Search This Blog

23/02/2014

ઍનકાઉન્ટર: 23-02-2014

* આપને કેજરીવાલના પક્ષમાં જોડાવાની ઈચ્છા ખરી ?
- મને પરપોટામાં સોફા મૂકીને બેસવાની આદત નથી.
(હનીફ વૈયલ નોડે, લુડીયા-કચ્છ)

* એક માત્ર નરેન્દ્ર મોદી વાંચ્યા વગર ભાષણ કરે છે... બાકીના ?
- લોકો એમનું ભાષણ વાંચી વાંચીને હલવઈ જાય છે !
(રણજીતસિંહ ગોહિલ, રાજકોટ)

* પદ્મવિભૂષણ'ના લિસ્ટમાં તમારૂં નામ કેમ નહિ ?
- જે બ્રાન્ડના લોકોને આવા એવોડર્સ અપાય છે, તે જોયા પછી સરકાર તરફથી અગરબત્તીની કૂપન પણ ન લેવાય !
(જયેશ અંતાણી, ભાવનગર)

* ભારતની સવા અબજની વસ્તીમાં હવે પછી રામ, કૃષ્ણ, મહાવીર, મહાદેવ કે મુહમ્મદ ફરી જન્મ લેશે ખરા ?
- એ બધાની જ અસીમ કૃપાથી આપણે સહુ અખંડિત છીએ.
(ગીરિશ વી. વાઘેલા, અમદાવાદ)

* 'ભારત બચાવો' આંદોલન થાય તો એમાં કોણ કોણ જોડાય ?
- જેમનાથી ભારતને બચાવવાનો છે.
(મુકેશ ચંદારાણા, મીઠાપુર)

* શું આપ નિવૃત્તિને કારણે અમેરિકા જઈ રહ્યા છો ?
- ત્યાંના નિવૃત્ત ગુજરાતીઓને મળવા.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* સ્ત્રીઓ પુરૂષો જેટલી સફળ કેમ થતી નથી ?
- એમને પુરૂષોથી નહિ, સ્ત્રીઓથી વધારે સાચવવાનું હોય છે, માટે !
(ભરત ડી. સાંખલા, ડીસા)

* બસમાં સ્ત્રી-કન્ડક્ટર કેમ નથી હોતી ?
- આમાં ઘર ચલાવવાનું નહિ, બસ ચલાવવાની હોય છે, માટે.
(પ્રહલાદ જેરાવળ, રાજપીપળા)

* દિગ્વિજયસિંઘ વિશે શું માનો છો ?
- સામાન્ય સ્તરના કોમેડિયન... પણ એમનાથી ય વધુ બદતર કોમેડિયનો એમના પક્ષમાં છે, એટલે ભ'ઈ ચાલી ગયા છે.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* યુનિફોર્મ વિદ્યાર્થીઓ માટે જ... શિક્ષકો માટે કેમ નહિ ?
- શિક્ષકો ચડ્ડીમાં સારા ન લાગે !
(હારૂન ખત્રી, જાં ખંભાળીયા)

* ચૂંટણી પછી ઘણા નેતાઓ ગુમ થઈ જાય છે. સુઉં કિયો છો ?
- લોકસભાની આ ચૂંટણી આવવા દો... આખેઆખા ઘણા પક્ષો પણ ગુમ થઈ જશે.
(કાનજી ભદરૂ, ગોલગામ-બનાસકાંઠા)

* અમારે આપનો ફોટો જોઈએ છે. મોકલશો ?
- મારા રેડિયોલોજીસ્ટનું સરનામું મોકલી આપીશ.
(રશ્મિ/પંકજ/બોબી, અમદાવાદ)

* મારે હાસ્યલેખક બનવું છે. શું કરવું ?
- આવી નહિ... કોઈ સારી કોલમો વાંચો.
(નારાયણદાસ સોની, અમદાવાદ)

* દાદુ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બાટલીબોય કેમ વધતા જાય છે ?
- ગુજરાતનો એક પણ યુવાન નોકરી વગરનો ન રહે, તે જોવાની જવાબદારી સરકારે સ્વીકારી છે.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* કવિઓ કાયમ માપ વગરના ઝભ્ભા કેમ પહેરતા હોય છે ?
- કાઢતા પણ હોય છે !
(જયેશ અંતાણી, ભાવનગર)

* તમારી પૂર્વ પ્રેમિકાઓની વાત તમારા પત્નીને કહો છો ખરા ?
- એ બધી સ્ટુપિડોએ એમના ગોરધનોને બધી વાત કરી દઈને મને છોલી નાંખ્યો છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* હું માનવી માનવ થાઉં તો ઘણું... પણ થાઉં કેવી રીતે ?
- પહેલા કોઈ સારા દરજી પાસે ઢંગના લેંઘા-ઝભ્ભા સિવડાવી લો.
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* ધર્મગુરૂઓના પ્રવચનો અને નેતાઓના પ્રવચનો વચ્ચે શો તફાવત ?
- ધર્મગુરૂઓ મોટી વોટ-બેન્ક બની ગયા છે. સત્તાધિશો એમના શરણે છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* અહીં કેનેડામાં અમને ફક્ત તમારૂં 'એનકાઉન્ટર' જ વાંચવા મળે છે, 'બુધવારની બપોરે' અને 'ફિલ્મ ઈન્ડિયા' કેમ નહિ ?
- કેવા બચી ગયા છો... ! મારો આભાર માનવાને બદલે ફરિયાદ કરો છો... ઓહ ! કોઈ પંખો ચાલુ કરો.
(મધુરી પ્ર.શાહ, ટોરોન્ટો-કેનેડા)

* સ્ત્રીઓને સહજ કેમ પારખી શકાતી નથી ?
- આમાં તો આપણી બાઓ ય આવી ગઈ... !
(કેશવ કટારીયા, રાજકોટ)

* જવાબો આપવાની આપની કલા લાજવાબ છે. રહસ્ય શું ?
- આમ તો હું પોતાના નામની પાછળ ભાઈ કે બેન લગાડનારના કેવળ નામો જ રાખું છું... તમારા કેસમાં આખું નામ લખવું પડે છે... !
(રૂપાભાઈ ચૌહાણ, ઉંદરેલ)

* લગ્નપ્રસંગે અપાતી શુભેચ્છાઓનું મૂલ્ય કેટલું ?
- આ બધી છટપટમાં પડયા વગર ચાંદલો ગણી લેવો.
(ડૉ. પિયુષ એફ. શુકલ, વડોદરા)

* ફિલ્મ 'એક દૂજે કે લિયે'ની જેમ તમે ક્યારેય લિફ્ટને અધવચ્ચે રોકી છે ?
- મેં નહિ... એક ડોહાએ રોકી હતી... સાલો... !!!
(અજય વ્યાસ, બિલખા)

* સવા સો કરોડની વસ્તી હોવા છતાં ઓલિમ્પિકમાં આપણા દેશને કેમ એક પણ ગોલ્ડ મેડલ મળતો નથી ?
- આપણું લક્ષ્ય 'ગોલ્ડ' છે... 'મેડલ' નહિ !
(ગીરિશ પંડયા, દોલતપુરા-થરાદ)

* ગરીબો માટે 'ધરતીનો છેડો ઘર' ઉક્તિ સાર્થક છે ખરી ?
- કેમ બહુ ઢીલા થઈ ગયા... ?
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* અશોકજી, રાજકારણમાં નેહરૂ યુગનો અંત ક્યારે આવશે ?
- ૧૨૫-કરોડ, ૭૮-લાખ, ૯૬-હજાર, ત્રણસો ને સત્તાવન... ! આવી મહેચ્છા રાખનાર તમારો નંબર અઠ્ઠાવનમો છે !
(કેશવ બી. કક્કડ, અમદાવાદ)

No comments: