Search This Blog

04/06/2014

અમેરિકામાં પૈણાય... ?

'૫૦- ના દાયકાના ક્રિકેટ જગતમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ 'ડબલ્યુ' ફેમસ હતા, વિક્સ, વોરેલ અને વોલકોટ અહી શિકાગોમાં ય ત્રણ 'ડબલ્યૂઝ' બહુ વપરાય છે, 'વર્ક, વેધર અને વાઇફ... આ ત્રણેનો અહી ભરોસો નહિ.' નોકરી સવારે ગયા ને સાંજે ઘેર પાછા આવ્યા, ત્યાં સુધી જ પાકી ગણવાની. ક્યારે ઘેર બેસી જાઓ. એ કાંઇ નક્કી નહિ. હવે ઉનાળો બેસી રહ્યો છે ને ('સોરી, અહી આવા દેસી શબ્દો નહિ વાપરવાના...'સમર' બોલવાનુ ઉનાળાને બદલે, ઓકે ?.. વાત પતાવ્યા પછી આવું. 'ઓકે ?' પણ બોલી નાંખવાનું, નહિ તો ઘણી વાર ઓકે નાય થાય, બોલો !) રાત્રે દસ વાગે સાંજના ૪ વાગ્યા જેવું અજવાળું હોય, પણ ૪ વાગે તો ૪ વાગ્યા જેવું જ અજવાળું હોય... હઓ !

વરસાદ તો એના ફાધરનું કિંગડમ હોય એમ ગમે ત્યારે અને બારે માસ આવતો રહે. નય આવે. 'પહેલા વરસાદનો છાંટો વાગ્યો મુને, ને હું તો પાટો બંધાવવાને હાલી...' તારી ભલી થાય ચમની.. આટલી પ્રાથમિક સારવારમાં તુ પાટા બંધાવવા હાલી નીકળશ...? અહી અમેરિકામાં તારુ કામ નહી, બેન તું આપણા ગારીયાધાર કે વિસનગરમાં જ ચાલે. અહી આવા છાંટા ગણવા જાય તો આઠમા કે બાવીસમાં વરસાદ સુધીમાં તો તુ પતી ગઇ હોય. આખા બોડી ઉપર એવા પાટાપીંડા બંધાવવા પડે કે, કબરમાંથી બહાર આવીને હાથમાં ગુલાબ સાથે વરસાદમાં પલળેલું શબ બસસ્ટેન્ડે ઊભું હોય એવું લાગે. વળી વરસાદની વાછટમાં ચામડી છોલાઇ જતી હોય, એવી નાજુક નમણી નારનું અહી કામ નહિ. પેલાને તો બબ્બે દહાડે એને હાડવૈદને ત્યાં લઇ જવી પડે. એવા અણધાર્યા વરસાદો અહી પડે રાખે.

પણ અહી શિકાગોમાં તો પેટીપેક વાઇફોનાય કોઇ ભરોસા નહિ. છુટાછેડા એટલા કિફાયત ભાવે મળી જાય કે, નવા લગ્નનો ખર્ચો વધારે આવે. ઇન્ડિયા અને ખાસ તો પાકિસ્તાનથી આવેલી નવીનક્કોર વાઇફો અહી આવતા જ ગમે ત્યારે ગમે ત્યાં છટકી જાય. સ્ત્રીઓ માટે કોઇ બંધનો નહિ એટલે માંડ છટકીને પાકિસ્તાનથી આવેલી વાઇફો એમના ગોરધનોને દસના છૂટા આલતી હોય, એટલી ઝડપથી તલાક આપી દે છે. મસ્ત જીંદગી અહી બબ્બે ડોલરે ફૂટના ભાવે મળે છે. ઇન્ડિયન વાઇફોય હમણાં હમણાંથી બહુ ચગી છે. ગામડેથી અબુધ આવી હોય ને અહી સીધા જીન્સના ચડ્ડા પહેરવા મળે. પછી કઇ ડોબી એના વર માટે પંખો ચાલુ કરવા ઉભી રહે ? આપણા દેશની દીવાલો ઉપર હરડે ને દંતમંજનની જાહેર ખબરો લખી હોય, એમ વકીલો અહી સાચ્ચે જ કિફાયત ભાવે છૂટાછેડા અપાવી દેવાની જાહેરાતો ચોંટાડે છે.

અહીના ધોળીયાઓ ઘણી વાર તો છઠ્ઠી વાર પરણતા હોય ત્યારે ખબર પડે કે, આ તો મારી ત્રીજીવારવાળી વાઇફ છે. સાલું નસીબ નસીબના ખેલ છે ને ? ઇન્ડિયામાં આવી લકઝરી નથી, ભાઇ નથી...! અહી તો વર્ષો જૂનો જે માલ ગોડાઉનમાં પડયો હોય, એ જ સદીઓ સુધી વાપરે રાખવાનો. આપણા દેશ સિવાય બધે જ, બધા દેશોમાં બીજી વાર કે આઠમી- દસમીવારવાળી વાઇફો હોય... આપણે તે ક્યાં પાપો કર્યા હશે...? હશે એ તો હવે.. કર્યા ભોગવવાનો છે ને ? (સૂચના : ઉપરોક્ત માહિતીથી આકર્ષાઇને કોઇ ગુજરાતી ગોરધને એટ લીસ્ટ...પોતાની વાઇફને લઇને અમેરિકા આવવું નહિ... વકીલોનો કિફાયત ભાવ વાઇફો માટેનો છે. આપણે તો છોલાઇ જઇએ ! કોઇ પંખો ચાલુ કરો !)

પણ મે તો આ બે મહિનામાં જોયું કે, અહી રહેવું હોય તો એકાદી વાઇફ વસાવી રાખવી સારી. વાઇફ હોય તો જરા કામમાં આવે એવું નહિ... હોય ને જતી રહે તો ચડ્ડા ફાડી નાંખે...! અહીના કાયદાઓ સ્ત્રીઓની ચમચાગીરી બહુ કરે છે.. એમાં આપણા જેવા એક પત્નીવ્રતધારી સારા હસબન્ડો છોલાઇ જાય... ! (કોઇ મને સપોર્ટ કરો... મારી વાત ઢીલી પડી રહી છે !!)

ઓહ... જેમની વાઇફો નથી જતી ને બન્નેને ભેગા રહેવાના દહાડા આવ્યા છે, એવા ઘણા બદનસીબો કમ-સે-કમ ઇન્ડિયા જેવી મનની શાંતિથી નથી રહી શકતા. આપણે ત્યાં દહીનું મેળવણ લેવા બાજુવાળીના ઘેર જઇને બે કલાક કાઢી અવાય. એની બાય બપોરે ઘરમાં ના હોય. અમેરિકામાં એવી જાહોજલાલી નથી. બાજુવાળો ધોળીયો-કાળીયો તો ઠીક, આપણો ગુજરાતી ય આપણી ખબર પૂછવા એની વાઇફને બે-ઘડી ન મોકલે. અહી પોતાના અને પડોસીઓના ભેદ બહુ... માણસું ખુલ્લા મનનાં નંઇ... ભ'ઇ સા'બ !

નહિ તો બહુ ડીપ્રેશન છે. 'ડીપ્રેશન' અહી રોજનો શબ્દ છે, લંડનની જેમ. મોટા ભાગના બધા આ ડીપ્રેશનમાં જીવે છે, એટલે કે જીવ બળે રાખે, ટાઇમ જાય નહિ, કોઇને ત્યાં જવાનું નહિ કે કોઇ આપણે ત્યાં આવે નહિ. ગૂ્રપ તો બધાએ બનાવ્યું હોય. પણ એમાં તો મહિને એકાદવાર માંડ મળાય. બાકીના વીક-એન્ડ્સ (શનિ-રવિ) તો ગ્રોસરી (કરિયાણુ-શાકભાજી) લેવા જવાનું હોય. ફિર ક્યાં ? સાંજ પડે હરકોઇ એમના ઘરમાં બંધ.

પહેલાના વખતમાં એવું થતું કે, ઇન્ડિયાથી જે કોઇ આવે, એ બધે ડોલરને રૂપિયામાં ગુણવા માંડે ને મોંઢા પડી જાય. ભારતમાં મળતી કોઇ પણ ચીજ કરતા અહી ભાવ ઉધરસ ખવડાવે એવા છે. એટલે અહીના દેસીઓ આપણી મશ્કરી કરતા કે ઇન્ડિયાવાળા બધે ગુણાકાર કરવા બેસી જાય છે. હવે મશ્કરીઓ નથી કરતા. દેશ કરતા સવા- દોઢ ગણો ભાવ ને આપણે એક ડોલર રૂ.૬૦માં ખરીદીને આવવાનું. એ લોકોને ડોલરમાં કમાઇને ડોલરમાં ખર્ચવાના હોય, એટલે એમને આપણા જેટલું આકરૂં ન લાગે. અને એટલે જ શિકાગોના એક શો રૂમ પાસેથી પસાર થતો હતો, એમાં ફેરારી, લેમ્બર્ગિની, બેન્ટલી, રોલ્સ રોયલ્સ કે મેઝેરાટી જેવી કારો જોઇને લાલચ થઇ ગઇ કે એકાદ બે ખરીદી લઉ. બેન્ટલી ફક્ત એક કરોડ ને ૮૦ લાખમાં, મેઝેરાટીમાં તો ખાલી કરવાનો ભાવ હતો ૬૩ લાખમાં તો જોઇએ એટલી લઇ જાઓ... યસ, લેમ્બર્ગિની તો ખાલી રૂ.૧ કરોડ ને ૨૩ લાખની જ હતી. તે આપણને એમ કે અમદાવાદમાં રીક્ષામાં ફરતી વાઇફ માટે એકાદી લઇ લઇએ, પણ ૧ કરોડ તો આપણને પોસાય... ૨૩ લાખ જરી મોંઘા પડે, એટલે સવા કરોડ બચાવી લીધા. બચાવ્યા એટલે કમાયા જ કહેવાય. આપણને ખોટા ખર્ચની આદત નહિ. વાઇફને તો રીક્ષામાં ફરવાની આદત છે.

આમ તો ફેરારી ફક્ત રૂ.૬ કરોડમાં મળતી હતી. એ ય માંડી વાળ્યું. સાસુજી જતા જતા જમાઇઓ માટે ૬૦ રૂપિયા ય જુદા મુકતી ગઇ નહોતી. હવે પહેલા જેવી સાસુઓના જમાના તો ગયા, 'ઇ !

યુએસએમાં કોઇ ચીજ મફત મળતી નથી. મારે ડીટ્રોઇટથી શિકાગો ટ્રેનમાં જવાનું હતું. ટિકીટ ૮૫ ડોલર્સ એટલે ગુણો સાઇઠે કેટલા થયા ? રૂ.૫૧૦૦/- થયાં ? (આવવા-જવાના) જૂના કાઠીયાવાડમાં મોરબી-વાંકાનેર પટ્ટામાં રેલ્વેના મોટા ભાગના ગાર્ડર્સ અમારા શ્રીમાળી બ્રાહ્મણો હતા, એમાં મારા દૂરના એક ફૂઆય ખરા. કોઇ દિવસ અમારા બ્રાહ્મણોની ટિકીટ ન લેવડાવે. ઘણી વખત તો અડધી ટ્રેન અમારાઓથી ભરી હોય. તે મેં 'કૂ... અહી ડેટ્રોઇટના સ્ટેશને એ લોકોને યાદ અપાવી જોઇએ કે, મારા ફૂવા વાંકાનેર રેલ્વેમાં હતા... ને ટિકીટ નહોતા લેવડાવતા.

પણ હવે તો અમેરિકામાંય પહેલા જેવા બ્રાહ્મણો ક્યાં થાય છે ? ને આ તો કોઇ કાળીયો, ગૂંચળા જેવા વાળ અને બાલ્કનીમાં લેંઘો સૂકવવા મૂક્યો હોય, એવા હોઠમાંથી બહાર લટકતા દાંત. અમારા બ્રાહ્મણો આવા ન હોય..! મોટું મન રાખીને ટિકીટ લઇ લીધી.

પણ 'એમટ્રેક'ને નામે ઓળખાતી ટ્રેનોમાં અંદર બેસો, એટલે પ્લેન જેવી લાગે. ટ્રેન-હોસ્ટેસો ન હોય, એટલું આપણે ચલાવી લેવું પડે. સમજો ને, આખી ટ્રેન ખાલી હોય. ડ્રાયવર સિવાયની જે સીટ ઉપર બેસવું હોય ત્યાં બેસો. સ્ટેશનો આવતા જાય ને માંડ બે-ચાર ટ્રેન ઊભી રહે, પણ ટ્રેનો મોડી પડવામાં તો આપણી ટ્રેનોનીય આ લોકોમાં થાય, બોલો. ચોખ્ખાઇમાં કોઇ કોમ્પ્રોમાઇઝ નહિ. વેફર્સના પડીકાનો કાપેલો ખૂણો ધોળિયાઓ ઊભા થઇને ટ્રેનના કોચના ગાર્બેજ-બીનમાં નાંખવા જાય.

'ગાર્બેજ' અમેરિકાભરના લોકોનો રોજ વપરાતો શબ્દ છે. એંઠવાડ માટે 'ગાર્બેજ' વપરાય, પણ નહિ ગમતા માણસો માટે ય 'ગાર્બેજ'. પૈડા ઉપર ખેંચીને લઇ જવાય એવા ટ્રેશ-બીનને લેવા સરકારની ટ્રક આવે. ઘરે ઘરે ફરીને એ પિપડું સફાઇ- કામદાર મશીન વડે ઊંચકીને ટ્રકની પાછળ નાંખી દે... ઘણા ગુજરાતીઓ મોટી આશાઓ સાથે એમની સાસુઓને ત્યાં ઊંભી રાખી જુએ છે...!

સિક્સર


અમેરિકામાંય ઇન્ડિયાના લે-ભાગુ જ્યોતિષીઓ બહુ પડયા છે, પણ એ પોતાને 'એસ્ટ્રોલોજર' કહેવડાવી શકતા નથી.. 'સાયકીક' કહેવડાવવું પડે છે. ઇન્ડિયામાં ગાંડાને સાયકીક કહે છે.

1 comment:

Anonymous said...

Shri Ashokbhai,

We are happy to know that you are in USA at present. We are in Kalamazoo, Michigan. When you would have passed through Am Trac, from Detroit to Chicago, You would have passed through our small city. Our Good wihses are with you.