Search This Blog

06/06/2014

'બૉય ફ્રેન્ડ' ('૬૧)

ફિલ્મ : 'બૉય ફ્રેન્ડ' ('૬૧)
નિર્માતા-દિગ્દર્શક : નરેશ સાયગલ
સંગીત : શંકર જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૩ રીલ્સ
કલાકારો : શમ્મી કપૂર, મધુબાલા, ધર્મેન્દ્ર, નિશી, ધુમાલ, અમીરબાઈ કર્ણાટકી, શિવરાજ, મારુતિ, મૂલચંદ, રાધેશ્યામ, મહેન્દ્ર, સુદેશ અને શિવરાજ.



ગીતો
૧. મુઝે અપના યાર બનાલો, મૈં હો જાઉં સંસાર કા... મુહમ્મદ રફી
૨. સલામ આપકી મીઠી નજર કો સલામ... મુહમ્મદ રફી
૩. આઈગ... આઈગ... યે ક્યા હો ગયા... આશા ભોંસલે-મુહમ્મદ રફી
૪. ધીરે ચલ ધીરે ચલ અય ભીગી હવા કે મેરે... મુહમ્મદ રફી
૫. ક્યું જી? મુઝે પેહચાના, ઓહ નહિ પેહચાના... મુહમ્મદ રફી
૬. દેખો ન જાઓ અય જાનેમન, દિલ ના દુખાઓ... સુબિર સેન
૭. દેખો ન જાઓ અય જાનેમન, દિલ ના દુખાઓ... લતા મંગેશકર
૮. મુઝે અપના યાર બનાલો, મૈં હો જાઉં (વિરહ) કા... મુહમ્મદ રફી
(ગીત નં. ૫માં આરતી મુકર્જીનો કંઠ છે, જે ફિલ્મમાં પકડાતો નથી.)

બૉય ફ્રેન્ડ શમ્મી કપૂરના લેવલનો હોય ને માશુકા મધુબાલા હોય તો, એ ફિલ્મ જોવાના તો કેવા જલસા પડી જાય! આમે ય, મધુબાલા દેખાવમાં દેવ આનંદ કે શમ્મી કપૂર સાથે વધુ સોહામણી જોડી બનાવતી હતી. એની સામે રાજેન્દ્ર કુમાર કે પ્રદીપ કુમારને મૂકો તો આઈસક્રીમના કોનમાં ખીચડી ખાતા હો એવું લાગે! જોકે, આવી બુદ્ધિ એનામાં નહોતી. એને તો ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણો કે પ્રેમનાથોની હીરોઈન બનવામાં ય કોઈ હરકત નહોતી. કેમ જાણે આપણે તો જીલ્લા તાલુકાના પ્રવાસે ગયા હોઈએ, એટલી ય એનાથી રાહો ન જોવાય!

પણ શમ્મી કપૂર એનો બૉય ફ્રેન્ડ હોય ને સાથે સાથે મુહમ્મદ રફીના પ્લે-બૅકમાં ૪-૫ ગીતો ગાવાનો હોય, તો આપણને ય કોઈ ઈર્ષા ન થાય કે, 'ઓકે... છોકરો સારું કામ કરી રહ્યો છે... કરવા દો.'

મધુબાલા-શમ્મી કપૂર ઝાઝી ફિલ્મોમાં સાથે નથી આવ્યા ને આ ફિલ્મ જેમાં આવ્યા, એ ય તદ્ન વાહિયાત ફિલ્મ હતી. એટલે બંગલાના કમ્પાઉન્ડ માટે હમૉક (બે ઝાડ વચ્ચે બાંધવાનો ને સુતા સુતા ખાવાનો હિંચકો) લેવા ગયા હોઈએ ને પગલૂછણીયું લઈને આવીએ, 

ઓકે. ધેટ્સ ફાઈન કે ફિલ્મ શમ્મી-મધુની હોય ને સંગીત શંકર-જયકિશનનું હોય. પછી તો પગલૂછણીયું ય 'મુગલ-એ-આઝમ'ની શાહી કાર્પેટ જેવું લાગે. એ આપણું મોટું મન... પણ તો ય, એ જમાનામાં ટિકીટના પૂરા રૂ. ૧.૪૦ જેટલી માતબર રકમ અપર સ્ટોલ્સની ખર્ચી હોય, એટલે ઠાકૂર તલવાર ઉપર હાથ તો મૂકવાના જ છે ને? નરેશ સાયગલ (મોટા ભાગે રમેશ સાયગલનો ભાઈ) કોઈ ટોપ કલાસ ફિલ્મો બનાવતો ય નહતો. એણે બનાવેલી ફિલ્મોમાં રાજધાની, નાઈટ-કલબ, મૈં નશે મેં હું, પ્યાર કા બંધન, બોય ફ્રેન્ડ, ડાર્ક સ્ટ્રીટ ને ઉજાલા. એ પછી તો ૧૯૮૮ સુધી આનાથી ય વધુ ઘટીયા ફિલ્મો બનાવવાનો એને સાટો ચઢ્યો ને પતી પણ ગયો. તમે આટલી સુંદર સ્ટારકાસ્ટ અને સંગીતકાર લો છો, તો છવાઈ જાઓ પ્રેક્ષકો ઉપર...!

પણ વાર્તા ય પસંદ કરતા ન આવડે, તો શમ્મી-મધુ ને શંકર જયકિશનો ય શું મદદ કરી શકવાના હતા? વાર્તા તો જુઓ : મદન (શમ્મી કપૂર) નાનપણમાં ૮ વર્ષની ઉંમરે એના માં-બાપ (અમીરબાઈ કર્ણાટકી અને શિવરાજ)થી વિખૂટો પડી જાય છે. આપણો અહીં જ પહેલો વાંધો. દરેક ફિલ્મોમાં ગરીબ હીરોઈનનો ગરીબ બાપ બનીને આખી ફિલ્મોમાં હાથ જોડે રાખતો શિવરાજ કોઈ કાળે ય કરોડપતિના રોલમાં ચાલે? (તમારે જવાબ આપવો : ના ચાલે, જવાબ પૂરો.) એને કરોડપતિ બનાવો એટલે તાજ મહલ બાપુનગર કે અસારવામાં બનાવ્યો હોય એવું લાગે. ઓકે. અમીરબાઈ કર્ણાટકી ગાયિકા તરીકે ચરણ છુવા પડે, એવી સન્માન્નીય (ફિલ્મ 'કિસ્મત' અનિલ બિશ્વાસનું કેવા સુંદર ગીતો ગાયા હતા? 'ધીરે ધીરે રે બાદલ ધીરે, મેરા બુલબુલ સો રહા હૈ, શોરોગુલ ન મચા... હોઓઓઓ' કે ફિલ્મ 'ભરથરી'નું ભિક્ષા દે દે મૈયા પિંગળા...) પણ એક એક્ટ્રેસ તરીકે અને એ ય હીરોની માં ના રોલમાં 'બેસૂરી' લાગે. ચેહરો માંનો હોવો જોઈએ એના બદલે, ચેહરો થોડો પુરુષછાપ લાગતો. એ બન્નેને બીજો ય દીકરો છે ધર્મેન્દ્ર, જે પોલીસ ઈન્સ્પેક્ટર છે. આપણે જીવીશું ત્યાં સુધી સમજ નહિ પડે કે, હિંદી ફિલ્મોમાં કેસ ઉકેલવા માટે ઈન્સ્પેક્ટરોને પોતાના હાથમાં લાકડી કેમ પછાડે રાખવી પડે છે? એનાથી શું મુઝરીમ પકડાઈ જાય? હીરોના ઘેર ડોક્ટર આવ્યો હોય, એટલે કોઈ લોજીક-ફોજીક વિના જતી વખતે હીરો બહુ દયામણા મોંઢે ડોક્ટરની પેટી પકડી જ લે છે. ખરેખર તો ડોક્ટરનું ગળું પકડવું જોઈએ કે, એના ગાડીમાં બેસતાની સાથે જ અંદર આની માં ઠૂસ્સ...!

શમ્મી ચોર છે ને ધર્મા ઈન્સ્પેક્ટર અને ફિલ્મોનો ઈન્સ્પેક્ટર તો હંમેશા પ્રામાણિક અને ડયુટી-મીન્સ-ડયૂટી વાળો જ હોય! મોટો થઈને શમ્મી કપૂર કોઈ બાબાના આશ્રમમાં કે રાજકારણમાં જોડાઈ જવાને બદલે, ખિસ્સા કાતરવાના ગૃહઉદ્યોગમાં જોડાય છે, એમાં પોતાના પિતાનો કર્જો ચૂકવવા સ્ટેજ પર ડાન્સ કરીને તનતોડ મહેનત કરીને જીવતી બે અબળાઓ મધુબાલા અને નિશીના પરિચયમાં આવે છે. બન્ને બહેનો પાસે પિતાનું કરજ ચૂકવવા રૂપિયો ય હોતો નથી, પણ બન્ને (આજના ભાવથી ગણીએ તો) મિનિમમ રૂ. પાંચ કરોડના બંગલામાં રહે છે, જેના આ ઉપર, મધુને સ્ટેજ પર કામ આપનાર શિવરાજની બૂરી નજર હોય છે. શિવુનો જ બેટો ઘરમો ઈન્સ્પેક્ટર હોવાને કારણે ફાધરની બદમાશીઓ નથી જોતો ને શમ્મીની જોયે રાખે છે, પછી બન્ને બહેનોની હટે નહીં?

શમ્મી સાથેનો આ બહેનોનો પરિચય રોટરી કે લાયન્સ કલબોમાં જોડાવાને કારણે નથી થતો... મધુબાલા જોવી અને અવસર મળે તો ઘરમાં પર્મેનેન્ટ ફિટ કરાવવા જેવી શમ્મીને લાગે છે. બન્ને શેરબજારની જેમ પ્રેમમાં પડે છે, કારણ કે બન્નેના પ્રેમોમાં 'ભાવો'ની વધઘટ થયે રાખે છે. બેમાંથી એકે ય ની પાસે બા નથી હોતી, એટલે ખીજાવાનો અવસરીયો આવતો નથી. ધરમો છાશવારે રોડાં નાંખતો ફરે છે, પણ અંતે બહું લાંબુ ખેંચ્યા વગર ફિલ્મનો દિગ્દર્શક મધુ-શમ્મીના લગ્ન કરાવી આપે છે, જેથી નિશી-ધર્મેન્દ્રનો રસ્તો ય સાફ થઈ જાય છે.

ફિલ્મ તો ૬૧માં બની હતી, એટલે તમારામાંથી જે કોઈએ એ વખતનું સીમલા કે મુંબઈ જોયું હશે, એ ખુશ થશે. હું તો હજી ય સિમલા ગયો નથી, પણ બહુ ઓછી વસ્તીવાળું આપણું મુંબઈ બહુ રૂપકડું લાગે છે. મુંબઈના આઉટડોર શોટ્સ તો બહો ઓછા લીધા છે, છતાં ય એ સમયનું ચર્ચ ગેટ, કાલા ઘોડા, મરિન લાઈન્સ કે ચોપાટી જોવા ગમે એવા છે. હવે તો બધાને યાદ હશે કે, આપણા એ જમાનામાં આઈસક્રીમ માંડ બે ચાર જાતના મળતા. કસાટા, વેનિલા ને ચોકબાર. 'ક્વોલિટી'ના આઈસક્રીમ તો કદાચ બંધ થઈ ગયા, પણ શમ્મી કપૂર સરદારજી બનીને ચોપાટી પર જે ગીત રફીના સ્વરમાં ગાય છે, તે, 'ક્યું જી? મુઝે પહેચાના...?' ગીત દરમ્યાન આઈસક્રીમના ભાવોનું પાટીયું દેખાય છે, એ દ્રષ્ય ફ્રીજ અને ઝૂમ કરીને જોયું ત્યારે ખબર પડી કે, ચોકબાર એ જમાનામાં રૂ. ૦.૩૦ પૈસામાં મળતો... આજ બાત કહાં તક પહુંચી હૈં? ફિલ્મ શમ્મીની હોય એટલે ગીતો રફીના હોય, એ નિર્વિવાદ છે. આ જ કોલમમાં આ માહિતી જ ૩-૪ વાર આપી છે, પણ રેફરન્સ સરખો ઊભો થતો હોવાથી ભલે રીપિટ થાય કે, શમ્મી, જયકિશન અને રફી દર રવિવારે ચર્ચગેટ પરની 'ગેલોર્ડ' રેસ્ટરાંમાં બેસતા. જયકિશનનાં દેહાંત પછી ઘણા મહિનાઓ સુધી એ રેસ્ટરાંવાળાએ એ ટેબલ. 'રીઝર્વ્ડ ફોર જયકિશન'ના નામે અનામત રાખ્યું હતું. જય શમ્મીને ખૂબ ચાહતો. એના ઘરે ભ'ઈ બપોરે બાર વાગે તો ઉઠે, ત્યારે પોતાની ફિલ્મમાં શંકર-જયકિશનનું સંગીત લેવા માંગતા નિર્માતાઓ ભ'ઈના ઉઠવાની રાહ જોઈને બેઠા હોય. અડધો ઊંઘતો જય બોલે. 'તમારામાંથી શમ્મી કપૂરવાળા જે હોય તે અંદર આવે.' શમ્મીનો નિર્માતો ન હોય તો બીજો નંબર રાજેન્દ્ર કુમારને લેવાવાળાઓનો હતો... બાકી બધા પરચૂરણ! શમ્મી કપૂર તો હતો બી કમાલની ચીજ ને? માથા ઉપર વાળનો અદ્ભૂત જથ્થો, એટલે જેવી હેરસ્ટાઈલ કરવી હોય તે સારી જ લાગે. એ સમયે શમ્મી એક હીરો એવો હતો, જે વાળને મસ્ત બનીને ઊડવા દેતો. બાકી દિલીપ, દેવ આનંદ, રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર... મજાલ છે પાંથીમાંથી પૂછ્યા વગર એક પણ વાળ આઘોપાછો થાય? શમ્મીના કપડાં યાદ કરો. અડધી બાંયના શર્ટમાં ય એ ખીલી ઉઠે. કોલર વગરની જરસી કે એ જમાનામાં બહુ ચાલેલું જર્કીન (જે એક બટનની આખી બાંયવાળી જર્સી હતી.) કે કોથળા જેવું એને પાટલૂન પહેરવા આપો. મેં પોલો નેક બ્લેક જરસી અને બ્લેક પેન્ટમાં, સૂતેલી મધુબાલાને મીઠડી ઊંઘ લાવી આપવા માટે એ રાત્રે ટેરેસ પર રફીના કંઠે ગાય છે, 'ધીરે ચલ, ધીરે ચલ અય ભીગી હવા કે મેરે બુલબુલ કી હૈ નીંદ જવાં...' ગીત અનેક વખત જોયું છે... પહેલી વખત મધુબાલાને બદલે બીજા કોઈને જોવા માટે! આ ગીત ઉપરથી લક્ષ્મી-પ્યારેએ ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'નું 'કાટે નહિ કટતે દિન યે રાત...' બનાવ્યું હતું. શમ્મી માટે હું એ પણ લખી ગયો છું કે, એનો નાનો ભાઈ શશી કપૂર વિવિધ ભારતીના ફૌજી ભાઈયોં કા વિશેષ જયમાલા કાર્યક્રમમાં કહી ચૂક્યો છે કે, ગીતના ફિલ્માંકન વખતે શમ્મી કેમેરાની ફ્રેમમાં રહીને પોતાના ડાન્સના સ્ટેપ્સ પોતે જ બનાવી લેતો (જેને કોરિયોગ્રાફી કહે છે.) જેટલી વાર શોટમાં કોઈનાથી પણ ભૂલ થાય, શમ્મીએ બીજી વખત સ્ટેમ્પ બદલી નાખ્યાં હોય ને નવું સ્ટેપ પહેલા કરતા ય વધુ સોહામણું હોય. ફિલ્મ 'તીસરી મંઝિલ'માં આશા પારેખ સાથે 'ઓ મેરે સોના રે સોના રે સોના રે...' ગીતમાં એના હાથમાં આશાનું તૂટેલું પર્સ હોય છે, તે મૂળ દ્રષ્યમાં શમ્મી કોક ઝાડની ડાળી પર લટકાવીને ગીત ગાય છે. શોટમાં ભૂલ થતાં શમ્મી જ દિગ્દર્શક વિજય આનંદને પૂછીને હાથમાં પર્સ રમાડતા ગીત ગાય છે. વિજય આનંદના કહેવા મુજબ, પર્સ ગીતનો જ એક ભાગ હોય, એટલું વાસ્તવિક શમ્મીના સુધારાને કારણે લાગતું હતું.

મૂલ્યાંકનમાં શમ્મી કપૂરને કદી 'એક્ટર' તરીકે બહુમાન મળ્યું નહોતું. એને ઉછલમકૂદમનો હીરો માનવામાં આવતો, પણ ફિલ્મ 'બ્રહ્મચારી'માં એને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, ત્યારે એ ભાવવિભોર થઈ ગયો હતો અને આ જ ફિલ્મ પછી હીરોગીરી છોડી દીધી હતી ને ચરીત્ર રોલ કરવા માંડયો હતો.

રવિ માટે રફી આજીવન માનિતા ગાયક રહ્યા હતા. કિશોર કુમાર ૬૯ પછી છવાઈ ગયો, ત્યારે રફીનો સાથ નિભાવનારા બે જ સંગીતકાર હતા, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રવિ.

ફિલ્મ 'આઈ મિલન કી બેલા'માં ધર્મેન્દ્ર વિલન હોય છે ને રાજેન્દ્ર કુમાર હીરો. આ ફિલ્મમાં ધરમ શમ્મી સામે વિલન છે. ધરમ મુંબઈમાં નવોસવો આવ્યો હતો અને એની જેમ મુંબઈમાં હીરો બનવા આવેલા મનોજ કુમાર સાથે આજના ભાવ પ્રમાણે ગણો તો મહિને બસ્સો રૂપિયાની લોજમાં સોલ્જરી કરીને રહેતા. બહુ દોસ્તી હતી, પણ તૂટી તો એવી તૂટી કે આજ સુધી બન્ને વચ્ચે બોલવા વ્યવહાર નથી.

મોહન ચોટી ડાન્સ ડાયરેક્ટર તરીકે અને તે પણ સાઈડ ફેસમાં દૂરથી દેખાઈને એક ડાયલોગ બોલીને જતો રહે છે. એના કરતા પેલા સિંધી ગોળમટોળ મૂલચંદનો અને નાટકના દિગ્દર્શકનો રોલ કરતા પૃથ્વી મહેન્દ્રનો રોલ મોટો છે. કોમેડિયન મારુતિ અને ફિલ્મ 'જ્હૉની મેરા નામ'માં ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો... પરદા ઉપર ગાનાર પૂજારીનું અસલી નામ રાધેશ્યામ હતું, તે આ ફિલ્મમાં મધુબાલા-નિશીના પિતાનો રોલ કરે છે. શમ્મી-મધુ અને શંકર-જયકિશન માટે જ આ ફિલ્મ જોવાય, બાકી સમય બહુ કિંમતી છે.

(સીડી સૌજન્ય : હરેશ જોશી, વડોદરા)

No comments: