Search This Blog

01/06/2014

ઍનકાઉન્ટર : 01-06-2014

* સરકાર કઇ છે ? ભાજપની સરકાર કે મોદી સરકાર ?
- આપણી સરકાર
(સંદીપ ગઢીયા, સુરત)

* અશોક દવે માટે અમદાવાદ અને અમેરિકા વચ્ચે શું ફરક છે ?
- ધૅટ્સ ફાઈન... 'વિકાસ' થશે તો અમદાવાદને અમેરિકા બનાવીશું.. નહિ થાય તો અમેરિકાને અમદાવાદ...!
(યશોધન-ધન્વી દવે, મોરબી)

* 'આઈ લવ યૂ' કરતાં ય વધુ સારા શબ્દો છે, 'પૅમેન્ટ લઇ જાઓ'... ! સુઉં કિયો છો
- હા, પણ પ્રેમિકાને 'પેમેન્ટ લઇ જાઓ' એવું ન કહેવાય !
(અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ-તલોદ)

* લોકો રોજ રાત્રે સૂતી વખતે છતને કેમ જોયે રાખે છે ?
- ગરોળી નહિ આવે ને ?
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* આ હવે ઈ-મેઇલવાળું ચાલુ કર્યું છે, તો અમેરિકામાં જ રોકાઈ જવાનો વિચાર નથી ને ?
- ઇન્ડિયા છોડયા પછી મેં વિચારવાનું બંધ કર્યું છે. અહીં જીવવા કરતા વિચારવાનો ખર્ચો મોટો આવે છે.
(કલ્પેશ જે. પટેલ, વાપી)

* ગુજરાતમાં દારૂ કાયદેસર થાય તો શું વાંધો છે ?
- બાને...! બા બહુ ખીજાય !!
(પ્રહલાદ રાવળ, રાજપિપળા)

* ભરઉનાળામાં વરસાદ પડે તો શું સમજવું ?
- છત્રીની દુકાન ખુલ્લી નહિ હોય.
(ચૈતાલી વત્સલ શાહ, અમદાવાદ)

* 'અશોક દવેના સીધા ચશ્મા' ક્યારે શરૂ કરો છો ?
- મને 'ઊંધા' જોવાના ખૂબ ગમે છે, ત્યાં સુધી નહિ.
(શરદ મહેતા, વડોદરા)

* એક દીકરીના બાપ તરીકે તમે સમાજને શું સંદેશો આપો છો ?
- કેમ, દીકરાના બાપને તડકે મૂકી આવવાનો છે ?
(ડી.વી.પરમાર, સંખેડા)

* ભારત વિકસિત દેશ ક્યારે બનશે ?
- હું ભારત પાછો આવું, ત્યાં સુધી રાહ જુઓ ને, ભ'ઇ !
(અઝીમ સુરાણી, આણંદ)

* 'ઍનકાઉન્ટર' કોલમ શરૂ કરવાનો હેતુ શું હતો ?
- ક્યાંય બહુ લાંબી બુધ્ધિ નહોતી ચાલતી તે, મેં ' કુ...
(સુનિલ ચૌહાણ, સુરપુરા-બેચરાજી)

* હવે બધા બ્રાહ્મણોએ ભેગા થવાની જરૂર નથી લાગતી ?
- બ્રાહ્મણોમાં ૮૪ પેટા જ્ઞાાતિઓ છે. પહેલો મુદ્દો એ ઉઠશે કે, આ ૮૪-માં સૌથી ઉંચા કયા બ્રાહ્મણ કહેવાય ? સાલું બીજે નંબરે ય કોઈ નહિ હોય !
(ગોપાલ ભટ્ટ, વડોદરા)

* મુહમ્મદ રફી સાહેબને 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' કે 'ભારત રત્ન'નો એવોર્ડ કેમ નહિ ?
- રફી સાહેબના ચાહકો હોવાનો દાવો હજારો કરે છે, પણ એમાંનો એકે ય રફી સાહેબને આ એવોર્ડ મળે, એ માટે કેમ હજાર ચાહકોને ય ભેગા કરી શક્તો નથી ?... ખાલી વાતો જ કરવી છે બધાને...!
(બિમલ જાની, વડોદરા)

* અકબરના દરબારમાં બિરબલને સ્થાને તમે હોત તો ?
- હા, પણ અહીં કોણ સંભાળત ? બિરબલ કરતાં આ કામ અઘરૂં છે.
(દિવ્યેશ વાંઝા, નડિયાદ)

* અશોકભાઈ, અમેરિકામાં ગુજરાતી ભોજનનો સ્વાદ ઇન્ડિયા જેવો કે...?
- સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા...
(મહાવીર રામાનૂજ, જોરાવરનગર)

* 'ખુદા મેહરબાન, તો ગધા પહેલવાન', પણ 'ગધા મહેરબાન... તો ?'
- મારા ઉપર તો કોઈ ગધેડો જ મેહરબાન નથી થતો.
(કિર્તી ધામી, ડોમ્બિવલી)

* રાહુલ ગાંધી...હવે ?
- રાધેરાધેરાધે... શીરા- પુરી ખાજે...!
(હર્ષવદન પુરોહિત, જૂનાગઢ)

* સ્ત્રીઓનું છેલ્લું હથિયાર આંસુ, તો પુરૂષનું ?
- બેવકૂફોને હથિયાર રાખવાની સૂઝ હોત તો દહાડા આ જોવાના આવ્યા હોત?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* હવે અમેરિકાને કહેતા આવો કે વિઝાના નિયમો બદલી નાંખે..
- એના કરતાં હવે આપણા વિઝાના નિયમ બદલાશે.
(યશ મહેતા, અમદાવાદ)

* આપે લખ્યું હતું કે, ડિમ્પલના પહેલા ગોરધને રાજકારણમાં બહુ માર ખાધો હતો...પહેલાં તો સમજ્યા, રાજેશ ખન્ના, પણ બીજો કોણ ?
- ... તારી ભલી થાય, ચમના...!
(જયદેવ એચ. વ્યાસ, અમદાવાદ)

* રાખી સાવંત ચૂંટણીમાં ઊભી હતી... કેમ હારી ગઈ ?
- પ્રજામાં હજી અક્કલ છે.
(રાજ પટેલ, ખણસોલ-આણંદ)

* કેજરીવાલ પીએમ બનત તો શું થાત ?
- મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી, મુઝકો રાતોં કી સિયાહી કે સિવા કુછ ના મિલા... હોઓઓઓ!
(જય શાહ, વડોદરા)

* ઉનાળો ધખધખતો હોવા છતાં કેરીની સીઝન ફિક્કી કેમ ?
- કહે છે કે, હવે તો કેરીના સુંદર રંગીન ફોટા ય મળે છે.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)

* તમને અમેરિકાનું વાતાવરણ વધારે ફાવે છે કે ઇન્ડિયાનું ?
- સુંદર પડોશણના ઘેર ચા-પાણી માટે જવાય... રહેવા નહિ !
(ધ્રુવ ચાંદલાવાલા, હાલોલ)

* સમ્રાટ અશોક જેવી તલવાર છે તમારી પાસે ?
- કાતર છે.
(હેતુ ટેલર, હિંમતનગર)

* સોનિયાજી હવે ભાજપમાં ક્યારે જોડાય એવું લાગે છે ?
- મારા ખ્યાલથી તો કોઈ અપક્ષ પણ એમને નહિ બોલાવે.
(કૈલાસ હરિનારાયણ ભટ્ટ, અમદાવાદ)

* હવે સોનિયાજીનો વિદાય સમારંભ ક્યારે ?
- આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે... !
(નૂતન ભટ્ટ, સુરત)

No comments: