Search This Blog

08/06/2014

ઍનકાઉન્ટર : 08-06-2014

* 'વિષમ છે વસમી જગની વાત, ડગલાં ભરજો ધીરે ધીરે...'
- ક્યાંક મોટામાં ભરાયા લાગો છો.
(જીજ્ઞોશ ઓઝા, ભાવનગર)

* આપના મતે જીવવા માટે શું જરૂરી છે?
- આનો જવાબ આપીશ તો કાલે પાછા એવું પૂછશો, ''મરવા માટે શું જરૂરી છે?'' જે હોય એ મને નક્કી કરીને કહો.
(દિવ્યેશ પંચાલ, વડોદરા)

* મૃત્યુ અને અપમૃત્યુ વચ્ચે શો ફરક?
- જીવન ડાઉન થાય ત્યારે મૃત્યુ અપ થાય.
(નીલ શિંગાડીયા પ્રજાપતિ, દેવડા-પોરબંદર)

* તમારા મતે પૃથ્વીનો વિનાશ ક્યારે છે?
- બસ. હું જીવું છું ત્યાં સુધી તો નથી જ!
(જેવિન હિંગરાજિયા, સણોસરા-જૂનાગઢ)

* મોદી અને રાહુલ ગાંધી વચ્ચે શું તફાવત છે?
- મોદી વડાપ્રધાન છે ને રાહુલને ય હવે ખબર છે.
(રાકેશ જૈન, અમદાવાદ)

* ગુજરાતમાં એકસરખા પગાર ધોરણો વિશે આપનો શું અભિપ્રાય છે?
- કંઇ નહિ.
(ધર્મેશ વાઘેલા, અમદાવાદ)

* મારી વાઇફ મારૂં કીધું કાંઇ કરતી નથી ને મને કરવા દેતી નથી... કોઇ ઉપાય?
- બીજી વાઇફ ટ્રાય કરી જુઓ.
(જયમીન માળી, સાવલી-વડોદરા)

* આપ દર વખતે પંખો ચાલુ કરવાનું કહો છો, પણ કોઇ ચાલુ કરે છે કે પછી 'બાબાજી કા ઠૂલ્લુ...!'
- એ વગર ઉનાળો કાઢ્યો હશે?
(આકાંક્ષા તમાકુવાલા, સુરત)

* મુમતાઝ માટે તાજમહલ બનાવાયો, આપની વાઇફ માટે શું?
- એ તાજમહાલ મેં મારી વાઇફને અર્પણ કરી દીધો છે.
(સંજય દવે, શેઠવડાલા-જામજોધપુર)

* આપણા ગુજરાતમાં ગુજરાતીઓનું અસ્તિત્વ જોખમાઇ રહ્યું છે, એવું આપને નથી લાગતું?
- હવે તો આગે પીછે હમારી સરકાર છે....
(કાજલ નકૂમ, જામનગર)

* અમેરિકામાં તમને સૌથી સુંદર શું લાગ્યું?
- ડૉલર.
(પૂજા જી. પટેલ,વોશિંગ્ટન-અમેરિકા)

* અમેરિકા અને ઈન્ડિયામાંથી સાયન્સને વધુ મહત્વ ક્યાં અપાય છે?
- લૅબોરેટરીમાં.
(રિતેશ ધ્રૂવ, રાજકોટ)

* શું રાહુલ ગાંધીના ભાષણો સાંભળીને એમના બા ખીજાતા નહોતા...?
- બા પોતે ય......
(મેહૂલ ભૂપતકર, રાજકોટ)

* તમને એક ખૂન માફ હોય તો કોનું કરશો?
- હું તો આજ સુધી ઊંચા અવાજે કોઇની સામે બોલ્યો પણ નથી... જે માણસ ૩૬ વર્ષથી પરણેલો હોય, એ બિચારો.....
(રીના મેવાડા, મુંબઇ)

* ''ફટા પોસ્ટર, નીકલા મોદી...'' સુઉં કિયો છો?
- કહેવાનું બધું ''બા''એ કહી દીધું.
(શૈલેષ મોરલીધર, અમદાવાદ)

* પહેલા પોસ્ટકાર્ડ, પછી ઈ-મૅઇલ.... હવે તમારો મોબાઇલ નંબર આપો તો 'વૉટ્સઍપ'માં સવાલો પૂછી શકાય.
હું તમને મારો બૅન્ક-ઍકાઉન્ટ નંબર જ મોકલાવી દઉં છું.
(ચિંતન સુખડીયા, ચીખલી-નવસારી)

* લાઇફ....!
- બૉય.
(નૈમિષા પટેલ, પિપલોદ-સુરત)

* અત્યારે તમે અમેરિકા છો, છતાં પંખો ચાલુ કરવાનું કહો છો... શું ત્યાં એ.સી. નથી હોતા?
- અહીં પણ એ.સી. છે... 'અશોક ચંદુભાઇ.' ...અને એ 'ચાલુ' જ છે.
(આનંદ વસોયા, કેરાળી-રાજકોટ)

* તમને કોણ વધુ ગમે છે... મોદી કે રાહુલ?
- તારી ભલી થાય ચમના....!
(નિકુંજ રાયચડા, પોરબંદર)

* ચીન અને અમેરિકાની ચોખ્ખાઇ વિશે લખ્યા પછી હવે ઈન્ડિયાની ચોખ્ખાઇ વિશે ક્યારે લખો છો?
- જૂઠે સપને મત દિખાઓ, બિલ્લુ....!!
(મૌલિક ભટ્ટ, જૂનાગઢ)

* તમને ભારતમાં રહેવું વધારે ગમે કે અમેરિકામાં?
- બાજુવાળીને ત્યાં મૅકડૉનલ્ડ્સના પિત્ઝા બનતા હોય, એના લીધે આપણી દાળઢોકળી ઢોળી ન નંખાય!
(નિશા એસ. રાવલ, ઈડર)

* પ્રાઇમ મિનિસ્ટર માટે અડવાણીના સપનાનું શું થયું?
- ''સપને ભી કભી સચ હોતે હૈ, પગલે?''
(જાનકી પટેલ, અમદાવાદ)

* આપણે બન્ને બ્રાહ્મણ, આપણે બન્ને મોદી-ફૅન.... બીજું કાંઇ તમારા વિશે વધારે જાણવું હોય તો?
- મારે તો મગજ સુધી પૂરું લોહી પહોંચતું નથી...!
(અર્ચના રાવલ, અમદાવાદ)

* અમેરિકામાં વૅલકમ લિપ કિસથી થાય છે... તમને એવો કોઇ અનુભવ થયો?
- કરવો નહોતો...! આવી 'કિસો' ત્યાંના કાળીયાઓ કરી જાય છે...!!
(નિલેશ પટેલ, સુરત)

* મારા 'ઍરેન્જ્ડ મૅરેજ' 'લવ મેરેજ'માં પરિણમ્યા.... તમારે કેમનું છે?
- બન્નેનો છુટક છુટક પ્રસાદ આરોગું છું.
(વિપુલ સરવૈયા, ભાવનગર)

* છુટાછેડાના મહુરતો કેમ જોવડાવાતા નથી?
- સારા કામ માટે બધા મહુરતો સારા જ નીકળે.
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઇ)

* પ્રધાનો હંમેશા સફેદ કારમાં જ કેમ નીકળે છે?
- ક્યાં બાપના પૈસા વાપરવાના છે તે રંગ-ફંગ જોવો પડે!
(શશીકાંત મશરૂ, જામનગર)

No comments: