Search This Blog

18/06/2014

અમેરિકામાં સુંદરતા અનોખી છે

ડૅટ્રોઈટ બોલો કે ડીટ્રોઈટ, અર્થ ઇઝ સેઇમ. અમેરિકાનું એક માત્ર દેવાળીયું થઈ ચૂકેલું રાજ્ય ને ત્યાં હું ૧૫-દહાડા રહી આવ્યો, એટલે ખાત્રી તો થઈ ગઈ કે, આપણા પગલાં બહુ સારા નહિ. પહેલા જ નહિ, આજે પણ દુનિયાની મોટા ભાગની કાર (ગાડીઓ) અહીં બને છે. હૅનરી ફૉર્ડની અહીં જાહોજલાલી આજે ય બરકરાર છે. પેલા લિ આઈઆકોકાવાળી 'ક્રાઈસલર' ગાડીઓ પણ અહીં બને છે. શુકનપેટે આ શહેરમાંથી સારા માયલી સાયકલ ખરીદવાનો વિચાર હતો... અમદાવાદ જઈને કહી તો શકાય કે, 'ગાડી' ડૅટ્રોઈટથી લાયો છું.' (અમદાવાદની લિંગો મુજબ, અહીં કાર અને સાયકલ-બન્ને ગાડી કહેવાય છે!) પણ તો ગુરૂ... સાયકલે ય બબ્બે હજાર ડૉલરમાં મળે (આપણા સીધા એક લાખ વીસ હજાર) પછી એ ય માંડી વાળ્યું કે, આપણે તો નારણપુરા ચાર રસ્તાથી સ્ટૅડિયમ સુધી જ ચાલવાનું હોય... એવું હોય તો રીક્ષા કરી લેવી સસ્તી પડે!

અત્યંત ગરીબીમાંથી વિશ્વોત્તમ ધનિક બનેલા હૅનરી ફૉર્ડ કાર બનાવવાની દુનિયાનો બેતાજ બાદશાહ હતા, પણ મારી માફક એમના વિચારો ય આદર્શ એટલે એ પોતાની કારની ફૅક્ટરીએ સાયકલ ઉપર બેસીને જતા. કોકે પૂછ્યું, ''તમારો દીકરો તો પ્લૅન કે ગાડી સિવાય ફરતો નથી.. તમે કેમ સાયકલ પર બેસીને ફૅક્ટરીએ જાઓ છો?'' (આઈ હૉપ... કે એ ય ભાડાની નહિ હોય?) તો હેનરીએ જવાબ આપ્યો, ''એનો બાપ અબજોપતિ છે.. મારા બાપ અબજોપતિ નહોતા.''

અહીં હૅનરી ફોર્ડનું જંગી ખર્ચે બનેલું મ્યુઝીયમ છે. લોકો પર-હૅડ ૨૦-ડૉલર્સની ટિકીટ ખર્ચીને જોવા આવે છે. એમાં ફોર્ડે બનાવેલી સેંકડો વિન્ટેજ ગાડીઓ અપ-ટુ-ડૅટ કન્ડિશનમાં જોઈ. જે કારમાં અમેરિકાના પ્રેસિડૅન્ટો આઇઝનહૉવર, જ્હૉન એફ. કેનેડી કે રોનાલ્ડ રીગન બેસતા હતા, એ કારો ય નવીનક્કોર હોય, એમ સાચવી રાખવામાં આવી છે. મ્યુઝિયમ જોઈને મને ત્યાં ઊભા ઊભા સપનું આવ્યું કે, 'એક દિવસ અમદાવાદમાં આવું જ 'અશોક દવે મ્યુઝીયમ' હશે. લોકો ૨૦-ડૉલર્સ નહિ તો ૨૦-રૂપિયાની ટિકીટો લઈને જોવા આવતા હશે, મ્યુઝિયમની બહાર ગૅટ પાસે મારું ઘોડા ઉપર બેઠેલું ભલે નહિ, પણ ઘરના હિંચકે બેઠેલું એક સ્ટેચ્યૂ મૂકાશે, એની ઉપર કબુતરા ના બેસે, એ માટે બસ્સો માણસોનો સ્ટાફ રાખવામાં આવશે, 'ગુજરાત સમાચાર'માંથી કટિંગ કરેલા મારા લેખો અને લોકો વાંચ્યા પછી કટ કરી નાંખે છે, એવા મારા ૩૬-પુસ્તક જાળવી જાળવીને મૂકવામાં આવ્યા હશે. દરેક પુસ્તકની બાજુમાં ઊભા રહીને વાચકો ફોટા પડાવતા હશે... આ બધા વિચારો ચાલતા હતા, ત્યાં પાછળથી કોક ધોળીએ મને સ્માઈલ સાથે કહ્યું, ''હે ય ડૂડ... જસ્ટ મૂવ અહૅડ!' ડોબીને શી ખબર હોય કે, આગળ વધવા માટે તો આ બધા સપનાં જોતો હતો!

ડૅટ્રોઈટથી એક આંટો ટ્રેનમાં બેસીને શિકાગો મારી આવ્યો. ત્યાંની ટ્રેનો 'ઍમટ્રેક'ના નામે ઓળખાય છે. સ્પીડને બાદ કરતા પ્લેન અને ટ્રેન વચ્ચે કોઈ ફરક ન લાગે. ભૈલુ નામે ઓળખાતો જૉય ક્રિશ્ચિયન મને કહે, ''અહીં શિકાગો જેવું ડાઉનટાઉન અમેરિકામાં બીજે ક્યાંય નહિ મળે.'' અને નીકળ્યા તો વાત સાચી લાગી. લૅક મિશિગન સરોવર છે કે દરિયો, એની તો ડૂબ્યા પછી ય ખબર પડે નહિ, એટલું વિશાળ છે. ૧૯૬૮-માં હું એસ.એસ.સી. પાસ થયો, એ સમયની અમદાવાદના ખાડીયાની મારી સાધના હાઈસ્કૂલની ફ્રૅન્ડ મૈનાક પટેલ મને મૅક્સિકન પિત્ઝા ખવડાવવા લઈ ગઈ ત્યારે ખબર પડી કે, પૂરા અમેરિકામાં જે અનાજપાણી આખા દેશના નાગરિકો જમે છે, એ જ પ્રેસિડૅન્ટ બરાક ઓબામા કે બિલ ગૅટ્સ જમે છે. ખાવા-પીવામાં અહીં આખા દેશમાં જાહોજલાલી છે. અહીં જમવાનું બહુ સસ્તું છે, એવું ય નથી. પિત્ઝા કે મસાલા ઢોંસા આપણા ચલણ મુજબ ૬૦૦-૭૦૦ રૂપિયાના થાય. આખું અમેરિકા ફરો, એમાં જમવા-બમવા માટે ચીપોટલી, ડન્કિન ડૉનટ્સ, ટાકો બૅલ કે મેક્ડોનલ્ડ્સ ઠેરઠેર પડયા છે. મોટા ભાગની ડન્કિન ડૉનટ્સના માલિકો આપણા જૈનો અને પટેલો છે. આપણા લોકોને આ સસ્તું એટલા માટે લાગે છે કે, આપણા દેસીઓ કમાય છે ડોલર્સમાં એટલે એમને માટે તો આઠ ડૉલર્સનો મસાલા ઢોંસો કે પિત્ઝો આઠ રૂપિયાનો જ થયો કે નહિ? એ તો બિલ ચૂકવવાનું આપણે આવે, ત્યારે પાટલૂનમાં ક્યાંક ભીનું થયેલું લાગે!

મોજમસ્તીની વાત તો એ છે કે, મોટા ભાગના અમેરિકામાં આપણા ગરમાગરમ ઉતરતા ફાફડા-જલેબી કે ભજીયા-ફજીયા બધું મળે. ભાવ નહિ પૂછવાનો. ભાવ પૂછો તો અડધું ફાફડું ગળાના હૈડીયામાં ભરાઈ જાય! પણ અમેરિકનો પીવાના જ નહિ, ખાવાના ય ઉડાઉ. પાંચ ફૂટ દસ ઇંચ ઊંચો તો હું ય છું, પણ હું એમના ઝભલું પહેરાવેલા બાબા જેવો લાગું, એ લોકોની હાઈટ-બૉડી પ્રમાણે. હાથમાં બિયરનું કૅન કે હૅમ્બર્ગર સાથે ચાવ ચાવ કરતા અમેરિકનોને ખાતા-પીતા જોઈને હેડકીઓ આપણને ઉપડે. એમાં ય કાળીયાઓ ક્યારેક તો મનુષ્ય અવતારે ય જોવા મળે. પણ ભા'આય... ભા'ય. હૉટેલ હોય કે વનવગડો, કોઈ જગ્યાએ નામનું ય કાંઈ વેરાયેલું જોવા ન મળે. હૉટેલોમાં તો જમી લીધા પછી આપણી ટ્રે જાતે જ ગાર્બેજ-બિનમાં નાંખતા જવાનું. પાણી-ફાણી એ લોકો ન આપે. ઍન્ડ યસ... પાણીના ય પૈસા અલગ! હૉટેલમાં કામ કરતા વૅઇટરો મારા-તમારા ઘરના યુવાન દીકરા-દીકરીઓ જેવા હોય. આપણે ત્યાં વૅઇટરોને સહેજ નીચી નજરે જોવાય છે, એવું ત્યાં પૉસિબલ જ નથી કારણ કે, તમને ચીઝ ઍન્ચીલાડાસ, ચાલુપા, સ્પીનચ કેસાડિલાસ અને બીન બરિતોસ જેવા અઘરા અઘરા નામોવાળી ડિશો પિરસવા આવ્યા હોય, 'બૉય' અમેરિકાનો ભાવિ ડૉક્ટર પણ હોઈ શકે. વૅઇટર ચોખ્ખા હાથવાળો હશે કે નહિ, પૂછવા-તપાસવાની જરૂર ન પડે. આ દેશમાં ખાસ કરીને હૉટેલના ધંધામાં સ્ટાફ હાથ સાફ કરવામાં (આપણી સરકારી ઑફિસમાં 'હાથ સાફ થાય છે', એવા નહિ) વૅઇટર એક નાનકડી ભૂલ કરે તો આકરી સજા હૉટલવાળો નહિ, પોલીસવાળા આપે.

પિરસવા આવેલો છોકરો શક્ય છે, તમારા જેવા પચ્ચીને ખરીદી શકે, એવા ધનવાન બાપનો દીકરો હોય. સીસ્ટમ એવી છે કે, કૉલેજમાં ભણતા છોકરા પોતાના પૉકેટ-મની માટે ડૅડ પાસે હાથ લાંબો કરવાને બદલે હૉટેલોમાં આવું પાર્ટ-ટાઈમ કામ કરીને કમાઈ લે અને શની-રવિના વીકઍન્ડ્સમાં બધું ઊડાડી ય મૂકે.

પણ વૅઇટરની નોકરી કરતા ભણેલા-ગણેલા એ છોકરાઓની કામ કરવાની નિષ્ઠા જોઈને દંગ તો થઈ જવાય. થાક-બાક તો માય ફૂટ... પણ એંઠી ડિશો કે હૉટેલના ફ્લૉર સાફ કરવામાં શરમ-બરમ પણ માય ફૂટ... આળસ કે નાગડદાઈ ક્યાંય નહિ. આવા લોકોને ગાંધીનગરમાં તો નોકરી ય ન રખાય... આપણા હાલના કર્મચારીઓ ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે! આ તો એક વાત થાય છે.

યસ. આપણે પહેલી વાર આવા દેશમાં આવ્યા હોઈએ, એટલે કોઈની ય સાથે હાથ મિલાવતા સૂગ તો ચઢે. આખા દેશમાં, ઈવન આપણા દેસીઓ પણ ટૉઈલેટ-પેપરનો ઉપયોગ કરે છે. આમ આટલા ચોખ્ખા, પણ અમેરિકાને કુદરતે ઢગલાબંધ પાણી આપ્યું છે, છતાં ટૉઈલેટમાં તો કાગળ જ વાપરવાનો! પરિણામે, ધોયળી સુંદર ગમે તેટલી હોય... એની સાથે વધારે ઊભા રહો તો ગંધાવા તો માંડે જ. આપણે સાલો પાણીનો આગ્રહ રાખીએ, તો આપણા જ દેસીઓ આપણને ગામડીયા માને! તારી ભલી થાય ચમના... આવડો મોટો યજ્ઞ કરીને ટૉઈલેટની બહાર નીકળતા પહેલા અમે ગામડીયાઓ પણ દઝાય એટલા ગરમ પાણી અને સાબુથી હાથ ધોઈએ છીએ...!

ગરમ પાણીનું એક સુખ ખરૂં અહીં. દેશના કોઈપણ વૉશ-બેઝીન કે બાથરૂમમાં ગરમ પાણી ૨૪-કલાક આવે અને તે ય દોથાં ભરી ભરીને. કોઈનું પણ ઘર હોય કે હૉટેલ, ડાબી બાજુના નળમાં ગરમ અને જમણી બાજુમાં ઠંડું પાણી. કહે છે કે, આજ સુધીના ઈતિહાસમાં કોઈને ય ત્યાં લાઈટો ગઈ કે પાણી બંધ થઈ ગયું, એ અમેરિકામાં પૉસિબલ જ નથી. આરબો આડા ફાટે તો ય આવનારા ૪૦-વર્ષો સુધી ચાલે, એટલું તેલ અમેરિકાએ ભેગું કરી લીધું છે, એટલે પેટ્રોલ (અહીં ગેસ બોલાય છે.)ની તંગીની વાત નહિ. કુદરત પૂરી મહેરબાન છે આ દેશ ઉપર, એટલે અઢળક લાકડું, અઢળક પાણી, અઢળક જમીન, અઢળક વૈભવ અને અઢળક સુંદરતા આપી છે આ લોકોને!

અઢળક સુંદરતા એટલી હદે કે, કોઈ એક સુંદરીને જોઈ લીધા પછી મોટું મન રાખીને માફ કરી દેવાની... જવા દેવાની કારણ કે, એના કરતા વધુ સુંદર કાફલો પાછળ આવતો જ રહેવાનો! અહીં સુંદરતાના માવઠાં કે ઝાપટાં નહિ, હેલી થાય છે. કપડાંની લૅટેસ્ટ ફેશન એમને કારણે વધારે નિખરી ઊઠે છે. જોવાની ખૂબી એ છે કે, સ્ત્રી સુંદર હોય તો ય કોઈ ઍંટમાં ન રહે. બહુ સાહજીકતાથી આપણી સાથે વાતો કરે... પણ બસ, વાતો જ કરે!

એ વાત જુદી છે કે, આપણા જેવા ''એકપત્નીવ્રતધારીઓને'' જીવ બાળવો ન પડે...! (કેમ, અમે મજાકો ય ન કરીએ?)

સિક્સર

- કૂતરાની પૂંછડી વાંકી, તે વાંકી જ ! કબરમાં પગ લટકાવીને બેઠેલી કોંગ્રેસે ફરી પાછા હલાડાં શરૂ કરી દીધા. માણસે ઈતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે, માણસ ઈતિહાસ પાસેથી કાંઈ નથી શીખ્યો!

No comments: