Search This Blog

11/06/2014

આપણે ત્યાં હૉર્ન ન વગાડો તો ગાળાગાળી થાય...

એક ન્યુયૉર્કને બાદ કરતા આખું અમેરિકા ફરો, ક્યાંય ગાડીનું હૉર્ન ન સંભળાય. એનો મતલબ એ નથી કે અમેરિકનો રોડ ઉપર નહિ, ઘરમાં ગાડી લાવીને હૉર્નો વગાડતા હશે. પણ ડીસિપ્લીન એ ગજાંની કે, રોડ ઉપર સીધી લીટીમાં ગાડીઓ જતી હોય ને આજુબાજુની લૅન ખાલી હોય, છતાં કોઇ લૅન બદલે નહિ કે હૉર્ન વગાડે નહિ. ગાડીમાં હૉર્ન ક્યાં આવેલું છે, એની એમને ખબર છે તો ય...! દુનિયાભરની ગાડીઓના હૉર્ન્સ (આપણી ભાષામાં હૉર્નો...)ની ખામી એ હોય છે કે, એ પિયાનો કે વાંસળીની માફક સૂરમાં વગાડી શકાતા નથી. અલબત્ત, ગુજરાત પૂરતી એટલી છુટ હોય છે કે, હૉર્નની સાથે એક-બે ગાળ ફ્રીમાં અપાય છે. હૉર્ન જો સૂર છે, તો ગાળ તાલ છે ને શહેરના ટ્રાફિકમાં હરકોઇ એમના પૂજ્ય અથવા સ્વર્ગસ્થ પિતાશ્રીનું રાજ હોય, એમ હૉર્ન કોઇ સાંભળે ય નહિ, ત્યારે અહીં લખીએ તો મઝા પડે, પણ લખાય નહિ એવી ગાળો ગાડીની બારીમાંથી ડોકું કાઢીને ચોપડાવવાની હોય છે. જે તાલ (બીટ્સ)માં પરિવર્તીત થાય છે. એનાથી ટ્રાફિક સુધરતો નથી, પણ ગાળનું ગ્રામર સુધરે છે. કહે છે કે, હવે તો ગુજરાતીઓ હૃસ્વ-દીર્ઘની જોડણી વિનાની ગાળો બોલી શકે છે. અમદાવાદમાં એવું કહેવાનો ફાંકો વર્ષોથી ચાલ્યો આવે છે કે, ''બૉસ... ગાળો ઉપરની આપણી માસ્ટરી જોવી છે?.... બૉસ, એક શરૂ કરૂં ને સો-સવા સો સુધી તો એકે ય ગાળ રીપિટ ન થાય, વાત શું કરો છો...?''

આપણે વાત એ કરતાહતા કે, હૉર્ન જો સૂર છે, તો ગાળ એ તાલ છે. હૉર્ન વગાડવું પડે, એ સાથે જ 'તાગી ન ધિનક તિન તાગી ન ધિનક તીન....'ના તાલે શહેરના સી.જી. રોડ પર ગાળો બોલવાની હોય છે.

પણ અમેરિકા અને ઈન્ડિયા વચ્ચે ફરક એટલો કે, આપણે ત્યાં હૉર્ન ન વગાડો તો ગાળાગાળી થાય ને અહીં અમેરિકામાં હૉર્ન વગાડો તો મારામારી થાય! શિસ્ત કોઇ તોડતું નથી અને તોડે તો પોલીસવાળાઓ આખેઆખું તોડી લે છે. અહીં પૂરા દેશમાં લૅફટ-હૅન્ડ ડ્રાઇવ છે અને સીટ-બૅલ્ટ તો બાજુવાળાને પણ પહેરવો પડે, નહિ તો બળે એટલી ચોંટી જાય. કાયદાનું માનવું એવું છે કે, તમારા જેટલો જ ગાડીમાં તમારી બાજુમાં બેઠેલાનો જીવ કીમતી છે. આપણે ત્યાં મોટા ભાગે ગાડી ગોરધન ચલાવતો હોય છે ને વાઇફ બાજુંમાં બેઠી હોય છે. એને બૅલ્ટ પહેરવો પડતો નથી. કાયદો ય સમજતો હોય ને કે, આને પઇણ્યા પછી અમથો ય બિચારો અધમૂવો થઇને ગાડી ચલાવતો હોય. ઘર હોય કે ગાડી, ચલાવવાના તો પેલીને પૂછી પૂછીને છે....! પેલીને બૅલ્ટ પહેરાવવાની કોઇ જરૂર નથી.... ઍક્સીડૅન્ટ-ફૅક્સીડૅન્ટ થાય તો, આ ભોળાને જ એકાદો ચાન્સ મળે...! યૂ સી.... આપનો કાયદો રક્ષક છે, ભક્ષક નથી. સુઉં કિયો છો?

કાર તમે લૅમ્બર્ગિની કેમ ન ફેરવતા હો, સ્પીડ કલાકના ૩૫ માઇલ્સથી વધારે ન જવા દેવાય.... એમાં બા નહિ, પોલીસ ખીજાય. પણ અમદાવાદમાં નારણપુરાથી એરપૉર્ટ સુધીનું માંડ ૮-૧૦ કી.મી. અંતર કાપતા સમય ગમે તેટલો થાય, તમે થાકી અને કંટાળીને પાછા આવવાને બદલે ઍરપોર્ટ પર જ એક રૂમ-રસોડું ભાડે લઇ રહેવા માંડવાથી જીવને શાંતિ મળે છે, જ્યારે અમેરિકામાં ૫-૭ માઇલ્સથી જેટલું અંતર તો ઘરના કિચનથી ડ્રૉઇંગ-રૂમ સુધી કાપવાનું હોય છે. જ્યાં જાઓ, ત્યાં ૧૫-૨૦ માઇલ્સ તો સમજી લેવાના, 'ઇ!

અમેરિકામાં રહે રહે જેમણે આપણા દાહોદનું નામ રોશન કર્યું છે, તે વૈષ્ણવજન મોહિત સુરાએ મને કહ્યું તે મુજબ, અહીં ટ્રાફિકના રૂલ્સ અનોખા છે. રાહદારી રસ્તો ક્રોસ કરતો હોય ને મારા જેવો બાઘો હોય.... આજુબાજુ જોયા કર્યા વિના રસ્તો ક્રોસ કરવા માંડે, તો સમગ્ર ટ્રાફિક સ્થિતપ્રજ્ઞા થઇ જાય. કોઇ ગુસ્સા વગર બધી ગાડીઓ ઊભી રહી જાય. તે એટલે સુધી કે પેલો રસ્તો પૂરેપૂરો ક્રોસ કરી ન લે અને ફૂટપાથ પર નૉર્મલ ચાલવા માંડે, ત્યાં સુધી ગાડી કોઇ સ્ટાર્ટ ન કરે. ''એ ટોપા.... તારા બાપાના બગીચામાં ફરવા નીકળ્યો છેએએએએએએ...?'' એ સન્માન આપણે ત્યાં અપાય. એક રાહદારીને ખાતર બન્ને સાઇડની ૧૫-૨૦ ગાડીઓ ઊભી રહી ગઇ હોય, છતાં પેલાને કોઇ ગાળો ન આપે. વૃધ્ધ કે બાળક રસ્તો ક્રોસ કરતું હોય, સ્કૂલની બસ આવતી-જતી હોય, તો ટૅન્શન ગાડી ચલાવનારને.... આ લોકોને નહિ. રાત્રે બે-અઢી વાગે સૂમસામ રસ્તા ઉપર દૂર સુધી કોઇ વાહન આવતું ન હોય ને પોલીસવાળો તો ક્યાંથી ઊભો હોય, છતાં ટ્રાફિક-સિગ્નલ પર લોકો ગાડી ઊભી જ રાખે. (એ વાત જુદી છે કે, અહીંની પોલીસ અડધી રાત્રે છુપાઇને કોક અંધાર ગલીમાં ઊભી હોય ને તમારી ગાડી નીકળે, એટલે ગૂન્હો કર્યો હોય તો પકડી પાડે. પણ બેવકૂફ હોય છે અહીંની પોલીસ! આપણને પકડે એટલે આદત મુજબ દસની નોટ પકડાઇ ના દેવાય.... સીધા અંદર નાંખી દે. કરપ્શન પોલીસવાળાઓમાં જ નહિ, ગૃહરાજ્યમંત્રીઓમાં ય નહિ. કહે છે કે, કરપ્શન હોય તો ય બહુ ઊંચા લૅવલે હોય... સામાન્ય નાગરિક સુધી તો સરકારના કોઇ ખાતામાં ન આવે. સાલો આ દેશ કેવી રીતે ચાલતો હશે? એક આંટો ઈન્ડિયા મારી જાઓ, 'ઇ... જિંદગીભર પોલીસના નોકરા કરવા નહિ પડે!

રેડ-લાઇટ પર (રેડલાઇટ એરીયાની વાત નથી થતી.... રેડ સિગ્નલની વાત થાય છે.) સિગ્નલ્સની ઉપર કૅમેરા તમને જોતા હોય ને ચલાવી મારો તો તમારી નંબર-પ્લૅટ સાથે ઘેર બેઠા ટિકીટ મળી જાય... એ દંડની રકમ તો ગજવા ફાડી નાંખે એવી હોય, બાપ... પણ તમારા પોલીસ-ખાતે પૉઇન્ટ પણ ગણાવા માંડે. ચાલુ ગાડીએ કોઇ ડૂચો કે કચરો ફેંકો (લિટરિંગ), એટલે સીધા અઢી સો ડૉલરની ચાકી ચઢી જાય.... પંદર હજાર રૂપિયા.

અર્થાત, અમેરિકનોમાં માનવતા જેવું નહિ મળે. આટલી નાની વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની શી જરૂર? મારા ગુજરાતમાં ચાલુ ગાડીએ પાનની પિચકારી મારો કે લિસોટો સીધો બાજુમાં જતી ગાડીને પાડતો જાય તો ય મન મોટા, અલ્યા, જેની ગાડી ઉપર લિસોટો પાડયો છે, એ બોલતો નથી ને તું શેનો અઈડ અઇડ કરે છે? એક નાની અમથી પિચકારીમાં સંબંધો શેના બગાડવાના હોય? ભલે આપણે કોઇ પોલીસવાળાના ઘેર દીકરો પરણાવવાનો નથી, પણ આમાં તો કેવું છે કે, આમાં એવું છે કે, સંબંધો સાચવ્યા હશે તો કામમાં આવશે. ભ'ઇ. 'અવેરે જ શમે વેર. ન શમે વેર વેરથી'.... (તાળીઓ....!)

અને અહીંના પોલીસવાળા જુઓ ભ'ઇ.... સવા છથી ઓછો તો એક ફૂટે વધારે નહિ, એવી હાઇટવાળા, પેટ અંદર ને છાતી બહાર. ગૂન્હેગારની પાછળ પગપાળા દોડવું હોય તો પેલા કરતા આમની સ્પીડ વધારે હોય. મને મારા ગુજરાતનો પરબતસિંહ દિલીપસિંહ- બક્કલ નંબર ૩૪૫ યાદ આવે છે. સાલી કેટકેટલી વિના મૂલ્ય ચીજો મહીં નાંખી નાંખીને પેટનો એક સુંદર ઘુમ્મટ જેવો ડૉમ બનાવ્યો હોય છે.... હાય મર જાઉં, મિતવા. ચોર એના કરતા વધારે સ્પીડથી ભાગી શકે છે. એવું કોઇ અભિમાન નહિ. અભિમાન માણસને નબળો બનાવે છે.

૩૫ કી.મી. લંબાઇ સાથે, પાણી ઉપરના સૌથી લાંબા બ્રીજ તરીકે એક સમયે ગીનેસ બુક ઑફ રૅકૉર્ડ્સમાં જેનું નામ ચમકતું હતું, (એ પછી આમે ય ચાયના તો બધાના ઘેર જઇ જઇને ભાંગફોડમાં માને છે... અમેરિકાનો આ વર્લ્ડ-રૅકૉર્ડ પણ તોડયો. ૧૬૫ કી.મી. લાંબો બ્રીજ બનાવીને) એ ન્યુ ઑર્લિયન્સના લૅઇક પોન્ટચરટ્રાઇન બ્રીજ આજે પણ પાણી પરનો સૌથી લાંબો બ્રીજ ગણાય છે, એની ઉપર અમારી કાર ૬૫ માઇલ્સની ઝડપે દોડતી હતી. અમેરિકાની આ જ તો ખૂબી છે. ૪-૫ માઇલ્સની વધઘટ અલગ વાત છે, પણ આ બ્રીજ પર ૬૫ માઇલ્સથી ઓછી સ્પીડે પણ ન જવાય. (એક માઇલ બરોબર ૧.૬૦ કી.મી.) બ્રીજની બન્ને બાજુ (બોલતા ય મોંઢામાંથી થૂંક નીકળે, એ) પોન્ટચરટ્રાઇન સરોવરમાં નારીયેળ, ગલગોટાના ફૂલની માળાઓ કે કંકુ-ચોખા તરતા ન જોયા. ચાલુ ગાડીએ સિગારેટના ઠૂંઠા ય ન ફેંકાય.... પોલીસ જોતી ન હોય તો પાછળ આવતી ગાડીવાળો પોલીસને સીધો કોલ કરે, એમાં ઠૂંઠાવાળો ૨૫૦ ડોલર્સના દંડમાં હલવાઇ જાય.

આપણે ત્યાં અમદાવાદથી ગાંધીનગરનું અંતર ૩૫ નહિ, ૨૫ કી.મી.નું જ છે, પણ નીચે પાણી નથી નહિ તો વિકાસ કે નામ પર એક બ્રીજ બની જાત!

સિક્સર
- કોલસા કૌભાંડ.......!
- નવી સરકાર એ લોકોને કંઇ નહિ કરે તો....?

- તો રાખ કૌભાંડ....!

No comments: