Search This Blog

08/02/2017

પધારો મ્હારે દેસ રે... (હોસ્પિટલમાં)

હૉસ્પિટલમાં ત્રણ કારણે જવાનું થાય છે. એક તો આપણે પોતે દાખલ થવાનું હોય. બીજું ઘરમાં કે સગાસંબંધીમાંથી કોઇને દાખલ કર્યા હોય ને ત્રીજું, કોઈ મૅડિકલ તપાસ કરાવવા આપણે જવાનું હોય. આજ સુધી જગતનો એકેય મુલાકાતી એવો નથી પાક્યો કે, ''આ તો જસ્ટ... આ બાજુથી નીકળ્યા'તા, તે મેં 'કુ... હાલો, એક આંટો મારતા જાંઇ...'' એવા ભાવથી અંદર જઇ આવે. અંદર ગયા પછી પણ પૅઇન્ટિંગ્સના ઍક્ઝિબિશનમાં લટાર મારવા નીકળ્યા હો એમાં કમરની પાછળ બન્ને હાથોની આંટી ભરાવીને હળવે હળવે એક એક ચિત્ર પાસેથી પસાર થતા હો, એવું અહીં દરેક દર્દીને ખાટલેથી પસાર થતા ઈમ્પ્રેસ થવાતું નથી.

અહીં તો જરા દુ:ખી થવાનું હોય છે. પૅઇન્ટિંગ્સના પ્રદર્શનમાં મુલાકાતી તરીકે તમને એ પ્રદર્શન કેવું લાગ્યું, એની નોંધ વિઝિટર્સ-બૂકમાં લખવાની હોય એમ અહીં, 'ઓહ વાઉ... આઠ નંબરના પલંગ પર સુવડાવેલા દર્દીને જોઇને ખૂબ ઇમ્પ્રેસ થઇ જવાયું... બન્ને પગ ઉંચા અને ઊંધા લટકાવ્યા હોવા છતાં એના ચેહરા ઉપર કાંઈક ઉપાડવાનો લેશમાત્ર ભાર કે વેદના નહોતી. ઈશ્વર કરે, દરેક હૉસ્પિટલના ખાટલે-ખાટલે આવા દર્દીઓ હોય !'

દુનિયાની આ એક જ જગ્યા એવી છે, જ્યાં આવનાર મેહમાનોનું કોઈ સ્વાગત થતું નથી. આપણે સારા ઘરના હોવા છતાં, નર્સો પૂજાની થાળી લઇને હૉસ્પિટલના દરવાજે આપણને આવકારવા મીઠા મોંઢે ઊભીઓ હોતી નથી. અમારા કાઠીયાવાડમાં તો હરખો આવકાર નો દિયો, તો બીજી વાર કોઈ તમારી હૉસ્પિટલમાં આવે ય નંઇ ! એના સગાઓની સાથે દર્દીને એક કપ ચામાં ચાર ચમચી ખાંડવાળી ચા ધરો, ત્યારે એમનું માન સચવાય. ત્યાંના ડૉક્ટરો કે નર્સો આપણને જોઇને, ''ઓહોહો... તમે અહીં ક્યાંથી ? આવો, આવો આવો...'' એમ ત્રણ વાર બોલતા નથી. ઑન ધ કોન્ટ્રારી, આવ્યા છો તો હવે મરવાના થયા છો, એવા હાવભાવ એ લોકોના મોંઢા ઉપર જોવા મળે છે. અલબત્ત, કેટલીકવાર તો મહીં ગયા પછી જીવતા ય બહાર અવાય છે.

બીજી બાજુ, આવકાર-આવકારોમાં ય ફેર હોય છે.કોઈ ફાઇવ-સ્ટાર હૉટેલના ઇવન ગૅટ ઉપર તો ઊભા રહી જુઓ... ગૅટ પર ઊભેલો સીક્યોરિટીવાળો સલામ મારીને હસતે મોંઢે આવકાર આપશે. આપણે માની બેસીએ કે, સગાઈ પછી પહેલીવાર આપણા સાસરે આવ્યા છીએ. આખી ફાઈવ-સ્ટાર હૉટેલ આપણા પૂજ્ય પિતાશ્રીના નામે બનાવી હોય એવા માનપાન મળે. જો કે અંદર ગયા પછી, જે કાંઈ બિલ ચૂકવવાનું આવે, ત્યારે ખબર પડે કે પિતાશ્રી આટલા વહેલા કેમ ગૂજરી ગયેલા ?

સ્ત્રીઓના વસ્ત્રો વેચતી શૉપ્સવાળા તો તમને રસ્તાની સામે પાર જુએ, તો ય આવકાર, લાગણી અને લાલચથી અડધા અડધા થઇ જાય. જતાની સાથે (તમે માલ લો કે ન લો) તમારા માટે કૉલ્ડ-ડ્રિન્ક્સ તો પહેલું આવી જાય ! (આ નવાઇની વાત છે. આખા રાજકોટ-જામનગરમાં કૉલ્ડ-ડ્રિન્ક્સ વેચતી બધી દુકાન કે લારીએ 'કોલડ્રિન્ક્સ' લખ્યું હોય, 'કોલ્ડ-ડ્રિન્ક્સ' નહિ !... તારી ભલી થાય ચમના... એ બાજુ 'કોલ-ગર્લ્સ'ને 'કોલ્ડ-ગર્લ્સ' કહે છે!) છ-સાત સ્ત્રીઓ સાથે ગઇ હોય એટલે ભોળીઓ હિસાબ લગાવે કે, આપણી સાત જણીઓ માટે આખા આખા ગ્લાસ માઝા કે સ્પ્રાઇટ મંગાવ્યું... હવે તો ડ્રેસ અહીંથી જ લેવાના... ના લઈએ તો એવું ખરાબ લાગે કે, 'અમારી માઝા પી ગયા ને ચોળી તો ઠીક... એક ચણીયો ય ના લીધો !' બિચારીઓને એ ગણત્રી ન હોય કે, બધો ભાર કન્યાના બાપને એટલે કે તમારા માથે જ હોય !

આજકાલ તો કોઇની ખબર કાઢવા ય જવા જેવું નથી. હૉસ્પિટલ હોય આટલી મોટી, પણ પાર્કિંગ તો આપણા ઘેર કરતા આવવું પડે. અને જો ત્યાં પાર્કિંગ હોય તો પણ આપણી ગાડી નડિયાદ પાર્ક કરવાની હોય ને હૉસ્પિટલ ભૂજમાં હોય, એટલો ચલાવી-ચલાવીને આપણો દમ કાઢી નાંખે. ખુદ હૉસ્પિટલમાં ય એક વોર્ડમાંથી બીજામાં જવા માટે એ લોકો રીક્ષાની ફૅસિલિટી નથી આપતા. ખરેખર તો વૉર્ડબોય સ્ટ્રેચર ખાલી લઇને જતો હોય તો એ વિઝિટર્સને ભાડે આપી દેવું જોઇએ. આપણે એની ઉપર લાંબા થઇને સુઇ જવાનું ને આપણો વોર્ડ આવે ત્યારે મીટર મુજબ, સ્ટ્રેચરનું ભાડું ચૂકવી દેવાનું !

હોસ્પિટલમાં આવો, એટલે ખર્ચો તો છે જ. વ્યવહાર સાચવવા પૂરતો ય, હૉસ્પિટલવાળા આપણને આવવા-જવાનું ઓલા કે ઉબેર-ભાડું આપતા નથી. વાત સંસ્કારોની તો કરશો જ નહિ... આટલે દૂરથી આટલો ટ્રાફિક વીંધતા વીંધતા આપણે હોસ્પિટલે પહોંચ્યા હોઇએ છતાં, ત્યાં ચા કે નાસ્તા-પાણીનો ય આપણો કોઈ ભાવ પૂછતું નથી. ભારતીય સંસ્કૃતિ મેહમાનોના આવકાર માટે પ્રસિધ્ધ છે, પણ એ વાત અહીં લાગુ પડતી નથી. હજી તો તમે પહોંચ્યા હો અને રીસેપ્શન-કાઉન્ટર પર પર્મેનૅન્ટ મોંઢા ચઢાવીને બેઠેલી કાળીભઠ્ઠ નર્સને સંપૂર્ણ વિવેક-વિનયથી પૂછો, 'બેન (આવીઓને તો પહેલેથી 'બેન' જ કહી દેવી સારી !)'... મંગળાફોઇને કયા રૂમમાં દાખલ કર્યા છે ?

કબુલ કે આપણી ફોઈ એની ય ફોઈ ભલે ન થતી હોય, છતાં કાળુડીએ સ્માઇલ સાથે જવાબ તો આપવો જોઇએ ને ? એને બદલે, આપણે એની પાછળ ચીટીયો ભર્યો હોય એવી તોછડાઈથી જવાબ આપશે, 'ક્યાઆઆ રે...? યાં કોઈ મંગલા-ફંગલા ફોઇ નંઇ હે... રૂમ નંબર બતાઓ.'

વૅકેશનમાં લોકો હિલ-સ્ટેશન્સ જાય છે ને કેટલાક હૉસ્પિટલમાં દાખલ થાય છે ને વૅકેશન ઊભું કરે છે. હિલ-સ્ટેશનમાં વાઈફ સાથે જવાનું હોય છે, જ્યારે હોસ્પિટલમાં ઘણું સમજાવીએ તો ય એ સાથે દાખલ થતી નથી. ભ', સુખમાં સહુ સાથ આપે...! આ તો એક વાત થાય છે !!

પ્રાઈવેટ હોસ્પિટલોમાં વિઝિટર્સ માટે વૅઇટિંગ-રૂમમાં જુદા જુદા મૅગેઝિનો રાખ્યા હોય છે, પણ જનરલ હોસ્પિટલોમાં તો બિલ સિવાય બીજું કાંઈ વાંચવાનું મળતું નથી. એ વાત જુદી છે કે, પ્રાયવેટ ડૉક્ટરોના કન્સલ્ટિંગ-રૂમ્સમાં પડેલા મૅગેઝિનોની જન્મ તારીખ સાથે આજની તારીખ મળતી નથી. એ તો સદીઓ પુરાણા પણ હોય ! હું પોતે એક વાર ચમકેલો. નીચે પડેલું મૅગેઝિન ઉઠાવ્યું તો મુખપૃષ્ઠ ઉપર જ માઠા સમાચાર, 'ભારતના વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા.' આપણે તો ચોંકી જઇએ ને કે, એકના એક વડાપ્રધાનની બબ્બે વાર હત્યા કેવી રીતે થાય ? ખિસ્સું કાપતા પકડાયેલા કાતરૂને લોકોએ પકડીને ધોઈ નાંખ્યો હોય, એવી હાલતમાં મૅગેઝિનો ડોક્ટરોને ત્યાં પડેલા હોય !

હૉસ્પિટલોમાં સૌથી વધુ કોમેડી આઈસીયૂ-માં થતી હોય છે. બહાર ઊભેલાઓના મોંઢા જોવા જેવા હોય છે, કેમ જાણે અંદર સૂતેલો પતી ગયો હોય, એવા હાવભાવ સાથે બહાર દર્દીઓ અદબ વાળીને ઊભા હોય. બોલવાનું પણ ધીમા છપછપ અવાજે, ''... અંદર કોઈને જવા દેતા નથી... એક એક જઇ આવવાનું ને એક મિનિટમાં પાછા આવી જવાનું !''

એક મિનિટમાં પાછા આવી જવામાં ય આપણા લોકોના મોંઢા ચડે. બાજુના પલંગમાં એને હુવડાવી દીધો હોય તો મોંઢા ન ચઢે ! આમે ય, 'ઇન્ટેન્સિવ કૅર યુનિટ' બધી રીતે મોંઘુ પડતું હોય છે. રિબાયેલા સગાઓ એને 'ઍક્સપૅન્સિવ કૅર યુનિટ' પણ કહે છે. આ યુનિટની બહાર ખબર કાઢવા આવનારા બધાને ખબર કાઢતા આવડે, એ જરૂરી નથી. મોટા ભાગનાનો સવાલ કોમન હોય છે, 'ક્યારે કાઢવાના છે ?' એમનો મતલબ, આઈસી-યૂમાંથી ક્યારે કાઢવાના છે, એવો હોય, પણ... આવો સવાલ સાંભળીને અંદર સૂતેલાનો બાપ તો બહાર જ ડચકું ખાઈ લે કે નહિ ?

હોસ્પિટલ એક જ એવી જગ્યા છે, જ્યાં 'પોઝિટીવ'નો અર્થ 'ખરાબ' થાય છે ! 'તમારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે...' એ સમાચાર પોઝિટીવ ન કહેવાય !

સિક્સર
- '
યારા, તુઝમેં રબ દિખતા હૈ, મૈં ક્યા કરૂં ?'
-
તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી... મારો મોબાઈલ મળતો નથી... રબની આજુબાજુમાં ક્યાંક મારો મોબાઈલ દેખાય તો જણાવજે.

No comments: