Search This Blog

20/06/2014

'ગુડ્ડી' (૭૦)

ફિલ્મ : 'ગુડ્ડી' (૭૦)
નિર્માતા : રોમુ એન.સિપ્પી
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
સંગીત : સલિલ ચૌધરી
ગીતો : ગુલઝાર
રનિંગ ટાઈમ : ૧૩-રીલ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)



કલાકારો : જયાભાદુરી, સમિત ભાંજા, ઉત્પલ દત્ત, સુમિતા સાન્યાલ, અસરાની, એ.કે.હંગલ, આરતી, કેસ્ટો મુકર્જી, લલિતા કુમારી, શીરાઝ, મેહરબાનુ, રામમૂર્તિ, ચંદ્રા, ભાગવત, યોગેન ગુપ્તા,

મહેમાન કલાકારો : અશોક કુમાર, ધર્મેન્દ્ર, દિલીપકુમાર, રાજેશ ખન્ના,વિમી, ઓમપ્રકાશ

ગીતો

૧. હમ કો મનકી શક્તિ દેના, મનવિજય કરે... વાણી જયરામ
૨. બોલે રે પપીહરા, પપીહરા, ઇત ઘન ગરજે... વાણી જયરામ

૭૦ ની સાલ એટલે મારી ઉંમરના નૌજવાનોની પૂરબહાર જવાનીની મૌસમ ! ફિલ્મોની ઝન્નાટ અસર આપણા સહુ ઉપર હતી. જવાનીઓ ફફાટફાટ થતી હતી. આ સાલમાં મારાથી ય દસ-દસ વર્ષ મોટા જવાનો ય ઘરડાં નહોતા થઇ ગયા. અમે શમ્મીકપૂરો કે રાજેન્દ્રકુમારોમાં પડયા હોઈએ ને એ લોકો કાંઈ બલરાજ સાહની કે અશોક કુમારોના ફોટા વોલેટમાં નહોતા રાખતા. એ લોકો ય અમારી વૈજયંતિમાલાઓ કે નંદાઓમાં 'ભાગ લેતા...' બોલતા ભૂખાવડાઓ આવી પોંચતા આપણા જેવા સંસ્કારી છોકરાઓના તો જીવો બળી જાય કે, 'રાખોને તમારી લીલા ચીટણીસો, સુલોચનાઓ, લલિતા પવારો તમારી પાસે... અમે એમાં ભાગો પડાવવા આઈએ છીએ ? તમારા ઘરોમાં બા-દાદીઓ નથી ?'

નકલમાં અકલ નહિ દોડાવવાની, એ ધોરણે અમેસહુ પોતપોતાના ભાગે પડતા આવેલા હીરાઓની નકલો કરતા. દેવ આનંદ જેવી ગુચ્છાવાળી હેર-સ્ટાઈલ, દિલીપ-કટ વાળ, રાજેન્દ્ર કુમાર જેવું બારે માસ ડાચું ચઢાઈ-ચઢાઈને ફરવાનું, જેના દાંત મૂળથી જ વાંકા હોય, એ પોતાને શશી કપૂર સમજતો ને દાંત બતાય-બતાય કરવા, આપણે ગીન્નાઈ જઈએ ત્યાં સુધી હસહસ કરે જતો. એ જમાનામાં ફિલ્મફૅર, સ્ટાર એન્ડ સ્ટાઇલ, પિકચરપોસ્ટ હિંદીમાં માધુરી અને ગુજરાતીમાં આપણું આજનું આ 'ચિત્રલોક' તેમ જ મુંબઇનું 'જી' મુખ્ય ફિલ્મી સામયિકો ગણાતા, એમાંથી મણીયો કોકમાં વાંચી ગયો હશે કે, શશી કપૂર દર વખતે કોઇને મળે તો, બન્ને હથેળીઓ મસળતા પહેલું વાક્ય, 'હેલ્લો, આઈએમ શશીકપૂર...' બોલે, એમાં તો મણીયો ય ઉપડયો, 'હાય...આઈ એમ મણીલાલ...'

તારી ભલી થાય ચમના... પહેલા તો ઘેર જઇને તારા લેંગાની બાંયો નીચી ઉતાર ને પછી ઠોક, 'આઈ એમ મણીલાલ...' શશી કપૂર તો ફોરેનરને પરણ્યો હતો ને તું હજી આગળ દાંતવાળી બટકી કાળી ભઠ્ઠ કમલામાંથી બહાર આયો નથી.

કોઈ પ્રદીપકુમાર, ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણ, મનોજકુમાર કે વિશ્વજીત બનવા તૈયાર ન હોય. એ ચાર 'પાવલીઓ' ભેગી કરીને જે રૂપિયો બનતો, તે આખી પોળમાં બધાનો હૂરીયો બનતો.

છોકરીઓ ય કોઈ કમ નહોતી. નંદા-વહિદાઓ તો તમને પોળને નાકે નાકે જોવા મળતી. મીનાકુમારી, માલાસિન્હા, સાધના, આપણી વૈજુ કે આશા પારેખો પેલા ચુસ્ત સલવાર-કમીઝો પહેરે, એમાં આ બધીયો ય મંડી હોય. કોટ ભરાવવાા હૂક જેવી કાનની નીચે લટો કાઢી હોય, આંખોમાંથી ખૂણીયા કાઢ્યા હોય. એ બધીઓને જોઈને આપણી ચંપા કે જ્યોત્સનાઓ ય હાથમાં પર્સ લઇને સવારના છાપાંની માફક બહાર પડી હોય. ચાલવાનું લટકમટક અને પાછળ ચૅક કરી લીધા પછી પોતાનો રૂમાલ જમીન પર પડવા દે, જેથી કોઈ રડયોખડયો શમ્મી કપૂર રૂમાલ ઉપાડી લઇને આપવા આવે, જેથી માલા સિન્હાની જેમ ખીજાઈને, 'શટ અપ' કહેતું નીકળી જવાય. પણ સરવાળે પેલા બુધીયાનો છાણવાળો પગ આના રૂમાલ પર પડી ગયો હોય, એમાં આને ગીન્નાવાનું આવે ! બુધીયાને આને એકલીને થોડી જોવાની હોય... એ ય ડાફરીયા મારતો આવતો હોય, એમાં આગળવાળી ઉપર તો રામકસમ... નજર ના ય પડી હોય... આ તો એક વાત થાય છે ! એ તો પરવિન બાબી આવી, પછી વળી છુટા વાળની ફેશન શરૂ થઈ, જે આજ સુધી બરકરાર છે. સાધના જેવી કપાળ ઉપરની કટને ઇંગ્લિશમાં 'ફ્રીન્જ' કહેવાય, (જે મૂળ તો ગ્રેગરી પેકવાળી ફિલ્મ 'રોમન હૉલી ડે'ની હોરીઇન ઓડ્રી હૅપબર્ને શરૂ કરી હતી.) આ ફ્રીન્જ પણ ઇન્ડિયાની છોકરીઓમાં બહુ ઉપડી'તી. અલબત્ત, '૬૦-ના દાયકાની આપણી તમામ હીરોઇન ખોટા વાળની વિગના ઝૂમખા બહુ લગાવતી. કાગડીએ માળો બાંધ્યો હોય, એવા અંબોડા તો બધીઓ લગાવતી.આ બધું શીખવા મળતું ફિલ્મોના હીરો-હીરોઇનો પાસેથી, ભારતની કોઈ સ્કૂલનો છોકરો ગણીત-વિજ્ઞાાનના શિક્ષક પાસેથી આમાંનું કાંઈ શીખી ન શક્તો. ફાધર જેવા દેખાવામાં તો 'ખાનદાન કી ઇજ્જત'ના ભડાકા થઇ જવાના હોય... ત્યારે ફિલ્મી હીરો-હીરોઇનો મદદે આવતા. એમના જેવા બેલ-બોટમ્સના પાટલૂન, છાતીને અડે ત્યાં સુધીના કોલરવાળા શર્ટ, ફિલ્મ 'અંદાઝ'ના રાજેશ ખન્ના જેવા નાક ઉપર ઉતારેલા ગોગલ્સ કે જીતેન્દ્ર જેવા સફેદ પેન્ટ નીચે સફેદ શૂઝ પહેર્યા પછી તો ઝાલ્યા નો રે'વાતું, ભાઆ'ય !

બસ, યુવક યુવતીઓમાં આવા ફિલ્મી સોટા મારવા, માત્ર ફેશન રહી ગઈ નહોતી...લાઈફ-સ્ટાઇલ બનવા માંડી હતી. બેશક મહાન દિગ્દર્શક ઋષિકેશ મુકર્જીએ યુવાવર્ગની આ જ નબળાઈઓ ઉપર સુંદર મજાની ફિલ્મ બનાવી, 'ગુડ્ડી'. અને તે પણ હસતા-હસાવતા. એમના ગુરૂ બિમલ રોયથી ઋષિ દા આ જ ને એક એન્ગલથી જુદા પડતા. ફિલ્મો તો બન્નેની ઉત્કૃષ્ટ, પણ ઋષિ દાને જે કાંઈ મેસેજ આપવો હોય, તે હાસ્યના માધ્યમથી આપતા. લેવા-દેવા વગરના કોઈ મેલોડ્રામા એટલે કે રડોરોળ નહિ. હજી તો સ્કૂલમાં ભણતી જયા ભાદુરી અન સખીઓ ફિલ્મસ્ટાર્સ પાછળ ગાન્ડીઓ છે. સહુ સખીઓએ પોતપોતાની યથાશક્તિ મુજબ જીતેન્દ્ર, રાજેન્દ્રકુમાર કે ધર્મેન્દ્રો બાપનો માલ હોય એમ વહેંચી લીધા હતા, એમાં જયા ભાદુરી (ગુડ્ડી) તો મનોમન ધર્મેન્દ્રને પરણી ચૂકી હતી. સ્કૂલમાં ટીચરજી (લલિતા કુમારી) બાઈ મીરાનો પાઠ ભણાવે છે, એમાથી ગુડ્ડી એટલું જ શીખે છે કે, આપણે પણ મીરાની જેમ સફેદ વસ્ત્રો ધારણ કરીને આધ્યાત્મના માર્ગે હાલી નીકળવું ને પરણવું-બરણવું નહિ ! એની સગી ભાભી (સુમિતા સાન્યાલ)નો ભાઈ સમિતભાંજા એને પ્રેમ કરે છે, પણ બેનબાઈ તો ઉપડયા'તા ધર્મેન્દ્ર સાથે સપનામાં, 'તુઝે જીવન કી ડોર સે બાંધ લિયાહૈ...' ગાવા ! ઘરના વડીલ તરીકે, આ બધું જોઇને ગુસ્સો કરવાને બદલે મામાજી ઉત્પલ દત્ત હસિન રસ્તો કાઢે છે. અસલ ફિલ્મસ્ટાર ધર્મેન્દ્રનો સંપર્ક કરીને આ કેસમાં એને મદદરૂપ થવા વિનંતિ કરે છે, ફિલ્મના પરદા ઉપર દેખાય છે, તે બધું સત્ય નથી હોતું, એ અપરિપકવ સ્કૂલ ગર્લ્સના ભેજાંમાં ઉતારવા તમે પણ મદદ કરો. એક હીરો એકલે હાથે પચાસ ગુંડાઓને ફટકારે, ઊડતા હેલીકોપ્ટરમાંથી કૂદકો મારીને દોડતી જીપમાં સીધો ખાબકે ને કોઈ ઉઝરડો યન પડે... ઉપરથી ગીત ગાય. હીરો પીરક્ષામાં કે રેસમાં ય ફર્સ્ટ આવતો હોય, એને ગાતા આવડે, પિયાનો વગાડતા ય આવડે ને પરફેક્ટ ડાન્સ કરતા ય આવડે...

પણ આ બધો ખેલ 'માલ કિસી કા, કમાલ કિસી કા...' વાળો છે, જેમાં હીરો તો એક કઠપૂતળીસ્વરૂપ જ છે. સંવાદ લખનાર કોઈ ઓર હોય, ગાનાર મૂહમ્મદ રફી કે મુકેશ હોય, પર્વતની ધાર પર લટકતા હીરોને બદલે કોઈ ડુપ્લિકેટ હોય ને મારામારીના દ્રષ્યોમાં હીરો જેવા કપડાં પહેરીને સ્ટંટ કરવા જતા કોઈ એકસ્ટ્રા કલાકારને વાગે કે મરી જાય તો કોઈ ભાવે ય પૂછતું નથી, પણ એમના કસબ-કરતબોની બધી તાળીઓ હીરો લઇ જાય. પરદા પર દેખાય છે, એમાં વાસ્તવિક્તા ઓછી ને કલ્પના વધુ હોય છે. વાસ્તવમાં ફિલ્મી હીરો કરતા ગુડ્ડીનો ભરમ દૂર થાય. આ કીમિયો કારગત નિવડે છે, જેમાં બનાવટ તો કોઈ નથી હોતી, પણ અંદાજ ફિલ્મી સ્ટાઈલનો હોવાથી વધુ અસરકારક સાબિત થાય છે.

ફિલ્મ ઋષિકેશ મુકર્જીની હોય, એટલે સંસ્કારી ઘરોના પ્રેક્ષકો આંખ મીંચીને ફિલ્મ જોઈ આવવાના... (સૉરી... આંખો મીંચીને નહિ... ખુલ્લી રાખીને !) એમની હરએક ફિલ્મમાં હળવું હળવું હસવું આવે રાખતું હોય, છતાં એમાંકોઈ મેસેજ હોય. બહુ ઓછા ફિલ્મી દિગ્દર્શકો એમના જેવા થયા. જેમની ફિલ્મોમાં ગીત પણ વાર્તાનો એક ભાગ હોય, માત્ર ફિલર નહિ ! કેમેરામેન જયવંત પાઠારેથી માંડીને એમના સાઇડ-એકટરો મોટા ભાગે રીપિટ થતા હોય, જેમ કે રસોઇયો રામુકાકા. પણ એક વાતની ખબર પડતી નથી, કે એમની મોટાભાગની ફિલ્મોમાં કલાકારોને ઝભ્ભો તો ઇનવેરિએબ્લી પહેરાવ્યો હોય, પણ દરેક ઝભ્ભો ઢીંચણ સુધીન હોવાથી એ લોકો એવા ફની અને બેહૂદા લાગે કે કારણ ખબર ન પડે ! મૂળ ઋષિ દા કેવળ સામાજીક ફિલ્મો બનાવતા હોવાથી ફિલ્મોની માવજતમાં વાતો મારા-તમારા ઘરની હોય. યાદ હોય તો એક જમાનામાં આપણે પણ પેલી સ્ટેચ્યુવાળી રમત રમતા. બન્ને વચ્ચે નક્કી થઇ જાય પછી અચાનક 'સ્ટેચ્યુ' બોલી જવાનું. એટલે પેલો શરીરના ગમે તે આકારમાં હોય, એ આકાર મૂર્તિની માફક હાલ્યાચાલ્યા વગર ઊભા રહી જવું પડે. ઋષિદાની ફિલ્મોમાં આવી ઘરઘરની તોફાનમસ્તીઓને કારણે એમની ફિલ્મો ય આપણા ઘરની લાગે.

એક વાર ઉત્પલ દત્ત જેવો એકટર હાથમાં આવી જાય પછી ઋષિ દાએ એકટરની બેસ્ટ ટેલેન્ટ બહાર લઇ આવે. આવું અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, અમોલ પાલેકર કે ઇવન એ.કે.હંગલને પોતાની ટીમમાં સતત સ્થાન આપીને શ્રેષ્ઠ અભિનયો કઢાવ્યા હતા. અહીં ધર્મેન્દ્ર જેવા નોન-એકટર પાસેથી એના રોલને લાગુ પડતો ખૂબસુરત અભિનય કરાવ્યો છે. એને તો દાદાએ ફિલ્મ 'સત્યકામ' અને બચ્ચન સાથે ફિલ્મ 'ચુપકે ચુપકે'માં ય લઇને બચ્ચન અને સંજીવકુમાર સામે બરોબરીનો અભિનય કરાવ્યો હતો. અહીં ધર્મેન્દ્ર ફિલ્મસ્ટાર ધર્મેન્દ્ર તરીકે જ પેશ થાય ચે, પણ પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાંથી તાજોતાજો એક્ટિંગના કોર્સ ભણાવીને આવેલા અસરાની પાસે ટચૂકડો પણ અસરકારક અભિનય ખેંચાવ્યો છે. આપણને ઋષિ દા જેવા અન્ય સર્જકો બહુ ઓછા મળ્યા, નહિ તો અવતાર ક્રિષ્ણ હંગલ જેવા બેશક પરફેક્ટ અભિનેતા પાસેથી તો અશોકકુમાર, દિલીપકુમાર કે નસીરૂદ્દીન શાહની કક્ષાનો અભિનય પડયોહતો. બહુ સાહજીક એકટર હતા એ.કે.હંગલ. કમોતે મર્યા આ સજ્જન એકટર, તે એટલે સુધી કે મરતી વખતે દવાના પૈસા નહિ અને એમના દીકરાએ ફિલ્મી હસ્તિઓને કંઇક મદદ કરવા અપીલ કરી અને દવા-સારવારનાપૈસા એકઠા કર્યા. એક જમાનામાં ઠસ્સો-દબદબો હોય અને બહુ દર્દભર્યા મૌતે ગરીબીમાં મર્યા હોય, એવા તો સેંકડો અભિનેતાઓ છે. ફિલ્મ 'એક થી લડકી'ની 'લા રાલપ્પા ગર્લ' મીના શોરી પાકિસ્તાનમાં ભીખ માંગતી મરી. હૅલન પહેલા જેનો ફિલ્મે ફિલ્મે દબદબો હતો, તે ડાન્સર કક્કુના બંગલાની ગોળફરતે, એના શોખ મુજબ હજારો જોડી ચંપલો મૂકવા માટે શો-કેસ બનાવ્યા હતા, એ કક્કુ પણ મરી ભિખારીની અવસ્થામાં. હેલનને ફિલ્મોમાં લાવનાર જ કક્કુ. કુલદીપ કૌર, ભારત ભૂષણ, પ્રદીપકુમાર કે ફિલ્મ 'હમરાઝ'ની હીરોઇન વિમી (જે સાચા અર્થમાં વેશ્યા બનીને સડકો પર ફરતી અને એના જ કોઈ કાયમી ગ્રાહકે દયા બતાવીને મુંબઇના ઠેલાવાળાઓ ટિફીનો લઇ જવા માટે ઠેલો વાપરે છે, એ ઠેલા ઉપર લાશને મૂકીને સ્મશાનઘરે લઇ જવી પડી હતી. એ વિમી આ ફિલ્મ 'ગુડ્ડી'માં પણ મેહમાન કલાકાર તરીકે ધર્મેન્દ્ર સાથે પિયાનો પાસે ઊભેલી અલપઝલપ દેખાય છે. વિમીને તો એનો હસબન્ડ સખત મારઝૂડ કરતો... અફ કોર્સ, એના અનેક લફરાં અને વેશ્યાવૃત્તિને કારણે, પણ આવા મૌતે મરેલા બધા કલાકારો આપણી સહાનુભૂતિને લાયક નહોતા. મોટા ભાગનાને તો દારૂ ભરખી ગયો. ભારત ભૂષણ પાસે તો મુંબઇનો સર્વોત્તમ બંગલો 'ડિમ્પલ' હતો, જેની સમૃધ્ધ લાયબ્રેરી મુલ્કમશહૂર હતી. આ બંગલામાં ભારત ભૂષણ નુશરત ફત્તેહઅલીખાનના પિતા પાસે ગઝલ-કવ્વાલીઓની અનેક બેઠકો ગોઠવતો, જેમાં આમંત્રણ પામવા રાજ-દિલીપ કે દેવઆનદને ય ભા.ભૂ.ને ખાસ રીકવેસ્ટ કરવી પડતી. સમય ખલાસ થઇ ગયો, એટલે આ બંગલો ભા.ભૂ.એ રાજેન્દ્ર કુમારને વેચવો પડયો ને એનો ય સમય ખરાબ આવ્યો, ત્યારે બંગલો રાજેશ ખન્નાએ ખરીદી લઇ 'ડિમ્પલ'નામ બદલીને 'આશીર્વાદ' રાખ્યું.

એક જમાનાની ફિલ્મ 'બૈજુ બાવરા'નો આ હીરો છેલ્લે છેલ્લે તો ફિલ્મોમાં રોજના રૂ. ૧૫૦ કમાવા માટે એકસ્ટ્રા તરીકે કામ કરતો અને હીરો પિયાનો વગાડતા ગીત ગાતો હોય, ત્યારે હાથમાં ડિન્ક્સના ગ્લાસ પકડેલા એકસ્ટ્રા મેહમાનોમાં ભા.ભૂ. જોવા મળતો.

આ તમામ અવદશાઓ માટે બીજું ય એક કારણ છે. કોઈ ચાર-પાંચ ફિલ્મો હિટ ગયા પછી ફિલ્મ કલાકારોને બધી એવી હિટ ફિલ્મો મળતી નથી ને છેવટે રાહ જોઇને ગમે તેવી ફિલ્મો લેવી પડે. એ ય બંધ થાય ત્યારે આ લોકો કોઈ દસ-પંદર હજારની નોકરી તો ક્યાંય કરી શકવાના નથી ને અધૂરામાં પૂરૂં...જાહોજલાલી ચાલતી હતી, ત્યારે શરાબ અને સુંદરીઓની એવી લત પડી હોય કે, ખરાબ દિવસોમાં સુંદરીઓ તો જો કે આપમેળે બંધ થઈ જાય પણ દારૂ છેવટે દેસી કે થર્રા ઉપર ચઢી જઇને મૌત વહાલું કરવું પડે.

ઋષિદાએ આ કરૂણા આ ફિલ્મમાં અસરાનીના પાત્રને લઇને બખૂબી વર્ણવી છે.

આ ફિલ્મનું એક મોટું આશ્ચર્ય ફિલ્મ 'આનંદ'ની હિરોઇન સુમિતા સાન્યાલ છે. ઋષિ દાની તો એ ખૂબ માનિતી હતી, પણ ક્યાંક કાંઈ ખોટું લાગી ગયું હશે, તે સુમિતાને આ ફિલ્મમાં અડધેથી પડતી મૂકી દીધી, એટલે શરૂઆતમાં સારી સારી ભાભીનો રોલ કરનારી સુમિતાને ફિલ્મની અધવચ્ચેથી ક્યાં ઉડાડી મારવામાં આવી, એનો તાગ મળતો નથી.

યસ, આ ફિલ્મ સાથે જોડાયેલું બીજું એક ફેકટર જરા સેન્સેનલ છે, જેનાથી ફિલ્મ સંગીતનો ઇતિહાસ ભયભીત બની ગયો. ફિલ્મના સંગીતકાર વસંત દેસાઈ હતા અને અગાઉની ઋષિ દાની ફિલ્મ 'આશીર્વાદ'માં મધુર સંગીત આપીને એ દાદાની આંખોમાં જ નહિ, કાનમાં ય છવાઈ ગયા હતા. પણ વસંત દેસાઈએ એમની કાયમી ગાયિકા લતા મંગેશકર ને પડતી મુકીને સાઉથની ક્લાસિકલ ગાયિકા વાણી જયરામને લીધી અને એક મોટો ભડકો થયો. વાણી એકદમ સુપરહિટ સાબિત થઇ. 'બોલે રે પપિહરા...' દેશની ગલીગલીમાં ગુંજવા માંડયું. સ્કુલોમાં જ આ જ ફિલ્મમાં આ જ વાણીએ ગાયેલું ભજન, 'હમ કો મન કી શક્તિ દેના, મનવિજય કરે...' પ્રાર્થનાઓમાં ગવાવા માંડયું. દેખિતી રીતે જ લતા મંગેશકર છંછેડાઈ. મૂળ કારિગર વસંત દેસાઈ તો એમના બિલ્ડિંગની લિફ્ટ ઉપરથી નીચે પછડાતાં ઘટનાસ્થળે જ ગુજરી ગયા, પણ વાણીની લતાએ એ હાલત કરી કે, એ કદી મુંબઇ પાછી જ ન આવી શકી.

બસ. 'ગુડ્ડી' એ સમયે જોઈ પણ હોય, તો અત્યારે ય ફરીથી જોવામાં નકરો આનંદ જ આવશે.

1 comment:

prafulpopat said...

Dear Ashok Dave,

Reading your articles regularly in GS, but communicating first time.

While reading review of GUDDI, you mentioned VIMMI, and I remembered an autobiography of his son, who is not the original Rajnish Osho, but name is Rajnish and true follower of OSHO the great.

Attached,to your GS mail id, interesting Autobiography in HINDI, which I think you will find interesting, so far as VIMMI the beautiful actress of our old timers is concerned.