Search This Blog

25/06/2014

ઘર કે બુધ્ધુ ઘર કો આયે !

ઈન્ડિયા પાછા આવવા માટે ન્યુયૉર્ક-અમેરિકાના જહૉન એફ. કૅનેડી ઍરપૉર્ટથી 'ઍમિરેટ્સ'માં ઉપડયા પછી પહેલો હૉલ્ટ આપણા 'રાષ્ટ્રભાભી' સોનિયાજીના ઈટાલીના મિલાનો શહેરના ઍરપૉર્ટ પર હતો. આપણા દેશમાં સોનિયાજી હિંદી બોલી શક્તા નથી ને એમના દેશમાં કોઇ ઇંગ્લિશ બોલી શક્તું નથી. મિલાનો ઍરપૉર્ટ પર જે કાંઇ શૉપ્સ છે, ત્યાં કાંઇ પણ ખરીદવું-પૂછવું હોય તો ઘેરથી ઇટાલિયન શીખીને જવું પડે. આવડતું હોય તો ય ઈટાલિયનો ઇંગ્લિશ બોલતા નથી. હશે... ના બોલે તો એમની બહેનોના લગ્ન કરાવવા જાય... ઍરપૉર્ટ પર મારે ઑલમોસ્ટ ૪૦-૫૦ રૂપિયાનું ગંજાવર શૉપિંગ કરવું હતું.... મોંઘો ઘરાક એ લોકોએ ખોયો. મારી સાથે આપણી સત્યાગ્રહ છાવણીના અક્ષય શાહ હતા. ન્યુયોર્ક ઍરપૉર્ટ પર વૅઇટિંગ લાઉન્જમાં મારી સામે બઠા હતા. મને ઓળખી કાઢ્યો, 'તમે અશોક દવે છો ?' જગતભરનો આ એક જ સવાલ છે, જેની મેં કદી ના પાડી નથી. બસ. એ પછી ઠેઠ અમદાવાદ સુધી એમની મજાની કંપની મને મળી ગઇ. એમની શું હાલત હશે, તે પૂછવાનું રહી ગયું.

દુબાઇ ઍરપૉર્ટ પર છ કલાકનો હૉલ્ટ હતો ને આંખોમાં ચિક્કાર ઊંઘો હળવળતી હતી. ઊંઘને મારી મારીને સુમડી બનાવી દેવી પડે. કરવાનું શું બીજું ? વારાફરતી ત્યાંની એક એક શૉપમાં અમે લટાર એવા શાહી અંદાજથી મારતા કે, અમદાવાદી કપડાં પહેરીને બે આરબો સ્ટાફ સાથે આખી શૉપ ખરીદવા આવ્યા હોય, એવો અમારો પ્રભાવ હતો. વિન્ડો-શૉપિંગમાં ખરીદીનો જે આનંદ મળે છે, તે ઍકચ્યૂઅલ શૉપિંગમાં ન મળે. શિકાગોના 'લૅમ્બર્ગિની' શૉરૂમમાં એ લોકોએ મને રૉલ્સ રૉયસ, મૅઝેરાટી, મસ્ટાંગ, લૅમ્બર્ગિની કે જેગુવાર જેવી મોંઘી ગાડીઓ ખરીદવાની ઑફર કરી હતી. દોઢેક કરોડથી તો કોઈ સસ્તી નહિ. અને આમે ય, વિન્ડો-શૉપિંગમાં હું કદી સસ્તી ચીજોમાં હાથ નાંખતો નથી. મેં વાઇફ માટે એક 'લૅમ્બર્ગિની' પસંદ કરી... અને ના લીધી. મેં સાડા ત્રણ કરોડ રૂપીયા બચાવ્યા.

મારી આવી બચતો બહુ ! ન્યૂજર્સીના 'મૅસી'' શૉપિંગ મૉલના Godiva ('ગડાઇવા') સ્ટોરમાં જગતની સૌથી મોંઘી ચૉકલૅટો મળે. સમજો ને, અમદાવાદમાં જે સાઇઝની 'કૅડબરીઝ' રૂ. ૧૦૦/-ની આસપાસ મળે, એવું 'ગડાઇવા'નું નાનું પૅકેટ પણ મિનિમમ રૂ. ૪-૫ હજારથી તો શરૂ થાય. એક એક બચકું હજાર-હજારમાં પડે, 'ગડાઇવા'ના સ્ટૉરમાંથી લખોટીની સાઇઝની એક નાનકડી ચૉકલૅટ પણ નહિ લઇને મેં મારા દેશનું કિંમતી ધન વિદેશમાં ઘસડાઈ જતું બચાવ્યું, પણ દુબાઇના ઍરપૉર્ટ પર પેલી 'ડયૂટી-ફ્રી' શૉપમાંથી સોમરસની શીશીઓ ખરીદવાની લાલચો કાંઇ ઝાલી નો રિયે ! 'બ્લૅક-લૅબલ' કરતા 'ડબલ બ્લૅક'માં વ્હિસ્કી વધુ કાળી હશે, એમ સમજીને મેં ડબલનો મારો રાખ્યો. હજી સુધી જૈન-વ્હિસ્કીઓ માર્કેટમાં મળતી ન હોવાથી અક્ષય શાહે આવું એકે ય દ્રાવણ ખરીદવામાં રસ ન લીધો. કહે છે કે, જૈનો જે જે ચીજોમાં રસ લે છે, એ તમામ રસો ય કાંદા-લસણ વગરના હોય છે. બોલો !

મેં તો સાંભળ્યું હતું કે, દુબાઇની ડયૂટી-ફ્રી શૉપમાંથી ફક્ત બે જ બૉટલ લઇ જઇ શકાય છે, જેમાંની એક આપણે ઘેર જઇને પીવાની અને એક અમદાવાદ ઍરપૉર્ટના સાહેબનું મન રાખવા લેવાની. પણ અમદાવાદના ઍરપૉર્ટ પર એવું કશું જોવા ન મળ્યું. કોઇ પૅસેન્જરને કોઇ પરેશાની નહિ... કોઇને હેરાન કરીને મોંઘી ચીજો પડાવી લેવાની ખોરી દાનત કમ-સે-કમ અમદાવાદના ઇન્ટરનેશનલ પર તો જોવા ન મળી.

ઈટાલી સુધી બધું બરોબર હતું, પણ દુબાઇમાં ચારે બાજુ આપણા દેસીઓ જ દેસીઓ જોવા મળે, એમાં ખભે લુગડાંની થેલીમાં કરવત, રંધો ને લાપી, અસ્તરવાળા ય કોક બાંકડે આડા પડેલા દેખાય. આપણી ગુજરાતી ૫૦-ઉપરની દેસી સ્ત્રીઓ અમેરિકામાં આપણને શરમ નહિ, પણ હસવું આવે એવા પાટલૂન-જીન્સ અને સ્કર્ટ પહેરીને લટકમટક નીકળી હોય, તે એમ ફરવાની જાહોજલાલીનું આ દુબાઇ છેલ્લું સ્થળ. એમને પાછળથી (આપણા ભોગ લાગ્યા છે કે, 'ધારી ધારીને' જોઈએ ? ઇન્ડિયા આવીને સાલી એમની બાઓ ય આપણી ઉપર ખીજાય !) જોઇએ તો એક ધારણા નીકળી આવે કે, નારણપુરા વિસ્તારમાં કોઇ નવા બનતા ઍપાર્ટમૅન્ટની બહાર મૂકી રાખેલી રેતી આ માતા-બહેને જીન્સના પાછળના ભાગમાં ભરી રાખી હશેે. એ વિના સેલરનો આવો સમૃધ્ધ આકાર પકડાય નહિ. આવી માતા-બહેનોને અરીસા સામે એક મોટો ફાયદો કે, ચહેરો કેવો દેખાય છે, એટલી જ અરીસાને ફિકર... કમર નીચેના આકારો દેખાડે, એવા અરીસા જ ઘરમાં નહિ ઘાલવાના ! બસ, ઇન્ડિયા આવીને તો પહોળા પહોળા હાડલાઓ જ પહેરવાના છે, એટલે જેટલા જલસા કરવા હોય, એ દુબાઇ સુધીમાં કરી લેવાના... સુઉં કિયો છો ?

દુબાઇની માસીના દીકરા થતા મીડલ-ઈસ્ટના કતાર ઍરપૉર્ટ ઉપર તો કડક નિયમો આવી ગયા છે, કેવા કપડાં નહિ પહેરવા અંગેના ! પણ દુબાઈમાં ય કોઇ હિંમત ન કરે. નૉર્મલી, અમેરિકાના કોઇ પણ સ્થળે રસ્તા વચ્ચે આપણી નજર સામે બે જણા એકબીજાને ચોંટેલા હોય (બે જણા એટલે, એક પુરૂષ અને એક સ્ત્રી સમજવાના !) ને કોઇને એમની સામે જોવાની ફૂરસત, પડી કે સમય પણ ન હોય, કારણ કે એ પોતે ય ક્યાંક ચોંટેલા હોય.. ! બધા કાંઇ આપણા જેવા કરમ-બુંદિયાળો થોડા હોય.. ? (આ તો એક વાત થાય છે !) મારી ફ્લાઇટમાં એક બાજુ ધોઇળો અને બીજી બાજુ ધોઇળી હતી. ધોળીયાની તો સામું જોવાનો અહીં ટાઇમ જ કોની પાસે હતો, પણ ધોયળીની સ્કીન મુલાયમ, વાળ સિલ્કી, આંખો હૅઝલ, કપાળ ઉપર તેજ, ગુલાબી ચીઝની બબ્બે પટ્ટીઓ ચોંટાડી હોય એવા હોઠ, આંગળીઓ લાંબી, પગ ઢાંકેલા અને ઉંમર હશે કોઇ મારા જેટલી ! હું ઊંચ-નીચ કે રંગભેદમાં માનતો નથી, એટલે ધોયળીને પણ માં-બહેન નહિ સમજવાની ! હવે કોઇને પંખો ચાલુ કરવો હોય તો કરો !

પણ પાછળની સીટો ઉપર બે જણા બહુ ગાઢ રીતે ચોંટેલા હતા અને મોટે મોટેથી વાતો કરતા હતા. અમેરિકનોમાં આવા દ્રષ્યો સામાન્ય છે, એટલે આવતી-જતી ઍરહૉસ્ટેસો કે પૅસેન્જરોને આમાં કાંઇ નોંધવા જેવું ન લાગ્યું. પણ આપણાવાળી ધોયળીને ડિસ્ટર્બ થવા જેટલું ચોક્કસ લાગ્યું. અમેરિકાથી ઉપડયા પછી પહેલીવાર એણે મ્હોં ખોલ્યું (ફક્ત વાત કરવા) અને મને કહે, 'How these people behind keep on making constant noise... ! They don’t bother about others...! (પાછળ બેઠેલાઓ કેવો ઘોંઘાટ કરે જાય છે ? બીજાઓની એમને પડી જ નથી !)

હું તો આવી ફરિયાદો કરવાને બદલે, 'જુર્મ કા બદલા જુર્મ'ની થીયરીમાં માનું અને એવો જ વળતો હૂમલો કરૂં, પણ ધોયળી સમજવી જોઈએ ને ! આ તો એક વાત થાય છે ! બહુ લાંબુ ખેંચવાને બદલે મેં સ્માઇલ સાથે આપણા ગુજરાતી લહેકાવાળા ઇંગ્લિશમાં, 'યા યા....' કહી દીધું. (આ તો આપની જાણ ખાતર ઃ 'બાય વન-ગૅટ વન ફ્રી'ની શરૂઆત ગુજરાતીઓએ એક 'યા' ની સાથે બીજું 'યા' ફ્રી આપીને કરી હતી. ગુજરાતીમાં આ 'યા... યા'નો અનુવાદ થાય છે, 'યા....યા' !) પણ ધોયળી મારાવાળા 'યા...યા'નો અર્થ ના સમજી અને મેં જાણે એને ફક્ત 'યા...યા' જ કીધું હોય, એમ એ તાનમાં આવી જઇને પબ્લિક-ડીસન્સી વિશે બોલવા માંડી. અમેરિકાના કોઇ સાહિત્યકારે જાહેર-વિવેક વિશે કેવું સુંદર મજાનું પુસ્તક લખ્યું છે, એની વાતો કરવા માંડી. સાલું, એની વાતોમાંથી મારે કાંઇ કમાવાનું તો હતું નહિ, પણ આપણને એમ કે, સંબંધો રાખ્યા હોય તો પ્લૅનમાંથી નીચે ઉતરતા સુધીમાં કોઇ કામમાં આવે. મેં એને પણ માહિતી આપી કે, 'અમારા ઇન્ડિયાના મહાન સાહિત્યકાર શ્રી અશોક દવેએ પણ, 'પાછળની સીટ પર બેઠેલાઓ પાસેથી શું શીખવું જોઈએ, એના ઉપર અનેક પુસ્તકો લખ્યા છે...' તો ધોયળી તો જાણે કોઇ હાસ્યલેખકના પુસ્તકની વાતો સાંભળતી હોય, એમ હસવા માંડી. ... તારી ભલી થાય ચમની ! સાલું, મારા ઍકચ્યૂઅલ હાસ્યલેખો ઉપર કોઇ હસતું નથી અને અહીં હું એને જીવસટોસટની વાતો સમજાવી રહ્યો હતો, તો બધું હસવામાં કાઢતી હતી. એ એની જ વાતો ઉપર ઉપડી હતી, એમાં એક તબક્કો એવો આવ્યો કે, પાછળ બેઠેલા પેલા બંનેએ અકળાઈને ઊંચા થઇને અમને જરા ધીમે વાત કરવાની રીકવૅસ્ટ કરી ! અમદાવાદ આવતા સુધીમાં મારી સાથે સંબંધો સારા રાખવાનો એનો હેતુ તો પછી સમજાયો. ઑવરહૅડ લગેજ બૉક્સમાંથી એની ભારેખમ બૅગ મારે ઉતારી આપવાની હતી. 
***
'આઇ ગયા....?'

અમેરિકાથી આવ્યા પછી રોજ આ સવાલનો જવાબ આપવો પડે છે. મને આખેઆખો ફૂલપીસ જોવા છતાં બધાનો સવાલ આ જ રહે છે, 'આઇ ગયા ?'

'ના. હું હજી આખો નથી આયો. અત્યારે તો મારી બે કીડનીઓ જ આવી છે. હું હજી ન્યુયૉર્કના કૅનેડી ઍરપૉર્ટ પર ઉભો છું.' આવું મારાથી નથી કહેવાતું.


સિક્સર

- ન્યુયૉર્કમાં ભારતીય દૂતાવાસ (ઇન્ડિયન કૉન્સ્યૂલૅટ જનરલ)ની ડિનર-પાર્ટીમાં 'ડૅન' (ડૅનિયલ) નામના એક ધોળીયાએ મને પૂછ્યું, 'મિસ્ટર ડૅવ.. હાઉ ડૂ યૂ લાઇક ધીસ કન્ટ્રી ?' (તમને આ દેશ કેવો લાગે છે ?)
- મેં કહ્યું, 'તું ઇન્ડિયા આવે અને હું તને આ સવાલ પૂછું અને તું જે જવાબ આપે... એવો !'

(પાર્ટી પૂરી થઇ ત્યાં સુધી ડૅન એની ગુજરાતી પત્ની સ્વિટી ક્રિશ્ચિયનને પૂછતો રહ્યો, 'વૉટ ડીડ ડૅવ ટેલ મી ?' (આ દવે મને શું કહી ગયો ?)

No comments: