Search This Blog

18/06/2014

ઍનકાઉન્ટર : 15-06-2014

* થોડા વખતે પહેલાં તમે બેન્ક લૂંટના પ્રયાસનો એક લેખ લખ્યો હતો, જેમાં બેન્કનો સ્ટાફ અને કસ્ટમર્સ જમીન પર આડા પડી જાય છે. એ વખતે કોક મહિલાએ તમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને ફોન કરવાનું કીધું હતું. શું તમે એ મહિલાનો સંપર્ક કર્યો?
- હે ભગવાન... તું નહિ તો લોકો ગમે ત્યાંથી પકડી તો પાડે જ છે...! આમાં બેન્કોનો વિકાસ ક્યાંથી થાય?
(ચંદ્રકાંત બગડીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* તમારા બા તમારી કઈ વાતે તમારા ઉપર ખીજાય છે?
- એજ કે, 'સાવ બાપ ઉપર ગયો છે...!'
(હર્મિલ ભીમાણી, સુરત)

* મનુષ્ય સંપૂર્ણ સુખી ક્યારે ગણાય?
- ઊંઘમાં.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* તમારી સલાહ જોઈએ છે. તમે લગ્ન પહેલાં વધારે સુખી હતા કે લગ્ન પછી?
- મને ખબર જ નથી તમારા લગ્ન ક્યારે થયેલા.
(રામ ઓડેદરા, પોરબંદર)

* મોદીની લહેર હતી... તમારે કોની લહેર છે?
- અહીં તો વાવાઝોડાં છે.
(રાજેશ રાજ્યગુરુ, ભાવનગર)

* બીજેપીની સરકાર વિશે શું માનો છો?
- સરકાર બીજેપીની નથી... મોદીની છે.
(ગૌરાંગ રાણા, ખંભાત)

* કહે છે, અમેરિકા જઈને લોકો બદલાય છે. તમે પણ પોસ્ટકાર્ડને બદલે ઈ-મેઈલવાળી કરીને બદલાઈ ગયા...
- અમેરિકામાં ઘણા લોકો અડધા અડધા કલાકે વાઇફો બદલે છે... હું તો એકમાં ય તૂટી ગયો છું.
(ચંદન, મયામી-અમેરિકા)

* ઉદેપુરમાં શિલ્પગ્રામ આવ્યું ક્યાં?
- ત્યાં એક શિલ્પની બાજુમાં નાનકડું ગામ છે... એ જ શિલ્પગ્રામ.
(મુકેશ પડસાળા, અમદાવાદ)

* આજકાલ ગરમાગરમ એક્ટ્રેસોને લીધે ગરમી બહુ વધી ગઈ છે... સુઉં કિયો છો?
- આપણે માથા ઉપર ભીનું પોતું મૂકીને શાંતિ રાખવી.
(વિપુલ કાકડીયા, ભાડલા-રાજકોટ)

* તમે પોતાનું અખબાર કેમ શરૂ કરતા નથી?
- બહુ બહુ તો મેં... નવા વાડજમાં 'પસ્તીનગર' શરૂ કર્યું તું...એ ય બંધ પડવા ઉપર છે.
(જયમીન ઠક્કર, અમદાવાદ)

* કોઈ પણ હાસ્યલેખક બીજા બધા લેખો લખી શકે... પણ આ સવાલ-જવાબના ફોર્મેટમાં અશોક દવેની સરખામણીએ એક પણ ચાલે નહીં, એવેેું અમારા બાપુજી કહે છે... આપ સુઉં કિયો છો?
- એવું નથી. બીજાઓ આમાં પડયા નથી... બાકી બધા મારા ય...
(મધુમતિ કા. શાહ, અમદાવાદ)

* તમને સની લિયોનમાં કઈ કવોલિટી દેખાય છે.
- હું એની ક્વોલિટી જોવામાં ટાઈમ બગાડું એવો નથી.
(રાહુલ જૈન, મુંબઈ)

* આપના મતે આગળ વધવા માટે કેવા લોકોનું માર્ગદર્શન લેવું જોઈએ?
- ટ્રાફિક પોલીસનું.
(ઉમંગ દૈયા, ડીસા)

* કુંવારા વધુ સુખી હોય છે કે પરણેલા?
- આ સવાલ મને ૩૬ વર્ષ પહેલાં પૂછવાનો હતો.
(રવિ સોનૈયા, જામખંભાળીયા)

* તમારા મતે સફળ થવા શું કરવું જોઈએ?
- રોજ સવારે દંતમંજન.
(કુલદીપ ભટ્ટ, કોટડા સાંગાણી)

* હું વર્ષોથી જોઈ રહી છું. એકના એક અનેક સવાલો આપને પૂછાય છે, જે બોરિંગ પણ લાગે છે... પણ એક આપ છો કે, એક જ સવાલના દર વખતે જુદા અને હાસ્યસભર જવાબો આપી શકો છો. કોઈ રહસ્ય?
- પેલી રોજ સાંજ પૂછે છે, 'કેમ મોડું થયું?' દર વખતે મારે નવો જવાબ આપવાનો હોય છે... બસ, પ્રેક્ટિસ!
(પન્ના ભૂ. શાહ, અમદાવાદ)

* સોનિયા કે મનમોહન... જેવા કોંગ્રેસી નેતાઓ વાંચીને ભાષણ કેમ કરતા હોય છે?
- એક્ચ્યુઅલી... એ લોકો ઊંઘમાં બોલતા હતા! ઊંઘમાં ય વાંચેલું બબડવું પડે, એવા દિવસો હતા ભાઈ... એવી રાતો હતી...!
(રૂપેશ પટેલ, કોલક-વલસાડ)

* અમેરિકામાં 'ડિમ્પલો' આપણા દેશ જેવી જ છે કે આપણા કરતાં ય સારી?
- ગો ઈસ્ટ ઓર વેસ્ટ, ઈન્ડિયા ઈઝ ધ બેસ્ટ.
(ડો. વૈભવ રાવલ, થરાદ)

* આજ સુધીમાં કયા સવાલનો જવાબ આપવા તમારે બહુ વિચારવું પડયું હતું?
- કયો બેવકૂફ વિચારીને જવાબ આપે છે!
(જીજ્ઞોશ ગાંધી, દહીંસર)

* અરવિંદ કેજરીવાલ કેટલી હદે યોગ્ય છે?
- મીડિયાની બેવકૂફીને કારણે એ કામચલાઉ હીરો બન્યો. અને મીડિયાએ જ એને ધોઈ નાંખ્યો. એ જમીનનો માણસ હતો... આસમાનનો નહિ!
(લીના શાહ, ભાવનગર)

* અશોકભાઈ, તમારી ઉંમર કેટલી?
- બસ... માંડ કોઈ ૪૦ કાઢવાના બાકી રહ્યા!
(લિયાકત મલેક, સુરત)

* મારે દુનિયાની કોઈ શાંત જગ્યાએ રહેવા જવું છે, પણ પૈસા નથી. શું કરવું?
- દિવસનો મોટો ભાગ ઘરના સ્વચ્છ ટોઈલેટમાં પસાર કરો. જ્ઞાાનીઓ એને 'શાંતિઘાટ' પણ કહે છે.
(ગૌતમ રાઠોડ, સુરેન્દ્રનગર)

* અભિનયના મહારથી પરેશ રાવળે રાજકારણમાં પડીને શું મૂર્ખામી નથી કરી?
- આપણે કરી છે કે નહીં, એ આવનારા પાંચ વર્ષ બતાવશે.
(ધીમંત ભાવસાર, બડોલી, સાબરકાંઠા)

* આ ઉંમરે દિગ્વિજયસિંઘે ગર્લફ્રેન્ડ રાખી, એ શું બતાવે છે?
- એ જ કે... લડકે મેં અભી દમ હૈ!
(પ્રવિણ ધોકીયા, રાજકોટ)

* દવે સાહેબ, મલેશિયન વિમાન શોધવામાં આપનું કોઈ યોગદાન?
- અહીં અમેરિકામોછેલ્લા ચાર દિવસથી મારું પાટલૂન મળતું નથી, એ શોધી લઉં પછી મારી સેવાઓ લઈ શકો છો.
(કિશન ઠાકર, રાજકોટ)

No comments: