Search This Blog

22/06/2014

ઍનકાઉન્ટર : 22-06-2014

* સાંભળ્યું છે કે, આવતી આઈપીઍલમાં તમે અને ડિમ્પલ સાથે મળીને ફ્રૅન્ચાઇઝી લેવાના છો ?
- વેપારમાં પ્યાર નહિ... ! હાલમાં પ્રીતિ ઝીંટા નવરી પડી છે. એની ઑફર આવશે તો વિચારીશું.
(અભિષેક ઓઝા, ભાવનગર)

* ભવિષ્યમાં સની લિયોનનું સ્મારક બને તો ગાઇડ મુલાકાતીઓને શું સમજાવે?
- સમજાવવા પડે એટલે દૂર મુલાકાતીઓ ઊભા ન હોય !
(મધુકર માંકડ, જામનગર)

* સિંહોના ટોળા ન હોય, છતાં આજકાલ સિંહો ટોળામાં કેમ જોવા મળે છે ?
- ખોટા આક્ષેપો ન કરો. કયે દહાડે મને બીજા લેખકો સાથે જોયો ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* અશોકજી, પોસ્ટકાર્ડની કદર કરનારા તમે એકલા હતા.. એ પણ બંધ ?
- ટપાલીઓનું યુનિયન મને ફૂલની માળા પહેરાવવા આવ્યું હતું.
(નૂતન ભટ્ટ, સુરત)

* 'હું તો ખોબો માંગુ ને દઇ દે દરિયો..' ઓલી ખોબો જ માંગે છે, તો દોઢું સું કામ થાવું જોય ?
- કાલ ઉઠીને ઇ ખોબે ખોબે પ્રવાસે નીકળી નો પડે, ઇ હાટું !
(સુશાંત બારડ, રાજકોટ)

* તમે હજી ડૅટ્રોઇટમાં હો, તો હું તમને 'ડ્રિન્ક્સ' માટે ઈન્વાઈટ કરવા માંગું છું.
- ઈન્વાઈટ જ કરવાના હો, તો મારા ઇન્ડિયા ગયા પછી કરજો ને.. 'ડ્રિન્કસ' માટે તો હું ડૅટ્રોઇટ જ નહિ, મારા ઘરની નીચે ય આવવા તૈયાર છું.
(કે. બી., ડૅટ્રોઈટ-અમેરિકા)

* તમારી હાજરી હોય ત્યાં પંખો બંધ જ કેમ હોય છે ?
- આપણને જરી એ.સી.ની ફાવટ વધુ ...!
(રજનીકાંત જી. ઘૂંટલા, મુંબઈ)

* 'ઍનકાઉન્ટર'નો મતલબ તમારી દ્રષ્ટિએ શું છે ?
- એજ કે, હું બહુ દીર્ઘદ્રષ્ટિવાળો માણસ છું.
(ઊર્મી જોશી, વિથોન-નખત્રાણા)

* 'બુધવારની બપોરે'ની જેમ 'સોમવારની સવારે' ચાલુ કરો તો ?
- અમારા આગામી આકર્ષણો જોતા રહો, 'મંગળવારની મધરાતે....'
(ભાવેશ પરમાર, મુંબઈ)

* એક રૂપિયાના ૬૦-ડૉલર... આવું ક્યારે થશે ? ને થાય તો આખું ભારત પંખાને બદલે એ.સી. વાપરતું થઇ જાય... જો કે, મને તો આપણો 'પંખો' જ વધારે ગમે છે...
- બસ... પ્રોમિસ આપ્યા મુજબ, મોદી અમેરિકનોને ઇન્ડિયાનો વિસા લેવા લાઇનમાં ઊભા રાખે ત્યારથી !
(રૂચિ ભદે, મેરિએટા-જ્યૉર્જીયા, અમેરિકા)

* માં-બાપ બાળકોને નાનપણથી જ પૉલિટિક્સથી દૂર કેમ રાખે છે ?
- એ તો જે મમ્મી-પાપાઓ છોકરાઓને ડોબા રાખવા માંગતા હોય, એ આવું કરે !
(શ્વેતા જોશી, વડોદરા)

* અમેરિકન મકાઇ અને અમેરિકન માણસ વચ્ચે શું ફેર ?
- માણસના છોતરાં ઉખાડી ઉખાડીને દાણેદાણો ખવાય.. મકાઇ નહિ !
(કમલેશ ધોળકીયા, વડોદરા)

* કયા રાજકારણીને ભ્રષ્ટાચારથી પર ગણી શકાય એમ છે ?
- જેની ઉપર આક્ષેપો થયા હોય એ.
(રાજેશ પંચાલ, અમદાવાદ)

* સાચો ગુજરાતી કોને કહેવાય ?
- જે મારવાડીની દુકાનમાંથી ખરીદેલો માલ મહિનો વાપરીને પાછો આપી આવે!
(દીના અશોક મકવાણા, રાજકોટ)

* સાચો 'ઇન્ડિયન' કયાં શોધવો ?
- ગૂગલમાં.
(રિયાઝ જમાની, અમદાવાદ)

* તમારા મતે નરેન્દ્ર મોદી અને ઓબામા વચ્ચે શો તફાવત ?
- 'ઓબામા કે પાસ માં નહિ હૈ.. સિર્ફ વાઇફ હી હૈ !'
(યશ ઉલ્કેશભાઈ મોદી, અમદાવાદ)

* હું 'ઍનકાઉન્ટર'નો એવો વાચક છું, જેનો જવાબ આપ આપી શકતા નથી...
- લાઇનમાં આય, ભ'ઈ !
(હાર્દ કબીર, ગાંધીનગર)

* તમે આપેલા જવાબથી તમને હસવું આવે ખરૂં !
- હહહહહ હાહાહાહા !
(વિજય ધરાજીયા, સુરેન્દ્રનગર)

* શું આપના મતે હવે વૉટિંગ પણ ઈ-મૅઈલથી કરવું જોઇએ ખરૂં ?
- મૅરેજ પણ !
(ઉમંગ બી. દૈયા, ડીસા)

* અમિતાભ બચ્ચન અને સુનિલ ગાવસકર પણ 'કપિલની કૉમેડી નાઇટસ'માં આવી ગયા. તમે ક્યારે ?
- જુઓ. આજના એક જ હપ્તામાં આપણે એ ત્રણે ય ને 'ઍનકાઉન્ટર'માં બોલાવી લીધા ને ? જેવો જેનો વિવેક-વિનય !
(નિહાર કક્કડ, રાજકોટ)

* મારી ફિયાન્સી મને કાયમ પૂછે છે, 'પ્રેમ અને વહેમ' વચ્ચે શું તફાવત ? મારે શું જવાબ આપવો ?
- બસ... એ આ સવાલ મને પૂછે તો જવાબ તમને મળી જશે !
(મિત દરજી, અમદાવાદ)

* 'અફૅયર' અને 'લવ' વચ્ચે શું ફરક હોય છે ?
- 'અફૅયર'માં ઘર-ઘર ના રમાય.
(જીનાલી સોજીત્રા, સુરત)

* હું ઘણા વખતથી 'ઍનકાઉન્ટર' વાંચું છું, પણ કદી સવાલ પૂછી શક્યો નથી. શું હવે પૂછી શકું ?
- પહેલા તમારી બા ને પૂછી જુઓ... એ ખીજાય નહિ તો મને પૂછો.
(આનંદ રાવળ, ગીલોસણ-મેહસાણા)

* આજકાલ મોટા ભાગના કૉલમિસ્ટો કિલષ્ટ ભાષા વાપરે છે. તમે સરળ ભાષા વાપરો છો. કોઇ મજબુરી છે ?
- આ 'કિલષ્ટ' એટલે શું ?
(કનુ જાની, અમદાવાદ)

* મૅરેજ કરવા માટે છોકરીની કઇ લાયકાત જોવાય ?
- એ જ કે, એ છોકરી છે કે નહિ !
(ભાવેશ કે. પટેલ, વડોદરા)

* 'કૉમેડી વિથ કપિલ'માં શું જરૂરી છે કે, પુરૂષોએ સ્ત્રીના કપડામાં જ આવવું પડે ?
- ઘણી વાર બહાર-બહારથી ખબર નથી ય પડતી !
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

No comments: