભરી અદાલતમાં હું આપ નામદારના ટૅબલ પર મારૂં શિષ્ન પછાડીને બતાવી શકું છું...!'

કેવી અભદ્ર ભાષા લાગે છે કે અહી લખતા ય મારે રિસ્ક લેવું પડયું છે, પણ ભરી અદાલતમાં દેશના મોટા વકીલોની હાજરીમાં નામદાર જજ સાહેબને હિંદી ફિલ્મોના એ વખતના ઘણા મોટા સ્ટાર કિશોર સાહૂએ આવી ભાષામાં, પોતાની પત્ની અને નંબર-વન અભિનેત્રી સ્નેહપ્રભા પ્રધાને પતિને નપૂંસક હોવાને કારણે છુટાછેડા આપવાની અદાલતને કરેલી માંગણીના અનુસંધાનમાં આવા ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત સજ્જને કહેવું પડયું હતું. નવાઇઓ એક પછી એક લાગી શકે છે કે, કિશોર સાહૂના આ જ વિવાદાસ્પદ, ચર્ચાસ્પદ કે ઘૂ્રણાસ્પદ કે બધા સ્પદે-સ્પદ બચાવને અદાલતે મંજૂર રાખીને ચૂકાદો કિશોરની તરફેણમાં આપ્યો હતો.

દેવ આનંદની ફિલ્મ 'ગાઇડ'માં વહિદા રહેમાનનો પતિ બનતો ચરીત્ર અભિનેતા કિશોર સાહૂ '૪૦ના દાયકાથી હિંદી ફિલ્મો માટે બહુ મોટુ નહિ તો બહુ નાનું નામે ય નહિ ! એ કિશોર સાહૂ ઉત્તમ ભલે નહિ, પણ સારો દિગ્દર્શક ઍટ લીસ્ટ જૅમિનીની આ ફિલ્મ પૂરતો તો હતો. ઘણી સુંદર ફિલ્મ બની હતી.

એની પત્ની સ્નેહપ્રભા પ્રધાન પણ કોઇ ઑર્ડિનરી બૅકગ્રાઉન્ડની નહોતી. એ મહારાષ્ટ્રીયન તો હતી જ, પણ ઇંગ્લિશ ઉપરાંત બીજી ત્રણ ભાષાઓ ફ્લ્યુઍન્ટ બોલી શકતી. આપણા ગુજરાતી નિર્માતા- દિગ્દર્શક ચીમનલાલ દેસાઇએ બૉમ્બે ટૉકીઝમાં ઓળખાણ કરાવીને એને ફિલ્મી હીરોઇન બનાવી કિશોર સાહૂ સાથે ફિલ્મ 'પુનર્મિલન'('૪૦)માં. બધાને તો નહિ પણ અફ કૉર્સ, અમારા જેવા બહુ વધુ પડતા જૂની ફિલ્મોમાં ડૂબેલાઓને આ સ્નેહપ્રભાએ આ ફિલ્મમાં ગાયેલું 'નાચો નાચો પ્યારે મન કે મોર..'ગીત યાદ હશે. એક પાર્ટીમાં એ આ ગીત ડાન્સ કરતા કરતા ગાય છે. આ જ ફિલ્મમાં કિશોર અને સ્નેહપ્રભા પ્રેમમાં પડીને લગ્ન કરી બેઠા. લગ્નના એક જ વર્ષમાં ડાયવૉર્સ ભલે આ જ ગ્રાઉન્ડ ઉપર થયા, પણ અદાલતમાં બોલાયેલી પેલી ભાષા છાપાવાળાઓએ અક્ષરસઃ લખી, તેનાથી ખૂબ નારાજ થયેલી સ્નેહપ્રભાએ એને 'ઇરીસ્પૉન્સિબલ જર્નાલિઝમ' તરીકે વખોડી કાઢ્યું હતું.

એક બીજી રસદાર વાત અહી બની. સ્નેહપ્રભા પ્રધાનને મરાઠી ફિલ્મ 'પહિલી મંગલાગૌર'માં હીરોઇન લેવામાં આવી, ત્યારે દેવ આનંદની ફિલ્મ 'હમદોનો' વાળી નંદાના પિતા માસ્ટર વિનાયકની રીક્વૅસ્ટથી દિગ્દર્શક જુન્નરકરે ૧૩- વર્ષની લતા મંગેશકરને પણ ગાયિકા નહિ, અભિનેત્રી તરીકે લીધી. આ ફિલ્મનો હીરો શાહુ મોડક હતો. જેને તમે રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'તલાશ'માં મન્ના ડેનું 'તેરે નૈના તલાશ કરે જીસે વો હૈ તુઝ હી મેં કહી દીવાને' ગાતા જોયો છે. પણ આ મરાઠી ફિલ્મની એક ખાસ વાતે ફિલ્મને આખા દેશમાં ધૂમધામ સફળતા સાથે પ્રસિધ્ધ કરી નાંખી, આ ફિલ્મને સૅન્સર બૉર્ડે 'પુખ્ત વયનાઓ માટે જ'નું સર્ટિફિકેટ એટલા માટે આપ્યું હતું કે, ફિલ્મમાં મધુરજની (હનીમૂન)ના દ્રષ્યો વખતે પરદા ઉપર અંધારૂં અને પાછળથી અવાજો રૉમૅન્ટિક ગુસપુસના આવે છે, એ સૅન્સરને ગંદુ લાગ્યું હતું. લોકો બમણા ફૉર્સથી આ ફિલ્મ જોવા ગયા. કૉમેડી એ વાતની થઇ કે, પ્રેક્ષકો સિનેમામાં ફ્લૅશલાઇટો સાથે લઇને જતા, જેથી પરદા પર પેલા દ્રષ્યમાં આવતા 'મજેદાર' અંધારાવાળું દ્રષ્ય ટૉર્ચના પ્રકાશે જોઇ શકાય...! તારી ભલી થાય ચમના... તને બાજુના મકાનમાં ય રહેવા દેવાય એમ નથી ! જીવનના છેલ્લા ૪૦ વર્ષો સ્નેહપ્રભા પ્રધાને પોતાના બીજા પતિ ડૉ.શિરોડકર સાથે સમાજસેવામાં વિતાવ્યા.

તો એ સ્નેહપ્રભા પ્રધાનનો માજી હસબન્ડ કિશોર સાહૂ આ ફિલ્મ 'ગૃહસ્થી'નો દિગ્દર્શક હતો. અમદાવાદમાં આ ફિલ્મ '૬૩-ની સાલમાં આવી હતી. એટલે મને થીયેટર યાદ તો હોય કે, ઘીકાંટાની નૉવૅલ્ટીમાં આવ્યું હતું. છતાં ય મદ્રાસના જૅમિની સ્ટુડિયોની ઑલમોસ્ટ તમામ ફિલ્મો કૃષ્ણ ટૉકીઝમાં જ આવતી હોવાથી હું થોડો તો ડર્યો છું. ટૉકીઝના મામલે ! અશોક કુમાર 'દાદામોની' આજ સુધીના બેશક સર્વોત્તમ ''અક્ટર'' હતા, એની સાબિતી તો એમણે ફિલ્મે ફિલ્મે આપી છે, છતાં ય આ ફિલ્મમાં કેવો પ્રતિભાવંત રોલ એમણે કર્યો છે, વાહ ! એ કરોડપતિ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. નિરૂપા રૉય એમની પત્ની અને સાત દીકરીઓ. એમાંની એક રાજશ્રી (વ્હી. શાંતારામની જયશ્રીથી થયેલી દીકરી) મોટી વંદના, જેને તમે ફિલ્મ 'નવરંગ'માં આશા ભોંસલેના મુજરા ગીત 'આ દિલ સે દિલ મિલા લે, ઇસ દિલ મેં ઘર બસા લે ઓ રસિયા, મન બસીયા, આજા ગલે લગા લે' ગાતા જોઇ છે. ત્યાર પછી રાજેશ ખન્નાના પોતાના દાવા મુજબની એની પહેલી ફિલ્મ 'આખરી ખત'ની હીરોઇન ઇન્દ્રાણી મુકર્જી. ત્રણે પરણાવવા લાયક થઇ ગઇ હોવા છતાં નિરૂપા રૉય હજી બીજા એક બાળકની માં બને છે, પણ હસતા- ગાતા આ સુખી સંસારમાં ૧૩- ૧૪ વર્ષનો એક કિશોર હલચલ મચાવી દે છે કે, એ પણ અશોક કુમારનો જ પુત્ર છે. અશોક સપ્તાહમાં ફક્ત શનિ-રવિ ઘેર આવતો, પણ બાકીના પાંચ દિવસ એ ક્યાં રહે, તેની કોઇને ખબર નહિ, આ આખી વાતનો સસ્પૅન્સ હું ખોલતો એટલા માટે નથી કે, હું તમને બધાને સાગમટે વિનંતિ કરવાનો છું કે, ડીવીડી મંગાવીને આવી ઉત્કૃષ્ઠ ફિલ્મ જોઇ લેજો.

ફિલ્મની નામની હીરોઇન રાજશ્રી છે ને નામનો હીરો મનોજ કુમાર છે. નામના એટલા માટે કે ગીતો કાઢી નાંખો તો બન્નેને ટોટલ ૪-૫ સંવાદો બોલવાના આવ્યા છે. રાજશ્રીનું તો કેવું થયું કે, છેલ્લે છેલ્લે જીતેન્દ્ર સાથે ફિલ્મ 'સુહાગ રાત' પૂરી કરીને સાસરે ગઇ એ ગઇ... પછી આજ સુધી એનો એક ફોટો ય જોવા મળ્યો નથી. આજે એ કેવી લાગતી હશે, હમ કુચ્છ નહિ જાનતે... કોઇ કુચ્છ નહિ જાનતા...!

તે થયું હતું એવું કે, એ ફૂલફટાક હીરોઇન હતી, તે દિવસોમાં મુંબઇમાં તાજમહલ હોટેલ અને સન-ઍન્ડ-સૅન્ડ સિવાય ભાગ્યે જ બીજી કોઇ ફાઇવ-સ્ટાર હૉટેલ હતી. વ્હી.શાંતારામના ઘેર પાણીની તકલીફ હશે. તે રાજશ્રી રોજ સવારે નહાવા સન-અન્ડ-સન્ડ હોટેલના સ્વિમિંગ પૂલમાં જાય, એમાં એક દિવસ એક જર્મન હૅન્ડસમ ધોળીયો ય નહાવા પડયો હતો. તરતા તરતા બન્ને ક્રોસ થયાં એમાં આ ગ્રેગરી ચૅપમૅનનો હાથ ક્યાંક અડી ગયો, એમાં લજ્જાની દેવી ભારતીય નારીથી શરમનો માર્યો જીભડો બહાર નીકળી ગયો. જર્મનીમાં એવો રિવાજ હશે કે, કોઇ સ્ત્રી જીભ બહાર કાઢે, તો એ તમને ચુંબન માટે નોતરૂં આપી રહી છે, એવું સમજવાનું. પેલી એ જ સમજી, ત્યાં સુધીમાં ગ્રૅગરીએ રાજશ્રીને નહાતા નહાતા લાંબુ ચુંબન ખેંચી નાંખ્યું. એમાં પ્રેમ થઇ ગયો ને બે પરણી ગયા. રાજશ્રી કાયમ માટે ઇન્ડિયા છોડી ગઇ.

...પણ કહે છે કે, આ બનાવ પછી મુંબઇ ભરના ભારતીયો રોજ સવારે આ સ્વિમિંગ પૂલમાં નહાવા માટે લાઇનો લગાવતા ને કોણ જીભડો બહાર કાઢે છે, એની લ્હ્યાયમાં ને લ્હ્યાયમાં હાળાઓ નહાયા-ધોયા વગર પાછા આવતા.

અમદાવાદમાં તો જૅમિનીની ફિલ્મો પૂરબહારમાં આદર સાથે જોવાતી. આ સ્ટુડિયોના માલિક એસ.એસ.વાસને નામ જૅમિની એટલા માટે રાખ્યું હતું કે, રૅસના શોખિન વાસનનો પોતાની માલિકીનો એક ઘોડો હતો, જેનું નામ 'જૅમિની' હતું. કેવી સુંદર ફિલ્મો જેમિનીએ આપી હતી ? કલ્પના, ઇન્સાનીયત, પૈગામ, સંસાર, બહોત દિન હુએ, ઘરાના, ઔરત (રાજેશ ખન્નાની ખરી પહેલી ફિલ્મ), તીન બહુરાનીયાં અને વહિદા-રાજેન્દ્રનું શતરંજ, જીંદગી, ઘુંઘટ અને ગૃહસ્થી. ચૅન્નઇમાં અત્યારે જે ફાઇવસ્ટાર 'ધી પાર્ક હૉટેલ' છે, ત્યાં જ એક જમાનામાં જેમિની સ્ટુડિયો હતો.

અમિતાભવાળી રેખાની મમ્મી પુષ્પાવલ્લી પણ આ ફિલ્મમાં એક નાના રોલમાં છે. મનોજ કુમારની માં ના રોલમાં. રેખાના પિતા જેમિની ગણેશનની આ પત્ની પણ એના જમાનાની બહુ નામી હીરોઇન હતી, પણ એક વખત તમારો સમય પૂરો થઇ ગયો, પછી આ ફિલ્મનગરી તમારી સામે ય જોતી નથી. બહુ જૂની ફિલ્મોના જાણકાર વાચકોને આજે ય જબિન જલિલનું નામ યાદ હશે, જેના ઉપર લતાનું 'કૈદ મેં હૈ બુલબુલ સૈયાદ મુસ્કુરાયે...' કે 'તા થૈયા કરતે આના, ઓય જાદુગર મોરે સૈયા' ફરી પાછી હિંદી ફિલ્મોમાં આવી રહી છે- હીરોઇન કે ઍક્ટ્રેસ તરીકે નહિ, પ્રોડયુસર તરીકે, નિશીની જેમ પોતાના પુત્ર દ્વિજને ફિલ્મોમાં ચમકાવવા જબિન જલિલે કમર કસી છે. આજે ય એવી જ સુંદર લાગતી આ હીરોઇનને પણ ફિલ્મોવાળાઓએ હડધૂત કરવામાં બાકી નથી રાખ્યું. એણે પોતે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મનોજ કુમાર સાથે ફિલ્મ 'પંચાયત'માં (તા થૈયા કરતે આના..) કામ કર્યું હતું. પણ મનોજ ક્યારેય જબિનનો ઉલ્લેખ કરતો નથી. આમિરખાનનો બહુ કડવો અનુભવ જબિનને થયો. પોતાની ફિલ્મનું બ્રોશર અને આમિરના બાળકો માટે ચોકલૅટ્સ અને મીઠાઇઓ લઇને આમિરખાનના ઘેર ગઇ. એ નહતો, પણ આમિરે એ પછી ફોન કરવાની તસ્દી ય લીધી નથી. સંજય દત્ત એને ગમે છે, એટલે એને મળવા માટે જબિને અનેક ફોન કર્યા, પણ દર વખતે એનો સેક્રેટરી ધરમ ઑબેરૉય ટાળી દેતો કે, સંજયજી બિઝી હૈ. આ લોકોના જનમે ય નહોતા થયા ત્યારે નામવર હીરોઇન રહી ચૂકેલી જબિનને આ લોકોની 'કર્ટસી' ઉપર આશ્ચર્ય થાય છે. ખૂબ પ્રસન્ન ચેહરે વાત કરતી જબિન જલિલ પોતે સૈયદ મુસ્લિમ છે, જ્યારે એનો પતિ અશોક કાક કાશ્મિરી પંડિત છે અને ખૂબ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે.

'ગૃહસ્થી'ના સંગીતમાં બહુ પડવા જેવું નથી. રવિ કાંઇ ઉકાળી શક્યા નથી, પણ મુહમ્મદ રફી સાહેબના ચાહકોએ ન ગૂમાવવા જેવું અને આશા ભોંસલે સાથે ખૂબ અઘરી સરગમ સાથે ગાયેલું, 'પાયલ ખુલ ખુલ જાય મોરી..' આલ્બમમાં ભરી લેવા જેવું છે. વડોદરાના આજીવન રફી પ્રેમી શ્રી.હરેશ જોશીએ રફી સાહેબનું ૩-૪ શાસ્ત્રીય રાગો પર આધારિત ગીત 'દે દે મોરી મુન્દરી કાન...'' મને મોકલાવ્યું છે. ચાહકોએ તાબડતોબ વસાવી લેવા જેવું છે. ફિલ્મનું નામ મને મળ્યું નથી.

ફિલ્મમાં કૉમેડી માટે મેહમુદ અને શોભા ખોટે બન્ને છે, પણ કૉમેડી કઢાવવી, એ તો વાર્તાલેખક અને દિગ્દર્શકનું કામ છે. બન્ને વેડફાઇ ગયા છે. બહુ ઓછાને યાદ હશે કે, એ જમાનાની ફિલ્મોમાં શોભા ખોટે હોય, એટલે એક દ્રષ્ય સાયકલ ચલાવતી દર્શાવવાનું જ. કારણ... શોભા સાયક્લિંગની નૅશનલ ચૅમ્પિયન રહી ચૂકી છે. આપણી શુધ્ધ ગુજરાતી નિરૂપા રૉયે પોતાની મોચી જ્ઞાતિનું નામ ઉજ્જવળ કર્યું છે, પણ એના દીકરાની વહુને અસહ્ય ત્રાસ આપવામાં એનું નામ અખબારોમાં ચઢી ચૂક્યું છે.

ફિલ્મના ટાઇટલ્સમાં લતાના ભાઇ હૃદયનાથ મંગેશકરના પત્ની ભારતી માલવણકરનું નામ છે. ઇન ફૅક્ટ, સિતાર ઉપર પરફૅક્ટ આંગળીઓ ફેરવતી નિરૂપા રૉયની સાથે રાગ સોહિણી પર આધારિત આશા ભોંસલેનું, 'જીવનજ્યોત જલે...' ગાતી અભિનેત્રી દેવિકા છે, જે તેલગુ ફિલ્મોની એ સમયની ખૂબ સેક્સી અભિનેત્રી ગણાતી. અહી એક લોચો તો છે જ. ફિલ્મમાં ભારતી માલવણકર કયો રોલ કરે છે, તેની માહિતી મળતી નથી. તદઉપરાંત, હૃદયનાથના પત્ની ભારતી મરાઠી ચિત્રપટોના જાણિતા કૉમેડિયન દામુઅન્નાના પુત્રી છે, એજ ભારતી માલવણકર આ, એ નક્કી થઇ શકતું નથી. (પુરૂશોત્તમવાળા 'માવલંકર' પાછા જુદા !)

કમનસીબે બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ ખાસ કાંઇ તડકો પાડી શકી નહોતી, પણ આપણે જોવાય... ખાસ કરીને અશોક કુમારના બેનમૂન અભિનય માટે !

(સીડી સૌજન્ય : શ્રી ભરત દવે-સુરત)

1 comment:

Anonymous said...

de de mori mundri kaan aa geet saat saaliya 64 [ punjabi film ] nu che.